કર્ણાવતી દાબેલી : શાખા વગરનું ભોજન!

અમારી જેમ બીજા શહેરમાંથી અમદાવાદમાં સ્થળાંતરિત થઈને આવે એ લોકોને ઠેર ઠેર કર્ણાવતી દાબેલી-વડાપાઉંના બોર્ડ જોવા મળે. પછી એ પણ ખબર પડે કે કર્ણાવતી મહાનગરમાં તો કર્ણાવતીની દાબેલી બહુ પ્રખ્યાત છે.

બસ વાત પૂરી, પછી તો નાસ્તાની જરૃર ઉભી થઈ નથી કે કર્ણાવતીમાં હાથ માર્યો નથી. વળી કર્ણાવતી દાબેલીની એટલી બધી વ્યાપકતા કે ગામના ઘણા વિસ્તારોમાં જાહેર સૌચાલય મળે ન મળે, દાબેલીની દુકાન અવશ્ય મળે!

દાબેલીની દુકાનના ચકચકિત બોર્ડમાં વળી લખ્યું હોતુ નથી કે અમે કર્ણાવતી દાબેલી વેચીએ પણ નકલનો ધંધો કરીએ છીએ. એટલે અમારા જેવા ગામડિયા તો એમ જ માની લે કે આ જ અમદાવાદની દાબેલી છે.
ઘણા સ્થળે દાબેલી ખાધા પછી એવું તારણ અવશ્ય નીકળી શકે કે આ દાબેલીનો સ્વાદ કંઈ મહાન નથી, વધુમાં મને એવુ પણ લાગ્યું કે દાબેલી વેચનારા કર્ણાવતી નામની દુકાન ચલાવનારા મોટા ભાગના વેપારી ભારે સ્વાર્થી છે. નાસ્તા સાથે ફરજિયાતપણે આપવું જોઈએ એ પીવાનું પાણી પણ નથી આપતા. કેમ કે 20-25 રૃપિયાની દાબેલી ઉપરાંત 2 રૃપિયાના પાણીના પાઉચનો અલગ વેપાર છે. પાણી ન આપતી એવી નપાણિયા દુકાનો જોકે ઠેર ઠેર (અમદાવાદ બહાર પણ) અસ્તિત્વ ધરાવે છે.

અમારા સોરઠમાં તો ઠેર ઠેર જગ્યા અને ત્યાં અન્નક્ષેત્ર ચાલતા હોય. એટલે દાબેલીનો (અને પાણી ન પુરું પાડતા બીજા ઘણા નાસ્તા કેન્દ્રોનો) વેપાર મને તો ઘનક્ષેત્ર જેવો લાગતો હતો.

પણ પછી ખબર પડી કે અસલ કર્ણાવતી દાબેલી કહેવામાં આવે એ દુકાન તો મણિનગરમાં છે. એક વખત મુહૂર્ત નિકળ્યું એટલે એ દુકાનની મુલાકાત પણ લેવાઈ. ત્યાં લખ્યું છે એ પ્રમાણે તેમની કોઈ બીજી શાખા નથી.

શ્રી પ્રોફેસર ઈશાન ભાવસારની મદદથી અમે એ દુકાને પહોંચ્યા અને દાબેલી આરોગી. જરા વધારે તીખી, પરંતુ આખા ગામમાં મળે એ કર્ણાવતી નામક દાબેલી કરતા સારી. સ્વાદ ભલે એટલો બધો જીહવા-કર્ષક ન લાગે પણ એનો ભાવ જરૃર આકર્ષક લાગે. કેમ કે આખુ ગામ 20-25 રૃપિયામાં દાબેલી વેચે (એનાથી વધુ ભાવ પણ છે જ), ત્યારે અહીં હજુ 17 રૃપિયામાં દાબેલી ઉપલબ્ધ છે.

દાબેલી સાથે બટર કે ઓઈલનો ઓપ્શન આખુ ગામ લખે છે, જે ખરેખર તો વધુ પૈસા લેવાની કિમિયાગરી છે. કેમ કે એક જ તવામાં તેલમાં શેકેલી દાબેલી પછી બટરનો ચમચો નાખીને દાબેલી શેકી આપવામાં આવે. એ કહેવાય બટર દાબેલી.. કોઈ આંકડાશાસ્ત્રી તારણ કાઢી શકે કે બટર કહેવાતી દાબેલીમાં તવામાં રહેલું તેલ કેટલા ટકા ચોંટ્યુ હશે?

કર્ણાવતીમાં દાબેલી ગરમ કરવામાં આવતી નથી, એટલે ઓઈલ કે બટરની જફા (અને એ નામે લેવાતો ભાવ તફાવત) નીકળી જાય છે. દાબેલી કચ્છની વાનગી છે અને કચ્છમાં પણ ઘણા સ્થળોએ દાબેલી ગરમ કર્યા વગર જ અપાય છે. એ જ કદાચ એનો અસલ સ્વાદ છે.

જે હોય તે, પણ યાદ રાખજો કે કર્ણાવતીના નામે કર્ણાવતી મહાનગર (અમદાવાદમાં) મળતી દાબેલી એક દુકાનને બાદ કરતાં નકલી જ છે!

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *