દોલત વિલાસ પેલેસ : હિંમતનગરમાં જોવા જેવો રાજ મહેલ

dowlat villas palace

હિંતનગરનું નામ રાજા હિંમતસિંહ પરથી પડ્યું છે, બાકી મૂળ નામ તો અહમદનગર હતું. હિંમતસિંહના પિતા દોલતસિંહના નામે ઉભેલો મહેલ જોવા જેવો છે

હિંમતનગર શહેરમાં જે જોવા જેવાં થોડા આકર્ષણો છે, તેમાં દોલત વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. દોલત વિલાસ નામ મહારાજા દોલતસિંહ પરથી પડ્યું છે. દોલતસિંહે 1910માં ઈડર રાજ્યની સત્તા સંભાળી હતી. એ વખતે દોલતસિંહની વય 41 વર્ષની હતી. 1932 સુધી દોલતસિંહે સત્તા સંભાળી હતી. એ પછી તેમના પુત્ર હિંમતસિંહ ગાદીએ આવ્યા.

મહેલનો હોટેલમાં ફેરવાયેલો વિભાગ

દોલતસિંહના કાળમાં અમદાવાદ-પ્રાંતીજ રેલવે લાઈન હિંમતનગર સુધી લંબાવાઈ હતી. એ વખતે જોકે હિંમતનગર નામ ન હતું, અહમદનગર હતું. ગુજરાતમાં કોઈ અહમદનગર હોય એ આજે નવાઈપ્રેરક લાગે પણ ઈતિહાસમાં તો નામ નોંધાયેલું જ છે. હિંમતસિંહના નામે નગરનું નામ બદલીને હિંમતનગર કરવામાં આવ્યું હતું. કેમ કે હિંમતસિંહે ખરા અર્થમાં પ્રજા લક્ષી કહેવાય એવા નિર્ણયો લીધા હતા અને અનેક સુધારા દાખલ કર્યા હતા.

મહેલનો મુખ્ય ખંડ

દોલતસિંહના નામે આજે હિંમતનગરનો મહેલ ઓળખાય છે. એ દોલતસિંહે 1914માં બ્રિટિશરો તરફથી પ્રથમ વિશ્વયુદ્ધમાં લડત આપી હતી. ઈજિપ્તના મોરચે ઘોડેસવાર ટુકડીના નાયક દોલતસિંહ હતા. તેમણે બ્રિટિશરોની ઘણી મદદ પણ કરી હતી. પરિણામે બ્રિટિશરોએ બાદમાં તેમને લેફ્ટનન્ટ કર્નલનો માનદ હોદ્દો આપ્યો હતો. દોલતસિંહ રણ મોરચે હતા ત્યારે અહીં રાણીએ રાજ-કાજ સંભાળ્યુ હતુ.

હિંમતસિંહજીના શાસન દરમિયાન શિક્ષણનો વિકાસ થયો હતો. ૧૯૩૩-૩૪ દરમિયાન ૪૫ નવી પ્રાથમિક શાળા ખોલવામાં આવી હતી. કન્યાઓ માટે મુખ્ય કન્યાશાળાઓમાં સીવણ ભરત ગૂંથણ રાંધણકલા ધોલાઈ વગેરે શીખવવાના વર્ગ ખોલ્યા હતા. આ ઉપરાંત રાત્રિવર્ગો તથા ફરતાં પુસ્તકાલય પણ શરૂ કર્યાં હતાં. રાજ્ય ૧૯૩૪માં શિક્ષણ પાછળ રૂ. ૮૪૦૦૦ નો ખર્ચ કરતું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતુ. અને અનાથ બાળકોને હાઈસ્કૂલમાં શિક્ષણ મળે એ માટે વ્યવસ્થા કરી હતી. નિરાધાર સ્ત્રીઓ માટે હસ્તકલા ને કુટિર-ઉદ્યોગ કેંદ્ર શરૂ કર્યાં હતાં. અને વિધવાઓને પેન્શન આપવામાં આવતું હતું.

એમણે કેટલાક ક૨ દૂર કર્યા હતા અને જંગલ-વિકાસની યોજના હાથ ધરી હતી. જવાબદાર તંત્ર ન આપવાને કારણે તથા ભારે મહેસૂલના દરને કારણે પ્રજામાં અસંતોષ હતો. ૧૯૩૩-૪૪ સુધી રાજ્ય સાબરકાંઠા એજન્સીની દેખરેખ નીચે હતું. ત્યારબાદ વડોદરાના રેસિડેન્ટની દેખરેખ નીચે મુકાયું હતું. ઈડર રાજ્યે ૧૯૪૭માં ભારતસંધ સાથે જોડાણ સ્વીકાર્યું અને ત્યારબાદ મુંબઈ રાજ્યમાં એ વિલીન થઈ ગયું.

આ બધી માહિતી જોકે મહેલની મુલાકાત દરમિયાન આપવામાં આવતી નથી. આ વિગતો તો ગુજરાતના ઈતિહાસમાં લખાયેલી છે. આજે રાજાશાહી રહી નથી, રજવાડી યુગ પણ નથી. પરંતુ એ વખતના બાંધકામો અને અવશેષો બચેલા છે. એવુ જ બાંધકામ દોલત વિલાસ પેલેસ છે. દોલત વિલાસ પેલેસનો કેટલોક ભાગ હવે હોટેલમાં પરિવર્તિત કરી દેવાયો છે. તો મુલાકાતીઓ પણ અહીં આવીને અડધી કલાક ચાલતી ટૂરનો લાભ લઈ શકે છે.

મહેલમાં શું જોવા જેવુ છે?

  • હોટેલમાં પરિવર્તિત થયેલા ઓરડા
  • ક્લબ રૃમ, જ્યાં વિવિધ ગેમ્સ છે
  • વિશાળ રાજસભાનો ખંડ, જ્યાં સિંહાસન સહિતની એન્ટીક ચીજો રખાઈ છે.
  • જૂનવાણી ઘડિયાળો, રાજવીઓના કદાવર ચિત્રો, શિકાર કરેલા વાઘ-હરણના પૂતળાં
  • વિશાળ ડાઈનિંગ હોલ
  • પિકનીકમાં જતી વખતે સાથે લઈ જવાની કીટ
  • શેવરેલોં, મર્સિડિસ, જીપ જેવી જૂનવાણી કાર, જે આજે પણ ચાલુ હાલતમાં છે

જતાં પહેલા જાણી લો

  • અહીં આઠ રૃમ હોટેલ તરીકે વપરાય છે, જેના બૂકિંગની વિગત વેબસાઈટ પર અપાઈ છે.
  • રૃમનું ભાડું 5500 જેટલું છે. વધુ વિગતો http://dowlatvillaspalace.com/dowlat-villas-palace-rooms-rates/ પર છે.
  • બૂકિંગ કે અન્ય માહિતી માટે રાજવી પરિવારના સભ્યનો 9825500306 પર સંપર્ક કરી શકાય છે
  • એડવાન્સમાં કહેવામાં આવે તો મહેલ દ્વારા જ આસપાસના સ્થળોમાં ફરવાની વગેરે વ્યવસ્થા કરવામાં આવે છે, એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
  • પ્રવાસીઓ માત્ર મહેલ જોવા આવે તો પણ જોઈ શકાય છે.
  • જોકે અન્ય મ્યુઝિયમ કે પેલેસ જેવી ગાઈડેડ ટુર નથી. ખાસ માહિતી પણ આપવામાં આવતી નથી. જૂનવાણી ચીજો સાથે તેની ઓળખ કે અન્ય વિગતો લખેલી નથી.
  • ઈતિહાસ-રાજાશાહીમાં રસ હોય એવા પ્રવાસીઓ-મુલાકાતીઓ અડધી કલાકનો સમય ફાળવી મહેલની મુલાકાત લઈ શકે છે.
  • મહેલની મુલાકાત માટે વ્યક્તિદીઠ 150 રૃપિયા ચાર્જ છે, બાળકો માટે પણ આખી ટિકિટ છે.
  • મહેલના પ્રાંગણમાં લગ્ન સહિતના સમારોહ પણ યોજી શકાય છે.
  • મહેલની જાળવણી સારી રીતે થઈ રહી છે. દેખાવ ભવ્ય છે, સાફ-સફાઈ પણ સારી છે.
  • મહેલ એક સદી પહેલા 1920ના દાયકામાં બંધાયેલો છે.
  • સ્થાપત્યની દૃષ્ટિએ વાત કરીએ તો રજવાડી ઉપરાંત આર્ટ ડેકો શૈલીની અસર બાંધકામમાં જોવા મળે છે.
હિંતનગરનું નામ રાજા હિંમતસિંહ પરથી પડ્યું છે, બાકી મૂળ નામ તો અહમદનગર હતું. હિંમતસિંહના પિતા દોલતસિંહના નામે ઉભેલો મહેલ જોવા જેવો છે

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *