તારક મહેતા પોતે પોતાની લેખમાળા પરથી બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સબ ટીવી પર જોતા ત્યારે કેવું લાગતું હતુ તેની વાત પ્રથમ અંકમાં કરી. આ વખતે સિરિયલની કેટલીક રસપ્રદ વાતો જાણીએ..
- સિરિયલમાં ઘણી વખત માથાકૂટનું કારણ મેન્ટેનન્સનો ચેક બન્યો છે. ભીડે-જેઠાલાલ વચ્ચે નિયમિત રીતે આ મુદ્દે ચકમક ઝરતી રહે છે. દિલીપ જોશી (જેઠાલાલ) અને મંદાર ચંદાવાડકર (ભીડે) બન્ને સક્ષમ કલાકારો છે. માટે જ્યારે જ્યારે આ સિકવન્સ આવે ત્યારે મજા આવે છે. પણ એ સોસાયટીનું મેન્ટેનન્સ કેટલું હશે? એક એપિસોડમાં દેખાતા ચેક પ્રમાણે ૧૫૦૦ રૃપિયા!
- સિરિયલમાં દસ ભણેલા દેખાતા અને અંગ્રેજીથી મો મચકોડતા દિલીપ હકીકતે કોન્વેન્ટમાં ભણેલા છે. કોલેજ જોકે પુરી નથી કરી પણ અભિનયમાં એ પોતે જ કોલેજ જેવી કક્ષાએ પહોંચી ગયા છે. દિલીપ જોશીને અંગત રીતે અમેરિકન કોમેડી સિરિયલ ‘ફ્રેન્ડ્ઝ’ પસંદ છે અને ‘માલગુડી ડેય્ઝ’ના પણ તેઓ ચાહક છે. સિરિયલમાં તેમનો રિંગ ટોન ‘ઢોલીડા…’ છે પણ તેમની અસલી કોલર ટયુન માલગુડી ડેની ‘તા..ના નાન નના…’ વાળી ધૂન છે. અસલમાં મૂછ ન રાખતા જેઠાલાલે શૂટિંગ દરમિયાન નકલી મૂછ લગાડવી પડે છે.
- સિરિયલમાં મોડેથી દાખલ થયેલુ બાઘાનું પાત્ર ઘણુ લોકપ્રિય થયું છે. બાઘાનો રોલ મૂળ અમરેલી પાસેના વડિયાના તન્મય વેકરિયા કરે છે. ૧૯૯૯માં કોમર્સ ગ્રેજ્યુએટ થયા પછી તન્મય એક્ટિંગ લાઈનમાં જ છે. તન્મયે અગાઉ નાટકમાં દિલીપભાઈ સાથે કામ કર્યું હોવાથી ટ્યુુનિંગ જામે છે.
- બાઘાના રોલ પહેલા તન્મયને અગાઉ સિરિયલમાં નાના-મોટા રોલ મળ્યાં હતા. જેમ કે સાવ શરૃઆતના એપિસોડમાં એ ઈન્સપેક્ટર બનીને ગડા ઈલેક્ટ્રોનિક્સમાં આવ્યો હતો. ત્યાં નાનાકડા ટપુ પર અત્યાચાર થતો જોઈને એ ઈન્સપેક્ટરે જેઠાલાલને કોર્ટના કઠેડામાં ખડા કરી દીધા હતા. અલબબત્ત, અત્યાચાર તો હકીકતે ટપુનું નાટક હતું. બીજી એક વખત એ ટપુની શાળાનો શિક્ષક બન્યો હતો, જેમણે હડતાલ પાડવાની હતી, પણ હડતાલ પાડી દીધી ટપુસેનાએ. એવા નાના રોલ અગાઉ ઘણા કર્યા છેે.
- આજકાલ રીક્ષાઓ અને ટેક્સી પાછળ લખેલું જોવા મળે છે એ ‘જૈસી જીસકી સોચ’ હકીકતે દિલીપભાઈની સોચ એટલે કે તેમનો આઈડિયા છે.’ સિરિયલમાં ઘનુષની કમાનની જેમ જુકેલા ઉભા રહેવામાં તન્મયને ઘણું કષ્ટ પડે છે. હાથ કોણીએથી દુખવા માંડે અને પીઠના દુખાવાની પણ સમસ્યા થાય છે. એટલે શૂટિંગ વચ્ચે તેણે શરીરને સીધું રાખવા ક્યારેક બ્રેક લેવો પડે છે.
- હાથીભાઈનો રોલ કરતા વજનદાર કલાકાર કવિ કુમાર આઝાદ હવે રહ્યા નથી. તેમની અચાનક વિદાયનો દર્શકોને અને સિરિયલના સાથી કલાકારોને ભારે આઘાત લાગ્યો છે. પણ સિરિયલ તો ચાલુ જ રહેવી જોઈએ. એટલે હાલ તેમના વિકલ્પની શોધ ચાલુ છે. અગાઉ કુમાર આઝાદ ઓપરેશન માટે રજા પર ગયા ત્યારે નિર્મલ સોનીએ હાથીભાઈનો રોલ કર્યો હતો. હવે કદાચ એ પાછા ફરે પણ ખરાં. જોકે હજુ સુધી રોલ કોણ કરશે એ નક્કી થયું નથી.
- કવિ કુમાર નામ પ્રમાણે જ કવિ હતા, કવિતા લખતા હતા. સાથે સાથે તેઓ ગિટારના શોખીન હતા એટલે હંમેશા ગિટાર પોતાની કારમાં જ રાખતા હતા. શરૃઆતમાં તેમનું વજન ૨૧૫ કિલોગ્રામ હતુ જે ઓપરેશન પછી ઘટીને 200ની અંદર આવ્યુ હતુ.
- મિરાં રોડ પર કવિ કુમારની રોલની દુકાન છે. ત્યાં એ નિયમિત રીતે આવતા એટલે રોલ ખાવા આવતા ગ્રાહકોને પણ તેમની કંપનીનો, ફોટો પડાવવાનો, ઓટોગ્રાફ લેવાનો લાભ મળતો હતો.
- કવિ આઝાદની માફક શૈલેશ લોઢા (સિરિયલના તારક મહેતા) પણ હકીકતમાં કવિ છે. એ રીતે સિરિયલમાં બે અસલી કવિ હતા.
- નટુકાકાનુ પાત્ર ભજવતા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક અભિનય સાથે તો ૬5 વર્ષથી સંકળાયેલા છે. પણ તેમને ઓળખ છેલ્લા પાંચ વર્ષમાં નટુકાકા બન્યા પછી મળી છે. પ્રારંભિક તબક્કે તેમના માટે ત્ર્યંબક તાવડાનું પાત્ર નક્કી થયુ હતું પરંતુ બાદમાં એ મેનેજરના રોલમાં વધારે ફીટ બેસતા એ કામ તેમને સોંપી દેવાયું. નટુકાકાની ઓળખથી અત્યંત ખુશ થતાં ઘનશ્યામદાદા કહે છે, ‘મને જીંદગીમાં જોઈએ એટલી તમામ સફળતા આ સિરિયલે અપાવી છે. લોકો અમને પાત્રના નામે બોલાવે ત્યારે અમને ગૌરવ થાય છે. બહાર તો ઠીક ઘરમાં પણ મારી પૌત્રી મને નટુદાદા કહીને બોલાવે છે. એને મારુ અસલી નામ ખબર જ નથી!’
- ૨૦૧૨ની ૨૨મી જુને સિરિયલે ૯૦૦ એપિસોડ પુરા કર્યા ત્યારે ભારતની સૌથી લાંબી ચાલેલી કોમેડી સિરિયલ બની ગઈ હતી. હવે તો એપિસોડની સંખ્યા 2533 (15 ઓગસ્ટ, 2018 સુધી) થઈ છે. સબ ટીવી-સોની પર જ આવતી ‘યસ બોસ’ દસ વર્ષ ચાલી હતી પણ એ સાપ્તાહિક સિરિયલ હતી એટલે તેના એપિસોડની સંખ્યા ૭૦૦થી વધારે નહોતી થઈ.
- સિરિયલમાં સૌથી લાંબો ચાલેલો ટ્રેક ગુલાબોનો હતો. એ ડિસેમ્બર ૨૦૧૨માં શરૃ થઈ, જાન્યુઆરી ૨૦૧૩માં પુરો થયો હતો.
- રીટા રિપોર્ટર (પ્રિયા અહુજા રાજડા) સિરિયલના વર્તમાન ડિરેક્ટર માલવ રાજડાની પત્ની છે. સિરિયલમાં દયાનો ભાઈ બનતો સુંદર (મયૂર વકાણી) હકીકતમાં પણ દયા એટલે દિશા વાકાણીનો ભાઈ જ છે. જોકે સિરિયલમાં એકથી વધુ રીટા રિપોર્ટર અલગ અલગ તબક્કે આવી ચૂકી છે.
- સિરિયલમાં ભીડેનું પાત્ર મંદાર ચંદડવાડેકર ભજવે છે. તેના પત્ની માધવી ભીડેનું પાત્ર ભજવતાં સોનાલિકા જોશી આત્મારામ કરતાં ઉંમરમાં થોડા વર્ષ મોટા છે!
સિરિયલની આવી થોડી વધુ રસપ્રદ વાતો હવે પછી..