ભીમદેવળ: સવા અગિયારસો વર્ષ પહેલાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર/Sun Temple પ્રસિદ્ધ છે, પણ એ સિવાયના ઐતિહાસિક, અલૌકિક, અદભૂત સૂર્યમંદિરો છે, પણ એ બધાને પ્રસિદ્ધિ મળી નથી. એવું જ એક મંદિર તાલાલા-સોમનાથ નજીક આવેલું ભીમદેવળનું છે.

તસવીરો – ભૃગેશ વી. ખંભાયતા

કેસર કેરી માટે પ્રખ્યાત તાલાલા પાસે ભીમદેવળ નામે નાનકડું ગામ છે. એ ગામથી જરા દૂર નદીના સામા કાંઠે લગભગ ખંડેર કહી શકાય એવી અવસ્થામાં મંદિર ઉભું છે. એ ૯મી સદીમાં બનેલું સૂર્યમંદિર છે. અહીં ઓછા પ્રવાસીઓ આવે છે અને કોઈ આવે તો પણ વળી ત્યાં રક્ષિત સ્મારકના બોર્ડ સિવાય કોઈ જાણકારી મળતી નથી.

બાકી તો મંદિરના અવશેષાત્મક દ્વારે જ સૂર્યની પત્ની રજની અને નિશપ્રભાની પ્રતિમાઓ છે. જરા ઊંચા વિસ્તાર પર આવેલુ મંદિર હવે ખંડેર છે. અંદર કોઈ મૂર્તિ નથી, પણ મંદિરનું સૌંદર્ય ઓછું નથી થતું. પ્રખર ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ ‘સોમનાથ અને પ્રભાસ’માં લખ્યું છે કે આ મંદિરનું સ્થાપત્ય અનોખું છે. સૂર્ય મંદિરમાં પણ આ પર્ણાદિત્ય પ્રકારનું છે. પિરામિડ જેવા લાગતા મુખ્ય મંદિરની આસપાસ નાની-નાની દેરીઓ પણ છે. એ ભીમનાં દેરાં તરીકે ઓળખાય છે.

માન્યતા પ્રમાણે આ મંદિર ભીમે બંધાવ્યું હતું. એટલું જૂનું ન હોય તો પણ સદીઓ જૂનું હોવાનું તો જોઈને જ ખબર પડી  આવે. બીજી માન્યતા મુજબ એક રાતમાં જ આ મંદિરનું નિર્માણ થયું હતું. ત્રીજી માન્યતા પ્રમાણે મંદિરની થાંભલીઓ ગણવાનો પ્રયાસ કરીએ તો ચોકક્સ આંકડો મળી શકતો નથી. એ બધી માન્યતાઓ પણ સ્થાપત્ય સાથે મંદિરનું આકર્ષણ છે.

ઐતિહાસિક તથ્યો મુજબ મંદિર નવમી સદીનું છે. એટલે કે સવા અગિયારસો વર્ષ પહેલાનું. આ મંદિર મૈત્રકોએ બંધાવ્યું હોવાની શક્યતા છે. કેમ કે તેઓ સૂર્યપુજક હતા. એકલા પ્રભાસ ક્ષેત્રમાં મૈત્રકોએ સૂર્યની સોળ કળાના સોળ મંદિર બંધાવ્યા હતા. એમાંથી જ એક મંદિર આ છે.

આ મંદિર જંગલ વિસ્તારમાં છે અને નજીકમાં જ ગીરનું જંગલ આવેલું છે, માટે આ વિસ્તારમાં સિંહ-દીપડા હોય એવી શક્યતા નકારાતી નથી. કાદુ મકરાણી જેવો બહારવટીયો અહીં સંતાઈને રહેતો હોવાનો ઉલ્લેખ મળે છે.

આ ઉપરાંત ભીમદેવળ ગામમાં આવેલું ભુલેશ્વર મહાદેવનું મંદિર પણ શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. આઠસો હજારની વસતી ધરાવતા આ ગામમાં આઝાદી પછી પહેલી વાર સપ્ટેમ્બર ૨૦૨૦માં ચોરીનો કિસ્સો નોંધાયો હતો. એટલે કે એ પહેલા કોઈ ચોરી જ થઈ ન હતી.

ગુજરાત ટુરિઝમના ટ્વિટર એકાઉન્ટ પરથી મળેલું ચિત્ર

ગીરમાં સાસણ જવાનું થાય તો ત્યાંથી આ મંદિર ૨૪-૨૫ કિલોમીટરના જ અંતરે છે. મંદિર ભીમદેવળ ગામથી જરા દૂર છે, પણ ત્યાં સુધી જવાનો રસ્તો છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *