કલરફૂલ કેપ ટાઉનની કમાલકારી સફર – ભાગ 2

આખા દક્ષિણ આફ્રિકામાં રખડટપટ્ટી કરતાં જે જોવા મળે એ બધુ એકલા કેપ ટાઉનમાં સમાઈ ચૂક્યુ છે, માટે એ મિનિ આફ્રિકા તરીકે ખ્યાત થયુ છે. તેના કેટલાક સ્થળની પહેલા ભાગમાં વાત કરી. હવે બીજા સ્થળોએ ફરીએ, ચાલો..

ચેપમેન્સ ડ્રાઈવ એટલે સુહાના સફર

હિન્દી ફિલ્મી ગીત સુહાના સફર… ગીત કોઈ પણ સમયે લાગુ પાડી શકાય એવો એક રસ્તો કેપ ટાઉન પાસે આવેલો છે, જે ચેપમેન્સ ડ્રાઈવ તરીકે ઓળખાય છે. કેપ ટાઉનના હાઉટ બે નામના ખૂબસૂરત કાંઠેથી શરૃ થઈને પોણા બે હજાર ફીટ ઊંચે આવેલા ચેપમેન્સ શિખર સુધી પહોંચાડતા માર્ગનો સમાવેશ જગતના સર્વોત્તમ રોડમાં થાય છે. રસ્તાની લંબાઈ તો માત્ર 9 કિલોમીટર છે, પણ એટલામાં 114 વળાંક આવી જાય છે, જેમાં કેટલાક તો પહાડ કોતરીને (એન્જિનિયરિંગની ભાષામાં હાફ ટનલ કહેવાય એવા) બનવાયા છે. કેપ ટાઉન આસપાસનો કેટલોક વિસ્તાર એવો છે, કે દરિયો પૂરો થાય ત્યાં છીછરો કાંઠો નથી, સીધી કરાડ શરૃ થાય છે. આવી કરાડ વચ્ચેથી આ રસ્તો પસાર થાય છે. એટલે જાણે ઊંચા ખડકની અટારી પર રેખા આંકી હોય એવુ લાગે.

ચેપમેન શિખર સુધી લઈ જતો પહાડી રસ્તો

સત્તરમી સદીના આરંભે અંગ્રેજ કેપ્ટન જોન ચેપમેને સૌથી પહેલા અહી ઉતરાણ કર્યું હતુ, માટે આ શિખર તેના નામે ઓળખાય છે. એક તરફ શિખર, ઢોળાવ પર બનેલો રસ્તો અને પછી શરૃ થતો એટલાન્ટિક પ્રવાસીઓને આખુ વર્ષ આકર્ષતો રહે છે. વીકએન્ડમાં કેપ ટાઉનવાસીઓ વાનમાં સામાન ભરીને ચેપમેનની ટોચ તરફ લોંગ ડ્રાઈવ માટે નીકળી પડે છે. ચાલીને જનારા અને સાઈકલિંગ કરનારાઓનો પણ પાર નથી.

રસ્તામાં મન પડે ત્યાં બ્રેક મારો, સમુદ્રની મજા માણો..

સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય અકબંધ રહે એટલા આખા રસ્તામાં એક પણ દુકાન બનાવાઈ નથી. દરેક પ્રવાસી પોતાનો જરૃરી સામાન સાથે જ લઈ આવે અને પરત ફરતી વખતે કચરો સાથે લેતો જાય. વચ્ચે ઠેર ઠેર બ્રેક લેવા માટેના પોઈન્ટ છે, જ્યાં બેસી પ્રવાસીઓ પોતાનું ભાતું ખોલી શકે છે. 1991માં મર્સિડિસ બેન્ઝે કારની જાહેરખબર માટે આ રસ્તો પસંદ કર્યો હતો. એ પછી તેની લોકપ્રિયતા વધી છે.

જય-વીરૃની જોડીમાં શહેરની સફર

કેપ ટાઉન શહેરની રચના ગુજરાતના દીવ અને જૂનાગઢને ભેગા કરી દીધા હોય એવી છે. એક તરફ દરિયાકાંઠો, બીજી તરફ ઊંચી ડુંગરમાળ અને વચ્ચે ખાલી જગ્યામાં ઢોળાવ પર વસેલું કેપ ટાઉન મહાનગર. એ મહાનગરને માણવા માટે સાઈડ કાર કહેતાં સાઈડ સ્ટૂટરની સફર યોજાય છે. શોલેમાં જય અને વીરૃની જોડીને કારણે એ સ્કૂટરને આપણે સારી રીતે ઓળખીએ છીએ. સાઈડકાર ધરાવતા સ્કૂટર પર એક ડ્રાઈવર અને બે પ્રવાસી સાથે શરૃ થતી મુસાફરી બે કલાકથી માંડીને આખો દિવસ સુધી આખા કેપ ટાઉનની સફર કરાવે છે.

અમારે આ બાઈકમાં કેપ ટાઉનની નગરચર્યાએ નીકળવાનું હતું…

આ ખડતલ વાહનોમાં મુસાફરોને સવારી કરતાં પહેલા ખાસ પ્રકારના જેકેટ, મોઢુ આખુ ઠંકાઈ જાય એવા હેલ્મેટ, જરૃર પડે તો હાથમોજાં પણ પહેરાવામાં આવે છે. કેમ કે સફર શરૃ થયા પછી સમુદ્ર પરથી આવતો આક્રમક પવન સહન કરવો અઘરો થઈ પડે છે. શહેરના વિવિધ રસ્તા પર થઈને છેવટે આ સફર ચેપમેન્સ ડ્રાઈવ તરફ લંબાય છે. એ વખતે જોવા મળતું શહેર અને તેનું કુદરતી સૌંદર્ય અકલ્પનિય હોય છે. નાના-મોટા બ્રેક સાથે ચાર-પાંચ કલાક ચાલતી સફર ગમે તેવો થાક ઉતારી દેવા સક્ષમ છે.

અને એ પછી શરૃ થતી સફર કંઈક આવી હતી (Imge by www.sidecars.co.za)

આ સફર કરાવતી કેપ સાઈડકાર એડવેન્ચર્સ એ ખાનગી કંપની છે, જેમની પાસે આવી 31 બાઈક છે. આ બધા વાહન મૂળ તો ચીને 1970 સુધી વાપરેલા લશ્કરી બાઈક છે, જેને મોડિફાઈ કરીને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવાયા છે. તેનો ભવ્ય અને આકર્ષક દેખાવ જોયા પછી સવારી કરવાની લાલચ રોકી શકાતી નથી.

હેલિકોપ્ટરથી શહેર દર્શન

બાઈક પર ફરી લીધા પછી એમ લાગે કે આ શહેરને ઉપરથી જોયું હોય તો કેવી મજા પડે? તો એ મજા માટે હેલિકોપ્ટર સવારીની સુવિધા અહીં ઉપલબ્ધ છે. અનેક કંપનીઓ પ્રવાસીઓને હેલિકોપ્ટરમાં બેસાડી અમુક મિનિટથી તમુક કલાક સુધીની સફર કરાવે છે. એ વખતે ટેબલ માઉન્ટેન, એટલાન્ટિકનું સ્વચ્છ પાણી, નીચે ઉડે ત્યારે જળચર જીવો, શહેરના વિવિધ રંગો… વગેરે નજરે પડે છે.

હેલિકોપ્ટરમાંથી કેપટાઉન મહાનગર (Imge by Craig Howes-Cape Town Tourism)

જોકે સૌથી પહેલું ધ્યાને ચડતું કોઈ બાંધકામ હોય તો એ 2010ના ફૂટબોલ વર્લ્ડકપ વખતે બંધાયેલું ગ્રીન પોઈન્ટ સ્ટેડિયમ છે. કોઈ કદાવર ટાયર જમીન પર ગોઠવી દીધું હોય એવો આકાર તેને અલગ પાડે છે.  પ્રવાસીઓને વધુ મજા પડે એટલે વળી હેલિકોપ્ટર ઊંચી-નીચી ડાઈવ પણ મારે છે.

વાતાવરણની પરવાનગી હોય તો રોજની વિવિધ કંપનીઓ મળીને 35થી 50 પચ્ચીસેક ફ્લાઈટ વિવિધ 25 રૃટ પર ઉડાવે છે. પ્રવાસીઓ પોતાના સમય અને ખિસ્સાની સગવડતા મુજબની હવાઈ સફર કરી શકે છે. અહીં હેલિકોપ્ટરમાં ઉડવાનું ભારે ચલણ છે, પાઈલટ તૈયાર કરતી સ્કૂલ પણ કેપ ટાઉનમાં સ્થપાઈ છે.

ગ્રીન માર્કેટ ઓલ્ડ બિસ્કિટ મિલ

ખરીદી વગર કોઈ શહેરની સફર કઈ રીતે પૂરી થાય! એ માટે ગ્રીન માર્કેટ સ્કવેર જવું પડે. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ ચોકમાં વાહનો પ્રવેશી શકતા નથી, માટે પ્રવાસીઓ આરામથી લટાર મારી શકે અને પોતાની જરૃર પ્રમાણેની ચીજો ખરીદી શકે છે. જોકે મોટે ભાગે અહીં આફ્રિકાની ઓળખ કહી શકાય એવી લાકડાની કલાત્મક ચીજો, વન્ય પેદાશો, શાહમૃગના ઈંડા પર ચિત્રકામ, આભૂષણ, વસ્ત્રાલંકાર, ખાન-પાન… વગેરે આઈટેમ મળે છે.

સોહામણી સુંદરી શોપિંગ માટે ગ્રાહકોની રાહ જૂએ છે, બીજી તરફ અમારા વૂડ ફાયર પિઝા તૈયાર થઈ રહ્યા છે.

સવા ત્રણસો વર્ષ જૂના આ ચોકમાં આજે મોટા ભાગની દુકાનો અશ્વેત માલિકોના કબજામાં છે પરંતુ એક સમયે અહીં અશ્વેત ગુલામોનું માર્કેટ ભરાતું હતુ! આફ્રિકાની આઝાદીની ચળવળનો પણ આ ચોક સાક્ષી રહ્યો છે, કેમ કે ત્યાં વારંવાર વિરોધ પ્રદર્શનો થતા હતા. હવે રવિવાર સિવાયના દિવસે અહીં ગ્રાહકો અને વેપારીઓનો કોલાહલ ધમધમતો રહે છે.

કેપ ટાઉન શહેરનું અસલ આફ્રિકન કલ્ચર સમજવું હોય તો જે બે સ્થળ ફરવા પડે એમાનો એક આ ચોક છે, તો બીજી જગ્યા ઓલ્ડ બિસ્કિટ મિલ છે.  ગ્રીન માર્કેટથી ચારેક કિલોમીટર દૂર અને શહેરના કેન્દ્રથી સાવ નજીક આવેલી આ જગ્યા પણ એક પ્રકારનું માર્કેટ છે, પરંતુ અમદાવાદના માણેકચોકની માફક ત્યાં મોટે ભાગે ખાવા-પીવાની સામગ્રી મળે છે. એક સમયે અહીં બિસ્કીટ બનાવતું કારખાનું હતું, જેના આધારે આ નામ પડી ગયું છે. હવે તો એ સ્થળ નાનકડું મ્યુઝિયમ છે અને બાકીની ખુલ્લી જગ્યામાં શાકભાજી, વિવિધ પીણા, પિત્ઝા, આઈસક્રિમ… જે માંગો તે મળે છે.

ઓલ્ડ બિસ્કિટ મિલ વિસ્તાર (Imge by www.theoldbiscuitmill.co.za)

આફ્રિકાની પ્રજા સંગીતની ભારે શોખીન અને મનમોજી છે. માટે પિત્ઝાનો ઓર્ડર આપ્યો હોય એ તૈયાર થાય એટલી વારમાં સાથે લાવેલા ગિટાર, ડ્રમ વગેરે ગોઠવીને ગીત ગાવા લાગે, ડાન્સ શરૃ કરી દે છે. પ્રવાસીઓ પણ ઈચ્છે તો તેમની સાથે જોડાઈ શકે છે. એક રીતે આ સ્થાનિક પ્રવાસીઓ માટે હેંગ આઉટ પ્લેસ છે, જ્યાં બધી ચિંતાઓ બહાર મુકીને જવાનું છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *