કડિયો ડુંગર : ભરૃચ પાસે આવેલા અદભૂત પ્રાકૃતિક સ્થળના પ્રવાસ પહેલા જાણવા જેવી ૧૦ વાતો

Kadia Dungar Caves

એક દિવસની મુલાકાત માટે ઉત્તમ જગ્યા કડિયો ડુંગર વડોદરાથી ૧૨૭ કિમી, રાજપીપળાથી ૫૨, ભરૂચથી ૩૯ અને સુરતથી ૮૫ કિમીના અંતરે આવેલો છે.

નિતુલ મોડાસિયા

એક દિવસના પ્રવાસ માટે સ્થળ શોધવું હમેશા અઘરું સાબિત થતું હોય છે. કડીયો ડુંગર-Kadia Dungar Caves એક દિવાસના પ્રવાસ માટેનું ઉત્તમ સ્થળ છે. ગુજરાતનાં ભરૂચ રાજપીપળા હાઇવે નજીક આવેલું આ સ્થળ પ્રકૃતિ અને પુરાતત્વ બંનેનું પર્ફેક્ટ મિશ્રણ છે કારણ કે આ જગ્યા પર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર રળિયામણો ડુંગર અને ડુંગર ઉપર પૌરાણિક બૌદ્ધ ગુફાઓ આવેલી છે.

બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી હોવાથી આ સ્થળને ગુજરાત ટુરિઝમ દ્વારા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ તેની કઈ ખાસ અસર મૂળ સ્થળ પર જોવા નથી મળતી , એટલે કે સુવિધાના નામે આ સ્થળ પર કઈ નથી, જોકે પ્રકૃતિ માણવા આવેલા વ્યક્તિને સુવિધાનું શું કામ? માટે જ આ સ્થળ પ્રાકૃતિક જગ્યામાં રસ ધરાવનાર માટે ઉત્તમ વિકલ્પ સાબિત થાય તેમ છે. રાજપીપળાથી ૫૨ કિમીના અંતરે આવેલા આ ડુંગર ઉપર ૧લી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે જેની સાથે આ ડુંગર પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ માણવાલાયક જગ્યા છે. કડિયા ડુંગરનો પ્રવાસ કરવા માટે એક દિવસનો સમય પૂરતો છે , પ્રવાસ દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી ૧૦ વાતો આ મુજબની છે:

૧. કડિયા ડુંગરના પ્રવાસ દરમ્યાન આશરે ૨૫૦ પગથિયાનું આરોહણ છે, જેમાં વાંચે પ્રાકૃતિક રીતે બનેલી સીડી પણ આવે છે જેની સાથે આ ડુંગરના અમુક ભાગમાં તો પગથિયાં પણ નથી. કડિયા ડુંગર ઉપર ચડતા સમયે એક ભાગમાં પગથિયાં નથી, ત્યાંનું આરોહણ સંપૂર્ણ પણે  પ્રાકૃતિક રીતે કરવું પડે છે. ડુંગરનો આ ભાગ એવરેસ્ટ ઉપર આવેલા “ડેથ ઝોન” નો અનુભવ કરાવે છે.

૨. કડિયા ડુંગર ઉપર ૧લી સદીની એક બૌદ્ધ ગુફા આવેલી છે. ગુફા ખૂબ પ્રાચીન છે પણ હાલ પૂરતી કાળજી રાખવામાં આવતી નથી માટે ગુફાની અંદરનું કઈ સ્પષ્ટ જોઈ નથી શકાતુ. તે ઉપરાંત ગુફામાં ચમચીડિયાએ પોતાનું ગામ વસાવેલું છે જેના કારણે ગુફામાં ગંદકી પણ ખૂબ છે. ગુફાની પાસે જ એક પથ્થરમાંથી કોતરીને બનાવેલો કુંડ આવેલો છે, જેમાં ડુંગર ઉપરનું પાણી ભેગું થાય તેવી પ્રાકૃતિક વ્યવસ્થા કરવામાં આવી છે.

૩. બૌદ્ધ ગુફાની બાજુમાંથી એક રસ્તો ડુંગરની ઉપરની તરફ જાય છે,  આ રસ્તે પથ્થરના પ્રાકૃતિક રીતે બનેલા પગથિયાં આવેલા છે જેની ઉપર ચાલીને ડુંગરની ટોચ સુધી જઈ શકાય છે. ડુંગરની ટોચ ઉપર કોઈક સંતના પગલાં આવેલા છે, જોકે જેમને સંતના પગલાંમાં રસ ના હોય તેમના માટે ડુંગરની ટોચ એક સુંદર વ્યૂ પોઈન્ટ સાબિત થાય તેમ છે.

૪ . કડિયા ડુંગર જતાં રસ્તામાં ઠેર ઠેર પથ્થર તોડવાની ખાણ  આવેલી છે, જેને સ્ટોન માઇનિંગમાં રસ હોય તે એમાંથી કોઈ એકાદ ખાણની મુલાકાત લઈ શકાય તેમ છે. ગુજરાતમાં પથ્થરની ખાણો તો ઘણી જગ્યાએ આવેલી છે પરંતુ કડિયા નજીક આવેલી ખાણો રસ્તાને અડીને ખુલ્લામાં છે માટે મુલાકાત લેવી સેહલી છે.

૫. કડિયા ડુંગરથી થોડા આગળ વધીએ ત્યાં એક તળાવ આવેલું છે. આ તળાવ ઘણું મોટું છે અને તેનું પાણી વધુ ઊંડું ન હોવાથી નાહવાનો લાભ લઈ શકાય તેમ છે. આ તળાવના કિનારે ઘણા પક્ષીઓ જોવાનો લાભ પણ મેળવી શકાય તેમ છે. પ્રાકૃતિક રીતે બનેલા આ તળાવના કિનારે માછલી અને દેડકાના ઈંડા પણ જોવા મળે છે.

૬. કડિયા ડુંગરની મુલાકાત લેવા માટેનો ઉત્તમ સમય સવારમાં અથવા સાંજે છે કારણ કે ડુંગરની ટોચ ઉપર બપોરના સમયે તાપમાં ચડવું થોડું આકરું સાબિત થાય તેમ છે.

૭. ગુજરાત ટુરિઝમ દ્વારા કડિયા ડુંગરની આસપાસ બેસવા માટેની કુટીર બનાવવામાં આવી છે જેમાં બેસીને વનભોજનનો આનંદ લઈ શકાય તેમ છે. કડિયા ડુંગરની તળેટીમાં એકાદ બે નાનકડી હાટડીઓ આવેલી છે જ્યાંથી નાસ્તો અને પાણી મળી શકે તેમ છે , પણ પાક્કૂ ભોજન ડુંગરની નજીક ક્યાંય મળી શકે તેમ નથી. પાક્કા ભોજન માટે પ્રવાસીઓએ ૧૦ કિમી છેટે આવેલા મુખ્ય રસ્તા સુધી જવું પડે છે.

૮. કડિયા ડુંગરની ઉગમણી તરફ મહાદેવનું મંદિર આવેલું છે જ્યારે આથમણી બાજુ બૌદ્ધ ગુફાઓ આવેલી છે. બૌદ્ધ અને મંદિર વચ્ચે સફર કરવા માટે પણ પથ્થરનો બનેલો એક રસ્તો છે, જેની ઉપર થઈને પ્રવાસી બંને જગ્યાનો લાભ લઈ શકે તેમ છે.

૯. કડિયો ડુંગર આમ તો વર્ષના બારે માસ પ્રવાસીઓ માટે ખુલ્લો હોય છે પણ ચોમાસા અને શિયાળા દરમ્યાન આ ડુંગરની મુલાકાત લેવી સલાહભર્યું છે. કડિયા ડુંગર સુધી પોહચવાનો રસ્તો થોડો અંતરિયાળ છે માટે વેહલી સવારમાં અથવા સાંજના સમયે કોઈ જંગલી જનાવર નજરે પડી જાય તેવી પણ શકયતા છે.

૧૦. કડિયા ડુંગર જતાં રસ્તામાં એક જગ્યા પર નેરો ગેજ રેલ્વેના પાટા આવેલા છે, જંગલની મધ્યમ ટ્રેનના પાટા ક્યાંથી આવ્યા તે કુતૂહુલ પમાડે તેવી વાત છે. હોય શકે કે જૂના જમાનામાં કડિયા પાસે આવેલા આ પાટાનો ઉપિયોગ પથ્થર સારવા માટે કરવામાં આવતો હોય !

કડિયા ડુંગર સુધી પોચવાના ઘણા રસ્તા છે જેમાંથી એક રસ્તો રાજપીપળા થઈને છે અને બીજો રસ્તો ભરૂચ થઈને આવે છે. ડુંગર સુધી પોચવાના બંને રસ્તા જોકે અતિ ખરાબ છે માટે મજબૂત વાહન દ્વારા પ્રવાસ ખેડવો અનિવાર્ય છે. એક દિવસની મુલાકાત માટે ઉત્તમ જગ્યા કડિયો ડુંગર વડોદરાથી ૧૨૭ કિમી, રાજપીપળાથી ૫૨, ભરૂચથી ૩૯ અને સુરતથી ૮૫ કિમીના અંતરે આવેલો છે.

https://rakhdeteraja.com/%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%b2-%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%87%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%b2-%e0%aa%af%e0%ab%87-%e0%aa%a7%e0%aa%b0%e0%aa%a4/

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *