માયામી પ્રવાસ વર્ણન – ભાગ 2
પહેલા ભાગમાં અમેરિકાના ગ્લેમરસ શહેર માયામીના કેટલાંક સ્થળોની સફર કર્યા પછી વધુ કેટલાક સ્થળોની તપાસ કરીએ.. (પહેલા ભાગની લિન્ક)
દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરમાં સ્થાન ધરાવતું માયામી અમેરિકાના દક્ષિણ છેડે આવેલા રાજ્ય ફ્લોરિડાના પણ દક્ષિણ-પૂર્વ કાંઠે આવેલું છે. અમેરિકા-યુરોપ વચ્ચે પથરાયેલા મહાસાગર એટલાન્ટિકનું પાણી માયામીને સતત ધબકતું રાખે છે. મહાસાગર એટલાન્ટિકમાંથી ઉદ્ભવતા દરિયાઈ વાવાઝોડાના માર્ગમાં માયામી પહેલું આવે છે. છતાં પણ અહીંની જડબેસલાક સલામતી-બેકઅપ વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને હેરાન થવાના પ્રસંગો બહુ બનતા નથી. માયામીની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. એક સમયે માયામીને અમેરિકાના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ પણ મળ્યો હતો. માયામીના ગગનચૂંબી મકાનો ન્યૂયોર્કને ભૂલાવે એવા છે. 300થી વધુ હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે મિયામી શહેર અમેરિકામાં ત્રીજી મોટી સ્કાયલાઈન ધરાવે છે.
તરતા મહાનગરની ઝાંખી કરાવતી ક્રૂઝ સફર
માયામીના કાંઠે ફરતા ફરતા આમ તો ખૂલ્લો દરિયો જોવા મળે. પણ ક્યાંક દરિયાના પાણી પહેલા તરતા કિલ્લા જેવી આડશ જોવા મળે તો સમજી જવું કે એ ક્રૂઝ પોર્ટ વિસ્તાર છે. દરિયામાં લક્ઝરી સફર કરાવતો પ્રવાસ ક્રૂઝ તરીકે ઓળખાય છે. માયામી જગતનું સૌથી મોટું ક્રૂઝ પોર્ટ છે. ‘ક્રૂઝ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ તરીકેની અલગ ઓળખ પણ આ શહેર મેળવી ચૂક્યુ છે. કેરેબિયન ટાપુ વિસ્તારમાં ટાઈટેનિકને ઝાંખા પાડે એવા કદાવર (વજન ઓછામાં ઓછું લાખ ટન હોય એવા) ક્રૂઝ શિપ સતત ફરતા રહે છે. એ બધા શિપ દરિયામાં ન હોય ત્યારે માયામીના કાંઠે પાર્કિંગમાં પડ્યા હોય છે.
‘રોયલ કેરેબિયન ક્રૂઝ’ કંપની આખા જગતમાં જાણીતી છે. એ અને એવી બીજી મોટી કહી શકાય એવી 22 કંપનીના અહીં ટર્મિનલ છે, જ્યાં તેમના 55 જહાજો પડ્યા પાથર્યા હોય છે. એ લાઈનબંધ પડ્યા હોય તેને જોવા એ જ એક મોટો લહાવો છે.
પ્રવાસીઓ માટે અહીં સિંગલ ડે ક્રૂઝ સફરની પણ સુવિધા છે. સ્વાભાવિક રીતે એક દિવસની સફર કરાવતા ક્રૂઝ શિપ ઘણા નાના હોય છે, તો પણ આપણી અપેક્ષા કરતાં તો મોટા જ. ફ્લોરિડામાંથી દાંતે ફેસલ નામના સાંસદ 19 વખત ચૂંટાયા હતા. તેમના નામે આ બંદર વિસ્તાર સત્તાવાર રીતે તો ‘દાંતે બી.ફેસલ પોર્ટ ઓફ માયામી’ તરીકે ઓળખાય છે. ક્રૂઝ ઉપરાંત માયામી અમેરિકાનું બહુ મોટું કાર્ગો પોર્ટ પણ છે, પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ક્રૂઝ વિસ્તાર છે. નાની હોડીમાં સફર કરીને પણ ક્રૂઝ વિસ્તારનું ખેડાણ કરી શકાય છે. એક દિવસથી માંડીને પંદર દિવસ સુધીના લક્ઝરી ક્રૂઝ પેકેજ અહીં ઉપલબ્ધ છે. અલબત્ત, લાંબા ક્રૂઝ પેકેજ માટે એડવાન્સ બુકિંગ જરૃરી છે.
શહેરની બન્ને બાજુ ફેલાયેલા જંગલ
માયામી પાસે માનવસર્જિત રંગત છે, તો કુદરતી કરામત પણ કંઈ ઓછી નથી. અમેરિકામાં માયામી એકમાત્ર શહેર છે, જે નેશનલ પાર્ક વચ્ચે આવેલું હોય. એક તરફ ‘એવરગ્લેડ નેશનલ પાર્ક’ છે, તો બીજી બાજુ ‘બિસ્કેન નેશનલ પાર્ક’ છે. માયામાથી એક કલાકના અંતરે આવેલો એવરગ્લેડ નેશનલ પાર્ક 6 હજાર ચોરસ કિલોમીટર કરતાં વધારે વિસ્તારમાં ફેલાયેલો છે અને અમેરિકાના સૌથી મોટા પાર્કમાં સ્થાન ધરાવે છે. મૂળભૂત રીતે આપણા સુંદરવનની જેમ આ બન્ને પાર્ક જળ અને સ્થળનું મિલન છે. એટલે બન્ને પાર્ક માત્ર ચાલીને ફરી શકાતા નથી, બોટિંગ પણ કરવું પડે છે.
એવરગ્લેડમાં દલદલ છે અને દલદલમાં રહી શકે એવા અમેરિકાના ખૂંખાર મગરનો અહીં વાસ છે. મગરથી જરા અલગ પડતાં એલિગેટરે અહીં અડ્ડો જમાવ્યો છે. એ સજીવ તો જાણે કદાવર છે, પરંતુ એ સિવાય છોડ-વેલાની અઢળક વેરાઈટી, સાડા ત્રણસોથી વધારે પ્રકારના પંખી, અનેક જાતની માછલીઓ.. એમ વૈવિધ્યનો પાર નથી. સદભાગ્ય હોય તો ‘ફ્લોરિડા પેન્થર’ કહેવાતો દીપડો પણ જોવા મળી શકે.
‘યુનેસ્કો’એ તેને ‘વર્લ્ડ હેરિટેજ’ સહિતના મહત્ત્વના લિસ્ટમાં સ્થાન ધરાવતા આ પાર્કને પ્રવાસીઓ ભરપૂર માણી શકે અને દુનિયાની દોડધામથી મુક્ત રહી શકે એટલા માટે અંદર વોક-વે, જળમાર્ગ, ટ્રેકિંગ રૃટ સહિતની સગવડ છે. પાર્કના અધિકારીઓ દ્વારા જ નિયમિત રીતે ટૂર યોજાય છે.
શહેરની બીજી તરફ થોડે દૂર ‘બિસ્કેન નેશનલ પાર્ક’ આવેલો છે. કદની દૃષ્ટિએ નાનો છે, પરંતુ ત્યાં આવેલું ‘ફ્લોરિડા રીફ’ નામનુ પરવાળાનું જંગલ દુનિયામાં ત્રીજા નંબરનું મોટું પરવાળા પાર્ક છે. આ કાંઠો ઐતિહાસિક છે, એટલે કોઈ મરજીવા પરવાળા જોવા ડૂબકી મારે તો જૂના જહાજોના ભંગારથી માડીંને ખજાના સહિતની ચીજો મળી શકે છે. મેન્ગ્રોવ્સના જંગલ ધરાવતા આ જળ વિસ્તારની સરેરાશ ઊંડાઈ દસ-બાર ફીટથી વધારે નથી. અહીં ફરવા નીકળેલા પ્રવાસીઓ જંગલના પાણીમાંથી દરિયાના પાણીમાં ક્યારે પહોંચી જાય તેની ખબર રહેતી નથી. એવુ ન થાય એ માટે ઠેર ઠેર બોયાં તરતાં રખાયા છે. એ સિવાય નેશનલ પાર્કના રેન્જર્સ સતત પેટ્રોલિંગ કરતા રહે છે.
બન્ને પાર્કમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ પ્રવાસીઓ ફરી શકે એ માટેની તમામ સવલતો ઉભી કરવામાં આવી છે. વિવિધ પ્રકારની અને વિવિધ રસ પોષતી પાર્ક ટુર યોજાતી રહે છે. બન્ને પાર્કમાં બોટ દ્વારા જ પ્રવેશ કરવો પડે છે. એ પછી પ્રવાસીઓ પસંદગીના વિસ્તારમાં સમય પસાર કરી શકે છે. સાફ અને છીછરું પાણી તથા નીચે પરવાળાની વસાહતને કારણે પ્રવાસીઓ માત્ર હોડીની સફર કરે તો પણ પાર્કનો આનંદ તેમને મળી રહે છે. પાર્કનો કેટલોક જળ-વિસ્તાર ચોવીસેય કલાક ખુલ્લો રહે છે. દિવસે વિનામૂલ્યે પાર્કમાં પ્રવેશ મળે, પરંતુ નિશાચર પ્રવાસીઓને કે પછી ફિશિંગના શોખીનો માટે નિયત કરેલી ફી છે.
ક્યુબા ગયા વગર તેના પાટનગરની સફર કરાવતું ‘લિટલ હવાના’
આખી દુનિયાએ સામ્યવાદને છોડી દીધા પછી ક્યુબામાં હજુ સામ્યવાદનો લાલ રંગ ઉતર્યો નથી. ક્યુબાનું પાટનગર હવાના તેનાં રંગીન કલ્ચર માટે જાણીતું છે. પ્રવાસીઓ ક્યુબા તો જવાનો વિચાર ન કરી શકે, પણ માયામી આવે તો અહીં તેમને લિટલ હવાના તરીકે ઓળખાતો વિસ્તાર જરૃર ફરવા મળે. માયામી નદીના કાંઠે આખો વિસ્તાર પથરાયેલો છે, જ્યાં પહેલેથી યહુદીઓની વસાહત હતી. એ પછી 1960ના દાયકામાં ક્યુબા છોડીને મોટી સંખ્યામાં લોકો માયામી ઠલવાયા અને શહેરથી જરા દૂર યહુદીઓ સાથે રહેવા લાગ્યા. એ વિસ્તાર સમય જતાં લિટલ હવાના તરીકે ઓળખાતો થયો. ક્યુબાની પ્રજા વસી, તેમની સંસ્કૃતિ પણ અહીં વિકસી. હવે એ સંસ્કૃતિને અમેરિકાએ સ્વીકારી લીધી, વિકસવા દીધી અને હવે પ્રવાસન સ્થળ તરીકે તેની માવજત થઈ રહી છે.
અહીંની વોકિંગ ટૂર યોજાય છે, કેમ કે કાચબંધ વાહનમાં બેઠા બેઠા આ વિસ્તારમાંથી પસાર થઈ જવામાં સાર નથી. મોટી દીવાલો અને તેના પર લખેલા મોટા મોટા લખાણ, કલરફૂલ ચિત્રો ધરાવતો વોલ મ્યુરલ વિસ્તાર પ્રવાસીઓને દૂરથી આકર્ષે એવો છે. ‘ડોમિનો’ નામ આપણા માટે પિઝા વેચનારી દુકાન તરીકે જાણીતું છે. હકીકતે ડોમિનો ક્યુબામાં રમાતી એક બોર્ડ ગેમ છે. શેરીના કાંઠે, છાંયડે વૃદ્ધો કેરમ બોર્ડ જેવુ બોર્ડ ગોઠવીને માથે ડોમિનો કહેવાતી ચોરસ ટાઈલ્સ (પાસાં) ચલાવી રમતાં જોવા મળે છે. ક્યુબાની જગવિખ્યાત સિગાર અહીં ઘણા સ્થળે મળી રહે છે, તો વળી ‘કોર્ટાડો’ કહેવાતી ક્યુબન કોફીની ચૂશ્કી લઈ શકાય છે.
એકથી એક ચડિયાતા મ્યુઝિયમો
માયામી જો દરિયાકાંઠા માટે પ્રચલિત ન થયું હોત ત્યાંના મ્યુઝિયમો માટે અચૂક જગવિખ્યાત બન્યું હોત. કલરફૂલ મિજાજ ધરાવતા માયામીમાં સરપ્રાઈઝિંગલી વિવિધ વિષયો સમાવી લેતા નાના-મોટા ઘણા મ્યુઝિયમ છે. તેમાંથી કેટલાક મહત્ત્વના મ્યુઝિયમ અને પાર્ક ઓળખી લઈએ..
- માયામીમાં એક 255 ફીટ ઊંચો ટાવર છે. જ્યારે કાસ્ત્રોના ત્રાસથી ક્યુબાની પ્રજાએ અહીં આશરો લેવાની શરૃઆત કરી ત્યારે તેમના બધા દસ્તાવેજો, નોંધણી, રાજ્યાશ્રય વગેરેની વહિવટી કામગીરી આ ટાવરમાં થતી હતી. એ ટાવર હવે તો સંગ્રહાલય છે, પરંતુ તેને ‘ફ્રીડમ ટાવર’ નામ આપી રાખવામાં આવ્યુ છે. ક્યુબાની ક્રાઈસિસ સમજવા ઈચ્છતા અને સામ્યાવદી કલ્ચરને જાણવા મથતા પ્રવાસીઓ અચૂક એ ટાવરની મુલાકાત લે છે.
- જે યહુદીઓ વિશ્વયુદ્ધમાં બચી ગયા એમાંથી ઘણા ફરતાં ફરતાં ફ્લોરિડાના દક્ષિણ કાંઠે આવ્યા હતા. મૃતક યહુદીઓની યાદમાં અહીં ‘હોલકોસ્ટ મ્યુઝિયમ’ બનાવાયું છે. યહુદીઓ પર ગુજરાયેલો અત્યાચાર કેવો હશે, તેનો આછો પાતળો ખ્યાલ આ સંગ્રહાલય આપી શકે છે.
- પ્રવાસીઓને દૂર જંગલમાં ન જવું હોય તો ‘જંગલ આઈલેન્ડ’ નામનો ટાપુ ઈકો-પાર્ક તરીકે વિકસાવાયો છે. અહીં 300થી વધારે પ્રકારના પક્ષીઓ છે, જેમાં કેટલાક બોલતા પોપટ પણ છે. આ ટાપુ એક પ્રકારનું ઝૂ છે, જ્યાં પ્રવાસીઓ સ્લોથ સહિતના દુર્લભ પ્રાણીઓ સાથે સેલ્ફી લઈ શકે છે.
- તો વળી મિયામી ઝૂ પણ અમેરિકાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયમાં સ્થાન પામે છે. 750 એકર વિસ્તાર અને 3000થી વધુ સજીવો ધરાવતુ ઝૂ એશિયા, આફ્રિકા, એમેઝોન જેવા વિભાગોમાં વહેંચાયેલુ છે. ચાલીને થાક્યા પછી ઝૂને નવી દૃષ્ટિએ જોવુ હોય તો અહીં મોનોરેલની સગવડ છે. પિલ્લર પર બનેલી થોડી ઊંચાઈથી પસાર થતી મોનોરેલ આખા ઝૂને બાલ્કનીમાંથી જોઈ રહ્યા હોય એવી રીતે પ્રેઝન્ટ કરે છે.
- ‘વિઝ્કાયા મ્યુઝિયમ’ હકીકતે એક સદી જુનો કદાવર બંગલો છે. અમેરિકી ઉદ્યોગપતિ જેમ્સ ડાર્લીંગનું એ રહેઠાણ હતું, જે હવે સંગ્રહાલય છે. એવી માન્યતા છે કે 16મી સદીમાં સ્પેનિશ સાગરખેડૂ વિઝકાનિયોએ આ વિસ્તાર ધમરોળ્યો હતો. તેની યાદમાં જેમ્સે મકાનનું નામ રાખ્યુ હતુ. અહીં ઈટાલિયન સ્ટાઈલનો ભવ્ય ગાર્ડન છે, મધ્યયુગિન યુરોપિયન શૈલીનું બાંધકામ છે, એક તરફ જળાશય છે, બીજી તરફ ઢોળાવ છે. કોઈ પરિકથાના મહેલ જેવો દેખાવ ધરાવતો મહેલ યુરોપિયન બાંધકામ-ચિત્રકામ-કળા કારીગરીનો સંગ્રહ છે. હજુ એક સદી પહેલા જ બંધાયો હોવા છતાં આ મહેલ સદીઓથી ઉભો હોય એવો લાગે છે. ‘આર્યન મેન-3’ સહિનતી અનેક અંગ્રેજી ફિલ્મો-સિરિયલોમાં આ મહેલ ‘રોલ’ ભજવી ચૂક્યો છે.
- અમેરિકામાં બાસ્કેટબોલની રમત અનહદ લોકપ્રિય છે. એ રમત વિશેની જાણકારી મેળવવી હોય તો ‘અમેરિકન એરલાઈન અરીને’ની મુલાકાત લેવી પડે. ‘નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)’ની બધી વિગતો અહીં મળી રહે છે. ત્યાં રમત ઉપરાંત, મ્યુઝિક, નાટક.. વગેરેની સ્પર્ધા યોજાતી રહે છે. આખા અખાડાનું સંચાલન અમેરિકન એરલાઈન્સ કરે છે, માટે તેના નામે ઓળખાય છે.
- ‘કોરલ કેસલ’ નામનું સંગ્રહાલય જાણે રેતીનો મહેલ છે. રેતિયા પથ્થરમાંથી અહીં વિવિધ આકાર-પ્રકાર ઉભા કરવામાં આવ્યા છે. 1100 ટન પથ્થરનો ઉપયોગ કરી તેના જ ટેબલ, ખુરશી, ટાવર, રસ્તા, દ્વાર વગેરે પ્રકારના બાંધકામ છે. એડવર્ડ લીડસ્કાલીન નામના પથ્થરપ્રેમી કળાકારે સતત 28 વરસ સુધી મહેનત કરીને આ બધા શિલ્પ કે પછી પથ્થરની રચનાઓ તૈયાર કરી છે. 1920માં ખુલ્લાં મૂકાયેલા સંગ્રહાલયના પ્રવેશવ્દારના પથ્થરો કઈ રીતે એડવર્ડે ગોઠવ્યા એ ઈજનેરો સમજી શકતા ન હતા. આખરે 1986માં ક્રેન વડે પથ્થરો ખસેડ્યા ત્યારે કરામત સમજી શકાઈ હતી. આજે પણ એ ગાર્ડન-સંગ્રહાલયમાં ઘણા રહસ્યમય બાંધકામો તો છે જ.
- જો રેલવેલાઈન ન લંબાઈ હોત તો માયામી વિસ્તાર અવાવરૃ જ રહી ગયો હોત. અહીંના ‘ગોલ્ડ કોસ્ટ રેલ રોડ’ મ્યુઝિયમમાં અમેરિકાની રેલવેનો ઈતિહાસ જાણવા-માણવા મળે છે. ઝૂની બાજુમાં આવેલા આ સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ ફર્ડિનાન્ડ મેંગેલેન નામની રેલવે કાર છે, જેમાં એક સમયે અમેરિકાના પ્રમુખો સફર કરતા હતા.