ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ -ટ્વિંકલની વાર્તા, ઈશાનનો અનુવાદ

The Legend of Lakshmi Prasad Gujarati translation

ટ્વિંકલ ખન્ના અંગ્રેજીમાં નિયમિત કોલમ લખે છે, ઉપરાંત તેમનાં 3 પુસ્તકો પણ આવી ગયા છે. એમાંથી ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ પુસ્તકનો પ્રોફેસર ઈશાન ભાવસારે અનુવાદ કર્યો છે. મૂળ લખાણ અતી રસપ્રદ છે અને ઈશાનનું ગુજરાતી એનાથી પણ વધુ રસપ્રદ છે.

The Legend of Lakshmi Prasad – Gujarati translation

ટ્વિંકલ ખન્નાની હિરોઈન તરીકે ‘બરસાત’, ‘ઈન્ટરનેશનલ ખિલાડી’, ‘મેલા..’ જેવી ફિલ્મો કદાચ ફિલ્મ રસિયાઓને યાદ હશે. અક્ષય સાથે લગ્ન પછી ટ્વિંકલ ખન્નાએ ફિલ્મો ઓછી કરી, સંસાર પર વધારે ધ્યાન આપ્યું. માટે બીજી પરિણિત હિરોઈનોની માફક એ પણ ભૂલાઈ ગયા હતા. પરંતુ હવે ટ્વિંકલદેવી ફરીથી લાઈમ-લાઈટમાં છે. એક કારણ એ છે કે તેઓ ટ્વિટર પર સક્રિય છે. બીજું કારણ વડા પ્રધાન મોદીની પોતાને ન ગમતી વાતોની ટીકા કરતાં ડરતાં નથી. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે તેઓ હવે સફળ લેખિકા છે. અંગ્રેજી અખબારમાં કોલમ તો લખે છે, પરંતુ તેના નામે 3 પુસ્તકો પણ બોલે છે.

ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદમાં ચાર વાર્તા છે, 3 નાની છે, એક જરા મોટી છે. 3 વાર્તા તો જાણે કાલ્પનિક છે, જ્યારે એક વાર્તા ‘પેડમેન’ ફિલ્મ જેના પરથી બની એ અરૃણાચલમ મુરુગનાથમના સંઘર્ષ પર આધારિત છે. ઈશાનનું ગુજરાતી અને અંગ્રેજી બન્ને પ્રભાવશાળી છે, એટલે અનુવાદ તો જાણે સો ટચનો કર્યો છે. મૂળ વાર્તાઓ પણ એટલી જ દમદાર છે. વાર્તા વાંચ્યા પછી એમ પણ થાય કે ટ્વિંકલ ખન્નાએ તો પહેલેથી જ વાર્તા લખવાની જરૃર હતી. બેશક તેઓ ઉત્તમ લેખીકા સાબિત થયા છે. સેલિબ્રિટી હોવા છતાં એ ધરાતળથી વાકેફ છે તેનો અહેસાસ વાર્તાઓમાં વારંવાર થયા કરે છે. તેમના અવલોકનો, ભાષા, કટાક્ષ સાથેની રજૂઆત, શબ્દોની પસંદગી, અસલ ભારતીય કહી શકાય એવા ઉદાહરણો.. વગેરેને કારણે મને તો ટ્વિંકલ ખન્ના હિરોઈન કરતાં લેખિકા તરીકે વધુ પસંદ પડ્યાં છે.

The Legend of Lakshmi Prasad Gujarati translation inside page

કોઈ પણ વાર્તા તેમાં રજૂ થતી લાગણી, વાસ્તવિકતા, વ્યથા, સસ્પેન્સ, ભાષાસમૃદ્ધિથી શોભી ઉઠતી હોય છે. આ વાર્તાઓમાં (અને તેના ભાવાનુવાદમાં) એ બધા જ તત્વો છે. પુસ્તક વાંચ્યા પછી મને એમાંથી ગમી એ લાઈનો અહીં રજૂ કરી છે. એ લાઈનો પરથી મૂળ લેખન અને અનુવાદ બન્નેની ક્ષમતા મપાઈ જશે.

વાર્તા 1 – ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ

  • તે એના કાનમાં રૃનાં પૂમડાં ભરાવી રાખતી જેથી શરીરમાં પવન ભરાઈ ન જાય અને એના કૃશકાય થયેલા શરીરની વધુ ખાનાખરાબી ન કરે.
  • આ છોકરીના મનમાં આવ્યો એવો વિચાર તો આ ગામ સદીઓ પહેલા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ સુધી કોઈનાય મનમાં આવ્યો નહોતો.
  • માએ રૃચિરાને કહ્યું હતું કે આ એકમાત્ર એવુ ગામ છે જ્યાં તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાની દીકરીઓ માટે આંબા વાવે છે.
લેતી-દેતી

વાર્તા 2 – સલામ, નોની અપ્પા

  • નાનપણમાં અમરેલીની ગલીઓમાં લંગડી રમતા વિતાવેલું બાલપણ એમને જાણે પાછું મળ્યું હતું.
  • એ જ્યાં પણ, જે સ્વરૃપમાં હોય એમાં ખુશ રહે. જોકે એનું શરીર તો સાન્તાક્રૂઝમાં ગેલેક્સી થિએટરની પાછળ આવેલા વિશાળ કબ્રસ્તાનમાં છ ફૂટ નીચે દટાયેલું હતું.
  • દિવસના આટલા સમય પૂરતા જ તેઓ ઘરથી બહાર અને ખાસ તો પત્નીની ઊંચે અવાજે થતી કિચકિચથી અને પડોશીઓની અવિરત બખેડાબાજીથી દૂર રહી શકતા.
  • ક્લિફટનના પાંચમે માળેથી અગાઉ પણ અનેક યુ.એફ.ઓ. આ રીતે ઊડતા જણાયા છે. પણ આ વખતે મારે આ બાબત ગંભીરતાથી લેવી પડે એમ છે.
  • આટલા વર્ષો સુધી નોની અપ્પા સમાજનાં નીતિનિયમોને તાબે થઈને જીવ્યા હતા. પણ હવે તેમને પ્રતિતિ થતી હતી કે જે નામી-અનામી લોકો એમને ઈજ્જતદાર સ્ત્રી હોવાને નાતે ‘સલામ’ અને ‘યા અલી મદદ’ કહેતા હતા એ બધું મિથ્યા હતું અને આ આબરૃ અથવા ઈજ્જત એમને અંત્યેષ્ઠિ સમયે લોકો દ્વારા કૃત્રિમ પ્રશંસાના ચાર શબ્દો કમાઈ આપવાથી સહેજે સવિશેષ નહોતી.

વાર્તા 3 – જો હવામાન અનુકૂળ હશે તો…

  • પણ પરણી તો કોને? આ બાંગ્લાદેશ જેવા થર્ડ-ક્લાસ દેશમાંથી આવેલા મુસ્લિમ શરણાર્થીને?
  • આ હનિમૂનમાં બીજી એક પણ બાબત વિચિત્ર હતી – સેક્સનો બિલકુલ અભાવ.
  • પણ હવે મારે જે દિવસે આપણી કોમના કોઈ સારા-સંસ્કારી યુવાન સાથે ઠરીઠામ થવું હશે એ વખતે જ હું વૃક્ષ સાથે લગ્ન કરીશ.
  • આ તમારી ‘પુરુષ આખરે તો પુરુષ છે’ એના જેવી વાહિયાત વાત દુનિયામાં બીજી કોઈ નથી.
અંદરની વાત..

વાર્તા 4 – પેડમેન

  • બંગડીઓનો ખણખણાટ પતિ-પત્ની વચ્ચેની આ ચુપકીદીની ચીરતો એકમાત્ર અવાજ હતો.
  • એવી તો નાઠી કે રસ્તામાં ગાયો તો ઠીક પણ રસ્તાને કાંઠે હગવા બેઠેલા ચારેક નાગોડિયા છોકરાઓ પણ ભડકી ગયા!
  • આ સ્વાદિષ્ટ નાસ્તાની જયાફત ઉડાવવાની સાથે સાથે મા ગૌરીને એવી રીતે નીરખતી રહી જાણે શાકભાજી માર્કેટના ટમેટાં!
  • બબલુનું આ અધિકૃત નામ હતું જે રેશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો સિવાય બાકી કશે ક્યારેય ઉપયોગમાં લેવાતું નહોતું.
  • જે દરમિયાન તેની બંડીમાં બગલ પાસે પડેલાં બે કાણાંને પણ સૂરજદાદાનાં દર્શનનો લાભ મળ્યો.
  • સેનિટરી નેપકીનને પહેલીવાર જોયા-સ્પર્શ્યાના ચોવીસ જ કલાકમાં બબલુએ જાતે જ સેનિટરી નેપકીન બનાવી નાખ્યો હતો.
  • એમણે કહ્યું કે મારી જાણમા તો તેમે પહેલા એવા પતિ છો જે આ ક્લિનિકમાં આવીને સેનિટરી પેડ્સ વિશે બોલ્યા હોય.
  • સાહેબ, ભલે હું અભણ હોઉં પણ મૂર્ખ બિલકુલ નથી. મૂર્ખાઓ સંકુલ બાબતોને મહાન ગણે છે અને બુદ્ધિમાનો સંકુલ બાબતોને સરળ બનાવે છે. હું રહ્યો સામાન્ય માણસ, એટલે મેં તો એક સામાન્ય મશીન બનાવ્યું છે.
  • ટ્યૂશનમાં તે માધ્યમિક ધોરણનું ગણિત, વિજ્ઞાન તમેજ છાપામાં જેની ‘ફર્સ્ટ ક્લાસ ઈંગ્લિશમાં વાતચીત કરો’ની છાશવારે જાહેરાત આવ્યા કરતી એવો ઈંગ્લિશ વિષય પણ શીખવતી.
  • બબલુ અને આદિત્ય વર્કશોપની નજીક આવેલા ચાના ગલ્લાની સવારના સાત વાગ્યાથી ઊકળી રહેલી એકની એક ભૂકી ચામાંથી બનેલી પાણી જેવી પાતળી ચાના ઘૂંટડા ગટગટાવી રહ્યા હતા.
  • બિહારના અનુભવે તે એટલું શીખ્યો હતો કે લોકોને સ્વાસ્થ્ય અંગે કહીએ તો એમનો રસ ઊડી જાય છે પણ નફા-નુકસાનની વાતમાં સૌને બરાબર રસ પડે છે.
  • સેનિટરી નેપકીન જોઈને ચોંકેલા શ્રોતાઓને એણે પૂછ્યું – અહીં બેઠેલામાંથી કેટલા પુરુષોએ સેનિટરી નેપકીનને સ્પર્શ કર્યો છે?
  • મારા મતે લોકોની ત્રણ શ્રેણી હોય છે – નિરક્ષર, અલ્પશિક્ષિત અને અધિક શિક્ષિત. મારા જેવા અલ્પશિક્ષિતે આ કરી બતાવ્યું છે ત્યારે આપના જેવા અધિક શિક્ષિત સમાજ માટે શું કરી રહ્યા છે?

પુસ્તકની માહિતી

ગુજરાતી અનુવાદ પ્રકાશક – ખુશી બુક્સ, રાજકોટ, 9898032623

પાનાં – 145

કિંમત – 200

ઓનલાઈન શોપિંગની લિન્ક

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *