ગાના : સરદાર પટેલના સાસરિયામાં લટાર!

કરમસદ પાસે આવેલુ ગાના ગામ સરદાર પટેલનું સાસરું છે. સદ્ભાગ્યે ઝવેરબા જે ઘરમાં મોટા થયાં હતાં એ ઘર-ફળિયું.. સરદાર પટેલના ગામ-નામ-કામ વિશે આપણે વાકેફ છીએ એટલા તેના સાસરિયા વિશે કદાચ નથી. માટે ચાલો એ ગામની સફરે  જ્યાં 1892-93માં યુવાન વલ્લભભાઈનાં તોરણ બંધાયાં હતાં…

 

કરમસદના પાદરમાં સરદાર પટેલના પૂતળા સામેથી જ રસ્તો જાય છે. રસ્તો શરૃ થાય ત્યાં દિશાદર્શક બોર્ડ મારેલું છે અને બોર્ડમાં ગામનું નામ છે: ગાના. ગુજરાતના ૧૮ હજારથી વધારે ગામ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું સાસરું હોવાને કારણે એ ગામ જરા અલગ પડે છે. સરદાર પટેલ, તેમના વતન, તેમની શાળા, તેમનો સંઘર્ષ અને આઝાદીની લડતમાં સરદાર પટેલનું યોગદાન ખૂબ જાણીતાં છે. સરદાર પટેલનું લગ્નજીવન અને તેમનાં પત્ની ઝવેરબાનું વતન પ્રમાણમાં અજાણ્યાં છે. આજે એની વાત કરીએ..

ચાલો સરદાર વલ્લભભાઈ પટેલના સાસરિયા તરફ..

***
ઝવેરબા બહુ શરૃઆતી વર્ષો(૧૯૦૯)માં અવસાન પામ્યાં હતાં. એ જીવ્યાં હોત તો આઝાદીની ઘટમાળમાં સક્રિય થયાં હોત કે કેમ એ અટકળનો વિષય છે. પણ એ સક્રિય નહોતાં એટલે યાદ પણ નથી, ઈતિહાસમાં તેમની ખાસ નોંધ પણ નથી.
***

કરમસદથી ચાર-પાંચ કિલોમીટર દૂર આવેલું ગાના ચરોતરના સરેરાશ ગામો જેવું સમૃદ્ધ છે. ચાર હજાર કરતાં ઓછી વસતી ધરાવતા મધ્યમકદના ગાનામાં શાળા-સ્કૂલ સહિતની પ્રાથમિક સુવિધાઓ છે. છેક સુધી પાક્કો રસ્તો છે અને ગામમાં નવાં-જૂનાં બન્ને બાંધકામોનું મિશ્રણ છે. ગામના પ્રવેશદ્વારે જ વિશાળ ટાવર અને તેમાં બંધ હાલમાં મોટી ઘડિયાળ છે. સદ્ભાગ્યે ગામવાસીઓને એ વાતની ખબર છે કે આ સરદાર પટેલનું સાસરું (ચરોતરની ગુજરાતી પ્રમાણે- સાસરી) છે. ઝવેરબા જ્યાં ઊછર્યાં હશે, મોટાં થયાં હશે.. એ વાંસંદા ખડકી અને તેમાં આવેલું જુનવાણી મકાન પણ સચવાયેલું છે.

સમય સાચવીને ઉભેલો ટાવર, બહારથી આવતા સૌ કોઈનું સ્વાગત કરે છે.

પેઢીઓ પછી હવે અહીં ઝવેરબાના ભાઈ મોતીભાઈનો પરિવાર રહે છે. ઘરના મોભી અત્યારે મનોહરભાઈ છે. મનોહરભાઈ તેમના ભાઈ-ભાંડુ સહિત અહીં રહે છે.

વધતા પરિવાર સાથે મકાનના પણ ભાગ પડયા છે, પરંતુ જૂની ઢબની કેટલીક બાંધણી યથાવત્ રહી છે. જુનવાણી દીવાલો, લાકડાનાં જોડિયાં કમાડ, કલાત્મક થાંભલીઓ.. વગેરે એ જમાનામાં ખેંચી જતું બાંધકામ બહુ મર્યાદિત માત્રામાં રહ્યું છે. હવેની જરૃર પ્રમાણેના ફેરફારો થયા છે અને પરિવારો વધતાં મકાનના ભાગ પણ પડયા છે. પરંતુ જગ્યા-મૂળ મકાન જેમનું તેમ છે. દીવાલમાં પુરાતન ગોખલાઓ છે, જ્યાં કિશોરાવસ્થામાં ઝવેરે પોતાનો સામાન સાચવીને મૂક્યો હશે. ચાર દીવાલો વચ્ચે પોતાનાં સપનાં સજાવ્યા હશે..

સરદાર પટેલની જીવનકથા ‘પટેલ : અ લાઈફ’માં રાજમોહન ગાંધીએ નોંધ્યા પ્રમાણે વલ્લભભાઈ ૧૭-૧૮ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન થયાં હતાં. યશવંત દોશીએ લખેલા સરદારના જીવનચરિત્રમાં લગ્ન વખતે ઝવેરબાની ઉંમર બાર-તેર વર્ષ હોવાની નોંધ કરી છે. વળી એ વખતના રિવાજ પ્રમાણે ઉંમર નાની ન ગણાય એમ પણ તેમણે લખ્યું છે. એટલે કે વલ્લભ-ઝવેરનાં લગ્ન થયાં ત્યારે વર્ષ ૧૮૯૨-૯૩નું હોવું જોઈએ. સ્વાભાવિક રીતે જ એ જમાનાના કોઈ સાક્ષી ગાનામાં કે બીજે ક્યાંય આજે જીવતા નથી. પરંતુ ગાનાના કેટલાક ૮૦-૯૦ વર્ષના વૃદ્ધો પાસે સરદારના લગ્ન વિશે કહી-સુની વાતો છે.

અહીં સરદારની જાન ઘણુ કરીને ગાડામાં આવી હતી. મુરતિયા વલ્લભકુમાર ઘોડા પર બેસીને આવ્યા હતા કે ચાલતા એ ખબર નથી. ત્યારે ગામની વસતી ઓછી હતી અને મોટા ભાગના ગામવાસીઓ લગનમાં આમંત્રિત હતા. અંદાજે પચાસ-સાઠ માણસો જાનમાં આવ્યા હતા. પાટલા પર બેસીને જાડી જાનને જમાડી હતી.

જાન જોડીને આવ્યા ત્યારે વલ્લભભાઈ આવા જ લાગતા હશે ને..

વલ્લભભાઈનાં માતા લાડબાનો ફોટો મળે છે, પણ ઝવેરબાનો કોઈ ફોટો હોવાનુ જાણમાં નથી. કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ કે અમદાવાદના સરદાર મ્યૂઝિયમ પાસે પણ ઝવેરબાની તસવીર નથી. એટલે ઝવેરબા કેવાં લાગતાં હશે એ કલ્પનાનો જ વિષય બની રહે છે. રાજમોહન ગાંધીએ સરદાર પટેલની જીવનકથા લખતી વખતે મણિબહેનને પૂછ્યું હતું કે તમારાં બા કેવા લાગતાં હતાં? ત્યારે મણિબહેને પણ કહ્યું હતું કે મને યાદ નથી, મારાં બા ખરેખર કેવાં દેખાતાં હશે. પણ બેઠી દડીનાં અને વાને થોડા ગોરા હોવા જોઈએ. યાદ ન હોય એ પણ સહજ છે, કેમ કે ઝવેરબાના મૃત્યુ વખતે મણિબહેન પાંચેક વર્ષનાં જ હતાં.

આ એ જ ઘર છે, જ્યાં ઝવેરબા મોટાં થયાં હતાં. અહીંના રસોડમાં રસોઈ શિખ્યા હતાં અને અહીંથી જ લગ્ન કરી તેમને વિદાય કરાયાં હતાં. લગ્ન પછી તેઓ ઘણી વખત અહીં આવ્યાં હતાં અને સરદારનાં સંતાનો ડાહ્યાભાઈ અને મણિબહેન પણ અહીં જ રમીને મોટાં થયાં છે.

એપ્રિલ ૧૯૦૪મા જન્મેલા મણિબહેન અને નવેમ્બર ૧૯૦૫મા જન્મેલા ડાહ્યાભાઈ બન્નેની સુવાવડ ગાનાના આ ઘરમાં જ થઈ હતી.

બદલાતા સમય પ્રમાણે હવે ઝવેરબા, તેમનુ ગામ, પરિવાર ભુલાઈ ચૂક્યાં છે. સરદાર પટેલના પરિવારમાંથી ભાગ્યે જ કોઈ આ તરફ ફરકે છે. સરદારને સાચી કે ખોટી રીતે યાદ કરનારા મહાનુભાવો અહીં ફરકતા નથી.

ગાના ગામના પાદરે સરદાર પટેલનું નાનકડું પૂતળું છે, પણ ઝવેરબાના નામે કોઈ સ્મારક નથી. તસવીર વગર ઝવેરબાનું પૂતળું તો બનાવવાનું શક્ય નથી પણ ગામનાં વિવિધ જાહેર બાંધકામો પૈકી કોઈક જગ્યાને ઝવેરબાનું નામ આપી શકાય એમ છે. અલબત્ત, ગામવાસીઓને એવી પરવા નથી અને એટલી લાંબી સમજણ પણ નથી. સરદાર પટેલના નામે જ ગામમાં કોઈ કાર્યક્રમ થતો નથી, એટલે ઝવેરબાને ગામ યાદ કરે એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય?

જમણી તરફનું જાળીબંધ મકાન એ જ સરદાર પટેલનું સાસરું, એટલે કે ઝવેરબાનું ઘર.

ગજ્ય માતાના નામ પરથી ગામનું નામ ગાના પડયું છે. ગામના ઘણા લોકોના એ કુળદેવી છે. ગામમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને દૂધ સહકારી મંડળી જેવી સંસ્થાઓ છે. ગામ સુખી ગણવું પડે એવું જ છે.

ઝવેરબાનાં ૧૮૯૨માં લગ્ન અને ૧૯૦૯માં મૃત્યુ એટલે કે વલ્લભ-ઝવેરનું લગ્નજીવન ૧૧-૧૨ વર્ષથી વધારે લાંબુ ચાલ્યું ન હતુ. એ દરમિયાન તેમને બે સંતાનો થયાં હતાં, ડાહ્યાભાઈ અને મણિબહેન. લગ્ન પછી તુરંત પણ ઝવેરબા અને પટેલ અલગ અલગ રહ્યાં હતાં કેમ કે યુવાન વલ્લભભાઈ ત્યારે ભણવા પેટલાદ ગયા હતા. વલ્લભ-ઝવેરનું લગ્ન જીવન તો લગ્નનાં સાતેક વર્ષ પછી ગોધરામાં સરદાર પટેલે વકીલાત શરૃ કરી ત્યારે શરૃ થયું હતું. આમ પણ નાની ઊંમરે લગ્ન કરી દીધા પછી દીકરીને પાંચ-સાત વર્ષે સાસરિયે મોકલવાની પ્રથા હતી. ગોધરામાં સ્થિર થયા પછી વલ્લભભાઈએ પત્ની ઝવેરને પોતાની સાથે તેડાવી લીધાં હતાં. વલ્લભભાઈનુ લગ્નજીવન ટૂંકું હતું એટલે તેમની વિગતો પણ આસાનીથી મળતી નથી.

***
ચરોતર પ્રદેશનાં ગામોની તાસીર પ્રમાણે ગાના ગામ વિવિધ ફળિયા-ખડકીમાં વહેંચાયેલુ છે. ઝવેરબાના પિતા દેસાઈભાઈ (નામ છે, અટક નહીં) રહેતા એ ખડકી વાંસંદાની ખડકી તરીકે ઓળખાય છે. એ વખતે ખડકીમાં સાતેક પરિવાર હતાં. હવે વધતી વસતી સાથે કુટુંબો વિભાજિત થઈને વીસથી વધુ થયાં છે.

ઝવેરબાના પિતા દેસાઈભાઈ (નામ છે, અટક નહીં) રહેતા એ ખડકી વાંસંદાની ખડકી તરીકે ઓળખાય છે. એ વખતે ખડકીમાં સાતેક પરિવાર હતાં. હવે વધતી વસતી સાથે કુટુંબો વિભાજિત થઈને વીસથી વધુ થયાં છે. ખડકીના દરવાજાની લાકડાની જુનવાણી ફ્રેમ અત્યારે તો સચવાયેલી છે, પણ ગમે ત્યારે તૂટી શકે એમ છે.

ખડકીના દરવાજાની લાકડાની જુનવાણી ફ્રેમ અત્યારે તો સચવાયેલી છે, પણ ગમે ત્યારે તૂટી શકે એમ છે. ખડકી ઉપરનો મેડો પણ તૂટી ન પડે એટલે બંધ કરી દેવાયો છે. ફળિયામાં ત્યારે એક કૂવો હતો, હવે એ બૂરી દેવાયો છે. એ ખડકીએ જ સરદાર પટેલ તોરણે આવ્યા હતાં. અહીં તેમને પોંખાયા હતા અને ઘરની આગળની જગ્યામાં જ તેમનો માંડવો બંધાયો હતો. જાનડિયુંએ અહીં જ લગ્નગીતો ગાયાં હતાં.

ઝવેરબાની કોઈ તસવીર નથી, એમ એ જમાનાની, ઝવેરબા વાપરતા હોય એવી કોઈ ચીજ પણ સાચવી શકાઈ નથી. ઝવેરબા ક્યારે જન્મ્યાં, ક્યારે મૃત્યુ પામ્યાં તેની એક્ઝેટ તારીખો પણ ઉપલબ્ધ નથી. મૃત્યુનો તાર સરદાર પટેલને ૧૧ જાન્યુઆરીએ મળ્યો હતો એટલે એ દિવસે કે ૧૦ જાન્યુઆરીએ મૃત્યુ પામ્યાં હોય એવો અંદાજ બાંધી શકાય એમ છે. લગ્ન કઈ તારીખે થયાં હતાં એ પણ જાણી શકાતું નથી.

એ ખડકીમાંથી ઈતિહાસનું અંધારુ ઉલેચવાનો પ્રયાસ કરતા પ્રોફેસર ઈશાન.

લગ્નના સાતેક વર્ષ પછી વલ્લભ-ઝવેરે સાથે રહેવાની શરૃઆત કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેમને આંતરડાની બીમારી લાગુ પડી ગઈ હતી. ૧૯૦૮માં વલ્લભભાઈ મુંબઈ ગયા અને ઝવેરબાની સારવાર મુંબઈની કામા હોસ્પિટલમાં કરાવી હતી. ઝવેરબાનુ ઓપરેશન કરવાનું હતું, પણ તેને થોડા દિવસની વાર હતી. માટે ઝવેરબાને મુંબઈ સારવાર હેઠળ મૂકી વલ્લભભાઈ આણંદમાં એક ખૂન કેસ લડવા આવ્યા હતા.

વલ્લભભાઈ આણંદમાં કેસ લડતા હતા ત્યારે પાછળથી અચાનક ઝવેરબાની તબિયત બગડતાં તેમનું તાબડતોબ ઓપરેશન કરવુ પડયુ હતુ. જોકે એ ઓપરેશન સફળ રહ્યું અને ઝવેરબાની તબિયત સુધરવા પણ લાગી હતી. આણંદમાં તાર દ્વારા એ માહિતી મળવાથી સરદારની ચિંતા ઓછી થઈ હતી. વળી કેસ આગળ ચાલ્યો ત્યાં જાન્યુઆરીની ૧૧મી તારીખે ફરી તાર આવ્યો. એ તારમાં ઝવેરબાના મૃત્યુના સમાચાર હતા. વલ્લભભાઈએ એ તાર વાંચ્યો ત્યારે અદાલતમાં હતા. આંસુ રોકીને તેમણે કેસ આગળ ચલાવ્યો અને અદાલતની કાર્યવાહી પૂરી થયા પછી પોતાની અર્ધાંગિનીના મૃત્યુના સમાચાર સૌ કોઈને આપ્યા. ઝવેરબા મૃત્યુ પામ્યાં ત્યારે તેમની પાસે તેમના પતિ ન હતા, માતા-પિતા પણ ન હતાં. બીજી તરફ સરદાર પણ ઝવેરબાના અંત સમયે તેમની સાથે રહી ન શક્યા હતા.

ઝવેરબાના ભાઈ મોતીભાઈના વારસદારોઅહીં રહે છે. આ માજીએ કહ્યું કે વર્ષો પહેેલા સરદાર પટેલ વિશે માહિતી માટે કોઈ ગાંધી (રાજમોહન ગાંધી) આવ્યા હતા, હવે તમે આવ્યા. બાકી કોઈને પરવા નથી, રસ પણ નથી.

મૃત્યુ પછી પણ સરદાર ઝવેરબા વિશે ક્યારેય જાહેરમાં કશુ બોલ્યા ન હતા, કે કશું લખ્યું હોવાની પણ શક્યતા નથી. માટે તેમની પોતાની પત્ની માટેની લાગણી કેવી હતી એ પણ અકળ રહસ્ય છે. મુંબઈના સોનાપુર સ્મશાનમાં ઝવેરબાને અંતિમ દાહ અપાયો હતો. વર્ષો પછી સરદાર મૃત્યુ પામ્યા ત્યારે તેમનો દેહ પણ અહીં જ ખાખમાં ફેરવાયો હતો.
***

અહીં જ સરદાર પટેલના બન્ને સંતાન મણિબહેન અને ડાહ્યાભાઈનો જન્મ થયો હતો. સમય સાથે હવે મકાનનું થોડું ઘણું રિપેરિંગ થયું છે.

૧૯મી સદીમાં પરણેલા સરદારનું સાસરિયું ગાનામાં ૨૧મી સદીમાં પણ અણનમ ઊભું છે, એ કદાચ મોટી વાત છે. આજકાલ સરદાર પટેલના નામનો રાજકીય-સામાજિક રીતે ઘણો ઉપયોગ થાય છે. પરંતુ કોઈને સરદારનાં જીવનસંગિની યાદ નથી એ વળી અલગ વાત થઈ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *