પહેલા દિવસે અનોખા સરહદી ગામ તોતોપારાની મુલાકાત લીધા પછી બીજા દિવસે અમારે ખરા અર્થમાં અરણ્ય ખૂંદવાનું હતું.
લેખક – વિમલ જયસુખભાઈ સોંડાગર
એપ્રિલ 2
ફરવા આવ્યા ત્યારે આમ તો નિરાંત હોય પણ અમારે સવારે 6 વાગે તૈયાર થઈને આવી જવું પડ્યું. એ વખતે નવું દૃશ્ય જોવા મળ્યું એ અજવાળાનું. સવારના 6 વાગે થોડોક અંધકાર હોય પણ અહીં આઠ વાગ્યા હોય એવો દિવસ ખીલી ગયો હતો. પછી કોઈએ સમજાવ્યું કે આપણે પશ્ચિમ છેડે રહેનારા છીએ અને ફરવા પૂર્વમાં આવ્યા છીએ, સૂર્યના કિરણો અહીં જરા વહેલા પધારે છે. સૂચના પ્રમાણે સૌ પોતપોતાના વાહનોમાં ગોઠવાઈ ગયા. દસેક મિનિટ ગાડીઓ ચાલી ત્યાં પ્રવેશદ્વાર આવ્યુઃ ‘જલદાપારા નેશનલ પાર્ક.’
પાર્કના પ્રવેશદ્વારે ગાડીઓ થંભી અને અમારા બંગાળી સહાયકો પરમીટની તજવીજમાં પડયા. પ્રવેશદ્વાર પાસે જંગલનું વિશાળ પોસ્ટર હતું અને ગેંડાનું શિલ્પ પણ હતું. એ ગેંડા જોવા અમારે જવાનું હતુ. જોકે કોઈએ કહ્યું કે એમ આસાનીથી ગેંડા જોવા મળશે નહીં. થોડી વારે ફરી ગાડીઓ આગળ ચાલી. ત્યાંથી વાહન બદલાયા. હવે અમે જંગલ સફારી માટે જિપ્સીમાં ગોઠવાયા. કેટલાક મિત્રો બેઠા, કેટલાક ઉભા રહીને નવા જંગલને માણી રહ્યા હતા. રસ્તાની બન્ને તરફ કદાવર વૃક્ષો અને દૂરદૂર સુધી ફેલાયેલુ જંગલ અમે આંખોમાં ભરી રહ્યાં હતા. ત્યાં અચાનક ગાડીઓને બ્રેક વાગી અને અમારા બંગાળી મિત્રનો અવાજ સંભળાયોઃ ઉધોર દેખો.. ઉધોર દેખો..
અમે સૌ ચિંધેલી દિશામાં જોવા લાગ્યા.
તસ્કોર હૈ.. તસ્કોર..
પહેલા એમ સમજ્યા કે જંગલમાં ચોરી-શિકાર કરવા આવેલા તસ્કર અમારા રસ્તામાં આવી પડ્યા છે. જંગલમાં શિકાર થતો હોવાની વાત જાણતા હતા અને નાનપણમાં જૂનાગઢની લાયબ્રેરીમાંથી લઈને વિજયગુપ્ત મૌર્ય, કનૈયાલાલ રામાનુજ.. સહિત અનેક લેખકોની શિકારકથાઓ વાંચી હતી. એટલે એવી જ ઘટના અહીં બની રહી છે એવુ મને સમજાયું. પણ એ અમારો ભ્રમ હતો. બધાએ જોયુ ત્યાં એક કદાવર હાથી ઉભો હતો, તેના સફેદ દાંત આક્રમકતાનો ખ્યાલ આપતા હતા.
પછી સમજાવ્યું કે દંતુશૂળ ધરાવતો જંગલી હાથી ટસ્કર તરીકે ઓળખાય છે. બંગાળી મિત્ર તેની ભાષા પ્રમાણે તેનો પહોળો ઉચ્ચાર કરી રહ્યો હતો. હાથીને જોયો એ ક્ષણે જ અમને અહેસાસ થયો કે અમે ખરેખર જંગલમાં છીએ. રસ્તા પર નીકળતા પાળેલા હાથી ઘણા જોયા હતા, આ કંઈક નોખી માટીનો બનેલો હતો. ગીચ જાળીમાં ઉભેલો ટસ્કર પોતાની સૂંઢ વડે જ પોતાના શરીર પર ધૂળનો વરસાદ વરસાવતો હતો. અમારા ગાઈડ દ્વારા માહિતી મળી કે અત્યારે તેની પ્રણય મોસમ ચાલી રહી છે. એટલે આ ટસ્કર આસપાસમાં ક્યાંક છૂપાયેલી તેની પ્રેયસીને શોધી રહ્યો છે. તેનાથી દૂર રહેવામાં જ સાર હતો.. અમારી જિપ્સીઓ આગળ ચાલી..
જંગલની સફર શરૃ કર્યાની થોડી મિનિટોમાં જ અલમસ્ત હાથીના દીદાર થયા એટલે સૌ આનંદિત હતાં. એ આનંદનો ઉભરો હજુ તો શમે એ પહેલાં ઘાસમાં ફરી બીજું પ્રાણી દેખાયું. ઉપરકોટના કિલ્લા જેવી એની ચામડી, હાથી કરતાં જરા નાનું કદ, થાંભલા જેવા પગ અને આંખોમાં આક્રમકતા સાથે ફરતું એ પ્રાણી હતું ગેંડો! દરાવાજા બહાર પૂતળું જોયુ હતું એ પ્રાણી સાક્ષાત અહીં હાજર હતું. ગેંડાને જંગલમાં જોવાનો અમારા સૌ માટે પહેલો પ્રસંગ હતો. માટે બધા ઘડીક તો નીરખી જ રહ્યા.
શિંગડાઓ માટે ગેંડાઓનો શિકાર થાય છે. માટે વનખાતાએ પહેલેથી જ સમજીને અહીંના શિંગડા સલામતીપૂર્વક (ઓપરેશન કરીને) હટાવી દીધા છે. હવે અહીં શિકારની ઘટનાઓ ખાસ બનતી નથી. જોકે બે-પાંચ વર્ષે એકાદ પ્રસંદ નોંધાય છે, પણ આસાનું કાઝિરંગા પાર્ક જેમ શિકાર માટે બદનામ થયું છે તેની ખરાબ સ્થિતિ આ જંગલની આવી નથી. બદનામ તો ઠીક, આ જંગલનું તો નામ પણ નથી થયું. એટલે જ તો બહુ ઓછો લોકો તેના વિશે જાણે છે. નાનુ કૂટુંબ સુખી કૂટુંબની માફક સવા બસ્સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ આ નાનુ જંગલ અને તેમાં હાથી-ગેંડાના સુખી કૂટુંબ રહે છે.
ચલો ચલો.. જલ્દી કીજીએ.. અભી એલિફન્ટ સફારી પર જાના હૈ.. સૂચના સંભળાઈ એટલે અમારી જિપ્સી આગળ વધી. જાતજાતના નવાં વૃક્ષ, ઉપર પક્ષી વગેરે આવતું જતું હતુ. અમે પક્ષી-વનસ્પતીશાસ્ત્રી હતા નહીં એટલે એ નામ ખાસ યાદ રહ્યાં નહી. સફર અટકી ત્યાં આગળ એક વનવિભાગની ઓફિસ અને મકાન વગેરેનું બાંધકામ આવ્યું. ત્યાંથી અમારે હાથી પર બેસીને જંગલમાં ફરવાનું હતું. આમ તો ઘણુ જંગલ જિપ્સીમાં બેસીને જોઈ લીધું હતું, એટલે એમ થયું કે હવે શું નવું જોવાનું હશે.. કંઈ નહીં તો હાથી પર બેસવાનો આનંદ તો લઈએ એમ માનીને હાથી પર ગોઠવાયેલી બેઠકમાં ચાર-ચાર વ્યક્તિ સમાયા.
મહાવતની સૂચના મળી એટલે એક પછી એક અમારા 3 હાથી રવાના થયા. એક મેદાન વટાવ્યું એ પછી જરા ગાઢ જંગલ આવ્યું. આગળ વધ્યા એમ ગાઢ જંગલની વ્યાખ્યા નવેસરથી કરવી પડે એવી ગીચ જાડી શરૃ થઈ. ગુજરાતમાં તો આવા જંગલ બહુ ઓછા છે. આગળ વધ્યા એમ સમજાયું કે આ અરણ્યમાં હાથી સિવાય કોઈ ‘વાહન’ ચાલી શકે નહીં! જંગલ એકદમ ગાઢ હતું, જમીન પર ઘાસ-પાણી-કાદવનું મિશ્રણ હતું. વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે આંકડિયા ભીડી ગઈ હતી.. એમાંથી હાથીઓ રસ્તો કરતાં અમને લઈ જતાં હતાં. હાથી પર બેસવાનો એ પહેલો અનુભવ હતો. બધા આમ-તેમ હાલક ડોલક થતા હતા. રસ્તામાં ક્યારે ઝરણા તો ક્યારેક ખાડા-ટેકરા આવતા જતા હતા. એમાં અમને પાણીમાં આરામ ફરવાત ગેંડા જોવા મળ્યા. જંગલમાં હાથી પણ હતા, પરંતુ અમારી સવારી જેના પર હતી એ એલિફન્ટ રાઈડની ટીમમાં એક માદા હાથણી હતી, તેનું બચ્ચું પણ હતું. સલામતી માટે જંગલના હાથીઓ દૂર રહે એ ધ્યાન રાખવામાં આવતું હતુ. એ જંગલ જોઈને બેએક કલાકે અમે પરત ફર્યાં.
ગેંડાના ગઢ અને હાથીની હદમાંથી આમ તો અમે બહાર નીકળી ગયા હતા. છતાં પણ અમારે બીજી એવી જ એક હદ એટલે કે વન વિસ્તારમાં જવાનું હતું. બપોરના ૩ વાગાના સમય હતો અમારી ગાડીઓ સડસડાટ ગોરુમારા નેશનલ પાર્ક તરફ આગળ વધી રહી હતી. વાતાવરણમાં થોડો ઉકળાટ હતો, અમે ગાડીના કાચ નીચે ઉતારીને અમે રસ્તાની બંને બાજુ પથરાયેલા ચાના બગીચાના રમ્ય દૃશ્યો જોતાં જોતાં ગોરુમારાના પ્રાંગણમાં પહોંચ્યા.
પરમિટ વગેરેની કાર્યવાહી થાય એટલી અમારે રાહ જોવાની હતી.. પણ ત્યાં તો હિમાલયે ખુદ આવીને જાણે અમારું સ્વાગત કર્યુ. વાતાવરણનો ઉકળાટ ગાયબ થયો, ઠંડો પવન શરૃ થયો, થોડી વાર પછી વરસાદ અને પછી કરાનો વરસાદ.. એકાદ કલાક એ તોફાન ચાલ્યું ત્યારે અમને સૌને એમ થયું કે જંગલ તો ઠીક હવે તો ઉતારે પાછા સલામત પહોંચીએ તોય ઘણું!
વરસાદ અટક્યો ત્યાં સુધીમાં સર્વત્ર સફેદ કરાની ચાદર પથરાઈ ચૂકી હતી. ચાનાં પાંદડાઓ પર પડેલું પાણી નીચેથી વહેતું થઈ ગયુ હતું. થોડી વાર પહેલા દેખાતા લીલા પાંદ હવે પાણી પડવાથી ચમકદાર લીલા થથઈ ગયા હતા. ગુજરાતમાં એપ્રિલની ગરમી હોય એ વખતે અમે અષાઢી માહોલનો અનુભવ કરતાં જંગલમાં પ્રવેશ્યા. અહીં વળી નવું સરપ્રાઈઝ હતું. સવારે જિપ્સી અને હાથી પર ફરી લીધા પછી અહીં પાડા જોડેલા ગાડાંમાં બેસીને જંગલ ખુંદવાનું હતું! સૂચના પ્રમાણે અમે તાલપત્રી ઢાંકેલા પાડાગાડા (જેને ત્યાંના લોકો તો બળદગાડું જ કહેતા હતાં)માં ગોઠવાયા. ભારતમાં માંડ બેએક જંગલ છે, જ્યાં પાડાગાડીની સફર માણી શકાય છે.
ધીમો ધીમો વરસાદ ચાલુ હતો, ઠંડો પવન ફૂંકાતો હતો અને એ વચ્ચે અમે પાડાની સવારી કરી આગળ વધી રહ્યાં હતા. જંગલ વચ્ચે ખડા કરાયેલા એક વોટ ટાવર પર ચડીને અમે ફરતી બાજુનું જંગલ નીહાળ્યું. દૂર ગેંડા અને ગૌરના ટોળાં હતાં. એ સ્પષ્ટ નહોતા દેખાતા પણ હવે અમને જોવાની ઉત્સુકતાય નહોતી. કેમ કે ગુરુમારામાં જીવજગત જોયું હતું ને સાથે સાથે હિમાલયના વાતાવરણનો અલૌકીક અનુભવ થઈ ચૂક્યો હતો.
પછીના દિવસે અમારે હિમાલયના અલગ સ્વરૃપના દર્શન કરવાના હતા.