માયામી પ્રવાસ વર્ણન – ભાગ 1
અમેરિકાન શહેર માયામી દુનિયાભરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. માયામી એટલું જ ગ્લેમરસ પણ છે. જેમ્સ બોન્ડ સહિતની ફિલ્મોના શૂટિંગથી પ્રખ્યાત થયેલા શહેરનાં કેટલાક ભાગની સફર..
‘વેલકમ ટુ માયામી બિચ…’ બોન્ડ ફિલ્મોના ચાહકોને હોલિવૂડ ફિલ્મ ગોલ્ડફિંગરનું એ દૃશ્ય યાદ હશે, જેમાંજેમ્સ બોન્ડ (સર શોન કોનેરી) સાઉથ બીચ પર આવેલી ‘હોટેલ ફાઉન્ટેનબ્લુ’માં ઉતર્યા છે. એ હોટેલમાં જ વિલન એરિક ગોલ્ડફિંગર પત્તાંની રમતમાં છેતરપિંડી કરે છે. એ તો જાણે ફિલ્મ કથા છે.. પરંતુ માયામી ખરેખર ફિલ્મ કથાનું શહેર છે. હોલિવૂડની અનેક ફિલ્મોના અહીં શૂટિંગ થયા છે તો વળી પોપ સિંગર શકિરા, એક્ટર મેટ ડેમન, જેનિફર લોપેજ.. સહિતના સેલિબ્રિટિઝ અહીં રહે છે.
અમેરિકાના સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવતું માયામી તેનો મનોરંજન ઉદ્યોગ અને પ્રવાસીઓના આકર્ષણ કેન્દ્ર તરીકે વિશેષ જાણીતું છે. અમેરિકા કંઈ ભારતની જેમ હજારો વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતો દેશ નથી. અમેરિકાની ધરા પર રેડ ઈન્ડિયન આદિવાસીઓ રહેતા હતા. એમાં યુરોપિયનોએ પેશકદમી કરી. એ પછી અમેરિકા વિકસતું ગયું, એ બધો ઘટનાક્રમ 300 વર્ષથી વધારે જૂનો નથી. 17મી-18મી સદીમાં અમેરિકાના દક્ષિણ કાંઠે રહેતા આદિવાસીઓ ‘મિયયાઈમી’ તરીકે ઓળખાતા હતા. એમના સ્થાને આજે વસેલું શહેર એટલે માયામી. રસપ્રદ રીતે માયામી અમેરિકાનું પહેલું એવુ શહેર છે, જે કોઈ સ્ત્રીએ વસાવ્યું હોય. 19મી સદીના અંત ભાગમાં જ્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં રેલવે લાઈન (અમેરિકન નામ રેલ રોડ) નંખાઈ રહી હતી ત્યારે જુલિયા ટટલ નામની મહિલાએ આગ્રહ કર્યો કે આ વિસ્તારમાં પણ રેલવે નાંખો, શહેરનો વિકાસ હું કરીશ. એ પછી રેલવે નંખાઈ અને ત્યાં માયામી શહેર વિકસ્યું. જુલિયાદેવી આજે ‘મધર ઓફ માયામી’ ગણાય છે.
સન એન્ડ ફનનો સંગમ એટલે બિચ
માયામી શહેર તેના દરિયાકાંઠાને કારણે જ જગવિખ્યાત છે. એમાં પણ સૌથી પોપ્યુલર હોય તો એ સાઉથ બિચ છે. બાળકની માફક અમેરિકનોને આ બિચ લાડકો છે, એટલે તો ‘સોબિ’ના ટૂંકા નામે ઓળખાય છે. એક તરફ વિશાળ સમુદ્ર, વચ્ચે રસ્તો અને બીજી તરફ હોટેલ્સ સહિતના બાંધકામોની હારમાળા સતત ધમધમતી રહે છે. કાંઠે જ નાની-મોટી રેસ્ટોરાંની હારમાળા છે. વળી બહાર સેલ્સગર્લ હાથમાં મેનુ લઈને ઉભી હોય છે, પ્રવાસીઓને આકર્ષવા માટે. ફ્લોરિડાથી દક્ષિણે સમુદ્રમાં આવતો પહેલો દેશ વિખ્યાત-કુખ્યાત ક્યુબા છે. માટે અહીં ‘ક્યુબન સેન્ડવિચ’નું મોટેપાયે ચલણ છે. એ સિવાયનું પચરંગી ફૂડ પણ ઉપલબ્ધ છે. અમેરિકા-ક્યુબા વચ્ચેની દુશ્મની તો જગતના ઈતિહાસમાં જાણીતી છે. જોકે હમણાં જ અડધી સદી પછી અમેરિકા-ક્યુબાના સબંધો ફરી સ્થપાયા છે. એ ક્યુબા મિયામીના કાંઠેથી 150 કિલોમીટર જ દૂર છે.
બિચ પર પ્રવાસીઓ પાથરણા પાથરીને આરામથી પુસ્તકો વાંચતા હોય કે પછી સૂર્યના કિરણોની મજા માણતા હોય છે. એટલે પ્રવાસીઓ અહીં ‘સન એન્ડ ફન’ એવો શબ્દ પણ વાપરે છે. બાળકો કાંઠે રમે અને સાહસિકો પાણીમાં ન્હાવા ઉતરે. અહીંનું પાણી બહુ ઠંડુ નથી, હૂંફાળુ છે, પ્રવાસીઓને મજા કરાવે એવું. આ કાંઠો પ્રમાણમાં સલામત ગણાય છે. તો પણ પ્રવાસીઓની સંભાળ માટે દર થોડા અંતરે ‘લાઈફ ગાર્ડ’ની ચોકીઓ બનાવેલી જ છે. કુશળ તરવૈયાઓ બચાવના સાધનો સાથે ત્યાં ખડે પગે રહે છે. હોલિવૂડની બહુ જાણીતી સિરિયલ ‘બેવોચ’ અથવા એ પરથી બનેલું ફિલ્મ જોયું હોય તો એમાં આવતો કાંઠો સાઉથ બિચ સમજી લેવો. બ્લુ પાણી અને સફેદ જીણી જીણી રેતીનું કોમ્બિનેશન પ્રવાસીઓને જકડી રાખવા માટે પૂરતું છે. માયામીમાં ઘણા દરિયાકાંઠા છે, પણ સાઉથ બિચ સૌથી વધુ આકર્ષક છે.
તડકામાં ફરતી વખતે ઘણા લોકો સન-સ્ક્રીન લોશન લગાડવાનું પસંદ કરતા હોય છે. એ સન સ્ક્રીન લોશનની શોધ 1944માં બેન્જામિન ગ્રીન નામના માયામીઅને જ કરી હતી. દરિયાકાંઠે સમય પસાર કરતા માયામીના નર-નારીઓની ચામડીને નુકસાન ન થાય એટલા માટે દવાના બિઝનેસમાં સક્રિય બેન્જામિને ઉપાય વિચાર્યો અને એમાંથી લોશનની શોધ કરી નાખી.
કાંઠે જોવા મળતું બીજું એક આકર્ષણ એટલે અહીં ઉમટી પડતા દરિયાઈ પક્ષીઓ. સફેદ શરીર, રાખોળી પીંછા, કાળી ચાંચ ધરાવતા ‘સિગલ’ અહીં સેંકડોની સંખ્યામાં બેઠલા જોવા મળે છે. પ્રવાસીઓથી ટેવાઈ ગયા છે. માટે કોઈ સાવ નજીક ન જાય ત્યાં સુધી ઉડી જતાં નથી. સિગલનો સાથ આપવા મોટી સંખ્યામાં ‘ટર્ન’ પણ કાંઠે શંભુમેળો જમાવીને બેઠા હોય છે.
કાંઠે કાંઠે બનેલો રસ્તો ડ્રાઈવ પર જવા માટે ફેમસ છે. જૂવાનીયાઓ ખૂલ્લી છત ધરાવતી મોટરલઈને કાંઠાના રસ્તે ડ્રાઈવ પર નીકળે છે. અહીં સતત બસ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહન મળતા રહે છે. એટલે એક સ્થળે ઉતર્યા પછી થોડું ચાલવાનું મન થાય તો વળી ચાલીને આગળથી બસ પકડી શકાય. અહીં ફરતા પ્રવાસીઓને ભાગ્યે જ ખ્યાલ આવે કે ટાપુ વિસ્તાર કૃત્રિમ છે, એટલે કે દરિયામાં પૂરાણ કરીને કાંઠો વિકસાવાયો છે. દરિયાકાંઠામાં આ શહેરનો જીવ સમાયેલો છે એમ કહી શકાય. એટલે તો શહેરના વિવિધ દરિયાકાંઠાની દેખરેખ-વહિવટ માટે એ-બે નહીં 6 કમિશનરની નિમણુંક કરવામાં આવે છે.
કદાવર કળાની સફર કરાવતી આર્ટ ડેકો સ્ટ્રીટ
કલાની વાત કરીએ તો માયામી અનેક પ્રકારની કલા અને કલાકારોને સંઘરીને બેઠું છે. ખાલી દીવાલ મળી ત્યાં આકર્ષક પેઈન્ટિંગ્સ કરીને ‘વીનવૂડ વોલ્સ’ નામનો વિસ્તાર ઉભો કરી દેવાયો છે. એ જગ્યાએ દીવાલ પર માત્ર જાત-જાતના વિશાળ સ્ટ્રીટ આર્ટ લાગે એવા પેઈન્ટિંગ છે. અમેરિકાનું મેટ્રો કલ્ચર દર્શાવતા સાઈન બોર્ડનો સંગ્રહ છે. એ તો ઠીક જમીન પર પડેલા ખડકને પણ વિવિધ રંગે રંગીને કાયાપલટ કરી દીધી છે. જોકે માયામીના આ બધા આર્ટ-એટ્રેક્શન વચ્ચે શીરમોર કોઈ હોય તો એ આર્ટ ડેકો સ્ટ્રીટ કે ડિસ્ટ્રીક છે.
માયામીના સાઉથ બિચ કાંઠે મોટાભાગે તો હોટેલ્સ છે, પરંતુ તેની વિશિષ્ટતા આર્કિટેક્ચરમાં રહેલી છે. બીજા વિશ્વયુદ્ધ પછી ‘આર્ટ ડેકો’ નામે ઓળખાતું આર્કિટેક્ચર બહુ લોકપ્રિય થયું હતું. અહીં કાંઠે બનેલા મોટા ભાગના મકાનો-હોટેલ્સ આર્ટ ડેકો સ્ટાઈલથી સજ્જ થયા છે (અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ‘વીજળી ઘર’ કે પછી ખાનપુરમાં આવેલું ‘ગુજરાત સમાચાર’નું કાર્યાલય એ આર્ટ ડેકો સ્ટાઈલના જાણીતા ઉદાહરણો છે).
જમવાના ટેબલ પર વાનગીઓ ગોઠવી હોય એમ સાઉથ બિચના કાંઠે આર્ટ ડેકો બાંધકામોની હારમાળા ઉભી છે. એટલે દુનિયાભરના ડિઝાઈન રસીક પ્રવાસીઓ ખાસ અહીં આ બાંધકામો જોવા આવે છે. નાનકડા વિસ્તારમાં 800થી વધુ આર્ટ ડેકો સ્ટાઈલના મકાનો ઉભા થયા છે. માટે આ વિસ્તાર દુનિયાનો સૌથી મોટો આર્ટ ડેકો એરિયા છે. આર્ટ ડેકો કળાનો ઈતિહાસ સમજાવતું એક મ્યુઝિયમ પણ અહીં આવેલું છે.
પ્રવાસીઓ ખાસ ચાલીને તેની સફર કરે છે, જેથી 20મી સદીના ઉતરાર્ધમાં આખા જગતમાં છવાઈ ગયેલા એ બાંધકામોને નજીકથી નિહાળી શકાય. એ માટે પ્રવાસીઓએ અહીં આવેલા આર્ટ ડેકો વેલકમ સેન્ટર ની મુલાકાત લેવાની રહે છે. જ્યાંથી સતત વોકિંગ ટૂર યોજાતી રહે છે.
સાહસિકોને આમંત્રણ આપતી દરિયાઈ રમતો
દરિયાકાંઠો શાંત અને આકર્ષક છે, માટે અહીં દરિયાઈ રમતો (વોટર સ્પોર્ટ્સ)નો કોઈ પાર નથી. વધુ જાણીતી અને પ્રવાસીઓમાં પ્રિય રમત ‘સ્ટેન્ડઅપ પેડલ બોર્ડિંગ’ છે. હવાઈ ટાપુ પરથી આ આવેલી આ રમત દરિયામાં સફર કરાવે છે. દરિયાઈ સર્ફિંગ જાણીતું છે, પેડ પર પગ ટેકવી દેવાના અને મોઝાં સાથે ચડ-ઉતર કરતાં રહેવાનું. સ્ટેન્ડઅપ પેડલમાં સર્ફિંગ પેડ પર ઉભા રહેવાનું, હાથમાં હલેસાં રાખવાના અને ઉભા ઉભા જ હલેસાં મારીને બોર્ડ આગળ ચલાવવાનું. આ રમત શાંત પાણીની છે, માટે દરિયાના પાણી કરતાં અંદર રહેલી ટનલ, જળમાર્ગમાં તેનો વધારે ઉપયોગ થાય છે. સાહસિકો જોકે દરિયો ખેડતા પણ અચકાતા નથી.
આ રમત સહેલી છે, તો પણ કેટલીક બેઝિક નીતી-રીતી શિખવી પડે. જો જળક્રીડાનો શોખ હોય તો અહીં પ્રવાસીઓ માટે પેડલ બોર્ડ ભાડે મળે અને ત્યાં વળી કેટલુંક પ્રાથમિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કસરત શોખિનો ચાલવા નીકળતાં હોય, માયામીના યુવાનો પાણી પર બોર્ડની સવારી કરીને ચાલવા નીકળે છે. તેની સ્પર્ધાઓ પણ યોજાય છે. પેડલ બોર્ડ યોગનું પણ ચલણ ત્યાં તો શરૃ થઈ ચૂક્યુ છે. દરિયાઈ સાહિસકો ન હોય પણ દરિયામાં રમત કરવાની વૃત્તિ હોય એવા પ્રવાસીઓ માટે અહીં બીજી અઢળક વોટર સ્પોર્ટ્સ જેમ કે સ્પીડ બોટ, પેરાસેઈલિંગ, એરબોટ ટુર.. વગેરે પણ વિકસી ચૂકી છે.
માયામીના કાંઠા પછી અંદરના ભાગમાં પણ પ્રવાસીઓને પહેલી નજરે ન દેખાય એવા જળમાર્ગો અહીં તૈયાર કરાયા છે. કાંઠે બાંધકામ પુરા થાય એ પછી નહેર બનાવાઈ છે. એ નહેરનું નામ વળી ‘ઈન્ડિયન ક્રીક’ છે. જળમાર્ગ હોવાથી અહીં રહેતા ઘણા લોકો પોતાની હોડી-યાચ પણ ધરાવે છે. મોટરકાર ન ચાલે એમ હોય ત્યારે હોડી લઈને નીકળી પડે છે.
આવા વધુ કેટલાક સ્થળોની સફર બીજા ભાગમાં.
સુંદર અને રસપ્રદ આર્ટિકલ