કનખલનું વિશ્વકર્મા મંદિર : શોધવા નીકળીએ તો શું મળે?

ધર્મનગરીમાં ખોવાયેલું આસ્થાનું ધામ

 

હરિદ્વાર પાસે આવેલા કનખલમાં એક પ્રાચીન વિશ્વકર્મા મંદિર આવેલું છે. કમનસિબે એ મંદિર ખાસ જાણીતું નથી. એટલે દાયકાઓ પહેલા તેને શોધવામાં ભારે તકલીફ પડી હતી અને આજે પણ એ મંદિર જાણીતું નથી બની શક્યું. એ મંદિર સુધી અમે કઈ રીતે પહોંચ્યા તેનો અનુભવ..

એ વર્ષ તો યાદ નથી પણ અંદાજે ૨૦-૨૨ વર્ષ પહેલાની ઘટના છે. અમારા સગામાં એક માજીનું અવસાન થયા પછી તેના અસ્થિ પધરાવવા માટે મારા મોટા બાપુજી સાથે હું હરિદ્વાર ગયો હતો. શિયાળાની સિઝન હતી, ઠંડીનો પાર ન હતો. એ વચ્ચે પણ ગંગામાં ન્હાવાની તો અલગ મજા જ હતી. અસ્થિની વિધિ પૂરી કર્યા પછી ધર્મનગરી હરિદ્વારમાં માથુ ટેકવવાના સ્થળોની કમી ન હતી. અમે વિવિધ સ્થળો ફરી રહ્યાં હતા. એ વખતે તો હું પ્રાથમિક શાળામાં ભણતો, એટલે મારા માટે તો સૌથી લાંબો પ્રવાસ હતો.

દેખાવ સામાન્ય પણ ત્યાં સુધી પહોંચવાની અમારી સફર રોમાંચક હતી.

મારા મોટા બાપુજી, રણછોડભાઈ ખંભાયતાને કોઈએ હરિદ્વાર જતાં પહેલા માહિતી આપી હતી કે ત્યાં એક વિશ્વકર્મા મંદિર છે. મંદિર ઘણુ પ્રાચીન છે અને ગર્ભગૃહમાં પરિક્રમાનો પથ ધરાવે છે. આવુ મંદિર બીજે ક્યાંય હોવાનું જાણમાં નથી. માટે ધાર્મિક આસ્થા પુરતૂં ય એ મંદિર શોધીને ત્યાં નમન કરવા રહ્યાં. હરિદ્વારના રસ્તે ચાલતા ચાલતા અમે એ મંદિરની શોધ કરતાં હતા.

અજાણ્યા સ્થળે અજાણી જગ્યા શોધવા માટે કોને પૂછવું જોઈએ? સ્થાનિક લોકોને, રીક્ષા ચાલકને, સાઈકલસવારને, પોલીસ અધિકારીને… એ બધાને અમે પૂછતા પૂછતા આગળ વધતા હતા. કોઈને મંદિર વિશે ખબર ન હતી. અમારી પાસે એટલી માહિતી હતી કે મંદિર હરિદ્વારમાં નહીં, પરંતુ બાજુમાં આવેલા કનખલમાં છે. કનખલ જોકે આમ તો હરિદ્વારનો જ ભાગ ગણાય છે. બે-ત્રણ કિલોમીટર કરતા વધારે અંતર નથી અને બજાર તો સળંગ છે. માટે ક્યાં હરિદ્વાર પુરું થાય, ક્યાં કનખલ શરૃ થાય એ નક્કી થઈ શકતું નથી.

હરિદ્વારમાં એ વખતે એક નવો ઘાટ બન્યો હતો. એ ઘાટ પર વિશ્વકર્માની મૂર્તિ ખુલ્લા ઓટા પર બિરાજમાન કરી દેવાઈ હતી. ઘાટનું નામ પાડી દેવાયું હતું, ‘વિશ્વકર્મા ઘાટ’. એક રીક્ષા ચાલકે કહ્યું કે મેં વિશ્વકર્મા મંદિર જોયું છે. એમ કરીને અમને તેણે ઉપાડયા અને લાવીને ગંગાકાંઠે વિશ્વકર્મા ઘાટ પર ઉભા કરી દીધા. બેશક ત્યાં પણ ન્હાવા જેવુ પાણી હતું, વિશ્વકર્માની મૂર્તિ હતી, પણ અમારે શોધ હતી એ મંદિર ન હતુ.

કોઈને દેશી તારિખિયામાં રસ હોય તો

અમારી શોધયાત્રા આગળ ચાલી. હવે કોને પૂછવું.. અહીં કોઈને આ મંદિરની ખબર જ ન હતી. પૂછવું તો કોને પૂછવું.. અલક-મલકની વાતો કરતાં અમે રસ્તા પર ચાલ્યા જતાં હતા. ત્યાં એક દુકાન પર ધ્યાન પડયું. એ દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. એક મિસ્ત્રી બહાર પાટીયા પર રંધો મારતો હતો. મોટા બાપુજીના મગજમાં તુરંત લાઈટ થઈ. વિશ્વકર્માની બીજા કોઈને ખબર હોય કે ન હોય, વિશ્વકર્માના સંતાન એવા આ મિસ્ત્રીને તો ખબર હશે જ..

એને પૂછ્યું, તેને ખબર જ હતી. તેણે માહિતી આપી, હા મંદિર છે જ. ખૂબ જુનું છે. એ વિસ્તારનું નામ સતીઘાટ  છે. અમે રીક્ષા કરીને ત્યાં પહોંચ્યા. મંદિર જોયું, દર્શન કર્યા, ત્યાં કોઈ પૂજારી હાજર હતા તેમની સાથે વાતો પણ કરી, જે મને ખાસ યાદ નથી. હરિદ્વારની એ યાત્રા સફળ થઈ..


બે દાયકા કરતાં પણ વધુ સમય પછી મે ૨૦૧૭માં ફરીથી અમે હરિદ્વારની મુલાકાતે હતા. હરિદ્વારમાં ધાર્મિક સ્થળો અને ઘાટ તો રોજેરોજ વધી રહ્યાં છે. પણ બધાની મુલાકાત લેવામાં કંઈ રસ ન પડે. હરિદ્વારમાં આમ-તેમ રખડી લીધા પછી અડધા દિવસનો સમય હતો. એ વખતે મને ફરીથી યાદ આવ્યું કે પેલું મંદિર હવે તો સરળતાથી મળી જશે. કેમ કે હવે તો મોબાઈલમાં ટ્રાવેલ્સની એપ હોય છે, ગૂગલ મેપ છે, હરિદ્વારમાં ઠેર ઠેર માહિતીના બોર્ડ છે.. ટૂંકમાં આપણે માહિતીના યુગમાં જીવી રહ્યાં છીએ. એટલે મંદિર શોધવામાં કોઈ મુશ્કેલી શી રીતે પડી શકે?

સતિઘાટ સાવ શાંત છે, એટલે જ મજેદાર છે.

અમે નીકળી પડયાં. રસ્તા પર બેટરી સંચાલિત રીક્ષા હવે તો હરિદ્વારમાં સફરનો બહુ સરળ વિકલ્પ છે. અમે એક રીક્ષાને રોકીને કહ્યું કે કનખલમાં છે એ વિશ્વકર્મા મંદિરે જવું છે. તેણે કહ્યું બેસી જાઓ.. રીક્ષા ઉપડી. કનખલ આવ્યું એટલે રીક્ષા ચાલકે કહ્યું કે મંદિર તો મેં જોયુ નથી પણ હમણાં પૂછી લઈએ. આમે ય રીક્ષા ચાલક માટે રસ્તો શોધવાનું કામ ઘણું સરળ હોય છે.

એક સ્થળે ઉભા રહી તેણે પૂછ્યું. દુકાનદારે જવાબ આપતા કહ્યું કે ના અહીં એવુ કોઈ મંદિર નથી! મને એક તબક્કે એવો પણ વિચાર આવ્યો કે મંદિર ક્યાંક ડેવલપમેન્ટના નામે તોડી પડાયું હશે? પણ નદી કાંઠે એકાંતમાં આવેલુ મંદિર કોને નડે? પરંતુ અમને માહિતી આપનાર ભાઈ એ વાત માનવા તૈયાર ન હતા, કે મંદિર છે. અમારી બેદરકારી એ કે મંદિર ક્યા વિસ્તારમાં છે, મંદિરનું નામ-ઠામ જાણ્યા વગર તેને શોધવા નીકળી પડયાં હતા. આસાનીથી મળી જ જશે એવા વધારે પડતાં આત્મવિશ્વાસ હવે નડી રહ્યો હતો. અગાઉ મંદિરે આવ્યા એને ૨૦ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હતો. એટલે બધી વિગતો ક્યાંથી યાદ હોય..

રીક્ષા આગળ ચાલી.. હવે રીક્ષા ડ્રાઈવરને પણ લાગ્યું કે આ મુસાફરોને પૂરી ખબર નથી ને મંદિર શોધવા હાલી નીકળ્યા છે. હકીકતે એ મંદિર તરફ જનારો વર્ગ બહુ ઓછો હોવાથી તેની જાણકારી પણ ઓછા લોકોને હતી. વળી આગળ બીજે પૂછપરછ કરવા માટે ઉભા રહ્યાં. એ વખતે પણ સ્થાનિક માણસે કહ્યું કે આવુ કોઈ મંદિર-બંદિર અહી નથી.. મેં થોડી દલીલ કરી એટલે એ ભાઈએ એમ પણ કહ્યું કે અમે પેઢીઓથી અહીં રહીએ છીએ.. અમને ખબર હોય કે તમને..! એની વાત એક રીતે સાચી હતી.. પણ તો પછી મંદિર ગયુ ક્યાં?

અમારી વાત-ચીત ચાલતી હતી એ જરા દૂર બીજા રીક્ષાચાલક દાદા ઉભા હતા. એ નજીક આવ્યા અને કહ્યું હા, મંદિર છે! અમારા જીવમાં જીવ આવ્યો.. તેમણે વધુ માહિતી આપી કે મંદિર છે પણ તેનું નામ સતીઘાટ છે (એ નામ હું ભુલી ગયો હતો). પછી તો અમારા રીક્ષા ચાલકે પણ કહ્યું કે હા, સતીઘાટ તો જોયો છે.. થોડી વારે અમારી રીક્ષા એ ઘાટ પર પહોંચી ગઈ.

સતીઘાટ પાસેના ચોક પર ઉતરી અમે ઘાટ તરફ ચાલતા થયા. સાંકડા રસ્તા પર ખાસ ભીડ ન હતી. કનખલ આમેય નાનકડું ગામ અને એમાં આ વિસ્તાર પર આવનારા લોકો કેટલાં? અહીં જ એ પ્રાચીન મંદિર ઉભું છે. ગંગાનો કાંઠો છે અને તેને સતીઘાટ નામ આપી દેવાયું છે. ઘાટની બાજુનુ મંદિર સાવ ખાલીખમ છે. અમે અંદર ગયા ત્યારે ત્યાં કોઈ ન હતું. મંદિર ફરતે ઓરડા છે એ બંધ હતા. ઓફિસ લખેલા દરવાજે પણ તાળું મારેલું હતું.

અમે મંદિરનું ભ્રમણ કરીને નીકળી રહ્યાં હતા ત્યારે જ એક યુવાન આવ્યો. એ મંદિરના પ્રાંગણમાં રહેલા ઓરડામાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરતો હતો. તેણે કહ્યું કે આ મંદિરના પૂજારી પોતાના વતનમાં ગયા છે. એટલે હાલ મારા સિવાય અહીં કોઈ નથી. કેટલાક સ્થાનિક લોકો અને તમારા જેવા જાણકારો સિવાય અહીં કોઈ આવતુ નથી. માટે મંદિર હંમેશા ભીડભાડથી મૂક્ત રહે છે. અમને આમે ય એવા જ મંદિરની મુલાકાત લેવાની ઈચ્છા હતી, જ્યાં ભક્તોની ભીડ ન હોય. એ પૂરી થઈ, તેને વિશ્વકર્માની કૃપા જ કહેવાય ને!

આ મંદિર વિશેની માહિતી આપનાર ત્યાં કોઈ ન હતું, પરંતુ પછીથી તપાસ કરતાં કેટલી માહિતી મળી. આ મંદિર ૧૯૫૮માં બનેલું છે, એટલે અતી પ્રાચીન તો નથી. પરંતુ વિશિષ્ટ જરૃર છે. મંદિરની અંદર મંદિર જેવુ તેનું બાંધકામ છે. બે મંદિર વચ્ચે ૩ ફીટ પહોળી પરિક્રમાની કેડી છે. પરિક્રમા કરવાનું મહત્ત્વ વિશ્વક્રમા પુરાણમાં વર્ણવાયુ જ હશે. મંદિરમાં વિશ્વકર્મા સાથે બીજી ૬ મૂર્તિ છે. એ ૬ પૈકી પાંચ તો વિશ્વકર્માના પુત્રો હશે. પણ છઠ્ઠી મૂર્તિ કોની એ સમજી શકાતું નથી. વિશ્વકર્માના અભ્યાસુઓને કદાચ તેની વધુ જાણકારી હોઈ શકે. મંદિરમાં એ અંગેની ખાસ વિગતો મૂકવામાં આવી નથી.

અહીંનો સતીઘાટ ભારે રસપ્રદ છે. ભીડભાડ રહીત હોવાથી જેમને ગંગાની ખરી મજા લેવી હોય એમને હરિદ્વારની ભીડને બદલે કનખલની મોકળાશમાં રહી શકે છે. સતીઘાટ પર ખાસ લોકો હોતા નથી, માટે ઘર આંગણે ગંગા વહેતી હોય એવુ લાગે. અહીં પણ ગંગાજીનું એક મંદિર છે, જ્યારે બીજા નાના-મોટા મંદિરો પણ છે.

waeaknzw

Gujarati Travel writer.