સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

ગીરમાં રહેતા કે મારી જેમ ગીરમાં મૂળિયા ધરાવતા લોકો માટે સિંહ દર્શન એ કંઈ નવાઈની વાત નથી. પણ ગીરથી દૂર રહેતો, સોરઠની તાસીરથી વાકેફ ન હોય એવો મોટો વર્ગ છે, જેમને સિંહ જોવા ક્યાં જવુ, તેની જાણકારી હોતી નથી. એ માટે માટે બે ભાગમાં સરળ સમજૂતી..

ગણો કેટલા સિંહ છે… આ જગવિખ્યાત તસવીર ગુજરાતના ખ્યાતનામ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર મુકેશ આચાર્યની છે. તસવીરના કોપીરાઈટ પણ એમના જ છે.

1. સિંહ દર્શન કરવા ક્યાં જવુ પડે?

નવખંડ ધરા ઉપર બે સરનામાં એવા છે, જ્યાં વનના રાજા ગણાતા સિંહના કુદરતી અવસ્થામાં દર્શન થઈ શકે છે. એક સરનામું એટલે આફ્રિકા ખંડના સાત દેશો જ્યાં આફ્રિકન સિંહ રહે છે.  બીજું સરનામું આપણા ગુજરાતામાં આવેલું નાનકડું ગીરનું જંગલ છે. જેમને સિંહ જોવા હોય એમને કાં તો આફ્રીકન દેશોનો ખર્ચાળ પ્રવાસ કરવો પડે અને કાં તો ગીરની વનરાજી સુધી લાંબુ થવું પડે. એમાં પણ વળી એશિયાઈ સિંહનું તો એકમાત્ર નિવાસ-સ્થાન ગીરનું જંગલ જ છે.

ગીરમાં સિંહ જોવા માટેના કુલ 3 સ્થળો સરકારે નક્કી કર્યા છે. એ ત્રણ સ્થળ પૈકી બે સ્થળ ‘સફારી પાર્ક’ છે, એક ‘નેશનલ પાર્ક’ છે. મોટા ભાગના પ્રવાસી નેશનલ પાર્કમાં જ જવાનું પસંદ કરે છે. એ પસંદગી પાછળ બે કારણ છે, એક તો સિંહ દર્શનનું એ મુખ્ય કેન્દ્ર છે અને તેનો જ વ્યાપક પ્રચાર થયો છે. બીજું, સાસણ સિવાય ક્યાંય કુદરતી રીતે જંગલમાં ફરતાં આ જનાવર જોઈ શકાય એ ઘણા-ખરા પ્રવાસીને ખબર હોતી નથી. ગીરના જંગલમાં પ્રવેશવાનું સાસણ એકમાત્ર સત્તાવાર પ્રવેશદ્વાર છે, માટે પ્રવાસી ત્યાં વધુ ઉમટે તેમાં નવાઈ નથી.

2. સાસણ શું છે?

સાસણ જૂનાગઢ જિલ્લાનું સાવ નાનકડું ગામ છે,  દોઢ-બે હજારની માંડ તેની વસતી છે. જો સરકારે ત્યાં ‘સિંહ સદન’ નામની ઓફિસ ખોલી ન હોત તો સાસણને ગીરના હજારો ગામડાની માફક કોઈ ઓળખતું પણ ન હોત.

સાસણમાં આવેલું સિંહ સદન, જે વનખાતાની ઓફિસ છે, સિંહ દર્શનનું કેન્દ્ર છે. (તસવીર – બિપિન પંડ્યા)

3. કઈ રીતે પહોંચવુ?

સાસણ જવા માટે સૌથી સરળ રસ્તો જૂનાગઢ થઈને જાય છે. જૂનાગઢથી અંદાજે 60 કિલોમીટર દૂર છે. પગની પાની માફક સોરઠમાં આડાં પથરાયેલા ગીરના જંગલની સરહદે એ ગામ આવેલું છે. ગીર જંગલ તો દોઢ હજાર કિલોમીટરમાં ફેલાયેલું છે, પણ સાસણ આસપાસ નદી, નાળા, સપાટ મેદાનો, ઘાસ-વીડી વિસ્તાર હોવાને કારણે સરળતાથી સિંહ જોઈ શકાય છે. માટે સરકારે વર્ષો પહેલા એ સ્થળને જ સિંહ દર્શન તરીકે પસંદ કરી લીધું હતુ.

‘ગીર અભયારણ્ય’ અને તેની અંદર અઢીસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ‘ગીર નેશનલ પાર્ક’ની મુલાકાત લેવી હોય તો સાસણના સિંહ સદને જવું પડે.

સોરઠના કેન્દ્રમાં ગીર, ગીરના ડાબા છેડે સાસણ..

કેટલીક વખત પ્રવાસીઓ સિંહ જોવા પહેલા જવાને બદલે દીવ કે સોમનાથ થઈને ગીર આવતા હોય છે. દીવથી સાસણનું અંતર 100 કિલોમીટર જેટલું છે. દીવથી નીકળ્યા પછી કોડિનાર, તાલાલા થઈને સાસણ પહોંચી શકાય છે. દીવથી સાસણ પહોંચવાના એકથી વધુ રસ્તા છે, પરંતુ બીજા રસ્તા જંગલ વચ્ચેથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે. અજાણ્યા પ્રવાસીઓએ એ રૂટ ટાળવા જોઈએ. સોમનાથથી વાયા તાલાલા થઈને સાસણ પહોંચી શકાય છે, એ અંતર 40 કિલોમીટર જેટલું છે.

4. સિંહ દર્શન ક્યારે થઈ શકે? વિધિ શું છે?

સાસણમાં આવેલી વનખાતાની મુખ્ય ઓફિસેથી રોજ 3 વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓને જિપ્સી દ્વારા વનમાં લઈ જવાય છે. સવારના 6થી 9, 8-30થી 11-30 અને બપોર પછી 3થી 6 એમ સમયના 3 વિકલ્પ મળે છે. સરકારે બનાવેલી સત્તાવાર વેબસાઈટ http://girlion.in પરથી ઓનલાઈન એડવાન્સ બૂકિંગ કરાવી શકાય છે.

લાયન સફારીનું બૂકિંગ આ વનખાતાની સત્તાવાર વેબસાઈટ પર કરવું હિતાવહ છે.

પ્રવાસીઓએ અગાઉ બૂકિંગ કરાવ્યું હોય અથવા ત્યાં જઈને કરાવે તેમને વારા પ્રમાણે જિપ્સીમાં 6 વ્યક્તિના જૂથમાં ગોઠવીને જંગલમાં રવાના કરવામા આવે છે. સાસણથી ઉપડતો આ પ્રવાસ ‘ગીર જંગલ ટ્રેલ (Gir Jungle Trail)’ તરીકે ઓળખાય છે. વેબસાઈટ પર એ સિવાયના પણ સિંહ દર્શનના વિકલ્પ છે, માટે બૂકિંગ વખતે એ વાત ધ્યાનમાં રાખવી.

જિપ્સીમાં પ્રવાસી સાથે ગાઈડ પણ હોય છે, અથવા ડ્રાઈવર જ ગાઈડનું કામ આપતા હોય છે. એ સિંહ દર્શન વિશેની તમામ માહિતી પ્રવાસીને આપતા રહે છે. જંગલમાં પહેલેથી હાજર રહેલા વન ખાતાના અધિકારીઓ સિંહ ક્યાં છે, કેટલાં છે, વગેરેની માહિતી સતત વાયરલેસ દ્વારા પ્રસારીત કરતા રહે છે. તેના આધારે જ ડ્રાઈવર-ગાઈડ પ્રવાસીને જંગલના રૃટ પર આગળ લઈ જાય છે.

ઓનલાઈન બૂકિંગ વખતે ખાસ ધ્યાન વેબસાઈટ વનવિભાગની જ છે કે કેમ એ રાખવાનું છે. કેમ કે ગૂગલ સર્ચ કરીએ તો ગીરના નામે, લાયન શોના નામે અનેક વેબસાઈટ્સ મળશે. ઉપર આપી એ સિવાયની બધી વેબસાઈટ ખાનગી છે. કેટલીક વેબસાઈટ તો ગીર નેશનલ પાર્કના નામે છે, પરંતુ દિલ્હીથી ઓપરેટ થાય છે. એ વેબસાઈટ દ્વારા બૂકિંગ થશે અને સિંહ દર્શન પણ થશે, પરંતુ તેનો ખર્ચ ખાસ્સો વધી જશે. વળી એ પૈકીની ઘણી વેબસાઈટ્સ તો દેવળિયા જેવા સસ્તા વિકલ્પો દર્શાવશે જ નહીં. પ્રવાસીઓએ ફરજિયાત મોંઘો ભાવ ચૂકવવો પડે એવુ પણ બને.

5. સાસણમાં સિંહ દર્શનનો ખર્ચ કેટલો થાય?

ડ્રાઈવર પ્લસ ગાઈડ બન્નેનો રોલ કરતા કર્મચારીઓ જિપ્સીમાં પ્રવાસીઓને અંદર લઈ જાય છે. અહીં તેઓ પોતાનો વારો આવે તેની રાહ જોઈને બેઠા છે.

સરકારે વન-ભ્રમણની ફી નક્કી કરી છે. રજાના દિવસના અને અન્ય દિવસના ચાર્જ અલગ છે. સામાન્ય રીતે પ્રવાસી જૂથમાં હોય તો એમને આખી જિપ્સી કરવી પડે. એક જિપ્સીમાં 6 વ્યક્તિ આવી શકે. એ સિવાય 3થી 12 વર્ષ સુધીના એક બાળકનો સમાવેશ કરી શકાય. 6 વ્યક્તિની સિંહ દર્શનની ટિકિટ 800 રૃપિયા (હોલીડેમાં 1000 રૃપિયા) થાય. એ ઉપરાંત જિપ્સીનો 1700 રૃપિયા ચાર્જ ફરજિયાત છે, કેમ કે ચાલીને અંદર જઈ ન શકાય. એ રીતે ગાઈડનો 400 રૃપિયા ચાર્જ પણ ફરજિયાત છે. એટલે કે 6 વ્યક્તિ સિંહ જોવા જાય તો તેને રૃપિયા 2900થી 3100 જેવો ખર્ચ થાય. દેશના કેટલાક હાઈ-પ્રોફાઈલ ટાઈગર નેશનલ પાર્કમાં વાઘ જોવાનો ખર્ચ તેનાથી ઘણો વધારે થાય છે. ગીર એ રીતે પ્રમાણમાં સસ્તું છે.

સિંહ  વિશેના બીજા કેટલાક સવાલ જવાબ બીજા ભાગમાં...

waeaknzw

Gujarati Travel writer.

2 thoughts on “સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *