મહાદેવ હર : બે નંદી ધરાવતું શિવમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજ્યના નોખા-અનોખાં શિવાલયો પરિચય એક જ ક્લિકમાં

lord shiva

શ્રાવણ મહિનો શિવ ભક્તિનો મહિનો છે. ખાસ કરીને શિવ મંદિરોમાં આ મહિના દરમિયાન અને એમાંય સોમવારે વિશેષ ભીડ ઉમટે છે. શિવ મંદિરો તો ઠેર ઠેર હોય પણ ગુજરાતમાં કેટલાક નોખાં-અનોખાં શિવમંદિરો છે, જેનો અહીં પરિચય રજૂ કર્યો છે.

મનકામેશ્વર : શિવાજીએ સુરત પર ચઢાઈ કરતાં પહેલા પૂજા કરી હતી
સ્થળ : વાલોડ (તાપી જિલ્લો)

તાપી જીલ્લાના વાલોડ ખાતેથી પસાર થતી વાલ્મિકી નદીના કિનારે વટવૃક્ષ પાસે મનકામેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. માન્યતા પ્રમાણે અહીં વાલ્મિકી ઋષીનો આશ્રમ હતો. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરત પર ચઢાઇ કરવા માટે જતા ત્યારે તેઓ સૌપ્રથમ આ મંદિરે ભગવાન શિવજીની આરાધના કરી ધજા ચડાવી હતી. અહીં વડ, પીપળો, લીમડો, બિલીપત્ર જેવા સાત વૃક્ષો એક જ થડના સહારે ઊભા છે. તેની પ્રદક્ષિણ કરી સાચા હૃદયથી મનોકામના કરવામાં આવે તો તે હંમેશા પૂર્ણ થાય છે તેવી ભક્તોને શ્રદ્ધા છે.

નાગેશ્વરની બહાર બેઠેલા વિશાળ કદના શિવજી

નાગેશ્વર : કૃષ્ણ ભૂમિ પર આવેલું ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ
સ્થળ : દ્વારકા

દ્વારકામાં જગત મંદિર જગવિખ્યાત છે એ ઉપરાંત પંદરેક કિલોમીટર દૂર નાગેશ્વર મંદિર આવેલું છે. સોમનાથ પછી એ ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ છે.  દારુકાવન તરીકે ઓળખાતા આ પ્રદેશમાં એક સમયે નાગલોકનું પ્રભુત્વ હતું, તેવુ પણ જાણકારો માને છે. મંદિર ઉપરાંત અહીં શિવજીની વિરાટ  પ્રતિમા ઉભી કરવામાં આવે છે, જે દૂરથી જ જોઈ શકાય છે.

ત્ર્યંબકેશ્વર : બે નંદીવાળું અનોખું મંદિર
સ્થળ : માણાવદર

શિવ મંદિરમાં નંદી અર્થાત પોઠિયાની હાજરી હોય એની નવાઈ નથી. ગુજરાતમાં જોકે એક એવુંય મંદિર છે, જેમાં એક નહીં બે નંદી છે. જૂનાગઢ નજીકના માણાવદરમાં આવેલું મંદિર ત્ર્યંબકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર ૧૯૦૯માં ગડગડીયા મહાદેવ તરીકે ઓળખાતુ હતું. સમય જતા તેની કાયાપલટ થતી રહી હોવાથી હવે ભવ્ય મંદિર છે.

૧૯૬૮માં મંદિરનું નવનિર્માણ શરૃ થયું ત્યારે મંદિરની સામે રહેલા જૂના નંદીની જગ્યાએ નવા નંદીનું સ્થાપન કરવાનું હતું. તેને હટાવવા માટે દસ-દસ મજૂરો ત્રિકમ, કોદાળી- રસ્તી- માળા લઈને ચાર ચાર દિવસ સુધી કામે લાગ્યા છતાં નંદી તસુભર ખસ્યો નહિ. આથી આ નંદી યથાવત રાખી બીજા નંદીનું સ્થાપન કરવાનું નક્કી થયું હતું. ત્યારથી એ મંદિરમાં બે નંદી છે.

જટાશંકર : જંગલ અને પહાડના સંગમ પર બિરાજમાન મહાદેવ
સ્થળ : ગિરનાર, જૂનાગઢ

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાંથી એક રસ્તો જાય છે, ભરતવન-શેષાવન તરફ. એ પગથિયાં ચડતાં થોડે આગળથી જટા શંકર જઈ શકાય છે. જોકે જટા શંકર જવાના કોઈ પગથિયા નથી. જંગલમાં પથરાળ કેડી છે. પથ્થરો પર ભક્તોએ એરા માર્યા છે, એટલે રસ્તો શોધવાનું કામ થોડુ આસાન થાય છે.

પહાડની નિશ્રામાં આવેલા જટાશંકર પાસેથી નદી પસાર થાય છે. એ નદી ચોમાસા પુરતી જ ચાલુ રહે છે. પરંતુ ચોમાસામાં ગંગા તરીકે ઓળખાય છે, માટે જટાશંકરને કોઈ કોઈ ગંગેશ્વર પણ કહે છે. મંદિરનું કોઈ આધુનિક બાંધકામ નથી, કેમ કે શિવજી ગુફામાં બીરાજ્યા છે. મંદિર પાછળ થોડે દૂર એક ધોધ છે. ચોમાસા દરમિયાન એ ધોધ ચાલુ રહે છે, માટે પ્રવાસીઓમાં તેનું વિશેષ આકર્ષણ છે.

વિરાટેશ્વર : વિરાટ કદનું શિવલિંગ મળ્યું એટલે નામ પડ્યું
સ્થળ : સાળંગપુર રોડ, બોટાદ

બોટાદમાં વિરાટેશ્વર મંદિર આવેલું છે. તેના શિવલિંગના વિશાળ કદના કારણે આ નામ પડ્યું છે. છ દાયકા પહેલા અહીંના એક શિવભક્તના સપનામાં શિવજી આવ્યા હતા. તેમણે દર્શાવેલા સ્થળે ખોદકામ કરતાં ત્યાં સાત ફૂટ ઊંચુ, ૧૪ ફૂટ પહોળું કદાવર શિવલિંગ મળી આવ્યું હતું. એ પછી ત્યાં મંદિર બન્યું અને કાળક્રમે મંદિર વિકાસ પામતું ગયું, ભક્તોની સંખ્યા વધી ગઈ.

મરડેશ્વર : મરડ નામની માટીમાંથી બનેલું શિવલિંગ
સ્થળ : શહેરા, પંચમહાલ

શિવલિંગ શેમાંથી બને? કદાવર, મજબૂત પથ્થરમાંથી. આખા દેશમાં શિવલિંગ આવા જ હોય, પણ એમાં અનોખું શિવલિંગ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. શહેરા ગામ પાસે ટેકરી પર આવેલા મરડેશ્વર મંદિરમાં શિવલિંગ માટીમાંથી બનેલું છે. આ માટી મરડ નામે ઓળખાય છે. એટલે જ આ નામ મળ્યું છે. તેના કારણે આ શિવલીંગ રૃદ્રાક્ષના મણકાની જેમ ખરબચડી સપાટીવાળુ છે.

આ શિવલીંગના થાળામાં કાયમ પવિત્ર જળ વહેતુ જોવા મળે છે. જેને શિવભક્તો જટામાંથી વહેતી ગંગાની અવિરત ધારા માનીને શિવની પ્રસાદી સમજીને ચરણામૃત તરીકે લેવાય છે. દર વર્ષે આ વિરાટ શિવલીંગ ચોખા જેટલું વધતુ હોવાની પણ માન્યતા છે. મંદિરની બાજુમાં ૩૫૦ વર્ષ જુની એક વાવ આવેલી છે. જેમાંથી એક ગુપ્તરસ્તો જે કાશી સુધી પહોંચતો હોવાની પણ માન્યતા છે.

દ્રોણેશ્વર : મછુન્દ્રી નદીના કાંઠે બિરાજેલા ભગવાન શંકર
સ્થળ : દ્રોણ, ઉના

ઉના નજીક આવેલા દ્રોણ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે એ ગીર જંગલની સાવ નજીક છે. મછુન્દ્રી નદીના કાંઠે છે. એટલે અહીં આવનારને જંગલ સફરનો અનોખો અનુભવ થાય છે. માન્યતા પ્રમાણે પાંડવોના ગુરૃ દ્રોણાચાર્ય આશ્રમ બનાવીને રહેતા હતા અને શિવજીની પૂજા કર્યા બાદ ભોજન લેવાનો નિયમ હોય તેમણે શિવલીંગની સ્થાપનાં કરી હતી. ત્યાં પાણીની વ્યવસ્થા ન હોવાથી દ્રોણાચાર્યએ મંત્રશક્તિ વડે ગંગાજીને પ્રગટ કરી દેખાડ્યા હતા.

દ્રોણેશ્વર ડેમ અને તેના કાંઠે મંદિર

વર્તમાન મંદિર ૧૬૩૦માં બંધાયેલું છે. એ વખતે ગીર ગઢડા પાસે આવેલા સાસર ગામના વતની શામજી જેઠા મહેતાના ઘરે દીકરાના જન્મ પછી તેમણે આ મંદિર બંધાવ્યુ હતું. એ માહિતી અહીંના શિલાલેખમાં છે. પ્રખર ઈતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના કહેવા પ્રમાણે મૂળ મંદિર મંદિર વલભી સામ્રાજ્ય (ઈસવીસન ૪૯૯થી ૫૧૯ વચ્ચે) વખતે બંધાયેલું હશે.

મહાકાલેશ્વર : અહીં પીપળાંના પાંન સોનાના હતા
સ્થળ : ખંભાત

ખંભાતના માદળા તળાવના કાંઠે આવેલું મહાકાલેશ્વર મંદિર પાચ સદી જૂનું છે. આ શિવમંદિરમાં નાના-મોટા એક સાથે પાંચ શિવલિંગ આવેલા છે. મંદિરના પ્રાંગણમાં આવેલ વર્ષો જુના પીપળાના ઝાડના પાન એક સમયે સોનાના હતાં, એવો ઉલ્લેખ શીવપુરાણમાં થયેલો છે. શ્રાવણી અમાસે સ્ત્રીઓ માટે અહીં પીપળાના વૃક્ષે ૧૦૮ ફેરા ફરવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓના પતિ દીર્ઘાયુષ્ટ પ્રાપ્ત કરે છે તેવી દ્રઢ માન્યતા છે.

કર્ણમુક્તેશ્વર : મહાનગર અમદાવાદનું સૌથી પ્રાચીન શિવમંદિર
સ્થળ : બગીચા મિલ, અમદાવાદ

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ રાજવીઓમાં એક ગણાતા કર્ણદેવ સોલંકીએ ૧૦૯૪ની સાલ (એક હજાર વર્ષ પહેલા) આ મંદિર સ્થાપ્યું હોવાથી તેમના નામે કર્ણમુક્તેશ્વર નામે ઓળખાય છે. મંદિર બગીચા મિલ પાસે સારંગપુર દરવાજાથી રાયપુર દરવાજા વચ્ચે આવેલું છે. સોલંકી યુગના ગુજરાતના મંદિરો મુજબ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર પણ પશ્ચિમાભિમુખ મંદિર છે. તેની સાથે જોડાયેલા નંદિ દેવ તથા કાચબા સહિતનો મંડપ વિભાગ આવેલો છે. મંદિર સોલંકી કાળમાં અસ્તિત્વ ધરાવતું હોવાનું તેની અંદરના શિલ્પો તેમજ મુખ્ય શિવલિંગ સાક્ષી પૂરે છે. આ પરથી જણાય છે કે ઇસુની ૧૧મી સદીમાં મંદિર દિવ્યમાન હતું. જે ચાર શિલ્પ ઉપલબ્ધ છે તે સંભવતઃ આ મહામંદિરના હોય તેવી પણ સંભાવના છે. આજે એ મંદિરના ગર્ભગૃહ, શિવલિંગ તેમજ બહારના છૂટા ચાર અવશેષ સિવાય કંઇ જ બચ્યું નથી.

સ્તંભેશ્વર : મહાસાગર જેનો અભિષેક કરે છે, એવા ભગવાન
સ્થળ : કાવી-કંબોઈ, જંબુસર

ભરુચના જંબુસર પાસે આવેલું સ્તંભેશ્વર મંદિર સમુદ્રમાં થોડે અંદર છે. એટલે ભરતી-ઓટ મુજબ મંદિર પર સમુદ્રી પાણીનો અભિષેક થતો રહે છે. સમુદ્ર દ્વારા કુદરતી રીતે અભિષેક દિવસમાં બે વાર થાય છે. અહીં ભરતીના સમયે દરિયાના પાણીમાં અદ્રશ્ય થાય ત્યારે શિવલિંગના દર્શનનો લ્હાવો અનેરો છે. કંબેાઈ સ્થિત સ્તંભેશ્વરનું ધાર્મિક માહત્મ્યનું પુરાણોમાં અને ખાસ કરીને સ્કંદપુરાણમાં વિસ્તૃત ઉલ્લેખ કરાયો છે.

આ શિવલિંગ પૌરાણિક સમયમાં દરિયામાં અદ્રશ્ય રહેતું હતું તે સમયે આ શિવલિંગના દર્શન કરવા માટે  ઋષી-મુનિ લાંબા સમય સુધી આ સ્થળે નિવાસ- તપ કરતા હતા. પ્રયાગમાં ૭ , પુષ્કરમાં ૯ અને પ્રભાસમાં ૧૧ વાર તપ, જપ, દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તે સ્તંભેશ્વર તીર્થમાં ફક્ત એક વાર સ્નાન માત્રથી પ્રાપ્ત થાય છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરાયો છે.

ટપકેશ્વર : અમરનાથ જેવુ ગુજરાતનું મંદિર
સ્થળ: ફરેડા, ગીરગઢડા

હિમાલયની ઊંચાઈએ ગુફામાં બેઠેલા બાબા અમરનાથના દર્શન કરવા વર્ષે હજારો યાત્રીકો ઉમટી પડે છે. એવું જ શિવમંદિર ગુજરાતમાં પણ છે, જેને અમરનાથ જ કહેવું રહ્યું. ગીર ગઢડા પાસે આવેલા ફરેડા ગામ પાસેના જંગલમાં ટપકેશ્વર મહાદેવ બીરાજે છે. મંદિર થોડે દૂર જંગલમાં છે. મંદિર છે, પણ હકીકતે માનવનિર્મિત કોઈ બાંધકામ નથી.

મંદિર બસ્સો-અઢીસો મિટર ઊંડી ગુફામાં આવેલું છે.  ફરેડાથી આગળ જંગલમાં થોડે સુધી વાહન જઈ શકે છે. એ પછી ચાલીને નાનકડી ટેકરી ચડી, ઉતરી, નદીના પટમાં આવેલી ગુફાઓ સુધી જઈ શકાય છે. ગાઢ કહી શકાય એવુ અહી જંગલ છે અને વન્યપ્રાણીઓનો વાસ પણ છે. વળી સ્થાનીક જાણકાર વ્યક્તિ વગર મંદિર સુધીનો રસ્તો મળે એમ પણ નથી. નામ પ્રમાણે જ ટપકેશ્વર મહાદેવ પર ગુફાની છતમાંથી પાણી ટપકતું રહે છે. અમરનાથ ગુફામાં બીરાજે છે, ટપકેશ્વર પણ ઊંડી ગુફામાં બીરાજે છે.

વિક્રમેશ્વર : રાજા વિક્રમાદિત્યએ બંધાવેલુ મંદિર
સ્થળ : સોમનાથ-કોડિનાર હાઈવે

સોમનાથથી કોડિનાર તરફ જતાં ૧૦ કિલોમીટરના અંતરે લીલાંછમ ખેતરોની હરિયાળી વચ્ચે સરસ્વતી નદીના કિનારે વિક્રમેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ શિવમંદિર ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. વિક્રમાદિત્યએ પ્રભાસક્ષેત્રને તપશ્વર્યા માટે પસંદ કર્યું હતું અને પછીથી વધુ શાંત વાતાવરણમાં ખળખળ વહેતી સરસ્વતી નદીના કિનારે ભગવાન શંકરનું તપ કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. મંદિરથી નદી તરફ જતાં એક સ્નાન કૂંડ બનાવાયો છે. જેમાં આસપાસથી આવતા ભાવિકો સ્નાન કરે છે. મંદિર વિક્રમાદિત્યએ બંધાવ્યું હોવાથી મંદિરનું નામ વિક્રમેશ્વર મહાદેવ છે. વિક્રમાદિત્ય ઈસવીસનની પહેલી સદી પહેલાના થોડા વર્ષો અગાઉ થયા હતા. તેમણે ઈ.સ. પૂર્વે ૫૬માં સકો પર વિજય મેળવ્યો ત્યારથી એની યાદગીરી રૃપે વિક્રમ સંવતની શરૃઆત કરી હતી. એ કેલેન્ડર ભારત અને નેપાળમાં ખૂબ જ વ્યાપક રીતે માન્યતા ધરાવે છે.

જાગનાથ

જાગનાથ મહાદેવ : હનુમાન અને શિવજીની જુગલબંધી
સ્થળ : જાગનાથ પ્લોટ, રાજકોટ

રાજકોટમાં આવેલું આ મંદિર એક સાથે મહાદેવ અને હનુમાનજી એમ બે દર્શનનો લાભ આપે છે. એકવાર લાલદાસજી મહારાજ રાજકોટ આવતી વખતે તેઓ ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તેમને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપી તેમને પ્રતિમાને સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે સમયે આ મંદિરની જગ્યા અત્યંત નાની હતી અને તે વખતના રાજાએ આ જગ્યા લાલદાસજી મહંતને આપી અને ત્યારબાદ જાગનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. રાજાશાહીમાં આ મંદિરમાં પાઠશાળા પણ ચાલતી હતી. જેમાં ખાસ કરીને વેદ ઉપનિષદ, સંસ્કૃત પાઠશાળા, મંત્ર, સ્તોત્રનું જ્ઞાન આપવામાં આવતું હતં. જાગનાથ મહાદેવ મંદિરનના નામ પરથી જ આ વિસ્તારનું નામ જાગનાથ પ્લોટ પડયું છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “મહાદેવ હર : બે નંદી ધરાવતું શિવમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજ્યના નોખા-અનોખાં શિવાલયો પરિચય એક જ ક્લિકમાં”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *