
પહેલા ભાગમાં સિંહ દર્શન વિશેના પાંચ સવાલના જવાબ મેળવ્યા. હવે બીજા કેટલાક સવાલ અને તેના જવાબ..
6. સાસણ સિવાય ક્યાંય સિંહ જોઈ શકાય?
હા, સરકારે કુલ 3 સ્થળ નક્કી કર્યા છે (ચોથાની તૈયારી અંતિમ તબક્કામાં છે). એ ત્રણ પૈકી એક સ્થળ ઉપર વાત કરીએ સાસણ મુખ્ય સ્થળ છે. બાકીના બે સ્થળ સફારી પાર્ક છે. એક દેવળિયા સફારી પાર્ક છે, જે સાસણથી દસેક કિલોમીટર દૂર છે. જૂનાગઢથી સાસણ જતી વખતે સાસણ પહેલા જ જમણી બાજુ દેવળિયા સફારી પાર્કનો રસ્તો અલગ પડે છે. બીજો સફારી પાર્ક ધારી પાસે આંબરડી ગામે આવેલો છે.

સાસણ કરતા દેવળિયા-આંબરડીમાં સિંહ જોવા સસ્તા પડે છે. કેમ કે એ સફારી પાર્ક છે, નાનો અને તારબંધ કરેલો વિસ્તાર છે. અલબત્ત, તારબંધ છે, પણ ત્યાં સિંહ જંગલની માફક ખુલ્લાં જ છે. ત્યાં બસમાં બેસીને અને જિપ્સીમાં બેસીને એમ બે રીતે સિંહ જોવાની સગવડ છે. પરંતુ મોટા ભાગે પ્રવાસી બસ પસંદ કરે છે. કેમ કે મોટા કાચ અને મર્યાદિત બેઠકો ધરાવતી બસમાંથી સિંહ જોવા ખાસ મુશ્કેલ નથી. એક વ્યક્તિની જિપ્સીની ટિકિટ 150થી (રજાના દિવસ મુજબ) 190 રૃપિયા જ છે. એટલે કે કોઈ બે વ્યક્તિ ગયા હોય અને એમને આખી જિપ્સી ન કરવી હોય તો એ દેવળિયામાં સામાન્ય દિવસોમાં 300 રૃપિયામાં સિંહ જોઈ શકે. જિપ્સીમાં ફરવું હોય એમણે દેવળિયાને બદલે સાસણ જવું જોઈએ.
દેવળિયાનું પણ ઓનલાઈન બૂકિંગ થઈ શકે છે અને એ માટે વેબસાઈટમાં ‘GIR INTERPRETATION ZONE – DEVALIA’ એવો વિકલ્પ પસંદ કરવાનો રહે છે. દેવળિયામાં પણ જંગલમા હોય એવા બીજા ઘણા પ્રાણી છે. 1993માં આવેલી જુરાસિક પાર્ક ફિલ્મમાં જે રીતે કદાવર દરવાજો ખુલે અને પછી એલન ગ્રાન્ટ અને તેની ટીમ જંગલમાં પ્રવેશે એ રીતે અહીં એક પછી એક બે કદાવર દરવાજા વટાવ્યા પછી જંગલમાં પ્રવેશ મળે છે. અંદર જંગલના રસ્તાઓને જંગલી પ્રાણીના નામ આપી દેવાયા છે, જેમ કે ‘સાબર માર્ગ..’, ‘વાઈલ્ડ બોર રોડ..’ દેવળિયા હકીકતે તો સિંહોનું નાનકડું સામ્રાજ્ય છે.

બુધવાર સિવાય પાર્ક ખુલ્લો હોય છે અને સવારે ત્રણેક કલાક તથા બાપોરે ત્રણેક કલાક સિંહ દર્શન કરાવાય છે. સાંજના પાંચ થાય ત્યાં સુધીમાં સફારી આટોપી લેવાય છે. સાસણમાં કદાચ પ્રવાસ બે-અઢી કલાક ચાલે, જ્યારે દેવળિયામાં સફર એક-દોઢ કલાકમાં પુરી થઈ જાય. પરંતુ સિંહ જોવા મળે તેની ગેરન્ટી. સાથે સાથે ઝરખ સિવાય (એ નિશાચર છે માટે) બીજા ઘણા પ્રાણી જોવા મળે છે. સાસણથી દેવળિયા જતો રસ્તો પણ અત્યંત રસપ્રદ છે. જાણે જંગલની લીલોતરી વચ્ચે કાળી લીટી દોરી હોય એવો. એ રસ્તાની બન્ને કાંઠે પણ હરણ નિર્ભિક થઈને ઘાસ-ચારો આરોગતા હોય છે. ઉત્ક્રાંતિના ક્રમમાં રસ્તે નીકળતા વાહનોની ઘરરાટીથી ડરવાનું તેમણે છોડી દીધું છે.
જૂનાગઢ પહોંચ્યા પછી અડધા દિવસનો સમય હોય તો પણ દેવળિયા ફરીને આવી શકાય એમ છે. પોતાની ગાડી હોય તો પ્રવાસ ઉત્તમ બની રહેશે. દેવળિયા જોકે એકાંતપ્રિય કહી શકાય એવુ પ્રવાસન ધામ નથી, પણ લોકપ્રિય ખુબ જ છે. એક દિવસના 3 હજાર પ્રવાસીઓ પાર્ક જોવા આવ્યાના આંકડા પણ નોંધાયા છે. અલબત્ત એ ભીડ તહેવારમાં હોય, સામાન્ય દિવસોમાં એટલો બધો મહેરામણ હોતો નથી.

સાસણ અને દેવળિયા બન્ને પાસપાસે છે. પરંતુ ગીરનું જંગલ આડું પથરાયેલું છે. કોઈ પ્રવાસી ગીરના પૂર્વ તરફના છેડે (એટલે કે અમરેલી-રાજુલા તરફ) હોય તો એમને સિંહ દર્શન માટે લાંબો ધક્કો ખાવો પડે. સરકારે જોકે તેનો ઉપાય હવે કરી દીધો છે. દેવળિયા ઉપરાંત ઓક્ટોબર 2017માં ધારી પાસેના આંબરડીના જંગલમાં બીજો પાર્ક ઉભો કરી દેવાયો છે. ‘આંબરડી સફારી પાર્ક’માં પણ દેવળિયાની માફક સિંહને મર્યાદિત વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. આ પાર્ક લગભગ 400 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. અલબત્ત, દેવળિયા કે આંબરડી બન્નેમાં સિંહ ખુલ્લાં ફરતાં હોવાથી પ્રવાસીઓને બસમાં બંધ રાખવામાં આવે છે અને નીચે ઉતરવાની કે બારી બહાર શરીરનો કોઈ ભાગવાની છૂટ મળતી નથી. પ્રવાસીઓની બસને ફેરવવા માટે અંદર 14 કિલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. અહીં પણ સવારે 8થી 11 અને બપોરે 3થી 5 દરમિયાન સિંહ દર્શન યોજાય છે. આ પાર્ક મંગળવારે બંધ રહે છે. અહીંની ટિકિટ પણ દેવળિયા જેટલી 150થી 190 રૃપિયા જેટલી છે.

આંબરડી પાર્કનું હજુ સુધી ઓનલાઈન બૂકિંગ થતું નથી. માટે સીધા ત્યાં પહોંચીને જ પ્રવેશની વિધિ કરવી પડે છે. તેની વેબસાઈટ બની છે, પરંતુ હજુ બૂકિંગ સેવા ચાલુ નથી કરવામાં આવી. પાર્ક નવો હોવાથી શરૃઆતમાં વન વિભાગે ‘શૈલજા’ અને ‘અનામિકા’ નામની બે માદા અને ‘જ્ઞાન’ નામના નર સિંહને અહીં રાખ્યા હતા. એમાંથી શૈલજાને તો વાતાવરણ એટલું બધું માફક આવ્યું કે એ તો ગર્ભવતી પણ બની હતી.

ઉના, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, તુલસીશ્યામ વગેરે સ્થળોએથી રાજકોટ તરફ આવતા પ્રવાસીઓ રસ્તામાં થોડો સમય હોય તો પણ પાર્કની મુલાકાત લઈ શકે છે. અલબત્ત, એ માટે પાર્કના સમય સાથે મેળ પડે એ રીતે સફર ગોઠવવી પડે. આ બન્ને પાર્કને એક પછી એક એમ બે ફેન્સિંગથી સુરક્ષિત રખાયા છે.
સાસણ અને બે સફારી પાર્કની ભવ્ય સફળતા પછી સરકાર હવે ચોથો સિંહ દર્શન પોઈન્ટ ઉભો કરી રહી છે. જૂનાગઢને અડીને આવેલા ગિરનારના જંગલમાં બે ડઝન સિંહો રહે છે. જૂનાગઢના ભવનાથ કે પછી બિલખા રોડ વિસ્તારમાં તો રાતે અનેક વખત સિંહ જોવા મળે જ છે. માટે વધુ એક લાયન સફારીનું આયોજન જૂનાગઢમાં પણ થઈ રહ્યું છે.
7. ક્યા પ્રકારનું સિંહ દર્શન ગેરકાયદેસર ગણાય?
ગીર અભયારણ્યનો વિસ્તાર તો દોઢ હજાર ચોરસ કિલોમીટર છે, પરંતુ વનરાજો ક્યારના એ વિસ્તારને વળોટીને બહાર નીકળી ગયા છે. છેલ્લી ગણતરી પ્રમાણે તો સિંહ 22 હજાર ચોરસ કિલોમીટરમાં વિચરે છે. 40 ટકા સિંહ એવા છે, જે જંગલ બહાર રહે છે. દરિયાકાંઠે પણ સિંહ પહોંચ્યા છે અને ગોંડલ જેવા શહેરી વિસ્તારના પાદરમાં પણ જોવા મળે છે. ગીર ફરતે આવેલા 1 હજારથી વધુ ગામ એવા નોંધાયા છે, જ્યાં સિંહ નિયમિત રીતે આવન-જાવન કરે છે. મોટા ભાગના ગામવાસીઓ તો સિંહ સાથે સમજણપૂર્વક રહે છે. પરંતુ સિંહની નિયમિત હાજરીને કારણે જંગલ બહાર ખાનગી ધોરણે લાયન શો થવા લાગ્યા છે.

આ પ્રકારના લાયન શો ગેરકાયદેસર છે અને ખતરનાક છે. ઘણા ગામના ખેતરમાં સિહ આવતા-જતા રહેતા હોવાથી પ્રવાસીઓને ત્યાં સિંહ જોવાની લાલચ આપવામાં આવે છે. વળી રાતે, કુદરતી અવસ્થામાં, શિકાર કરતા (એટલે કે શિકાર કરીને ભોજન આરોગી રહેલા) સિંહ જોવાની ઈચ્છા પ્રવાસી પણ રોકી શકતા નથી. પરંતુ એ સિંહ દર્શન ગેરકાયદેસર છે. ઘણી વખત ખુદ જંગલખાતાના અધિકારી કે પછી હોટેલના કર્મચારીઓ જ પ્રવાસીઓને આ પ્રકારની લાલચ આપતા હોય છે. એ વખતે પ્રવાસીઓએ ખાસ સાવધાન રહેવું જોઈએ.

ગીરના ઘણા રસ્તા પર સૂચના લખી હોય છે કે આ રસ્તા પર વાહન ઉભું રાખવું નહીં. રાહદારી એ રસ્તેથી નીકળતી વખતે કોઈ વન્યજીવ જોઈ જાય તો ઉભા રહી જતા હોય છે. એ રીતે ઉભા રહીને વન્યજીવોને જોવા પણ ગેરકાયદેસર જ છે.
8. સિંહ ઉપરાંત ગીરમાં શું જોઈ શકાય?
ધ્યાનથી જોવામાં આવે તો આખુ જંગલ જોઈ શકાય. ગીરનું જંગલ આખા ભારતમાં અનોખું છે. આમ તો વન્ય નિષ્ણાતોની વ્યાખ્યા પ્રમાણે એ જંગલ નથી, વગડો છે. વનખાતાની ભાષામાં તેને ‘બાયોગ્રાફિકલ ઝોન-4’ કહેવામાં આવે છે.

વાઘની માફક સિંહ ગાઢ જંગલમાં રહેવા ટેવાયેલા નથી, તેને મોકળું વાતાવરણ જોઈએ. માટે ચોમાસામાં જ્યારે ગીરની વનરાજી સોળે કળાએ ખીલી ઉઠે ત્યારે સિંહ વધારે પડતો સમય રસ્તા પર રહેવાનું પસંદ કરતા હોય છે. અલબત્ત, જંગલ જે પ્રકારનું હોય એ પણ પ્રવાસીઓને તેનાથી ખાસ ફરક પડતો નથી.

ગીરમાં સિંહ સિવાય ઘણુ છે, જે જોવાની પ્રવાસીઓની તૈયારી નથી હોતી, સમય પણ નથી હોતો. (તસવીરો – /girlion.gujarat.gov.in પરથી)
મોટા ભાગના પ્રવાસી ગીરમાં સિંહ જોવાના માઈન્ડ સેટ સાથે જ આવ્યા હોય છે. માટે બીજા પ્રાણી-પક્ષી-વનસ્પતી પર તેમનું ધ્યાન પડતું નથી. અહીં 400થી વધુ પ્રકારના વૃક્ષ, 300થી વધુ પ્રકારના પક્ષી અને બીજા અનેક પ્રકારના અનેક સજીવો વસે છે.
9. કોઈને અમદાવાદથી જવું હોય તો કેટલો સમય જોઈએ?
બે દિવસ હોય તો બેસ્ટ. માત્ર સિંહ દર્શન કરનારા પ્રવાસી ઓછા હોય છે. અમદાવાદથી જતી વખતે જૂનાગઢ પહેલા આવશે. મોટા ભાગે પ્રવાસી દીવ-સોમનાથ-સાસણનો ત્રિવેણી સંગમ પસંદ કરતા હોય છે. એ માટે બે દિવસ જોઈએ. કોઈને માત્ર સાસણમાં એકલા સિંહ દર્શન કરીને આવવું હોય તો એ તો એક દિવસમાં પણ થઈ શકે. સવારે વહેલા નીકળી, સાસણ પહોંચી, બપોર પછીની સફારી જોઈ, ફરી અમદાવાદ તરફ નીકળી શકાય. એ માટે પોતાનું વાહન હોવું જોઈએ. સાસણ નાનું ગામ છે, ત્યાં પરિવહનની ઉપલબ્ધિ મર્યાદિત છે.

તાલાલાથી અમદાવાદ આવતી અનેક ટ્રાવેલ્સની બસો રાતે ઉપડતી હોય છે. એ બધી બસો સાસણ થઈને જ નીકળતી હોય છે, કેમ કે તાલાલા સાસણની દક્ષિણે આવેલું છે. સાસણથી 20 કિલોમીટર દૂર આવેલુ તાલાલા તાલુકા મથક છે, જેના વિસ્તારમાં સાસણનો સમાવેશ થાય છે. સાસણથી જૂનાગઢ પહોંચવા માટે વાહન મળી રહે, એ પછી જૂનાગઢથી તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ… ગમે તે દિશાએ જવાના અનેક વાહન સતત મળતા જ રહે.
10. રાતવાસો કરવા માટે સાસણમાં કોઈ જગ્યા છે?
સાસણમાં વન વિભાગનું જ ગેસ્ટ હાઉસ છે, જેમાં પ્રવાસીઓ રાતવાસો કરી શકે છે. ડોરમિટરી જેવી સુવિધા પણ છે. સાથે સાથે રસોડું છે, જેથી પ્રવાસીઓ હોટેલમાં રોકાય અને જે સુવિધા મળે એ બધી મળી રહે છે. સિંહ સદનમાં આવેલું રિસોર્ટ અમુક અંશે જંગલથી ઘેરાયેલું છે, માટે રાતે સિંહની ડણક સાંભળવા મળે તો નવાઈ નહી.

સાસણના સિંહ સદનમાં જ રહેવા-જમવાની સગવડ છે.
એ સિવાય સાસણમાં કેટલીક ખાનગી હોટેલ્સ પણ છે, હવે મોંઘા રિસોર્ટ પણ બન્યા છે. પરંતુ હોટેલમાં ઉતરતી વખતે યાદ રાખવાનું કે સવારે ઉઠીને ત્યાંથી સાસણ આવવુ પડે, કેમ કે સિંહ દર્શન માટેની જિપ્સી તો સિંહ સદનમાંથી જ ઉપડશે. એટલે સિંહ સદનમાં રહેવા જેવો ઉત્તમ વિકલ્પ બીજો નથી. દેવળિયામાં કોઈ રાતવાસાની સગવડ નથી. આંબરડી પાર્કમાં પણ નથી, પરંતુ ધારી સાત કિલોમીટર દૂર છે, ત્યાં રોકાઈ શકાય. ધારી તાલુકા મથક છે, માટે સગવડ પણ એ પ્રમાણે મર્યાદિત છે.
****
ઘણી વખત એવુ બને કે મોડી રાતે કે પછી વહેલી સવારે સાસણથી જૂનાગઢના રસ્તે નીકળવાનું થાય તો રસ્તા પર કોઈ પ્રાણી બેઠેલું જોવા મળે. એ પ્રાણી સિંહ પણ હોઈ શકે. સિંહ નિયમિત રીતે રાતે આવીને રસ્તા પર અડ્ડો જમાવતા હોય છે. પરંતુ એ દર્શન બધાને જોવા મળતું નથી.