બે જંગલ ફરી લીધા પછી હવે અમારે લગભગ આખો દિવસ સફર કરવાની હતી. મંઝીલ આવે ત્યારે ખરી પણ એ સફર રસપ્રદ હતી.
લેખક – વિમલ જયસુખભાઈ સોંડાગર
એપ્રિલ 3 – આજે જરા નિરાંત હતી. સવારે ૯ વાગતા સુધીમાં બધા મિત્રો ગાડીઓમાં ગોઠવાયા. અમારે જવાનું તો કલિમપોંગ હતું, પણ એ સફર આખો દિવસ ચાલવાની હતી. કેમ કે સફરમાં જ અમે ભુતાન અને નેપાળની સરહદને સ્પર્શવાના હતા. વચ્ચે ક્યાંક રોકાણ પણ હતુ. વચ્ચેનું રોકાણ-બોકાણ તો ઠીક પણ ભુતાન-નેપાળની સરહદની વાતથી અમારો ઉત્સાહ ક્યાંય સમાતો ન હતો.
પહેલો પડાવ ચાના બગીચામાં હતો. આ વિસ્તારમાં ઘણા ચાના બગીચા છે. અમને એ પણ માહિતી મળી કે નક્સલવાદના જન્મદાતા તરીકે જગજાહેર થયેલું ગામ નક્સલબાડી નજીકમાં જ છે અને ત્યાંની પ્રજા પણ નક્લસવાદને ક્યારનો પ્રદેશવટો આપીને ચાની ખેતીમાં લાગી પડી છે. ચા પીધા પછી સવાર-સાંજ પડતી હોય એ ચાના બગીચા અમારી બન્ને તરફ આવી રહ્યા હતા. બપોર સુધી એવા રમ્ય રસ્તે ચાલ્યા પછી એક નાની ટેકરી પર અમે ઉતર્યાં. એ સ્થળનું નામ ‘ફાગુ ટી એસ્ટેટ’ હતું. એ બંગલો બ્રિટિશકાળમાં બનયો હતો. હવા ખાવાના શોખીન અંગ્રેજોએ ઉત્તર બંગાળમાં ઠેર ઠેર ચાના બગીચાઓ વચ્ચે બંગલાઓ બાંધ્યા હતાં. હવે આવા ઘણા બંગલા રિસોર્ટમાં ફેરવાઈ ગયા છે. ફાગુ પણ એવો જ રિસોર્ટ કમ બંગલો હતો. ચાના ખેતર વચ્ચે લાકડા ખોડીને બનાવેલા આ મકાનોમાં બહુ સસ્તા ભાડે રહી શકાય છે. લીલા અને ગુલાબી કલરથી શોભતા એં બગલાને માથે ઢળતી છત હતી.
ફાગુ બંગલો ખાસ્સી ઊંચાઈ પર હતો એટલે અહીંથી અમારી નજર દૂર સુધી ફેલાયેલા ચાના સામ્રાજ્ય સુધી પહોંચી. ચાના બગીચાઓમાં ચાના નાના નાના છોડવાઓ પછી એક મોટું વૃક્ષ આવેલું હોય. તેના લીધે નાના બાળકો ઉપર મોટા વડીલોની છત્રછાયા હોય એવું દૃશ્ય ઉભું થતું હતું. વાદળછાયાં વાતાવરણમાં લીલીછમ પથરાયેલી ચાદરની વચ્ચે પીઠ પર વાંસની ટોપલી બાંધીને કામદારો ચાના પાંદ ચૂંટતા હતાં.
નજીકમાં ચાની ફેક્ટરી હતી ત્યાં ચાના પાંદડાથી રસોડાના ડબલામાં રહેતી ચા સુધીની સફર પણ અમે માણી. કઈ રીતે પાંદડા વીણાય, કારખાના સુધી પહોંચે, તેના પર જાતજાતની પ્રક્રિયા થાય, કટિંગ-સુકવણી થાય, ભૂક્કો થાય.. વગેરે વસ્તુ નજરોનજર જોવાનો લહાવો મળ્યો. અહીં આવનારા પ્રવાસીઓ પણ ટી પ્રોસેસિંગ કારખાનાઓની મુલાકાત લઈ શકે છે. એ જોઈને અમે આગળ વધ્યા.
હવેની સફરમાં જાણે સપાટ જમીનો પાસેથી એમનું રજવાડું આંચકીને પહાડોએ પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું હોય એવી ભુગોળ હતી. પહાડો વચ્ચે-ફરતા વાંકા-ચૂકા રસ્તાઓ પરથી અમારો ડ્રાઈવર સલામત રીતે અમને આગળ લઈ જતો હતો.
ધીમેધીમે ઊંચાઈ વધતી ગઈ. અમને સૂચના મળી કે અમે લાવા જઈ રહ્યાં છીએ જે હજાર ફીટ કરતા વધુ ઊંચુ ગામ છે! ત્યાં પહોંચવાનો રોમાંચ હતો અને પહાડી રસ્તાઓનો ડર પણ. ગાડી ઉપર ચડે એમ એમ તાપમાનનો પારો ઝડપથી નીચે ઉતરતો જતો હતો. રસ્તાની એક બાજુ ઊંડી ખીણો તો બીજી તરફ પહાડી ઢોળાવમાં ચીલના વૃક્ષોની હારમાળ સર્જાયેલી હતી.
અચાનક જ રસ્તા પર ઘૂમ્મસ વધવા લાગ્યું. એટલુ બધું કે બાર-પંદર ફીટ દૂરનું ચિત્ર પણ અમે જોઈ શકતા ન હતાં. લાવા પહોંચ્યા તો ખરા પણ ગાડીમાં બેઠા ત્યાં સુધી અમે સલામત હતાં. જેવા બહાર નીકળ્યા એવી ખબર પડી કે અહીંયા તો કાતિલ ઠંડી છે. ગઈ કાલે કરા વર્ષા પછી આજે હિમાલય અમને તેનું અલગ સ્વરૃપ બતાવી રહ્યો હતો. અમારા માટે માનવું મુશ્કેલ હતું કે ધોમધખતા ઊનળામાં અમે થરથર ધ્રૂજી રહ્યાં છીએ. ઉતરીને સીધા એક દુકાન કમ હોટેલમાં ઘૂસી ગયા જ્યાં અમારા માટે ગરમ પકોડા તૈયાર હતાં. ઠંડીથી બચવાનું એ એકમાત્ર હથિયાર હતું, કેમ કે કોઈ પાસે ગરમ વસ્ત્રો ન હતાં! ગામનું નામ લાવા હતું પણ તાપમાન જ્વાળામુખીના લાવારસને ઠંડુ કરી નાખે એવું હતું! હિમાલયનું એ પણ એક સ્વરૃપ હતું. મનોમન જ અમે કુદરતની અજબ કળાને વંદન કરી રહ્યાં હતાં. ફરી ગાડીઓ આગળ વધી, કલિમપોંગ તરફ.
કલિમપોંગ બંગાળના છેડે આવેલું છે એ પછી તુરંત નેપાળ શરૃ થઈ જાય. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં અમારા ઉત્સાહનો પણ છેડો આવી ગયો હતો. સાંજ પડી ચૂકી હતી. દૂરથી લાઈટો દેખાતી હતી. એ જોતા જોતા શહેર પુરું થઈ ગયું તો પણ ગાડી ઉભી ન રહી. અમને સવાલ થયો કે હજુ આગળ ક્યાં જવાનું છે. ગાડીમાં બેસીને બધા અકળાઈ ગયા હતા. પણ હકીકતે અમારી હોટેલ જરા ગામના છેડે હતી. ત્યાં પહોંચ્યા અને ખાસ કંઈ નવા-જૂની કર્યા વગર પથારીમાં પડ્યા.