તારક મહેતા સિરિયલ જોતાં ત્યારે તેમને કેવું લાગતું?

ભાગ-1

તારક મહેતાની લેખમાળા પરથી બનેલી હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ હવે દસ વર્ષ પૂરાં કરી ચૂકી છે. સૌથી લાંબી ચાલનારી કોમેડી સિરિયલ તરીકેનો વિક્રમ પણ તેણે નોંધાવ્યો છે. નાની-મોટી મર્યાદા છતાં મને એ સિરિયલ ઘણી ગમે છે. તેની કેટલીક વાતો..

લાંબા ઓરડાના એક છેડે વિશાળ સ્ક્રીનવાળું ટીવી, ટીવી યુનિટના નાના-મોટા ખાનાં, બાજુમાં સાફો, સોફાની સામે વળી ખુરશી અને ટીપાઈ, ટીવીની સામે એક હિંચકો અને હિંચકા પર બેઠેલા દાદા. દાદાને એક આંખે જરા ઓછુ દેખાય પણ બીજી આંખ સાબુત છે. ઓછું દેખાય તો પણ ટીવીમાં આવતા સંવાદ એ સાંભળી શકે છે અને તેના આધારે જ જરૃર પડ્યે હસી લે છે.

એ દાદાનું નામ તારક મહેતા અને ટીવી પર આવતા શોનું નામ પણ ‘તારક મહેતા (કા ઉલટા ચશ્માં)’. તારકદાદાના ઘરે જઈએ ત્યારે ઘણી વખત આ દૃશ્ય જોવા મળતું હતુ.

****

સબ ટીવી પર આવતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’એ દસ વર્ષ પૂર્ણ કર્યા. તારકદાદા હયાત હતા ત્યારે તેઓ એ સિરિયલ જોઈને પોતાના પાત્રો ટીવી પર કેવી ધમાલ મચાવે છે એ જોઈ આનંદીત થતા હતા. કોઈ સર્જકની કૃત્તિ પરથી બનેલી રચના ટીવી પર આવે અને ખૂદ મૂળ લેખક જ તેની મજા માણતા હોય એ સિરિયલની સફળતા છે. સિરિયલની પણ એ જ સફળતા છે.

અમારા કાઠિયાવાડમાં એવી કહેવત છે કે આ ભાઈ/બહેનનો દાયકો છે.. એટલે કે તેનો સફળકાળ ચાલી રહ્યો છે. 28 જુલાઈ, 2018ના દિવસે દસ વર્ષ એટલે કે દાયકો પૂર્ણ કર્યો એ સિરિયલનો અત્યારે દાયકો ચાલી રહ્યો છે. 

  • 28 જુલાઈ, 2008. એક ફ્લેટમાં રહેતા અમે બેચલર મિત્રો સાંજ સાડા આઠ વાગે એની રાહે હતા. જેમને વાંચ્યા હોય, અત્યારે પણ વાંચી રહ્યા હોય એવા તારક મહેતાના લખાણ પરથી કંઈક નવી સિરિયલ આવી રહી હતી. સિરિયલ કેવી હશે એ અંગે આશંકા હતી. જોયા વગર તો કેમ કશું કહી શકાય? માટે અમે પ્રિય લેખકની સિરિઝ ટીવી પર જોવા ઉત્સુક હતાં.
  • સિરિયલ શરૃ થઈ એ યુગ સાસ-બહુની સિરિયલનો હતો. કોમેડી સિરિયલ તો આવતી જ હતી, પણ ડેઈલી કોમેડી સિરિયલો હજુ નવો કન્સેપ્ટ હતો. એ સંજોગોમાં તારક મહેતાના લખાણો પરથી સિરિયલ અને એ પણ ડેઈલી બનાવાની ગુજરાતી પ્રોડ્યુસર આસિત મોદીએ હિંમત કરી. એ હિંમતનું પરિણામ આજે આપણી સામે છે. સિરિયલ જોકે સાવ તારકદાદાના લખાણ પરથી નથી બનતી, પરંતુ તેનાથી પ્રેરિત છે. કેમ કે તારક મહેતાએ લખ્યું એ સમય અલગ હતો, આજનો સમય અલગ છે. 
  • સિરિયલ ભારતની સૌથી લાંબી ચાલનારી હિન્દી (ડેઈલી) સિરિયલ બની ચૂકી છે. તો વળી દુનિયાની સૌથી લાંબી કોમેડી સિરિયલ પણ ગુજરાતીપણુ ધરાવતી આ સિરિઝ બની ગઈ છે. હવે ગિનેસ રેકોર્ડનું સત્તાવાર સર્ટિફિકેટ મળે ત્યારે ખરું.
  • ટ્રાયલ એન્ડ એરરના ધોરણે સિરિયલમાં સુધારા થતાં ગયા, અનુભવે શિખાય એમ થોડી ચાલી, થોડા ફેરફાર થયા, એમ સિરિયલ જામતી ગઈ અને આજે દાયકા સુધી પહોંચી. સબ ટીવી પર સતત એ સિરિયલ રિપિટ થયા કરે છે, કેમ કે જોવાય છે. એટલે કોઈએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું પણ ખરાં કે સબ ટીવીમાં આ સિરિયલ આવે છે કે પછી સિરિયલમાં સબ ટીવી આવે છે એ નક્કી કરવું મુશ્કેલ છે!
દાદા અને ઈન્દુદાદી
  • હાસ્ય લેખમાળામાંથી સિરિયલમાં પહોંચતા સુધીમાં ચાલીમાંથી સોસાયટી બની ગઈ છે, જેઠાલાલ ચરોતરીને બદલે ભચાઉના કચ્છી વેપારી છે (કેમ કે મુંબઈમાં કચ્છી વેપારીઓનું પ્રમાણ નોંધપાત્ર છે).
  • આસિત મોદી અમદાવાદ આવે ત્યારે સિરિયલ સાથે બેસીને જોતા અને જરૃરી ફેરફારની સલાહ-મસલત કરતાં હતા. તારકદાદા જોકે સિરિયલ સર્જનની પ્રક્રિયામાં અને પ્રોડ્યુસર-ડિરેક્ટરની સ્વતંત્રતામાં કોઈ માથું મારતા ન હતા.
  • શરૃઆતમાં જોકે તારકદાદાને એવી શંકા હતી કે આ સિરિઝ પરથી સિરિયલ બનશે કે કેમ. પણ પાછળથી સિરિયલ સફળ થઈ ત્યારે એમણે જ એમ કહ્યું હતુ કે ‘હવે લોકો મારી સિરિઝ વાંચતા નથી, ટીવી પર આવતા ટપુડાને જ જૂએ છે’. સિરિયલ માટે એ મોટું સર્ટિફિકેટ કહી શકાય.
  • તારકદાદા એ પણ સમજતા હતા કે સપ્તાહે કોલમ લખવી અને રોજનો એપિસોડ લખવો એમાં ફરક છે. માટે એ મુજબ ફેરફાર તો સિરિયલમાં કરવા જ પડે. મિડિયમ બદલે એટલે મેસેજ આપવાની રીત પણ બદલે. કમ્યુનિકેશનની થિયરીનો એ પાયાનો સિદ્ધાંત છે. તારક મહેતાએ લખેલા શબ્દોમાંથી ટીવી પરનાં દૃશ્યો બને તો બેશક ફેરફાર થાય જ. તારક મહેતાની મૂળ રચના તોફાની છે, એવું બધુ કદાચ ટીવી પર રજૂ કરવું સિરિયલના સર્જકોને યોગ્ય નથી લાગ્યું. માટે મૂળ લખાણનું હાર્દ યથાવત રાખીને સિરિયલમાં ફેરફારો કર્યાં છે. તારક મહેતાના લખાણમાં ઘણા પાત્ર છે, સિરિયલમાં એ બધા આવ્યા નથી. બીજી તરફ નવાં પાત્રો (જેમ કે બાઘો) ઉમેરાયા પણ છે.
તારક દાદાને ત્યાં પહોંચેલી વિશાલ, ઇશાન, લલિતની ત્રિપુટી.
  • લોકોમાં સૌથી મોટી ગેરસજમ એ હતી, (આજે પણ હશે) કે સિરિયલ તારક મહેતા પોતે લખે છે. હકીકતે તેમના લખાણ પરથી સિરિયલ બની છે, સિરિયલ લખવા માટે તો સક્ષમ લેખકો છે. એ જ એપિસોડ લખે છે.
  • તારક મહેતાને 2015માં પદ્મશ્રી મળ્યો, પરંતુ એ પહેલા સિરિયલના દર્શકોના દિલ સુધી તેઓ પહોંચી શક્યા હતા. સિરિયલની સૌથી મોટી સફળતા અને ગુજરાતી લખનાર તરીકે આનંદ જ એ વાતનો કે ગુજરાતીમાં લખતા રહીને તારક મહેતા દેશના-પરદેશના દર્શકો સુધી પહોંચ્યા હતા. જો સિરિયલ ન હોત તો બેશક તારક મહેતાને ગુજરાત બહાર એવી પ્રસિદ્ધિ મળી ન હોત. તેમના વાચકો બેશક દેશ-પરદેશમાં ફેલાયેલા છે, પરંતુ એ બધા ગુજરાતી ભાષી છે. બિનગુજરાતીઓને આ સિરિયલ દ્વારા તારક મહેતાની થોડી ઘણી તો થોડી ઘણી પણ ઓળખ થઈ છે. તારક મહેતાનું લેખન વાંચનારાને કદાચ સિરિયલમાં એટલી મજા ન આવતી હોય, પરંતુ બીજા લાખો-કરોડો દર્શકોને મજા આવે છે. માટે જ સિરિયલ ચાલે છે. બાકી તો સબ ટીવી પર ઉલ્ટા ચશ્માં શરૃ થઈ ત્યારથી આજ સુધીમાં અનેક સિરિયલ આવીને બંધ થઈ ગઈ, જેમાં શાબહુદ્દિન રાઠોડની રચના પરથી બનેલી પાપડ પોલનો પણ સમાવેશ થાય છે. એ બધા વચ્ચે આ સિરિયલ ચાલી કેમ કે વાતમાં દમ છે.
  • જીવનની પાછલી અવસ્થામાં આ સફળતાને કારણે તારકદાદા ઘણા ખુશ જણાતા હતા. સિરિયલે તેમને ઘણું આપ્યું એવુ પણ સ્વિકારતા હતા. સામે પક્ષે સિરિયલમાં ગરબડ ન રહી જાય એ માટે નિર્માતા આસિત મોદી નિયમિત રીતે દાદાના સલાહ-સૂચન લેતા રહેતા હતા.
  • સિરિયલના કેટલાક ઘટનાક્રમો લાંબા ચાલે કે પછી સેલિબ્રિટીઓ શા માટે સિરિયલમાં પ્રમોશન માટે ઘૂસીને સિરિયલનો સમય ખાઈ જતી હશે એવા સવાલો બાદ પણ સિરિયલની લોકપ્રિયતા અકબંધ છે. જોકે છેલ્લા ઘણા સમયથી સેલિબ્રિટી પ્રમોશનથી સિરિયલ મુક્ત રહી શકી છે.
  • મધ્યવર્ગીય પરિવારમાંથી હવે સફળ પ્રોડયુસર તરીકે સ્થાપિત થઈ ચુકેલા આસિત હસમુખલાલ મોદીએ પોતાની કારકિર્દીની શરૃઆત એક્ટર તરીકે કરી હતી! કોલેજકાળમાં તેમને બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ પણ મળ્યો હતો. હવે એક્ટિંગ નથી કરતાં પણ એક્ટિંગનું મહત્ત્વ બરાબર સમજે છે. એટલે જ તેમણે સિરિયલના તમામ કલાકારોને ખાસ્સી ક્રિએટીવ છૂટછાટ આપી રાખી છે.
સફળતાના પાંચ વર્ષ.. એ વખતની પાર્ટીમાં દાદા અને તેના ચાહકો
  • આસિત મોદીએ ઊંધા ચશ્માં પરથી સિરિયલ બનાવવાનો નિર્ણય છેક ૨૦૦૧માં લીધો હતો અને એ વાત વાસ્તવિક બનતા ૨૦૦૮નું વર્ષ આવી ચુક્યુ હતું. અલબત્ત, આરંભે થોડી નિષ્ફળતા પછી હવે સિરિયલે અનેક મોરચે વાવટાઓ ખોડી દીધા છે.
  • સિરિયલમાં દરેક એપિસોડના અંતે મહેતા બે શબ્દો કહેતા નજરે પડે છે. તો મૂળ લખાણમાં લેખક હપ્તાની શરૃઆતમાં પ્રવર્તમાન રાજકીય-સામાજીક સ્થિતિ વિશે થોડુ લખીને આગળ વધે છે. સિરિયલમાં શરૃઆતમાં તો એવુ કરી ન શકાય એટલે શક્તિમાનની માફક અંતે બે બોલ આવે છે.
  • જેઠાલાલ કાં તો ઝભ્ભામાં, કાં તો કલાત્મક શર્ટમાં દેખાતા હોય છે. કેમ? કેમ કે એ વેપારી છે અને વેપારીને શોભે એવાં વસ્ત્રો પહેરવા જોઈએ. વળી આ વસ્ત્રો ગુજરાતી કલ્ચરને પણ અનુરૃપ છે.
  • સિરિયલમાં ઘણા સ્લોટ ખુબ લાંબા ચાલે. તેની પાછળનું કારણ શું? કારણ ખુદ તારક મહેતા છે. એમણે એક વખત કહ્યું કે ‘શરૃઆતમાં મહત્ત્વનો ઘટનાક્રમ હોય તો પણ ટૂંકમાં પતી જતો હતો. એટલે મેં સર્જકોને સૂચન કર્યું કે જે વાત મજાની છે, તે થોડી લાંબી ચાલે તો એમાં કશું ખોટું નથી. એક ઝટકે કહી દેવાને બદલે ધીમે ધીમે માહોલ ઉભો કરીને વાત કહેવાની મજા અલગ છે. એ સૂચનનો અમલ થયો એટલે પછી ઘણી રસપ્રદ વાતો લાંબી ચાલે છે. ક્યારેક જોકે વધારે પડતી લાંબી પણ ચાલે…

સિરિયલ અને પાત્રો સાથે સંકળાયેલી આવી વાતો હવે પછી..

waeaknzw

Gujarati Travel writer.