Dooars Tourism 5- એક તરફ હિમાલય હતો, બીજી તરફ નેપાળ.. વચ્ચે નદીના પટમાં અમે

બંગાળ પ્રવાસના છેલ્લા દિવસે ફરવાનું તો હતું જ, સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીનો અનુભવ પણ લેવાનો હતો. એ માટે અમે ઉપડ્યા સિક્કીમ સરહદે..

ભાગ-4ની લિન્ક

લેખક – વિમલ જયસુખભાઈ સોંડાગર

કલિમપોંગથી સવારમાં અમને તિસ્તા નદીના પટમાં જવા ઉપડયા. ફરતી બાજુ દેખાતા પહાડો હિમાલયના હતાં. વળી અમને એ જાણીને ભારે રોમાંચ થયો કે જો વાતાવરણ સાફ હોય તો કલિમપોંગમાંથી જ તમે કાંચનજંગા શિખર જોઈ શકો છો. કાંચનજંગા નેપાળમાં આવેલું છે અને જગતનું ત્રીજા નંબરનું ઊંચુ શીખર છે. લ્યો બોલો, નેપાળમાં છે તોય દેખાય!

હરિયાલી ઓર રાસ્તા

સૂર્યના કુમળા કિરણો વચ્ચેથી અમે આગળ વધતાં હતા એ સિલ્કરૃટ હતો. જગતના ઈતિહાસમાં સિલ્કરૃટનું આગવુ મહત્ત્વ છે. જ્યારે આજના જેવી વાહન સગવડન હતી એ યુગમાં કલકત્તાથી સિલ્કરૃટ પર સવાર થઈને માલ-સામાન આખુ ભારત વીંધી, આજનું પાકિસ્તાન-અફઘાનિસ્તાન છે ત્યાં થઈ યુરોપ સુધી પહોંચતો હતો. અમારી ગાડીઓ સિક્કમમાં થઈને ફરી બંગાળમાં આવી. નદીના આ કાંઠે બંગાળ, પેલા કાંઠે સિક્કીમ હતું. નદી કાંઠે બંધાયેલા તંબુ-કોટેજ અમારો પડાવ હતો. થોડી વારે સૂચના મળી એટલે અમે સહાયકોની પાછળ પાછળ નદીમાં આગળ ચાલ્યા. એક સ્થળે નદીના પર દોરડુ બાંધેલુ હતું. એવરેસ્ટ આરોહણની તૈયારી કરતા સંજોયે (આપણા માટે તો સંજય) અમને દોરડાની મદદથી નદી પાર કરતા શિખવવાના હતા. કઈ રીતે કમર પર ગાંઠ મારવી, કઈ રીતે દોરડું સરકાવવુ.. વગેરે શિખવી નદીના બસ્સોએક ફીટ પહોળા પટ્ટાને અમે સૌએ એક પછી એક દોરડા વડે પાર કર્યો. એ ભારે મજેદાર પ્રવૃત્તિ હતી. કોઈ કુદરતી આફત વખતે રસ્તાઓ બ્લોક થાય ત્યારે આ પ્રકારે નદી કે કોઈ પણ સ્થળ પાર કરી શકાય એ અમે શિખ્યા. આ એડવેન્ચર એક્ટિવિટી માત્ર મજા કરવા માટે ન હતી. મુશ્કેલ સમયે તેનો કેમ ઉપયોગ થાય એ અમારે શીખવાનું હતું. આર્મી જ્યારે રેસ્ક્યુ ઓપરેશન કરે ત્યારે આવી જ રીતે કામ કરતી હોય છે.

આ પુલ દર વખતે ચોમાસામાં તણાઈ જાય, દર વખતે નવો બને.

એ રીતે ખડક પરથી દોરડા વડે કઈ રીતે નીચે ઉતરવું એ પાઠ પણ અમે ભણ્યા. એ પછી ત્યાં તૈયાર થયેલું ભોજન નદી કાંઠે બેઠા બેઠા જ આરોગ્યું. એ તીસ્તા નદી હતી. હિમાલયથી નીકળી બંગાળ થઈ આખો બાંગ્લાદેશ પાર કરીને બંગાળના ઉપસાગરને મળતી હતી. એના કાંઠે અમારી મોજમજા ચાલતી હતી. બપોર પછી ત્યાંથી રવાના થયા. કલિમપોંગમાં તો ઘણુ ફરવાનું છે, પણ અમારા કેન્દ્ર સ્થાને એ શહેર ન હતું. તો પણ પેરાગ્લાઇડિંગ સ્પોટ, ગાર્ડન, ગોલ્ફ કોર્સ.. વગેરેની ટૂંકી સફર કરી. એમાં અમને ખાસ રસ ન હતો. ચીજ, ફુલો સહિતની ચીજોના ઉત્પાદન માટે કલિમપોંગ જાણીતું છે. અહીં કેટલાક ગુજરાતીઓ પણ વસે છે. એ અંગે પહેલેથી તપાસ કરીને જવાય તો પ્રવાસ ઘણો સરળ થઈ શકે.

ઉત્તર બંગાળની અગાસી પર લેખક

એ દિવસે વાતાવરણ ધૂંધળું હતુ. વળી સવારથી જ અમે કલિમપોંગના ઊંચા વિસ્તારને બદલે તીસ્તાના નીચાણવાળા પટમાં હતા. એટલે કેટલાક મિત્રોને આડું પથરાયેલું કાંચનજંગા શિખર જોવુ હતું. એ ન દેખાયુ. બીજા દિવસે સવારે અમારે નીકળવાનું હતુ. એ વખતે થોડો સમય હશે, ત્યારે જોઈ શકાશે એમ માનીને ફરી પથારીમાં પડ્યા.

સવારે તૈયાર થઈને હોટેલની અગાસીમાં પહોંચી ગયા. એ દેખાય..  એ દેખાય… એમ બધા આંગળી ચીંધતા હતા. પણ બંગાળી જાણકારે સમજાવ્યુ કે તમને દેખાય એ એકેય કાંચનજંગા નથી. કાલની માફક આજે પણ કાંચનજંગા વાદળની ઓથે ઢકાયેલું છે. વળી એ તો પર્વતરાજ છે, એનું મન પડે તો દર્શન આપે. અમને સમજાયું કે કુદરતની કળા તમે ઈચ્છો ત્યારે નથી જોઈ શકતા, કુદરત ઈચ્છે તો અને ત્યારે જ તેનો સાક્ષાતકાર થઈ શકે.

હોટેલમાંથી સામાન લઈને અમે બધા ત્રણ ગાડીમાં ગોઠવાઈ ગયા. રસ્તો તીસ્તાના કાંઠે કાંઠે ચાલે છે. રસ્તામાં એક જગ્યાએ તીસ્તા પાર કરી ત્યાં તેના પરનો આકર્ષક લાલ કલરનો કમાન પુલ પણ જોવા મળ્યો. પરંતુ અમે ખાસ્સી મજા કરી લીધી હતી કોઈ નવું સ્થળ જોવાની લાલચ દબાવીને બેસી ગયા હતા. વળી બન્ને બાજુ ઊંચા શીખર અમને કુદરત સામે મનુષ્યના વામન કદનો ખ્યાલ આપતા રહેતા હતા.

બાગડોગરાથી કલકતા અને કલકતાથી અમદાવાદ પહોંચતા ખાસ વાર ન લાગી. પરંતુ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા પછી પણ અમારી આંખોમાંથી ચાના બગીચા, હિમાલય, ભૂતાન, ગેંડા.. વગેરેના દૃશ્યો હટતાં ન હતાં!

ઉત્તર બંગાળ જવું હોય તો ટિપ્સ

  • જલદાપારા કે ગોરુમારા જવા માટે નજીકનું એરપોર્ટ બાગડોગરા છે. અત્યાર સુધી એ વિસ્તારનું એ એકમાત્ર એરપોર્ટ હતું. હવે જોકે સિક્કીમના પાટનગર ગંગટોકમાં પણ એરપોર્ટ ખુલ્લું મુકાયું છે. તો પણ બાગડોગરા જ વધારે સરળ ગણી શકાય. બાગડોગરાથી જલદાપારા ટુરિસ્ટ લોજનું અંતર 140 કિલોમીટર છે, ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી એ અંતર સવાસો કિલોમીટરનું છે. ગંગટોકથી તો ઘણુ દૂર પડે કેમ કે અંતર 200 કિલોમીટર જેટલું છે.
  • ગુજરાતથી જતા પ્રવાસીઓને જો આખુ ભારત (પશ્ચિમથી પૂર્વ તરફ) વીંધીને આરપાર જવું હોય તો ન્યુજલપાઈ ગુડી સુધી ટ્રેનમાં જઈ શકાય. એ ટ્રેન તો છેક આસામના ગૌહાતી સુધી જાય છે, પણ ડુઅર્સ વિસ્તાર ફરવા માટે ‘એનજેપી’ તરીકે ઓળખાતા ન્યુ જલપાઈગુડીના સ્ટેશને ઉતરવું રહ્યું. આવી કુલ બે ટ્રેન છે, એક ટ્રેન છે ‘ઓખા-ગૌહાતી દ્વારકા એક્સપ્રેસ (નંબર-15635)’ અને બીજી ‘ગાંધીધામ-કામાખ્યા (1566)’. બન્ને ટ્રેન અંદાજે 50 કલાકનો સમય લે છે, એટલે ધિરજ હોય તો ઉપયોગી છે.
  • મોટા ભાગના પ્રવાસી દાર્જીલિંગ ફરીને સિક્કીમ જતા રહેતા હોવાથી ડુઅર્સમાં ભીડ બહુ ઓછી રહે છે. એડવેન્ચર, વન્યજીવ.. શોખીન પ્રવાસી અહીં વધુ આવે છે. જરા વધુ સમય હોય તો ‘બક્ષા ટાઈગર રિઝર્વ’ નજીકમાં છે. દક્ષિણમાં કૂચ બિહાર પણ છે, જેનો રાજમહેલ જોવા જેવો છે.
  • બંગાળ ફરવા-ખાવા-પીવા માટે ઘણું સસ્તું છે. મર્યાદિત બજેટમાં મસ્ત રીતે ફરી શકાય છે. ચાર-છ દિવસમાં તો બહુ સરળતાથી ફરી પણ શકાય છે. દેશ દુનિયાના પ્રવાસીઓની નજર હજુ આ સ્થળો પર પડી નથી. માટે ત્યાનું સૌંદર્ય અકબંધ છે. રહેવા માટે ઘણા સ્થળોએ ચાના બગીચા વચ્ચે અદ્ભૂત કોટેજીસ છે. બંગાળ ટુરિઝમના રહેણાંક ક્યાં ક્યાં છે, તેની માહિતી તેની https://www.wbtdcl.com/ વેબ પરથી મળી શકશે.
  • વધુ વિગત માટે બંગાળ પ્રવાસન વિભાગની વેબસાઈટ www.bengaltourism.in જોઈ જવી. અમારા પ્રવાસ દરમિયાન બંગાળ, નોર્થ-ઈસ્ટ ઈન્ડિયાના ટુર એક્સપર્ટ સ્વરોજીત રોય અમારી સાથે હતા. તેનો પણ પર 09836077202, 08240770805 પર સંપર્ક કરી શકાય અથવા વેબસાઈટ www.100miles.co.inની મુલાકાત લઈ શકાય.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *