Science cityમાં જતાં પહેલાં જાણવા જેવી તમામ પ્રાથમિક માહિતી : કેટલી ટિકિટ, કેટલો સમય લાગશે, શું શું જોવા જેવું?

science city

અમદાવાદમાં જોવા જેવા આકર્ષણોમાં Science cityનો સમાવેશ થાય છે. 2021માં નવીનીકરણ થયા પછી વિજ્ઞાનનગરી વધારે આકર્ષક બની છે. તેની મુલાકાત લીધા પછી અનુભવના આધારે કેટલીક વિગતો અહીં રજૂ કરી છે. જતાં પહેલાં આ માહિતી બેશક કામ લાગશે

મુખ્ય આકર્ષણો

  • એક્વેટિક (જળ) ગેલેરી
  • રોબોટિક ગેલેરી
  • અર્થ ગેલેરી
  • સ્પેસ ગેલેરી
  • નેચર પાર્ક
  • આઈમેક્સ થિએટર

દરેક આકર્ષણની વધુ વિગત નીચે આપી છે.

બૂકિંગ

  • કોરોનાને કારણે અત્યારે માત્ર ઓનલાઈન બૂકિંગ થાય છે. https://sciencecity.gujarat.gov.in પરથી બૂકિંગ કરી શકાય એવુ સાયન્સ સિટી કહે છે, પણ એ કામ જરા મુશ્કેલ છે. તેના બદલે સાયન્સ સિટીની એપ ડાઉનલોડ કરીને બૂકિંગ કરવું સરળ છે.
એક સાયન્સ સિટીમાં અનેક વિભાગ છે, વિભાગમાં વળી પેટા વિભાગો છે

ટિકિટના દર

  • એન્ટ્રી ફી – 50 (સ્કૂલ ગ્રૂપ માટે 20)
  • કાર પાર્કિગ ફી – 50
  • બાઈક પાર્કિંગ -20
  • બસ પાર્કિંગ – 100
  • રોબોટિક ગેલેરી – 200
  • એક્વાટિક ગેલેરી – 200
  • 3D સ્કેનર/પેન્ટર – 500
  • રોબો પેન્ટર – 200
  • VR – 200
  • 5D થિએટર – 150
ટનલમાંથી પસાર થવાનો અનુભવ રસપ્રદ છે
  • 50 રૃપિયાની ટિકિટ લીધા પછી અંદર જઈને એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી સિવાયના બધા ભાગો ફરી શકાય છે. ખાસ તો કદાવર અને અનેક ભાગો ધરાવતો નેચર પાર્ક ટિકિટમાં આવી જાય છે. તેના માટે કોઈ અલગ ટિકિટ લેવાની થતી નથી.
  • ફાઈવ-ડી થિએટર એક્વેટિક ગેલેરીમાં છે, પણ તેની ટિકિટ અલગ છે.
  • અડધી ટિકિટ એવુ કંઈ નથી, 3 વર્ષથી ઉપરના તમામ બાળકોની ટિકિટ લેવી પડશે.
નેચર પાર્કના વિવિધ વિભાગો

નેચર પાર્ક

  • નેચર પાર્ક એક છે, પરંતુ એમાં નાના-મોટા બે ડઝન વિભાગો છે. એટલે આ પાર્ક ખરા અર્થમાં પૈસા વસૂલ ઓફર છે.
  • સાયન્સ સિટીની પ્રવેશ ટિકિટ લીધી હોય તો પાર્કની અલગ ટિકિટ લેવી પડે એમ નથી.
  • આ પાર્ક ઝડપથી ફરશો તો પણ અડધી કલાક તો જોઈશે. પરંતુ નીરાંતે મજા માણવી હોય તો 2-3 કલાક ફાળવવી.
  • વિજ્ઞાનમાં ઓછો રસ હોય તો પણ આ પાર્કમાં બાળકો માટે પ્લે એરિયા હોવાથી અહીં મજા પડશે.
એક નેચર પાર્કમાં 37 આકર્ષણો છે.

પાર્કના વિવિધ વિભાગો

  • પ્લે એરિયા (ત્યાં જ કેન્ટિન પણ છે)
  • પુરાતનકાળના પ્રાણીઓના 15 પૂતળાં (વૂલી મેમથ, ટેરર બર્ડ વગેરે)
  • મિસ્ટ-ધુમ્મસ જંગલ, જેમાં વાંસના ગાઢ જંગલ વચ્ચે ટનલ બનાવાઈ છે. તેમાંથી પસાર થવાનો અનુભવ મજેદાર રહેશે.
  • આખા પાર્ક ફરતે વોકિંગ-જોગીંગનો ટ્રેક છે.
  • વચ્ચે જળાશય છે, જ્યાં નાના-નાના પુલ પણ છે.
  • કદમના વૃક્ષોનો નાનો પાર્ક
  • ભુલભુલામણી, જેમાં શરૃથી વચ્ચે સુધી જવાનો રસ્તો શોધવાનો અનોખો અનુભવ મળશે
  • ઓક્સિજન પાર્ક છે, જેમાં ગાઢ રીતે છોડ-વેલા ઉગેલા છે. વચ્ચે નાનુ જળાશય છે.
  • પતંગીયા માટે પાર્ક
  • સુગંધીત પાર્ક, જ્યાં સુગંધ આપે એવા ફૂલો છે
  • કદાવર ચેસ બોર્ડ જેમાં ચાર-પાંચ ફૂટ ઊંચા પ્યાદાં છે.
  • ઓપન-એર જીમ છે જેમાં કસરત કરવી એ પરસેવો પાડવા કરતાં મજા કરવાની પ્રવૃત્તિ છે.
  • મધપુડા અને ઉધઈના રાફડાની રચના

એક્વેટિક ગેલેરી

  • સાદી ભાષામાં જેને માછલીઘર કહેવાતું એનું આધુનિક નામ એક્વેટિક ગેલેરી. એક્વા એટલે જળ-પાણી. આ એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે અને તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ પણ છે.
  • અહીં આફ્રિકન પેગ્વિન રખાયા છે. પાંચ-છ પેગ્વિન ઠંડી-મોટી ટેન્કમાં રહે છે. આપણે જે પેગ્વિન એન્ટાર્કટિકાના વિડીયો-ફોટામાં જોતા હોઈએ એ એમ્પેરર પેગ્વિન કરતાં આ પેગ્વિન ઘણા નાના છે. પરંતુ તેને જોવા લહાવો છે.
  • આ જગ્યા ફરવા માટે પણ 2-3 કલાકનો સમય જોઈશે. અંદર જ કેન્ટિન હોવાથી ખાવા-પીવાની સામગ્રી મળી રહેશે.
આફ્રિકાનાં કાંઠે જોવા મળતાં પેગ્વિન સાયન્સ સિટીમાં
  • અહીં 188 પ્રજાતિની કુલ 11 હજારથી વધારે માછલી જોવા મળશે જેમાં મુખ્ય આકર્ષણ શાર્ક છે. શાર્ક કદાચ સમુદ્ર કાંઠે જોવા મળે પણ અહીં શાર્ક ટનલ છે, એટલે તેમાંથી પસાર થવાનું અને તમારી ઉપર-બાજુમાં શાર્ક ઘૂમતી રહે. એ ટનલ 28 મિટર એટલે કે સોએક ફીટ લાંબી છે. અલબત્ત, ડિસ્કવરી ચેનલ કે નેશનલ જ્યોગ્રાફિકમાં જોઈ હોય એવડી કદાવર શાર્ક નથી. પરંતુ તો પણ ટનલ ભવ્ય છે.
એક્વેટિક ગેલેરીનો સેન્ટ્રલ હોલ અને કદાવર સ્ક્રીન
  • વિવિધ જળચરો વિવિધ 68 ટેન્ક અર્થાત ટાંકા કે વિભાગોમાં રખાયા છે. એ બધુ ફરી લેવામાં ખાસ્સો સમય જોઈશે.
  • આ ટેન્કોને ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય.
એક્વેટિકના પ્રવેશદ્વારે બન્ને તરફ તો જળચર છે, ઉપર પણ ભરેલું પાણી અને જીવસૃષ્ટિ છે.
  • 5D થિએટર, જેમાં પાણીમાં સફર કરતાં હોવાનો અહેસાસ થશે. પરંતુ એ માટે અલગ ટિકિટ લેવી પડશે.
  • એકવેરિયમમાં જે માછલીઓ રાખવામાં આવી છે તે QR કોડ સાથેની છે. આવી માછલી-ફિશના કયુ.આર કોડ પોતાના મોબાઇલમાં એન્ટર કરીને મૂલાકાતીઓ આ માછલીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે.
  • માછલીઓના ટાકાં કે ટનલ પાછળ ભરેલું પાણી સાફ કરતા મરજીવા પણ જો કામ કરતા હશે તો જોવા મળશે.

રોબોટિક ગેલેરી

  • જો પહેલા એક્વેટિક ગેલેરી જોઈને પછી રોબોટિકમાં જવાનું થશે તો કદાચ થોડી નિરાશા મળશે.
  • રોબોટિકમાં ત્યાં રહેલા કર્મચારીઓ વિવિધ પ્રકારના રોબોટ વિશે સમજાવશે.
  • મુલાકાતીઓ સાથે સંવાદ કરવા બે રોબોટ છે, જે નક્કી કરેલા સવાલો પૂછવામાં આવે તો જવાબ આપશે.
  • રોબોટ જોવા ઉપરાંત 200 રૃપિયાનો ચાર્જ ચૂકવીને પોતાનું જ મીની સ્કેન આધારીત શિલ્પ તૈયાર કરાવી શકાય છે.
  • અહીં ઘણા વિભાગો છે પરંતુ કેટલાક બંધ છે.
રોબોટિક ગેલેરીનુ બાહરી દૃશ્ય

વિવિધ પ્રકારના રોબોટ્સ

  1. કારખાનામાં કામ કરતા રોબોટ
  2. ફૂટબોલ રમતા રોબોટ
  3. ડાન્સ કરતા રોબોટ
  4. કુસ્તી કરતા રોબોટ
  5. ઘરમાં સફાઈ કરતા રોબોટ
  6. શોપિંગ સેન્ટરમાં મદદ કરતા રોબોટ
  7. બેડમિન્ટન રમતા રોબોટ
  8. કાટમાળમાં અંદર જઈને બચાવકાર્ય કરતા રોબોટ
  9. ઊંચા બિલ્ડિંગ પર ચડતા રોબોટ
  10. ગેલેરી બહાર ઉભેલો એક કદાવર રોબોટ હોલિવૂડ ફિલ્મ ટર્મિનેટરમાં આવે એવો છે, જે સતત બોલતો રહે છે.

અંદર વિવિધ પ્રકારના રોબોટ

રોબો કાફે ગેલેરીની બહાર છે. માત્ર રોબો કાફે સુધી જવુ હોય તો ગેલેરીની મોંઘી (200 રૃપિયા) ટિકિટ લેવાની જરૃર નથી. ત્યાં મોંઘા ભાવના ચા-નાસ્તો મળશે. એ સામગ્રીના પૈસા ચૂકવ્યા પછી કાફેમાં અંદર બેસવાનું રહેશે. રોબોટના હાથમાં ફીટ થયેલી ટ્રેમાં તમારો ઓર્ડર મુકાશે. એ પછી રોબોટને ગ્રાહક જ્યાં બેઠા હોય એ જગ્યાનો નંબર કહેવામાં આવે છે. એટલે રોબોટ ચાલીને ત્યાં પહોંચે. રોબોટનો રોલ એટલો જ છે, જે સામગ્રી તેની ટ્રેમાં મુકવામાં આવે એ ગ્રાહકો સુધી પહોંચાડવી. આ કાફે રિજન્ટા હોટેલ ગ્રૂપ સંચાલિત છે.

રોબો-કાફેમાં નાસ્તો-પાણી આપવા આવતા રોબોટ બેન-ભાઈ

હોલ ઓફ સ્પેસ (Hall of Space) અને હોલ ઓફ સાયન્સ (Hall of Science)

હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સ એક મોટો વિભાગ છે. ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો 2-3 કલાક પસાર થઈ શકે. અહીં અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહોની કામગીરી, ધરતીનું પરિભ્રમણ, અવકાશી સફર, અવકાશ વિજ્ઞાનીઓ વગેરેની માહિતી છે. આ વિભાગ જૂનો છે. તેના કેટલાક આકર્ષણો તો બંધ હાલતમાં છે. તેના કેટલાક વિભાગો આ મુજબ છે.

  • અવકાશ વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિ
  • ભારતનું ચંદ્ર મિશન (ચંદ્રયાન)
  • મંગળમિશન
  • અવકાશયાત્રીઓની કામગીરી
  • અવકાશયાત્રા
  • સ્પેસ સ્ટેશન સુધી જતું સ્પેસ શટલ
  • શરીરના વિવિધ અંગોની રચના
  • ઊર્જાના સ્વરૃપો, રૃપાંતરણ
  • ગણિતશાસ્ત્ર
  • વિવિધ આકાર દેખાડતા અરીસા
  • અવાજનું વિજ્ઞાન

ધરતીનો ગોળો – Planet Earth

દૂરથી કદાવર દેખાતો ધરતીનો ગોળો લોકો જિજ્ઞાસા ખાતર પણ જોવા જાય છે. એ ગોળાની અંદર અનેક આકર્ષણો છે. એ ગોળો ધરતીનું વિજ્ઞાન સમજાવવા ઉપરાંત ઘણી માહિતી આપે છે. ધરતીના વિવિધ અનુભવો તેમાં રજૂ કરાયા છે.

  • અન્ડરગ્રાઉન્ડ કોલસાની ખાણ, જેમાં પેટાળમાં જતા હોય એવો અનુભવ થાય છે.
  • ધરતીકંપનો અનુભવ

આવા ઘણા પ્રયોગો-અનુભવો ત્યાં ઉભા કરાયા છે. પરંતુ જોકે કેટલાક પ્રયોગો ગમે ત્યારે બંધ હોય છે, જ્યારે ઘણા-ખરા પ્રોજેક્ટ આગળ શું છે, તેની માહિતી કે માર્ગદર્શન આપનાર મદદગારની હાજરી હોતી નથી.

નાસ્તા-પાણી

  • દરેક વિભાગમાં કેન્ટિન છે. પાણી ભરવા માટે પણ સુવિધા છે, જેથી બોટલ ખરીદવામાંથી બચી શકાય છે.
  • ઠેર ઠેર ટોઈલેટ પણ છે.
  • એક્વેટિક ગેલેરીની બહાર એક નાસ્તા-હાઉસ છે, જ્યાં પાંઉભાજી, ઢોસા, સેન્ડવિચ વગેરે મળી રહે છે.
  • એક્વેટિક ગેલેરીમાં ટી-પોસ્ટનું મોટુ આઉટલેટ છે. એ રેસ્ટોરાંની થીમ દરિયાઈ જહાજ જેવી છે. એક્વેટિક ગેલેરીની ટિકિટ હોય તો જ ટી-પોસ્ટમાં જઈ શકાશે. ટી-પોસ્ટમાં બધી સામગ્રી જરા મોંઘી છે. ભીડ હોય તો સર્વિસમાં પણ થોડી અસુવિધા જોવા મળશે.
  • રોબોટિક ગેલેરી બહાર રોબો કાફે છે. ત્યાં જવા માટે રોબોટિકની ટિકિટ લેવી ફરજિતાય નથી. આ કાફે રોબોટિક ગેલેરીની બહાર છે. રોબો કાફેમાં રોબોટ ચા-પાણી-નાસ્તો આપવા આવે છે. એટલો અનુભવ લેવા માટે મોંઘા ભાવનું ફૂડ (જેમ કે 40 રૃપિયાની ચા) ઓર્ડર કરવા પડશે. પણ રોબોટ વેઈટર તરીકે સામગ્રી લઈને આવે એ અનુભવ બેશક નવાઈ લગાડે એવો છે.

જનરલ માહિતી

  • સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.
  • અગાઉ સાયન્સ સિટીની મુલાકાત લીધી હોય અને હવે ખાલી નવા 3 આકર્ષણ (નેચર પાર્ક, રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી) જોવા હોય તો દરવાજે એ માટેનો રસ્તો પૂછી લેવો. સરળતાથી માહિતી આપે એવા બોર્ડ એન્ટ્રી પાસે નથી.
  • અંદર જતાં બોર્ડ છે એટલે આ વિભાગો મળી જશે.
  • એક્વેટિક-રોબોટિક બન્ને ગેલેરી ધરતીના કદાવર ગોળા પાસે જ છે. ત્યા જ નેચર પાર્ક પણ છે.
  • દરેક વિભાગમાં ટોઈલેટ, પાણીની સગવડ છે.

અંગત સલાહ

  • માત્ર 50 રૃપિયાની ટિકિટ લઈને અડધો દિવસ પસાર કરવો હોય તો નેચર પાર્ક અને બીજા આકર્ષણો બેસ્ટ છે.
  • કોઈ એક ગેલેરીનો ખર્ચ કરવો હોય તો એક્વેટિક પર પસંદગી ઉતારવી જોઈએ. એ વધારે આકર્ષક છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *