ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3

સાડા પાંચસો વર્ષ પહેલા ગીરના જંગલમાં જેસાજી-વેજાજી નામના બહારવટિયા રહેતા હતા. જ્યાં રહેતા હતા એ વેજલ કોઠાની મુલાકાત લઈ લીધી. હવે છેલ્લા બહારવટિયા રામ વાળાના સ્થાનકની સફર કથા.

વતન જૂનાગઢમાં તો વારંવાર જવાનું થતું હોય. ગિરનારના જંગલમાં હજારો નાની-મોટી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. એમાં એક બોરદેવીની જગ્યા છે. દર વર્ષે દીવાળી પછી ગિરનારની લીલી પરિક્રમા શરૃ થાય ત્યારે રસ્તો બોરદેવી પાસેથી પસાર થાય. માટે એ સ્થળ બહારના લોકો માટે થોડું જાણીતું છે. જૂનાગઢવાસીઓ માટે તો અડધો દિવસનો સમય હોય તો પણ મિનિ પિકનિક કરવા ત્યાં જઈ શકાય. ગિરનારની તળેટીથી આઠેક કિલોમીટર અંદર છે અને છેક સુધી વાહન જઈ શકે એવો રસ્તો છે. માટે પ્રવાસીઓને ખાસ અગવડ પડતી નથી.

બોરદેવીનું જંગલ પુરં થાય પછી શરૃ થાય છે બોરિયા ગાળા સુધી લઈ જતો રસ્તો. આગળ જતો રસ્તો નામ માત્રનો રહે છે, જંગલ રસ્તાને ઘેરી વળે છે.

નાનો હતો ત્યારે એક વખત બોરદેવી ગયો હતો. હવે ફરીથી જ્યારે તક મળે ત્યારે બોરિયાગાળો શોધવાના લક્ષ્યાંક સાથે જવાનું હતું. એ તક આવી પહોંચી. જૂનાગઢમાં રહેતા અને દરેક પ્રવાસમાં સાથે જોડાઈ જતા ભાઈ વિમલ સાથે બોરદેવી જવાનું નક્કી કર્યું. સાથે સાધુપુરુષ મિત્ર પ્રફુલ મેસવાણિયા અને તેમના મિત્ર પ્રોફેસર દિનકર મોરવાડિયા પણ જોડાયા. ચાર વ્યક્તિ, બે બાઈકની સવારી ઉપડી.

ભવનાથ તળેટીમાં આવેલા બોરદેવીના દરવાજેથી અંદર પ્રવેશ્યા. બોરદેવી જતો રસ્તો થોડો ઊંચો, પછી વળી નીચો, એ રીતે આવે છે. જંગલમાં તો સપાટ રસ્તો ક્યાંથી હોય?  પોણી કલાકે બોરદેવી પહોંચ્યા. જ્યાં બોરદેવી માતાનું મંદિર છે એ આખો વિસ્તાર સપાટ મેદાન છે. પાછળ નદી વહે છે. નદીમાં એ કદાવર મખમલી ચામડી ધરાવતું સાબર પાણી પી રહ્યું હતુ. એટલે મંદિર પહેલા તો અમે એ કુદરતની રચનાના દર્શન કર્યા.

આકાશમાંથી દેખાય એટલો સરળ રસ્તો જમીન પર નથી.

સોરઠના ઘણા ખરા મંદિરોની માફક ભક્તો માટે નાસ્તો-પાણી વગેરે તૈયાર હતું. ચૂલા પર કિટલી પડી હતી, જેમને ચા પીવી હોય એ લઈ શકે. આ મંદિર જોકે તેના છાશના પ્રસાદ માટે જાણીતું છે. છાશના પાત્રો ભરેલા હતા. જંગલમાં એ છાશ એનર્જી બૂસ્ટરનું કામ કરે. અમે પણ ક્ષમતા મુજબ એક-બે ગ્લાસ ઉદરમાં ઉતારી. અહીંના મહંત અને પ્રફૂલ વચ્ચે જૂની ઓળખાણ હતી. એ બન્નેએ થોડી વાતો કરી. એ પછી મહંતને જ રસ્તો પૂછીને બોરિયાગાળા તરફ જવા રવાના થયા.

મહંતે કહ્યું કે ત્રણેક કિલોમીટર અંદર છે, મોટરસાઈકલ નહીં જાય. મેદાન પૂરુ થાય ત્યાં વાહન મુકીને ચાલવા માંડજો. રસ્તો અઘરો છે, માટે પથ્થર પર ચૂનાથી કરેલા સફેદ એંઘાણના સહારે આગળ વધજો. અમે નીકળી પડ્યા.

