Roda temple : હિંમતનગર પાસે વગડામાં આવેલું 1200 વર્ષ પ્રાચીન દેશનું એકમાત્ર પક્ષી મંદિર

Roda Temples

ભારતીય પરંપરામાં તો પશુ-પક્ષીઓને પૂજવાની પ્રથા છે જ. પરંતુ માત્ર પક્ષી માટે જ મંદિર હોય એવુ દેશનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં છે. ત્યાં શિવ મંદિર અને કૂંડ પણ છે

હિંમતનગર પાસે રોડા-રાયસિંગપુરા નામના ગામો છે. એ ગામ પાસે ખેતરો વચ્ચે ખાલી જગ્યામાં ચાર પુરાતત્વીય સાઈટ્સ આવેલી છે. ચારેય સાઈટ્સમાં મળીને સાત મંદિર આવેલા છે. એક ખાસ્સો ઉંડો કૂંડ પણ છે, જેમાં પગથિયાં ઉતરીને તળિયા સુધી જઈ શકાય છે. આ અવશેષો અંદાજે અગિયારસો-બારસો વર્ષ પ્રાચીન છે. એટલે ઈન્ડિયાના જોન્સની ભૂમિ પર આવ્યા હોય એવું તેનું ચિત્ર છે.

ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ (ભાગ-3)માં નોંધ્યા મુજબ આ મંદિરો અંગે કોઈ શિલાલેખો મળ્યા નથી. એટલે તેનો ચોક્કસ સમયગાળો નક્કી થઈ શકતો નથી. પરંતુ બાંધકામની શૈલીના આધારે કહી શકાય કે એ મંદિરો આઠમી-નવમી સદીમાં (અગિયારસો-બારસો વર્ષ પહેલા) બનેલા છે. આ મંદિરો વિશે ઊંડુ સંશોધન કરનારા પુરાતત્વશાસ્ત્રી અને મહાવિદ્વાન મધુસૂદન ઢાંકીએ કહ્યુ હતુ કે સોલંકી કાળના મંદિરોના આ દાદા જેવા આ મંદિરો છે.

સાઈટ-1 : શિવ મંદિર અને લાડચી કૂંડ

આ સ્થળ મુખ્ય સાઈટ છે. ત્યાં બે આખા કહી શકાય એવા મંદિરો છે. એ ઉપરાંત વચ્ચે એક તૂટેલુ નાનુ મંદિર છે, જેનો માંડ દસેક ટકા ભાગ જ બચેલો છે. ત્રણેય મંદિરની સામે 50-60 ફીટ ઊંડો કૂંડ છે. એ કૂંડ લાડચી માતાના કૂંડ તરીકે ઓળખાય છે. કૂંડમાં ત્રણ દિશાએથી ઉતરી શકાય એવા રસપ્રદ પગથિયા છે. રાજસ્થાનમાં જયપુર પાસે ચાંદ બાઓલી નામની સૌથી ઊંડી વાવ-કૂંડ છે. તેનું આ નાનું સ્વરૃપ છે. કૂંડમાં થોડે ઉતર્યા પછી ચારેય ખૂણે ચાર નાના-નાના મંદિરો પણ છે. કૂંડની બહાર આવેલા અહીંના ત્રણ મંદિર પૈકી એકમાં શિવલિંગ છે અને તેની પૂજા થાય છે. બીજું મંદિર ખાલી છે. ખાલી મંદિર વિષ્ણુમંદિર હોવાનું મનાય છે. વચ્ચે આવેલું એક મંદિર સાવ ભગ્ન છે. તેનો જગતી કહેવાતો ભાગ જ બચેલો છે.

સાઈટ-2 : પક્ષી મંદિર

આ સ્થળે બે મંદિર છે. આખુ સ્થળ પુરાતત્વ ખાતાએ ફેન્સિંગ કરેલું છે. બે મંદિરમાંથી એક મોટું છે, બાજુમાં નાનકડું મંદિર છે. નાના મંદિરમાં અંદર સામેની દીવાલ પર પક્ષીના શિલ્પો કરેલા છે. તેના કારણે આ મંદિર પક્ષી મંદિર તરીકે ખ્યાતિ પામ્યુ છે.

સાઈટ-3 અને 4 : નવગ્રહ અને શિવ મંદિર

આ બે સ્થળો મુખ્ય સાઈટથી પાછળ અડધો કિલોમીટર અંદર ખેતરો વચ્ચે નદીની ભેખડ પર આવેલા છે. બન્ને સ્થળો એકબીજાથી અલગ છે, પણ છતાંય સાથે કહી શકાય એટલા જ અંતરે છે.

નવગ્રહ મંદિર નામ સાંભળીને આપણી આંખો ચમકે કે પછી મગજમાં બત્તી થાય જ. કેમ કે આવુ મંદિર હોવાની વાત જ જરા નવાઈભરી છે. પણ નવગ્રહ મંદિરમાં નવ તો ઠીક એકેય ગ્રહ જોવા મળે એમ નથી. આ મંદિર સારી હાલતમાં છે. તેના દરવાજા પર નવ શિલ્પો પાસ-પાસે ગોઠવાયેલા છે. એ જ હકીકતે નવગ્રહ છે.

ભારતીય પરંપરામાં તો પશુ-પક્ષીઓને પૂજવાની પ્રથા છે જ. પરંતુ માત્ર પક્ષી માટે જ મંદિર હોય એવુ દેશનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં છે. ત્યાં શિવ મંદિર અને કૂંડ પણ છે

શિવ મંદિર બધા સ્થળોમાં સૌથી વધારે જર્જરીત છે. એટલુ બધું કે કેટલાક કદાવર પથ્થર ગમે ત્યારે લસરી પડે એમ છે. એટલે એ મંદિરમાં અંદર જવામાં જોખમ છે. જોકે કોઈ સળી ન કરે તો પથ્થર પડે એમ નથી, કેમ કે સદીઓથી અણનમ છે જ.

ચારેય સ્થળે થોડુ-ઘણુ સમારકામ ચાલે છે. એટલે અહીં ઠેર ઠેર પુરાતન પથ્થરો-અવશેષો પણ વિખરાયેલા પડ્યા છે. એ પથ્થરોમાં પણ શિલ્પકામ જોવા જેવુ છે. રિસ્ટોરેશન જૂના પથ્થરો વડે જ થઈ રહ્યું છે, જેથી મંદિરોનો દેખાવ અકબંધ અને જૂનવાણી જ જળવાઈ રહ્યો છે.

જતાં પહેલા જાણી લો

  • બધા મંદિરો એક સ્થળે નથી, પાસપાસે આવેલા ચાર સ્થળોએ છે. પાસ-પાસે એટલે એકાદ કિલોમીટરના વિસ્તારમાં. બે સ્થળો તો રોડ ઉપર છે, જ્યારે બે સ્થળો જરા વધારે અંદર ખેતરો વચ્ચે ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલા છે.
  • અમદાવાદથી વન-ડે પિકનિક માટે આ સ્થળ ઉત્તમ છે. ઉપરાંત હિંમતનગરમાં આવેલો દોલત વિલાસ પેલેસ પણ જોઈ શકાય. એ વિશે વિગતો આ લિન્ક પર આપી છે.
  • જેમને પુરાતત્વ, ઈતિહાસનો શોખ હોય એમના માટે જગ્યા કામની છે, અહીં બીજું કશું જોવાનું નથી.
  • ચારેય સ્થળો ફરી લેવામાં 2 કલાકથી વધારે સમય લાગશે નહીં.
  • આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા અહીં રિનોવેશન કામગીરી શરૃ કરાઈ છે. અલબત્ત, અત્યારે કોરોનાકાળને કારણે કામગીરી અટકેલી છે.
  • આર્કિયોલોજિકલ સર્વે દ્વારા અહીં એક રખેવાળની નિમણૂંક કરવામાં આવી છે. બાકી વધુ માહિતી આપનાર કોઈ નથી.
  • ચારમાંથી બે સ્થળો સારી રીતે સાફ-સૂફ થયેલા છે. અંદર આવેલા બે સ્થળોમાં એટલી સાફ-સફાઈ નથી. તો પણ એ સ્થળોએ ખાસ ગંદકી પણ નથી.
  • હિંમતનગરથી જવાનું થાય તો ખેડ રોડ પકડવો પડશે. મંદિરો વિશે પૂછવાથી કદાચ રસ્તો નહીં મળે. એના બદલે ખેડ પહોંચીને ત્યાંથી જવુ વધારે સરળ પડશે.
  • હિંમતનગરથી અંતર અંદાજે 15 કિલોમીટર જેટલું છે.
  • અહીં કોઈ સામગ્રી મળતી નથી, બધા સ્થળો ગામથી પણ દૂર છે. ખાવા-પીવાની ચીજો હિંમતનગરથી જ સાથે લેવી.
  • અહીં એક ડંકી (હેન્ડપમ્પ) છે, જેમાં પાણી આવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *