દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે આવેલું શહેર કેપ ટાઉન તેના રંગીન મિજાજ માટે આખા જગતમાં ખ્યાતનામ છે. દરિયો-ડુંગર, શોપિંગ-સંસ્કૃતિ, ઈતિહાસ-આધુનિકતા.. એમ વિવિધ પાસાં સમાવીને બેઠેલા આ શહેરનાં જોવા જેવા સ્થળોની વાત…
કુદરતના ડાઈનિંગ ટેબલ જેવો ટેબલ માઉન્ટેન
કેપ ટાઉનમાં પ્રવેશતાંવેત પહેલી જ કોઈ કુદરતી રચના નજરે પડે તો એ ટેબલ માઉન્ટેન કહેવાતો સપાટ પર્વત છે. કુદરતે જાણે ડાઈનિંગ ટેબલ ગોઠવ્યું હોય એમ આ પર્વત તો કરોડો વર્ષથી ઉભો છે, પણ તેને વિશેષ પ્રસિદ્ધિ 2008 પછી મળી. એ વખતે શરૃ થયેલી ‘ન્યુ સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડ’ની ઝુંબેશમાં ટેબલ માઉન્ટેનને સ્થાન મળ્યું એ સાથે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ઉમટવા લાગ્યા.
એક દેખાતો આ ખડક ભુસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન અને ગ્રે સેન્ડસ્ટોન એ રીતે મુખ્ય ત્રણ થરમાં વિભાજીત છે. ટેબલના એક છેડે સિંહે મોઢું ઊંચું કર્યું હોય એવી ટેકરી છે, જે ‘લાયન્સ હેડ’ તરીકે ઓળખાય છે. ઉપરથી નીચે પથરાયેલું શહેર, શહેર પૂરું થાય ત્યાંથી શરૃ થતો એટલાન્ટિક અને એટલાન્ટિકમાં વચ્ચે આવેલો રોબિટ ટાપુ વગેરેનો નજારો જોવા જેવો છે.
ટેબલ ઉપર જવા માટે રોપ-વે સૌથી વધુ સરળ રસ્તો છે, બાકી તો હાઈકિંગના શોખિનો માટે કેડી પણ છે. પાંચેક મિનિટની સફર કરાવીને રો-પવે ઉપર પહોંચાડે છે. ઉપર પહોંચ્યા પછી ખબર પડે કે ટેબલ એટલે સાવ સપાટ નથી, પરંતુ સામાન્ય રીતે પર્વતોને નીકળી હોય એવી ટોચ અહીં નથી.
સમુદ્ર સપાટીથી અંદાજે 3500 ફીટ ઊંચા આ પર્વતની ટોચને છોડ-વેલા માટે આરક્ષિત જાહેર કરી દેવાઈ છે. સપાટ ટોચ હકીકતે તો આખો બગીચો છે, જેમાં બીજે જોવા ન મળતા 2 હજારથી વધુ છોડ અને દોઢ હજાર જેટલા ફૂલની વેરાઈટી ઉગે છે. પ્રવાસીઓ તેની વચ્ચેથી પસાર થઈ શકે એ રીતે રસ્તો બનાવેલો છે. ઓછો સમય હોય તો 15 મિનિટ, વધુ સમય હોય તો 30 મિનિટ અને તેનાથી પણ વધુ સમય હોય તો 45 મિનિટનું વોકિંગ કરીને આખી સપાટી ફરી શકાય એવી રીતે પગદંડી બનાવેલી છે.
પેગ્વિન કોલોની
એન્ટાર્કટિકા ખંડમાં પેગ્વિનની વસતી છે. એ સિવાય ક્યાં જોવા મળે? એન્ટાર્કટિકાના એક્સટેન્ડેડ ફેમિલી જેવા દેશ ન્યુઝિલેન્ડમાં પણ પેગ્વિન છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કાંઠેય પેગ્વિન જોવા મળશે એવી અમને આશા ન હતી. આફ્રિકાના છેડે ઘણા સ્થળોએ પેગ્વિન રહેતા હતા, સમય જતાં શિકાર વધ્યો, વસતી ઘટી. એટલે પછી પેગ્વિન પર સરકારની નજર પડી અને તેમને સુરક્ષિત કરી દેવાયા. સુરક્ષા માટે બે સ્થળે પેગ્વિન કોલોની બનાવાઈ, જેમાં પેગ્વિનને માફક આવે એવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું. એવી એક કોલોની કેપ ટાઉનના કાંઠે બોલ્ડર બિચ ખાતે છે. એટલાન્ટિકનું પાણી અતીશય ઠંડુ હોય અને અહીં તાપમાન પણ નીચુ હોવાથી પેગ્વિન ટકી શક્યા છે.
‘ડિસ્કવરી’ કે ‘નેશનલ જ્યોગ્રાફિક’ ચેનલમાં જોવા મળે એવા કદાવર ‘એમ્પેરર પેગ્વિન’ તો નહીં પરંતુ નાના કદના સાડા ત્રણ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા આફ્રિકન પેગ્વિન અહીં રહે છે. સંરક્ષણને કારણે તેમની વસતી 2 હજારથી પણ વધી ગઈ છે. પેગ્વિન કોલોની વચ્ચે લાકડાના બેઠા પૂલ આકારના રસ્તા બનાવાયા છે. જેના પર ફરતાં ફરતાં પ્રવાસીઓ પેગ્વિનને નજીકથી જોવાનો લાભ ઉઠાવી શકે છે. આ પક્ષી પ્રવાસીથી ડરતા નથી. માટે કાંઠે ઉતર્યા પછી કદાવર પથ્થરો આસપાસ ઘૂમતા પેગ્વિન પાસે જઈને તેમની સાથે ફોટા પણ પડાવી શકાય છે.
સિલ આઈલેન્ડ
પેગ્વિન કાંઠે રહે છે, તો દરિયામાં જરા દૂર ‘સિલ આઈલેન્ડ’ નામનો ટાપુ પ્રવાસીઓ માટે બીજું આકર્ષણ છે. કેપ ટાઉનના કાંઠેથી દરિયામાં છએક કિલોમીટર અંદર નાનકડો ત્યાં રહેતા દરિયાઈ સજીવો સિલને કારણે સિલ આઈલેન્ડ તરીકે પ્રખ્યાત થયો છે. અહીં હજારોની સંખ્યામાં સિલ રહે છે અને દિવસના ભાગે સૂર્યસ્નાન માટે ટાપુ પર પડ્યા પાથર્યા રહે છે. એ વખતે પ્રવાસીઓને જીવનભર ન ભુલાય એવો નજારો જોવા મળે છે.
આસપાસમાં બીજા પણ સાવ નાના ટાપુ છે, જ્યાં દરિયાઈ સજીવોનો વસવાટ છે. કેપ ટાઉનના કાંઠેથી દિવસભર સિલ આઈલેન્ડ જવા માટે ફેરી બોટ ઉપડતી રહે છે. લગભગ પોણી કલાસની સફર પછી એ ટાપુ નજીક પહોંચી શકાય છે. ટાપુ પર જવાની જોકે છૂટ નથી.
શાર્ક અને વ્હેલ દર્શન
પાણીની બહાર ટાપુ પર સિલ રહે છે, તો પાણીમાં ખતરનાક શિકારી ગ્રેટ વ્હાઈટ શાર્ક રહે છે. કોઈક વખત શાર્ક માછલીઓ ભેગી મળીને સિલનો શિકાર કરતી હોય એવુ દૂર્લભ દૃશ્ય પણ પ્રવાસીઓને જોવા મળી શકે છે. એ સિવાય અહીં લોખંડના મજબૂત પાંજરામાં બેસીને જીવના જોખમે દરિયામાં ગ્રેટ વ્હાઈટ શાર્ક જોવાના ખેલ પણ યોજાય છે. એવુ જોખમ ન લેવું હોય એ પ્રવાસીઓ માટે દરિયામાં જરા દૂર બીજો એક વિકલ્પ તૈયાર છે. એ વિકલ્પ એટલે વ્હેલ માછલીના દર્શન.
એન્ટાર્કટિકાથી અહીં આવતી 15 મિટર લાંબી અને 60 ટન વજન ધરાવતી હમ્પબેક વ્હેલ અહીં ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે બહુ સરળતાથી જોઈ શકાય છે. ટૂંકમાં કેપ ટાઉનના કાંઠે માત્ર દરિયાનું પાણી જ જોવા મળે એવું નથી, દરિયાઈ સૃષ્ટિનું વૈવિધ્ય પણ અહીં એટલું જ છે.
આટલી વાતમાં કેપ ટાઉન શહેર સમાઈ નથી જતું. આવા જ કેટલાક વધુ રસપ્રદ સ્થળોની વાત બીજા ભાગમાં…