થોડી સુધી સીધી કેડી આવ્યા પછી વળાંક લીધો. નદીના કાંઠે કાંઠે એ કેડી આગળ વધતી હતી. ગિરનારમાં આવા અનેક રસ્તા છે, જેમાં ઉપરથી ગબડતા ગબડતા પથ્થર અટકી પડ્યા હોય. એ પથ્થરના સહારે સહારે ચાલતા જવાનું. પણ આ રસ્તો અમારા માટે અજાણ્યો હતો. થોડી વાર ચાલ્યા પછી સમજાયું કે જો કોઈ પરોપકારીએ પથ્થર પર નિશાન ન કર્યા હોય તો રસ્તો ન મળે. એમનો મનોમન આભાર માનતા અમે આગળ વધ્યા. ત્રણેક કિલોમીટર ચાલવુ એ કંઈ મોટી વાત નથી, પણ જંગલમાં, પથ્થરો ખૂંદતા, સાંકડી કેડી પર ચાલવાનું હોય તો એ ઘણી મોટી વાત છે. એમ આસાનીથી ત્રણ કિલોમીટરનો રસ્તો પૂરો થતો ન હતો. એકાદ કલાક ચાલ્યા પછી તો એમ થયું કે ભૂલા નથી પડ્યા ને! પવન ફૂંકાય અને પાંદડા હલબલે ત્યારે પર્ણમર્મર સંભળાતો હતો. એ સિવાય કોઈ અવાજ ન હતો. રસ્તા પર દોરેલા ઈશારા જોઈને એ મુજબ ચાલતા હતા.

આવી શિલા ઓળંગતી જવી પડે, ક્યાંક બાયપાસ કરવી પડે.

એક મોટી શિલા વટાવીને આગળ વધ્યા ત્યાં પથ્થર પર બાંગા-ત્રાંગા અક્ષરે લખેલું વંચાયુ, વીર રામ વાળાની ખાંભી, એ પછી એરો માર્યો હતો. એ પછી લખેલા વાક્યએ અમારા બધામાં ઉત્સાહ જગાવ્યો. ચાની સેવા ઉપર છે, એવુ લખ્યું હતુ. વાહ અહીં ચા પીવા મળશે.. ચાની વાત સાંભળીને અમારો થાક ઉતરી જાય એ પહેલા ઉપર તરફ નજર પડી. જ્યાં એરો માર્યો હતો એ જગ્યા જરા ઉપર હતી. જરા એટલે સોએક ફીટ, પણ એ ચઢાણ ભારે અઘરું હતુ. અહીં સુધી આવ્યા એટલે એ પથ્થરીયું ચઢાણ ચડવું જ રહ્યું.

રામ વાળાની કથા મેઘાણીએ સોરઠી બહારવટિયામાં પચીસ પાનાં ભરીને લખી છે. પણ કોઈને એ વાંચવામાં રસ ન પડે તો એક કલાકનો સમય કાઢીને આ લિંન્ક પર આપેલી કથા સાંભળી લેવી. સોરઠના સમર્થ વાર્તાકાર કાનજીભૂટા બારોટે રૃવાંડા ઉભા કરી દે એ રીતે રામ વાળાની કથા કરી છે. એ ઉપરાંત ઘણા લોકોએ રામ વાળાની કથા કરી છે, પરંતુ કાનજી બાપા જેવી નહીં. એમ તો રામવાળાના રાસડા અને છપાકરાં (દુહા-છંદનો એક પ્રકાર) પણ ગવાય છે. એ સાંભળીને પણ જોમ ચડે. કેવું જોમ ચડે એ જાણવુ હોય તો આ રહી કવિવર દુલા ભાયા કાગે ગાયેલા છપાકરાંની લિન્ક.

જંગલમાં આ માર્ગદર્શન મહામૂલુ સાબિત થાય છેે. જો આવા સંકેત ન કર્યા હોય તો પહોંચવુ મુશ્કેલ છે.

ઈતિહાસ પ્રમાણે પગ પાક્યા પછી 25-27 વરસનો રામ વાળો લાંબી મુસાફરી કરી શકે એમ ન હતો. માટે બોરિયાગાળા નામની આ જગ્યાએ આવીને ગુફામાં સાથીદારો સાથે રહેતો હતો. એક સાથીદારે જૂનાગઢ સરકારને રામ વાળાનું ઠેકાણું ચીંધી બતાવ્યુ. પણ સરકાર રામ વાળાને જીવતો ન પકડી શકી. છેવટે ત્યાં જ જંગલ મધ્યે, વનરાજીની સાક્ષીએ શહાદત વહોરી. એ જગ્યાએ આજે ખાંભી ઉભી કરવામાં આવી છે. એ ખાંભી જોવા જવી એ અમારો એકમાત્ર ઉદ્દેશ હતો.

થોડું ચઢાણ ચડ્યા ત્યાં એક ગુફા આવી. તેનું પ્રવેશદ્વાર બહુ સાંકડુ હતુ. આ ગુફામાં રામ વાળો રહ્યા હશે.. જોઈને લાગતું ન હતું. પરંતુ 100 વરસ પહેલાની સ્થિતિ કલ્પનાથી વિશેષ તો શું થઈ શકે? હજુ એરા ઉપર જવાનો સંકેત દર્શાવતા હતા. ઉપર ચડ્યાં ત્યાં આરસપહાણની એક નાનકડી દેરી દેખાઈ. દેરીના પડખે ચિત્ર દોરેલું હતુ અને નીચે લખેલું હતુ – દરબારશ્રી રામબાપુ કાળુબાપુ વાળા (ગામ વાવડી).

કાળુનો રામ કેવો… જુધે કરણ જેવો… રામવાળાનો રાસડો કોઈને આવડે છે?

ખાંભી જોઈ, ઘડીક બેસીને એ અંગ્રેજ યુગ યાદ કર્યો. અમરેલી ત્યારે ગાયકવાડના તાબામાં હતુ. પ્રજાવત્સલ ગણાતા સયાજીરાવનું જ રાજ હતું. એ સયાજીરાવને દેશ દુનિયાની જે ખબર હોય એ પણ અમરેલી પંથકમાં પ્રજાજનો પર કેવો અન્યાય થાય છે એ જાણકારી મળતી ન હતી. એટલે છેવટે રામે હથિયાર ઉપાડીને બહારવટે નીકળવું પડ્યું. એ બહારવટું છેવટે આ ખાંભી સુધી લંબાયુ.

નાની સપાટ જગ્યા પર બરાબર વચ્ચે આ રામ વાળાની જગ્યા છે. વાળા શાખાના દરબારો અહીં આવતા રહે છે. જોકે ચાલીને આવવું પડે એમ છે, રસ્તો બહુ અઘરો છે, માટે બધા તો ત્યાં સુધી પહોંચી શકતા નથી. અહીંથી ગિરનારના ન જોયા હોય એવા અનેક ભાગના પણ દર્શન થાય છે. જાણે બ્રહ્માંડમાં કોઈ બીજા ગ્રહ પર આવી ગયા હોય એવુ લાગે.

રામ વાળાની જગ્યા પર બે ઘડી વિસામો.. ભાઈ વિમલ, સાધુપુરુષ મિત્ર પ્રફુલ મેસવાણિયા અને તેમના મિત્ર પ્રોફેસર દિનકર મોરવાડિયા 

ઘડીક બેઠા પછી વિચાર આવ્યો કે ચા ક્યાં છે? રામ વાળાએ ન્યાય માટે બહારવટે ચડવું પડ્યું હતુ એમ પથ્થર પર ચાનું લખ્યા પછી ચા ન મળે તો અમારે અહીં એ માટે બહારવટે ચડવું કે શું? બહારવટે તો નહીં પણ એરો પરની તરફ હતો એટલે હજુ ઉપર ચડવું જોઈએ. ત્રણ સાથીદારો ત્યાં બેઠા, મેં થોડે ઉપર જોઈને જોવાનું નક્કી કર્યું. ઉપર ચઢાણ કર્યું, જંગલ વધુ ગાઢ થતું ગયુ. કોઈ માણસ ઉપર હોય કે કોઈ જગ્યા હોય એવા સંકેત મળ્યા નહીં. એટલે ઉપર કંઈ નથી એવા તારણ સાથે જગ્યાએ આવ્યો. આ પરગ્રહ જેવી જગ્યાએ અચાનક મનુષ્યરવ સંભળાયો..

આ પથ્થરની સીડી ચડી શકાય તો રામ વાળાની ખાંભી સુધી પહોંચી શકાય.. આ ગુફા છે જ્યાં રામ વાળો અંતિમ દિવસોમાં રહ્યો હશે.

અહીં કોણ ક્યાં વાતો કરતું હતું.. અમારા કાન ચમક્યા..

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3”

  1. વાહ… શબ્દ સાથે ગીરનો પ્રવાસ અને ઈતિહાસની તે રોમાંચક ક્ષણોને માણવાનો ખુબ આનંદ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *