ઉલ્ટા ચશ્માંના પાત્રોની ઉલટ તપાસ!

(ભાગ -4)  તારક મહેતા સિરિઝના અગાઉના ભાગમાં કેટલાક પાત્રો વિશે વાત કરી હતી. આ છેલ્લા ભાગમાં સિરિયલના બીજી કેટલાક મહત્ત્વના પાત્રોની વાત…

અસલી તારક મહેતા, સિરિયલના તારક મહેતા અને સર્જક આસિતભાઈ
  • મહેતા સાહેબ બનતા શૈલેશ લોઢાનું કામ ઊંચુ છે, એક્ટિંગ બહુ સારી કરે છે, જેઠાલાલના મિત્ર તરીકે ચોવીસે કલાક ખડે પગે રહે છે. એ મૂળભૂત રીતે કવિ છે. તારક મહેતાના મૂળ એટલે કે અસલ ગુજરાતી લખાણમાં તેમનો બોસ બેમાથાળો છે અને વારંવાર મિસ્ટર મહેતા યુ નો… કરીને સમસ્યા ખડી કરતો રહે છે. સિરિયલમાં તેમના બોસ કરતાં જેઠાલાલ વધારે માથાકૂટ ઉભી કરે છે. મિસ્ટર લોઢા મૂળભૂત રીતે માર્કેટિંગ ભણેલા છે અને નાનપણમાં જ તેમને બાળકવિની ઉપમા પણ મળી ગઈ હતી. સાહિત્યમાં તેમને કેટલાક એવોર્ડ મળ્યા છે અને અત્યાર સુધીમાં ચાર પુસ્તકો લખી ચૂક્યા છે. છેલ્લે આવેલી ચોથી બૂકનું નામ છે, ‘દિલ જલે કા ફેસબૂક સ્ટેટસ’.
  • સૌથી મજાના કલાકાર બાપુજી એટલે કે અમિત ભટ્ટ છે. ઉંમર તો હજુ માંડ 40-45 છે, પણ જમાવટ વૃદ્ધ જેવી કરે છે. વાંકાં-ચૂકું મોઢુ કરીને, આખા શરીરને હલબલાવીને દર્શકોને જકડી રાખવાની તેમની આવડત અદભૂત છે. બાપુજી જેટલી વાર સ્ક્રીન પર આવે એટલી વાર મનોરંજનની ગેરંટી.. સિરિયલના બેસ્ટ પાંચ કલાકારો પસંદ કરવા હોય તો હું તો અચૂક અમિત ભટ્ટને મુકું.
બાપુજીનો રોલ કરતા અમિત ભટ્ટ, ઉમરમાં તો જેઠાલાલ કરતાં પણ નાના છે, પરંતુ એક્ટિંગ અદભૂત કરે છે
  • અમિત ભટ્ટ પણ મૂળ સોરઠના વતની છે અને અગાઉ અમુક સિરિયલો તથા થિએટરમાં કામ કરી ચૂક્યા છે. સિરિયલમાં સૌથી મજાની શરૃઆત બાપુજી પહેલી વખત મુંબઈ આવ્યા ત્યારે થઈ હતી. એ મૂળભૂત રીતે કોમર્સના ગ્રેજ્યુએટ છે. સિરિયલમાં કેશિવિહિન દેખાવવા એ ક્યારેક ટકો કરે, ક્યારેક વિગ પહેરે તો ક્યારેક વાંદરા ટોપી પહેરી રાખે.
  • પહેલા ટપુ ભવ્ય ગાંધી બનતો હતો. એ નાનપણથી હતો એટલે તેના ભાગે વધુ તોફાન આવ્યા. હવે રાજ અનડકટ એ રોલ કરે છે. બન્ને ટપુ તરીકે તો સારા જ છે. બન્નેની ઉંમર મોટી થઈ ગઈ છે અને તારક મહેતાના મૂળ લખાણની વય ક્યારના વટાવી ચૂક્યા છે. ભવ્યએ ગુજરાતી ફિલ્મ પાપા તમને નહીં સમજાયમાં કામ કર્યું એ વખતે સિરિયલ છોડી હતી.
  • દિશા બહેન ઘણા સમયથી સિરિયલમાં નથી, પરંતુ તેમની કોઈ ખોટ વર્તાતી નથી. મૂળભૂત રીતે સિરિયલ મજબૂત વાર્તાથી ચાલે, એટલે કલાકાર થોડો સમય આઘા-પાછા થાય તો વાંધો નથી આવતો. બીજી તરફ ઘણી વખત વાર્તા કંટાળાજનક હોય ત્યારે બધા કલાકારો હાજર હોય તો પણ ટાઈમપાસ થતો હોય એવુ જ લાગે.
  • સિરિયલમાં આવીને જેઠાલાલની બેન્ડ બજાવી દેતો સુંદર એટલે કે મયૂર વાકાણી ખરેખર જ દિશા વાકાણીનો ભાઈ છે. એ બન્ને નાટ્ય કલાકાર ભીમ વાકાણીના સંતાનો છે. સુંદર સિરિયલમાં શરારતી દેખાય છે, પણ અંગત રીતે બહુ જેન્ટલમેન છે.
  • ચહેરાના સ્નાયુ પર કાબુ રાખવાની કળા કેવી હોય એ દિલીપ જોશી પાસેથી શીખવું પડે. જેઠાલાલના પાત્રની જરૃર પ્રમાણે દિલીપભાઈ હોઠ, આંખ, ગાલ, મોઢુ સહેજ-સાજ હલાવીને હાવભાવ વ્યક્ત કરી જાણે છે. આવી કળા બહુ ઓછા કલાકારો પાસે હોય છે. એમના પાત્રની લોકપ્રિયતા એટલી બધી છે કે જેઠાલાલ સોડા, જેઠાલાલ નાસ્તાના પડીકાં એવુ બધુ પણ માર્કેટમાં મળતું થઈ ગયું છે.
જેઠાલાલની (એક્ટિંગ) જમાવટ…
  • સાઉથનું રિપ્રેઝન્ટેશન કરત ઐયર સાબેહ એટલે કે તનુજ મહાશાબડેનું મૂળ વતન તો મધ્યપ્રદેશ છે. અસલ જિંદગીમાં એ વિજ્ઞાની તો નથી, પરંતુ મરિન કમ્યુનિકેશન જેવો વિજ્ઞાનનો વિષય તેમણે ભણ્યો છે. સિરિયલમાં સારા કામ કરતા ઐયર સાહેબે 2016માં એ ખોવાઈ ગયેલા યુવકને પોલીસ સ્ટેશને પહોંચાડીને માનવતાપૂર્ણ કામ કર્યું હતુ.
  • જેઠાલાલ જમને જોઈને પાણી પાણી થઈ જાય અને ઘણી વખત તો મહેતા સાહેબને પણ અવગણી નાખે એવું પાત્ર એટલે બબિતાજી. મૂળ લખાણમાં રંજનદેવી આવે છે, જેને જોઈને જેઠાલાલને મધલાળ છૂટે. સિરિયલમાં સબંધો નિર્દોષ છતાં મનોરંજક છે. એ બબિતાજી (મુનમુન દત્તા) મૂળ બંગાળી છે અને સિરિયલમાં પણ બંગાળી તરીકે જ રજૂ થયા છે. બબિતાજી અસલ જિંદગીમાં સોલો પ્રવાસ એટલે કે એકલા રખડવાના શોખીન છે. દુનિયાના ઘણા દેશો તેઓ એકલા રખડી ચૂક્યા છે. જે લોકો એમનું ઈન્સ્ટાગ્રામ ફોલો કરતા હશે એમને રખડપટ્ટીના ફોટો પણ જોવા મળતાં હશે. જેઠાલાલનું અંગ્રેજી સુધારતા મુનમુનબહેને અંગ્રેજીમાં જ માસ્ટર ડીગ્રી પણ મેળવી છે. ઘણા સામાજીક મુદ્દા પર તેઓ નિયમિત રીતે અવાજ ઉઠાવતા રહે છે. પોતાની મદદ કરતા કેટલાક સહાયકોના બાળકોના શિક્ષણનું પણ તેઓ ધ્યાન રાખે છે, ખર્ચ ઉઠાવે છે.
www.hdfinewallpapers.com
  • અંજલિ મહેતા બનતા નેહા મહેતા મૂળ ભાવનગરના છે અને અગાઉ કેટલીક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે. આ સિરિયલ એક્ટિંગ હંમેશા ઓવર જ હોય. એટલે પડદાં પર એમની હાજરી લાંબો સમય સુધી રહે તો સિરિયલ જોવી અઘરી પડી જાય. એમાંય મિસ્ટર એન્ટ મિસિસ મહેતાનો રોમાન્સ આવે ત્યારે દર્શકોને એ જોવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવી રહી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *