ભારતમાં આવેલા ચિત્ર-વિચિત્ર મ્યુઝિયમ : ક્યાંક સોનાનું ટોયલેટ તો ક્યાંક પ્રાણીઓના મગજ!

museum

મ્યુઝિયમનું નામ સાંભળતા જ આપણા મગજમાં એવું ચિત્ર ઉપસે છે કે ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ અને તેની સુરક્ષા માટે ઉભેલા લોકો. તો વળી ક્યારેક આર્ટ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ ભરેલા કબાટ અને તેના વિશે માહિતિ આપતા લખાણ. જો કે વર્તમાન સમયે મ્યુઝિયમ માત્ર ઇતિહાસ અને આર્ટ પુરતા જ સિમિત રહ્યા નથી. સામાન્ય રીતે યુરોપિયન દેશો તેમના ભવ્ય મ્યુઝિયમ માટે પ્રસિદ્ધ હતા. જો કે હવે એવું નથી, દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમના નિર્માણ થયા છે. ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમ પારંપરિક મ્યુઝિયમ કરતા અકદમ અલગ છે.

ભારતની વાત કરીએ તો આજે ભારતમાં પણ ઘણા બધા મ્યુઝિય બની ચુક્યા છે. જેમાંથી ઘણા એવા મ્યુઝિયમ છે કે જે એકદમ અનોખા છે. જેના કારણે તેઓ ઘણા પ્રસિદ્ધ પણ બન્યા છે. ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે તે આપણે બધા લોકો જાણીએ છીએ, જો કે આ વાત માત્ર લોકો અને સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ મ્યુઝિયમ માટે પણ લાગુ પડે છે. ત્યારે આજે તમને દેશમાં આવેલા આવા અનોખા અને વિચિત્ર કહી શકાય તેવા મ્યુઝિયમ વિશે જણાવીશું. આ મ્યુઝિયમ વિશે જાણ્યા બાદ તમને થશે કે આ જગ્યા પર તો એકવાર જવું પડશે બોસ!

1.  લેજન્ડ મોટરસાયકલિંગ કાફે, બેંગલોર – કર્ણાટક

સામાન્ય રીતે વિન્ટેજ કારના મ્યુઝિયમ કોમન છે. દેશમાં ઘણી જગ્યો પર આ પ્રકારના મ્યુઝિયમ આવેલા છે. જ્યારે બેગલોરમાં આવેલું આ મ્યુઝિયમ વિન્ટેજ મોટરસાઇકલ સથે સંકળાયેલું છે. એસ. કે પ્રભુ નામના એક બાઇકના શોખીન વ્યક્તિએ 1992ના વર્ષમાં વિન્ટેજ મોટરસાયકલને એકઠી કરી અને લેજન્ડ મોટરસાયકલિંગ કાફેની શરુઆત કરી. કુલ મળીને આ એક ખાનગી કલેક્શન છે.

આ મ્યુઝિયમની અંદર 20 કરતા પણ વધારે વિન્ટેજ મોટરસાયકલ આવેલી છે. ખાસ વાત એ છે કે આ તમામ મોટરસાયકલ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે. જેમાંથી કેટલીક મોટર સાયકલ તો દુર્લભ ગણી શકાય તેવી છે, કારણ કે આ મોટર સાયકલ બીજા વિશ્વયુદ્ધના સમયની છે.

2. વિરાસત એ ખાલસા, આનંદપુર સાહિબ – પંજાબ

પંજાબના રુપનગર જિલ્લામાં આનંદપુર સાહિબ શહેરમાં આવેલું વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમમાં શીખ ધર્મનો સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિનો સંગ્રહ છે.આ મ્યુઝિયમની બીજી ખાસ વાત એ છે કે તેની જે ઇમારત છે તે એક પ્રકારની અજાયબી છે. આ મ્યુઝિયમની અદ્ભુત ઇમારતને વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક મોશે સફી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

આ મ્યુઝિયમ પોતે જ કલાકારીનો ઉત્કૃષ્ઠ નમૂનો છે. વિરાસત એ ખાલસામાં દૂનિયાના સૌથી વિશાળ હાથ વડે દોરેલા ભીંતચિત્રો આવેલા છે. જે પંજાબના ભવ્ય વારસા અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આ સિવાય પાછલા સાત વર્ષની અંદર આ મ્યુઝિયમમાં આવનાર પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. જેની સાથે જ વિરાસત એ ખાલસા ભારતનું સર્વાધિક પ્રવાસી વાળું મ્યુઝિયમ બની ગયું છે.

3. પાલડી કાઇટ મ્યુઝિયમ, અમદાવાદ – ગુજરાત

ગુજરાત રાજ્ય પોતાના અનેરા ઉત્સવો માટે જાણીતું છે. આવો જ એક તહેવાર છે ઉત્તરાયણ. ખાસ કરીને ગુજરાતનું અમદાવાદ શહેર ઉત્તરાયણના તહેવાર માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે અમદાવાદમાં પતંગનું આખુ મ્યુઝિયમ પણ આવેલું છે. જે ભારતનું એક માત્ર પતંગ મ્યુઝિયમ છે, જ્યારે વિશ્વમાં આ બીજુ પતંગ મ્યુઝિયમ છે. અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને પતંગના શોખીન ભાનુભાઇ શાહએ પોતાના 50 વર્ષના વિવિધ પતંગના સંગ્રહનું દાન કર્યુ અને 1985માં આ મ્યુઝિયમ શરુ થયું.

આ મ્યુઝિયમ અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકનું છે. જેમાં 200 કરતા પણ વધારે કલાત્મક અને વિવિધ ભાતના પતંગો તમને જોવા મળશે. આ સિવાય પતંગ વિશેની રસપ્રદ માહિતિ પણ મળશે. મજાની વાત તો એ છે કે આ મ્યુઝિયમની મુલાકાત ગુજરાતીઓ કે ભારતીયો કરતા વિદેશના લોકો વધારે લે છે.

4. પુરખૌતી મુખ્તાંગન, રાયપુર – છત્તીસગઢ

એકદમ તળપદા નામવાળું આ મ્યુઝિયમ છત્તીસગઢની રાજધાનીમાં 200 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમ છત્તીસગઢની મૂળ આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.પુરખૌતી મુક્તાંગનનો અર્થ અમરા પૂર્વજોના મુક્ત અને ખુલ્લા આંગણ એવો થાય છે. આ મ્યુઝિયમ છત્તીસગઢની આદિવાસી લોકકલા, ગ્રામ્યજીવન, પ્રાચીન રીત રિવાજ અને જીવનને અદ્ભુત રીતે દર્શાવે છે. આ મ્યુઝિયમ એવા લોકો માટે ખજાના સમાન છે જેમને પ્રાચીન આદિવાસી સંસ્કૃતિ અને કલામાં રસ હોય. પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા તૈયાર થયેલા ભીંતચિત્રો, મૂર્તિઓ અને વિવિધ કહાની રજૂ કરતા શિલ્પો. આ મ્યુઝિયમ છત્તીસગઢના ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે.

5. નિમહાંસ બ્રેઇન મ્યુઝિયમ, બેંગલોર – કર્ણાટક

આ મ્યુઝિયમના નામ પ્રમાણે જ અહીં મગજ રાખવામાં આવ્યા છે. જી હાં મગજ, વિવિધ પ્રાણીઓથી લઇને 21 અઠવાડિયાના બાળકનું મગજ પણ તમને આ મ્યુઝિયમમાં જોવા મળશે. બેંગલોરના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાઇન્સના બિલ્ડિંગમાં નીચે આ મ્યુઝિયમ આવેલું છે. જેમાં 300 કરતા પણ વધારે મગજ આવેલા છે. જેમાંથી કેટલાક દાન કરવામાં આવ્યા છે તો વળી કેટલાક મગજ એવા લોકોના છે જેમણે એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો હોય.

મગજ કામ કઇ રીતે કરે છે તેમજ આપણી ભાવનાઓને કઇ રીતે કંટ્રોલ કરે છે તે અહીં શીખા શકાય છે. આ સિવાય અમીબા દ્વારા ખવાયેલા મગજને પણ રાખવામાં આવ્યા છે. દરેક મગજની પોતાની એક કહાની છે. ખાસ વાત એ છે કે પ્રદર્શનના અંતે મગજ હાથમાં લેવા પણ મળે છે.

6. કાળા જાદુનુ મ્યુઝિયમ,માયોંગ -આસમ

અસમના મોરીગાંવ જિલ્લામાં આવેલું માયોંગ ગામ કાળાજાદુના ગામ તરીકે પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે કાળા જાદુનો ઉદ્ભવ આ ગામમાંથી થયો છે. કહેવાય છે કે આ ગમના નામનો ઉદ્ભવ જ માયા અથવા તો ભ્રમ શબ્દથી થયો છે. ટેકનોલોજી અને ઇન્ટરનેટના આ સમયમાં પણ માયોંગ ગામમાં કાળુ જાદુ પ્રચલિત છે. આ ગામની અંદર મયોંગ સેન્ટ્રલ મ્યુઝિયમ આવેલું છે.

આ મ્યુઝિયમની અંદર કાળા જાદુ સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમની અંદર કાળા જાદુમાં વપરાતી વિવિધ વસ્તુઓ, ખોપડી, થાળીઓ, ઢીંગલીઓ વગેરે આવેલું છે. આ સિવાય પ્રવાસીઓની માંગ પર અહીં દુખાવામાંથી રાહત અપવાવા માટેની સદીઓ જૂની વિધિનું પ્રદર્શન પણ કરવામાં આવે છે.

7.સુધા કાર મ્યુઝિયમ, હૈદરાબાદ – તેલેંગણા

જેમના નામે દુનિયાની સૌથી લાંબી ત્રણ પૈડાવાળી સાયકલ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે, તેવા કે. સુધાકર આ મ્યુઝિયમના માલિક છે. જેમણે શોખ માટે આ મ્યુઝિમ બનાવ્યું હતું. વિન્ટેજ કારના મ્યુઝિયમ તો તમે ઘણા જોયા હશે પરંતુ આવું મ્યુઝિયમ નહીં જોયું હોય. અહીં તમને હાથ વડે બનાવેલી વિવધ આકાર અને પ્રકારની કાર જોવા મળશે.

ફૂટબોલ, લેપટોપ, ક્રિકેટ બેટ, કેમેરા, બર્ગર અને શાર્પનરમાંથી બનાવવામાં આવેલી કાર આ મ્યુઝિયમની ઓળખ છે. દરેક કાર પાસે તેની માહિતિ પણ મુકવામાં આવી છે કે તેને ક્યારે બનાવવામાં આવી હતી અને કેટલો સમય લાગ્યો હતો. સાથે જે તે કારની મહત્તમ સ્પીડ પણ લખેલી હોય છે.

 8. લોસેલ ડોલ મ્યુઝિયમ, ધર્મશાળા– હિમાચલ પ્રદેશ

ધર્મશાળાના મૈકલોડગંજમાં આવેલી નોરહુલિંગકા સંસ્થાના હરિયાળા બગીચામાં લોસેલ ડોલ મ્યુઝિયમ આવેલું છે. જે લોસેલ ડોલનો દુનિયામાં સૌથી મોટો સંગ્રહાલય છે. અહીં રહેલી તમામ લોસેલ ડોલને ડ્રેપુંગ લોસેલિંગ મઠના ભિક્ષુકોએ હાથ વડે તૈયાર કરી છે.

તાર, માટી અને પેપરના માવાનો ઉપોગ કરીને બધું બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ કપાસ, રેશમ અને ઉનની મદદથી આ તમામ ડોલને તિબેટનો પારંપરિક પોશાક પહેરાવવામાં આવે છે. સાથે તિબેટયન પરંપરાના આભુષણ તો ખરા જ. કાચના કબાટમાં આ ડોલની મદદ વડે વિવિધ દ્રશ્યો ઉભા કરાયા છે. જે તિબેટિયન સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા છે. આ તમામ કઠપુતળીઓના ચહેરા પરના હાવભાવ અલગ અલગ છે. જે તેને ખાસ બનાવે છે.

9. સુલભ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોયલેટ – દિલ્હી

તમને ક્યારેય વિચાર આવ્યો છે કે ટોયલેયનો પણ ઇતિહાસ હોય છે? જો તમારે એ ઇતિહાસ વિશે જાણવું હોય તો દિલ્હીમાં તેના માટેનું એક મ્યુઝિયમ આવેલું છે, જે ટોયલેટના મ્યુઝિયમ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સુલભ શૌચાલય તો તમે સાંભળ્યું હશે, ત્યારે આ મ્યુઝિયમનું નામ પણ સુલભ છે. જેની વિશ્વના અનોખા મ્યુઝિયમના લિસ્ટમાં ગણતરી થાય છે. આ મ્યુઝિયમમાં ઇ.સ. પૂર્વે 3000થીલઇને વર્તમાન સમયના ટોયલેટનો સંગ્રહ અને માહિતિ મળી રહેશે.

આજથી હજારો વર્ષ પહેલા લોકો કેવા ટોયલેટનો ઉપયોગ કરતા હતા, ત્યારબાદ સમય સાથે તેમાં કેવા ફેરફાર થયા અને દુનિયાના વિવિધ ભાગમાં કેવા ટોયલેટ વપરાય છે તેની માહિતિ અને પ્રદર્શન આ મ્યુઝિયમમાં જોવા મળશે. અહીં વિક્ટોરિયન શૈલીના ટોયલેટથી માંડીને આખા સોનાના ટોયલેટ પણ આવેલા છે. આ સિવાય આ મ્યુઝિયમમાં પ્રાચીન વાસણ પણ જોવા મળશે.

10. વાસણ મ્યુઝિયમ, અમદાવાદ – ગુજરાત

આ મ્યુઝિયમનું આખું નામ VECHAAR (Vishalla Environmental Centre for Heritage of Art, Architecture and Research) Utensils Museumછે. એટેલે કે વિશાલા કલા, વાસ્તુકલા, હેરિટેજ અને સંશોધન કેન્દ્ર. આ મ્યુઝિયમમાં ભારતના શિલ્પકારો અને વાસણ બનાવનારા લોકોની અદ્ભુત કલા અને આપણા સાંસ્કૃતિક વારસાને સાચવીને રાખવામાં આવ્યો છે. આ સંગ્રહાલય સુરેન્દ્ર સી પટેલ નામના વાસ્તુકાર દ્વારા બનાવાયું છે.

આ મ્યુઝિયમની અંદર 1000 વર્ષ જૂના જગથી માંડીને આધુનિક કાચના વાસણો તથા કાંસા અને પિતળથી લઇને જર્મન ધાતુના વાસણો પણ જોવા મળશે. કુલ 4000 કરતા પણ વધારે વિવિધ પ્રકારના વાસણો અહીં જોવા મળશે. સાથે અહીં તમને એ પણ જાણવા મળશે કે માણસની જરુરિયાત અને પર્યાવરણના બદલાવ સાથે વાસણોમાં શું ફેરફાર થયો અને વિવિધ સમયે તેનો વિકાસ કઇ રીતે થયો.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *