બુડા-પેસ્ટનો પ્રવાસ – 2

હંગેરિયન શહેર બુડા-પેસ્ટમાં ફરવા જેવાં કેટલાક સ્થળોની ઓળખ પહેલા ભાગમાં મેળવ્યા પછી, બીજું શું શું જોવા જેવું છે એ જાણીએ…

ડેન્યુબની બોટ ટ્રીપ

નદી કાંઠાને વિકસાવી પ્રવાસીઓને ત્યાં આકર્ષવાની રિવર ફ્રન્ટ પ્રથા પશ્ચિમી દેશોમાં ઘણા વર્ષોથી છે. ક્રૂઝમાં બેસીને નદી તથા કાંઠે ફેલાયેલા શહેરને માણવાનું પ્રવાસન અહીં બહુ પહેલાથી વિકસી ચૂક્યું છે. અનેક કંપનીઓ બુડાપેસ્ટ ક્રૂઝ ટ્રીપની સુવિધા આપે છે. સામાન્ય રીતે એકથી બે કલાક સુધી લંબાતી સફર દરમિયાન હોડી ધીમે ધીમે આગળ વધતી રહે છે અને બન્ને કાંઠે શહેરના જોવા જેવા બાંધકામો પસાર થતા રહે છે. સામાન્ય રીતે સફર ચેઈન બ્રિજ પાસે આવેલા ડોક નંબર 11થી શરૃ થતી સફર ત્યાં આવીને પૂરી થાય છે. એ દરમિયાન સંસદભવન, સેન્ટ સ્ટિફન્સ બેસિલિકા, બ્રિજ પોતે, નેશનલ થિએટર, કળા કેન્દ્ર Müpa બિલ્ડિંગ, સેચેની બાથ, સિટેડલ, બુડા કેસલ-કિલ્લો, ફિશરમેન્સ બેશન, મેથિઆસ ચર્જ જેવા આઈકોનિક બાંધકામો બન્ને તરફ જોવા મળે છે. તો વળી બુડા અને પેસ્ટને જોડતા અનેક પુલ નીચેથી ક્રૂઝ પસાર થતી રહે છે.

અનેક કંપનીઓ આ પ્રકારની સુવિધા પૂરી પાડતી હોવાથી થિમ આધારિત ક્રૂઝ પણ ચાલે છે. જેમ કે પશ્ચિમી દેશોના લોકપ્રિય અને ડરામણા તહેવાર હેલોવીનની થિમ પર પણ એક ક્રૂઝ સફર કરાવે છે. સામાન્ય રીત ક્રૂઝ આગળ જતાં નદી વચ્ચે બનેલા માર્ગરેટ ટાપુ પર ઉભી રહે છે. પ્રવાસીઓ અહીં ઉતરીને અમુક સમય ટાપુ પર બગીચામાં હરિયાળી, ફૂલ-છોડ, ફૂવારા વચ્ચે પસાર કરી શકે છે. માર્ગરેટ ટાપુ ક્રૂઝનો છેડો છે. ત્યાંથી સફર પરત શરૃ થાય છે. અમુક ખાસ દિવસોએ સફર દરમિયાન ફટકડાની આતશબાજી પણ ક્રૂઝ પર થતી હોય છે.

ઋતુ પ્રમાણે સવારે સવા દસથી લઈને રાતના સવા દસ સુધી ક્રૂઝ ચાલતી રહે છે. પ્રવાસીઓ પોતાની જરૃર પ્રમાણે ગ્રૂપ બુકિંગ, પ્રાઈવેટ ક્રૂઝ વગરે વિકલ્પો પણ પસંદ કરી શકે છે. સામાન્ય રીતે સફર દરમિયાન ડ્રિંક્સ, નાસ્તો-પાણી, 30 જેટલી ભાષામાં ગાઈડ સુવિધા વગેરે પુરું પાડવામાં આવે છે. વિવિધ કંપનીઓ હોવાથી ટિકિટના દરમાં પણ દસ યુરો ડોલરથી લઈને 90 ડોલર સુધીનું વૈવિધ્ય જોવા મળે છે. એડવાન્સ બુકિંગ કે પછી પેકેજ બુકિંગ હોય તો એ સફર થોડી સસ્તી પડે. કઈ ક્રૂઝ પસંદ કરવી એ મુંઝવણ હોય તો https://budapestrivercruise.com/ આ સાઈટ પર વિવિધ વિકલ્પો તપાસી શકાય છે.

મનપસંદ તાપમાને સ્નાન કરાવતો થર્મલ બાથ

ગીરના તુલસીશ્યામમાં આવેલા ગરમ પાણીના કૂંડ જાણીતા છે. જમીનમાંથી આવતી વરાળ એ પાણીને ગરમ રાખે છે. કુદરતી રીતે પાણી ગરમ કરવાની આવી રચના દુનિયાના ઘણા ભાગોમાં છે. બુડાપેસ્ટના કેન્દ્રમાં પણ આ રીતે પાણીની ઝરા મળી આવ્યા અને 1913માં શહેરના શાસકોએ ફૂવારાને જાહેર સ્નાનાગારમાં ફેરવી નાખ્યા.

સેચેની થર્મલ બાથ હકીકતે સ્વીમિંગ પૂલનુ સંકૂલ છે, જ્યાં લોકો જઈને ગરમ પાણીમાં સ્નાન કરી શકે છે. યુરોપના ઠંડા મહોલમાં કુદરતી રીતે ગરમ પાણી મળે તો કોને ન ગમે? આ થર્મલ બાથમાં લોકોની ભીડ થવા માંડી એટલે સમયાંતરે તેમાં સુવારાવધારા પણ થતાં રહ્યા. આજે બુડાપેસ્ટના અચૂક મુલાકાત લેવા જેવા સ્થળોમાં આ સ્નાનાગારનો સમાવેશ થાય છે. ત્યાં ગયા પછી પ્રવાસીઓએ કાયદેસર રીતે નાહી નાખવાનું હોય છે. સેચેની બાથ સંકૂલમાં 15 ઈનડોર અને 3 આઉટડોર એમ કુલ 18 પુલ છે. જમીનમાંથી આવતું 74થી 77 સેન્ટિગ્રેડ તાપમાનનું પાણી સતત પુલમાં આવતું રહે છે. આ પાણી સાથે સલ્ફર, કેલ્શિયમ, બાયકાર્બોનેટ, ફ્લોરાઈડ વગરેનો હળવો ડોઝ પણ પ્રવાસીઓને મળે છે.

રજવાડી કિલ્લા જેવી કમ્પાઉન્ડ વોલની અંદર આખો સ્નાનાગર વિસ્તાર વિકસાવાયો છે. સ્નાન સાથે વિવિધ પ્રકારના મસાજ, સ્ટીમ બાથ વગેરેની સગવડ પણ અહીં ઉપલબ્ધ થાય છે. આ સ્નાનાગાર યુરોપમાં સૌથી મોટું છે અને પ્રવાસીઓને રજવાડી યુગની યાદ અપાવે છે. ઈલાહાબાદના ત્રિવેણી સંગમ કે પછી હરદ્વાર હર કી પૌડીમાં જેમ સેંકડો ભક્તો એક સાથે સ્નાન કરતાં હોય એવુ જ દૃશ્ય અહીં અંદર પ્રવેશ્યા પછી જોવા મળે છે. સ્નાગારમાં પ્રવેશ માટે જેવી સુવિધા એવી 20 યુરો ડોલરથી શરૃ થતી ટિકિટ મળી રહે છે. તેની વિગત અહીંથી http://szechenyispabaths.com મળી રહેશે.

ફિશરમેન્સ બેશન

કિલ્લામાં વચ્ચે જરા આગળ નીકળતો ભાગ હોય તેને બેશન કહેવામાં આવે છે. સ્વાભાવિક રીતે અગ્રગામી ભાગમાંથી ઉભા રહીને દરિયામાં દૂર સુધી નજર રાખી શકાય. ફિશરમેન્સ બેશન આમ તો સવા સદી જૂનું બાંધકામ છે, પરંતુ ડિઝની ફિલ્મ્સના લોગા જેવા તેના ટાવરનું બાંધકામ જોઈને પહેલી નજરે એવું લાગે કે જાણે એક મધ્યયુગમાં આવી પહોંચ્યા. 1902માં તૈયાર થયેલા કિલ્લાના આ ભાગનું સંરક્ષણ માછીમાર કરતાં હતા, માટે તેમના નામે ઓળખાય છે.

અહીં કુલ સાત મિનારા છે, જે હંગેરીની સાત આદિવાસી પ્રજાતીનું પ્રતિનિધિત્વ કરે છે. 9મી સદીમાં હંગેરીની સ્થાપના થઈ ત્યારે આ સાત પ્રજાતીઓ જ રહી હતી. બુડા કેસલ નજીક આવેલો આ વિસ્તાર વર્લ્ડ હેરિટેજનો ભાગ જ છે. સવારના 9થી રાતના 9 સુધી ખૂલ્લો રહેતો હોવાથી આ ભાગ પ્રવાસીઓમાં વધારે લોકપ્રિય છે. કેમ કે ચાંદની રાતે ટાવરની ગેલેરી પર બેસીને પ્રવાસીઓ કોફી પી શકે છે, દૂર સમુદ્રમાં તરતાં જહાજોની લબુક-ઝબુક થતી લાઈટો પર મીટ માંડી શકે છે, તો વળી ગગન ગોખે તારામંડળના દર્શન પણ કરી શકે છે. ઉપરાંત આ બાંધકામ ઊંચુ હોવાથી અહીંથી શહેર, શહેરને ચીરતી નદી, પુરાતન બાંધકામો વગેરેનો અવિસ્મરણિય નજારો જોવા મળે છે.

બાંધકામ દૂરથી જ પરીકથાના મહેલ જેવું લાગે છે અને અંદરથી પણ એવું છે. બાંધકામ નવું હોવા છતાં મધ્યયુગમાં કિલ્લાના રક્ષણ માટે જેવા મીનારા બંધાતા હતા એવુ જ બાંધકામ કરાયું છે. જેથી પ્રવાસીઓને કહેવામાં ન આવે તો એમને ખબર ન પડે કે હજુ ગઈ સદીમાં જ આ બેશનના દરવાજા ખૂલ્લાં મુકાયા છે. સૌથી મોટા ટાવર સિવાયના બધા વિભાગોમાં એન્ટ્રી ફ્રી છે. વધુ વિગત તેની સત્તાવાર વેબસાઈટ http://www.fishermansbastion.com/ પરથી મળી શકશે.

 ગ્રેટ માર્કેટ હોલ

1897માં શરૃ થયેલું આ બજાર બુડાપેસ્ટનું સૌથી જૂનું અને હોલની અંદર આવેલું ઈન્ડોર માર્કેટ છે. બુડાપેસ્ટમાં આવા એકથી વધારે માર્કેટ હોલ છે. એક જમાનામાં માત્ર શાકભાજી-ફળોના વેચાણ માટે આવા શેડ ધરાવતા માર્કેટ ઉભા કરાતાં હતા. હવે તો એમાં માંગો એ ચીજ-વસ્તુ મળી રહે છે. બહારથી કોઈ મહેલ જેવુ લાગતું બાંધકામ અંદરથી આધુનિક શોપિંગ મોલને ટક્કર આપે એવું છે.

શોપિંગ એરિયા હોવા છતાં સ્વચ્છતામાં કશું કહેવાપણું નથી. આ માર્કેટ 3 માળમાં ફેલાયેલું છે. રસપ્રદ રીતે આ માર્કેટ રવિવારે બંધ રહે છે. એ સિવાયના ગમે તે દિવસે સવારના 6થી સાંજના 6 સુધી ખૂલ્લું રહે છે. શનિવારે જોકે 3 વાગે જ બંધ થઈ જાય છે. પરંતુ શનિવાર અહીં કલ્ચરલ ડે તરીકે ઉજવાય છે, એટલે એ દિવસે લાઈવ મ્યુઝિક જેવા કાર્યક્રમો પણ ચાલતા હોય છે. જો સસ્તામાં ખરીદી કરવાનો વિચાર હોય તો માર્કેટમાં સવારે 10થી 12 વચ્ચે અથવા બપોરે 2થી 4 વચ્ચે આંટો મારવો જોઈએ. ત્યારે ભીડ ઓછી હોય એટલે દુકાનદારો પણ ભાવ ઘટાડા માટે તૈયાર હોય છે. અહીં પણ ગાઈડેડ ટૂરની સુવિધા છે, જેથી અજાણ્યા પ્રવાસીઓ સરળતાથી ફરી શકે.  http://budapestmarkethall.com વેબસાઈટ પરથી વધારે માહિતી મળી શકે છે.

સામ્યવાદની સફરે લઈ જતો મેમેન્ટો પાર્ક

ચીન, ઉત્તર કોરિયા, ક્યુબા જેવા એકલ-દોકલ દેશોને બાદ કરતાં આખા જગતે સામ્યવાદ (કમ્યુનિઝમ)ને દેશવટો આપી દીધો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે રશિયા સહિત જગત અગ્રમી દેશોમાં સામ્યવાદી શાસન હેઠળ હતું અને બાકીનું જગત સામ્યવાદના પ્રભાવ હેઠળ હતું. 1991 પહેલા સામ્યવાદ વગરની દુનિયાની કલ્પના શક્ય ન હતી. 1949થી લઈને 1990 સુધી હંગેરીમાં સામ્યવાદી શાસન હતું. એ સામ્યવાદ કેવો હતો તેનો અનુભવ લેવા માટે આ પાર્ક કમ મ્યુઝિયમની મુલાકાત લેવી રહી.

આ ઓપન એર મ્યુઝિયમ બે ભાગમાં ફેલાયેલું છે. એક ભાગમાં લેનિન, કાર્લ માર્ક્સ અને અન્ય હંગેરિયન સામ્યવાદી નેતાઓના 42 કદાવર પૂતળાં છે. સામ્યવાદ સમયનું લેનિનનું સૌથી મોટું પૂતળું તો 12 મીટર ઊંચુ છે. બીજા ભાગમાં સામ્યવાદ સમયે થતી જાસૂસીની ઝલક આપતી ડોક્યુમેન્ટરી દર્શાવામાં આવે છે. સામ્યવાદી યુગમાં ઈસ્ટ જર્મનીની ટ્રાબેન્ટ (Trabant) કંપનીએ લોકો વાપરી શકે એવી (આપણી ફિઆટ જેવી દેખાતી) પિપ્લ્સ કાર તૈયાર કરી હતી. એ કારનું ઉત્પાદન તો 1990 પછી બંધ થયું છે, પરંતુ તેનું મોડેલ અહીં રખાયું છે. લેલિનની સત્તા એક પ્રકારની સરમુખત્યારશાહી હતી, તેની યાદ અપાવતા લેનિનના બૂટ, પોસ્ટર્સ, પ્રચાર સામગ્રી.. વગેરેને કારણે પાર્કમાં કૂતુહલતાપૂર્વક સવારથી સાંજ સુધી પ્રવાસીઓ આવતાં રહે છે. સવારે 10થી સાંજે 7 સુધી ખૂલ્લા રહેતા પાર્કની ટિકિટ સહિતની વિગત માટે સત્તાવાર સાઈટ http://www.mementopark.hu જોવી.

સામ્યવાદ અને ફાસીવાદના આતંકનો વધારે ઊંડાણપૂર્વક પરિચય મેળવવો હોય તો શહેરમાં આવેલું ‘હાઉસ ઓફ ટેરર’ (http://www.terrorhaza.hu/en) નામનું મ્યુઝિયમ પણ જોવું રહ્યું.

વિનામૂલ્યે થતી વોકિંગ ટૂર

ધારો કે બુડાપેસ્ટમા પહોંચ્યા પછી અડધા જ દિવસનો સમય હોય તો કરવા જેવો પ્રયોગ ‘ફ્રી બુડા વોકિંગ ટૂર’ છે. રોજ બપોરે 2 વાગ્યે સન્થારોમસાગ પાર્કમાંથી આ ટૂર શરૃ થાય છે. ગાઈડ તેમાં પ્રવાસીઓને ચાલતાં ચાલાતાં જ બુડા કેસલ ડિસ્ટ્રીક, મેથિઆસ ચર્ચ, રોયલ પેલેસ વગેરે સ્થળો બહારથી દર્શાવી તેની ટૂંકી માહિતી આપે છે. આ ટૂરનો બીજો લાભ એ છે કે શહેરના ઓછા જાણીતા સ્થળો વિશે પણ તેમાં માહિતી મળી રહે છે. આ સફર માટે કોઈ એડવાન્સ રજિસ્ટ્રેશન કરવાનું હોતું નથી. એ રીતે આ ટૂર કોઈ દિવસ બંધ પણ રહેતી નથી. ગમે ત્યારે 2 વાગ્યે ચોકમાં પ્રવાસીઓ પહોંચે તો તેમને વધાવવા માટે ગાઈડ ત્યાં અચૂક હાજર હોય.

ખિસ્ત્રી ધર્મ પાળતા યુરોપના દેશોમાં હોય એવા એકથી એક ચડિયાતા ચર્ચ અહીં છે. જેમાં ખાસ તો સેન્ટ સ્ટિફન્સ બેસિલિકા અને ચર્ચ ઓફ અવર લેડી (મેથિઆસ ચર્ચ) તેની સદીઓ પુરાણી બાંધણીને કારણે પ્રવાસીઓને વિશેષ આકર્ષે છે. ડેન્યુબના કાંઠે આવેલી ગેલર્ટ હીલ નામની ટેકરી પર નાનકડો કિલ્લો છે. ત્યાં જઈને શહેરનો નજારો પણ જોઈ શકાય છે. હંગેરિયન નેશનલ મ્યુઝિયમ, પરમાણુ હુમલો થાય તેની તૈયારી દર્શાવતું ન્યુક્લિયર બંકર મ્યુઝિયમ, સિટી વૂડલેન્ડ પાર્ક, રોમન યુગનું ઓપન એર મિલિટરી એમ્ફિથિએટર, એન્ડ્રેસી એવન્યુ, ગ્રેટ સિનેગોગ.. વગેરે ડઝનબંધ સ્થળ એવા છે, જે જોતાં પ્રવાસીઓના ચાર-પાંચ દિવસ પણ ઓછા પડે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *