જૂલે વર્નનું સર્જન : ધ ચેઝ ઓફ ધ ગોલ્ડન મિટિયોર

આકાશમાંથી આવી રહેલા એક ધૂમકેતુની પહેલી જાણકારી કોણે મેળવી એ માટેની સ્પર્ધા બે વિજ્ઞાનીઓ વચ્ચે ચાલતી હતી. એવામાં એક ત્રીજા ધૂની સંશોધકે સમગ્ર ધૂમકેતુને વશમાં કરી લીધો. હાસ્યરસથી ભરપૂર એ  વિજ્ઞાનકથા એટલે સોનેરી ધૂમકેતુનો પીછો.

ધ ચેઝ ઓફ ધ ગોલ્ડન મિટિયોર – સોનેરી ધૂમકેતુનો પીછો
અનુવાદ – હરીશ નાયક
પ્રકાશક – આર.આર.શેઠ
કિંમત  –  135
પાનાં – 212

આકાશમાં રહેલા વિવિધ પદાર્થોમાંથી ધૂમકેતુ ક્યારેક ક્યારેક પૃથ્વીની નજીકથી પસાર થાય ત્યારે ચર્ચાનું કારણ બનતા હોય છે. ધૂમકેતુ આવે કે જાય, મૂળ તો એ વિજ્ઞાનીઓનો વિષય છે. જૂલે વર્ને આ વાર્તામાં બે સંશોધકો વચ્ચેની સ્પર્ધા રજૂ કરી છે, જે મિત્રો પણ છે અને હરીફ પણ છે.

કથા વિજ્ઞાનની છે, પણ તેની મજા માણવા માટે વિજ્ઞાનની જાણકારી જરાય જરૃરી નથી. મૂળ તો અદભૂત રીતે લખાયેલી હાસ્યકથા છે. હરીશ નાયકે અલંકારીક ભાષામાં સોનેરી ધૂમકેતુનો પીછો નામે અનુવાદ કર્યો છે. વાર્તામાં થોડું સસ્પેન્સ પણ છે. વર્નની અનેક કથાઓની માફક અહીં પણ બે આગાહીઓ છે, જે સ્પષ્ટ શબ્દોમાં નથી કહેવાઈ છતાં સમજી શકાય એવી છે. એક અમેરિકા 51  રાજ્યોમાં વહેંચાશે અને ગ્રીનલેન્ડ સ્વતંત્ર રાષ્ટ્ર બનશે. વર્નદાદાએ 1901માં કથા લખી ત્યારે આમાનું કંઈ ન હતું.

હરીશ નાયકે પ્રસ્તાવનામાં લખ્યુ છે, ‘સોનેરી ધૂમકેતુનો પીછો’  સાથે એક સંજોગ સરજાયો છે. એ મૂળ રચના મેથી સપ્ટેમ્બરના સમયગાળાની છે, જે તે વર્ષના. અને હું પણ અમેરિકા એ જ તારીખોમાં આવ્યો છું. તે ઉપરાંત હું જ્યાં રહું છું, 5 જેનુસન કોર્ટ, વેસ્ટ ઓરેન્જ, ન્યૂજર્સીની પાશ્ચભૂમિ ફરતે જ આ વાર્તા સર્જાયેલી છે.’

ધૂમકેતુનો પીછો થાય ત્યારે ખરો… હાલ આ રસપ્રદ પુસ્તકમાંથી પસાર થઈએ.

  • અહીંની ખાણીપીણીની પણ ખ્યાતિ હતી અને સ્વાદીલાઓના સ્વાદને અનુરૃપ અવનવી વાનગીઓ તૈયાર કરી દેવા માટે અહીંના રસોઈયાઓ પણ હોંશીલા હતા. પ્રવાસીઓ અને પર્યટકોને આટલા પ્રોત્સાહન આપનાર પ્રવાસધામનું નામ નકશામાં ન હોય એ કમનસીબી હતી, નકશાની જ કહોને!
  • તેમની સીધી લીટીની ફિલસૂફી એ જ હતી કે દરેક માનવી પોતાની ફરજ ઇશ્વરને સાક્ષી રાખીને પાર પાડે તો દુનિયામાં કોઈ પ્રશ્ન જ રહે નહિ.
  • બન્ને અશ્વો એકબીજાની ઓળખાણ કરવા લાગ્યા કે ઓળખાણ પછીની વાતોએ વળગ્યા, અભિનયથી.
  • ખરેખર ઘેલા જ. કેઈટના અભિપ્રાયને સમર્થન આપતા શ્રીમાન પ્રોથે કહ્યું, પણ એમાં કંઈ નવાઈની વાત નથી કેઈટ, પરણનારા બધા આવાં જ હોય છે, ઘેલા.
  • શ્રીમાન ફોરસીથનો વ્યવસાય શો હતો જાણો છો? ચિકિત્સા, કાનૂન, કળા, વ્યાપાર? જી  ના. એમાંનું કંઈ જ નહિ. વિજ્ઞાન. જી ના.  વિજ્ઞાન તેના પહોળા અને બહોળા અર્થમાં નહિ જ. વિજ્ઞાન એકાકી અર્થમાં આકાશી વિજ્ઞાન, અવકાશી વિજ્ઞાન, બ્રહ્માંડીય વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાન.
  • ટેલિસ્કોપની આંખો તો કદી બગડે તેવી હતી જ નહિ. હા, શ્રીમાન ફોરસીથ તથા એમિક્રોનની આંખો જરૃર બગડવાની સંભાવના રહેતી, કેમ કે તેમની આંખો ટેલિ-આંખોમાં સતત ચોંટેલી જ રહેતી.
  • કુટુંબ વડા હડલ્સનની ઉંમર 47ની કહી શકાય પણ માથા પરની ચકચકતી ટાલને લઈને તેઓ કંઈક વધારે મોટા લાગતા હતા.
  • શ્રીમાન ફોરસીથે સ્વીકારી લીધેલ આજીવન કુંવારાપણાને લઈને બંને વચ્ચે  સુલેહસંપ શાંતિની સંભાવના બની રહેતી.
  • તાત્પર્ય કે ફ્લોરા એક એવી સ્ત્રી હતી કે જેદરેક પુરુષ પત્ની તરીકે મેળવી પોતાને ભાગ્યશાળી માની રહે. ખાસ કરીને અવકાશમાં અટવાયેલા પતિ માટે તો ધરતી પર આવી જ પત્ની ઉપયુક્ત બની રહે છે.
  • લૂ કહેતી, પાપાજી એક વખત તમામ ગ્રહો, નક્ષત્રો અને સિતારાઓને શરદીનો ચેપ લગાડીને જ રહેશે.
  • તેઓ એકલા એકલા જ પગ પછાડી પછાડી નાચતા કૂદતા હતા અને અફસોસના ફુવારાઓ ઉડાડતા હતા.
  • મિત્ઝ એક વાત તો સારી પેઠે જાણતી હતી કે શ્રીમાન ફોરસીથના મૂડનો આધાર તેમના ટેલિસ્કોપી અવલોકન પર રહેતો.
  • તે આજુબાજુ કોઈક મોટો હોઝ પાઈપ પણ શોધી આવી કે જેથી બહારના ધાડા પર ઠંડું પાણી વરસાવી તેમને ટાઢા બોળ કરી દે, પણ બાવરી બનેલી વ્યક્તિને ભાગ્યે જ કંઈ જડે છે.
  • કેટલાક ગંભીર વર્તમાનપત્રોએ એ શોધના વૈજ્ઞાનિક કારણ અને તારણ જ શરૃ કર્યા હતા. તેમણે તેમની વિજ્ઞાનની લેખમાળાઓમાં સચિત્ર સ્વરૃપે ખરતા તારા, તરતા પથ્થરો, દોડતા ધૂમકેતુઓ વિશે અભ્યાસી લેખો શરૃ કર્યા હતા. પોતાના વિજ્ઞાન-જ્ઞાનની આ જ તક છે અને એ જ્ઞાન બીજાંઓ  કરતાં ચઢિયાતું છે અથવા પરિપૂર્ણ છે, એ સાબિત કરવા તેમણે જૂના નવા કંઈક ધૂમકેતુઓને ઉપરતળે કરી નાખ્યા.
  • આવી વાતો પ્રગટ થતાં જ વ્હેસ્ટનની વસ્તીમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. બધે એક જ વાત, ધૂમકેતુ ધૂમકેતુ એ આવ્યો. આ આવ્યો. આમથી આવ્યો, આ તૂટી જ પડ્યો સમજોને. એ દ્વિધા ભરેલી ચિંતા ચોકઠે ને ચબૂતરે થતી જ અને ઘર કુટુંબમાંય થતી.
  • તારાઓ આંખ મિંચામણાં કરે, એ તેમનો સ્વભાવ છે, પણ કદી તેમણે આંખો કાઢી માનવજાતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે ખરો?
  • આકાશને નિહાળ્યા કરવાથી ક્યા લાડવા મળી જવાના છે? તેમ ન કરવાથી આજ સુધી કોઈ નુકસાન થયું ખરું?
  • અજાણ હોવુ, અજાણ રહેવું, અજાણ થઈ જવું એ અસહમતીનો એક પ્રકાર છે.
  • મિસ્ટર ફોરસીથ આપ શાયદ ભૂલી ગયા છો કે આપને ફ્રાન્સીસ ગોર્ડન નામનો એક ભાણીયો છે.
  • શું લૂંટી લીધું છે એણે આપનું સોનેરી ઘડિયાળ? ભરચક્ક પાકિટ? આપનો અજર અમર હાથરૃમાલ કે  જેનાથી આપ નાક સાફ કરવાનુંય ભૂલી જાવ છો?
  • નાગરિકોને નવા વિજ્ઞાન કરતાં વિજ્ઞાનના વિવાદમાં વધારે રસ હતો.
  • રાતોરાત દૂરબીન ઉત્પાદનનો ધંધો જોરમાં આવી ગયો. કરિયાણાની, પગરખાંની, પોશાક-વસ્ત્રોની, મીઠાઈની, તાંબા-પતરાંની, કાટમાળની, તેલ-ઘી તથા ચા-કોફીની દુકાને તથા લારીઓમાં પણ દૂરબીન મળવા લાગ્યા.
  • તેની લંબાઈને લઈને તેને તેના ઘરમાં જ વાંકા વળીને જવું પડતું.
  • એના વિચારોમાં ચોક્કસ આચાર છુપાયેલો રહેતો.
  • (સોનાનો બનેલો ધૂમકેતુ હોવાથી) અત્યાર સુધી જેઓ સોનુ સંઘરીને બેઠા હતા, તેમને ચિંતા થવા લાગી કે આટલું અઢળક સોનુ પૃથ્વી પર ઝીંકાતા તેમનું સોનુ રાખ થઈ જશે. ગરીબો મનોમન મલકાતા હતા કે આપણા હાથમાં એકાદ નાનું ઢેફું આવી જાય તો સારું.
  • બલૂને પેલા કૌતુકપ્રદ ધૂમકેતુનો પીછો કરવાનો હતો. તેની સાથે રહેવાનું હતું. તેને વિશે નજીકથી કંઈક જાણવાનું હતું. આ એક નવો જ પ્રયોગ હતો.
  • છેલ્લી ઘડી સુધીના કાયદાના દ્વાર ખટખટાવાનું નક્કી કર્યું હતું. એટલા જોરથી કે ન્યાયના દ્વાર તૂટી જ જાય.
  • અહીં લોકો ઘોડા પર બેસીને પરણવા આવે છે અને છૂટાછેડા લઇને પગપાળા વિદાય લે છે.
  • હું આપની વિશ્વ પરિષદને તાકીદ કરવા માંગુ છુ કે, જે ધૂમકેતુ વિશે આપ જાહેર ચર્ચા યોજી રહ્યા છો તે વિશે આ પ્રકારની ચર્ચા કરવાનો દુનિયાને કોઈ અધિકાર નથી. કેમકે ધૂમકેતુ મારી વ્યક્તિગત માલીકી છે.
  • અતિશય સ્વચ્છ ખંડ જોઈને ઝીરદાલ એવા તો ઊકળી ઊઠ્યા કે લાંબા સમય સુધી તેમણે સીસોટી વગાડી ન હતી.
  • ટિબોટી નારાજા એક જ વાતે થઈ કે તેનું પ્રાતઃપ્રવચન સાંભળનાર કોઈ શ્રોતા હાજર નથી.
  • એલાઓ આ ધૂમકેતુ સોનાનો હોય કે હીરામોતીનો, શું એ તમારા બાપનો છે?
  • વિશેષજ્ઞમાંથી તેઓ સરેરાશ નાગરિકમાં મુકાઈ ગયા હતા અને તેમનું વી.આઈ.પી.સ્ટેટસ નહીંવત થઇ ગયું હતું.
  • ધૂમકેતુ વિજ્ઞાનને ગાંઠતો નથી, એવી ઘોષણા કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
  • મોન્સ્યુર ડી સ્નેકને હવે જુદી રીતે આ માનવી તરફ જોવાની ફરજ પડી. એ માનવી શું ગાંડો હતો?  ઘેલો હતો? પ્રતિભાવંત હતો? દેવદૂત હતો?
  • તેમણે જોયું કે સોનેરી ધૂમકેતુ ચસતો હતો, ખસતો હતો, હાલતો ધ્રૂજતો અને એ સાથે ગરજતો પણ હતો.
  • આમેય શ્રીમાન ફોરસીથ એક અચ્છા સજ્જન હતા. આ ધૂમકેતુની ઘેલછા સિવાય કોઈ ગાંડપણ તેમને ન હતું.
  • લેસર મોન્સ્યુરની પોતાની પણ એમાં એક શોધ હતી કે પૃથ્વી પાસે જે કંઈ છે, એ જ એટલું બધું પૂરતું છે કે, જો તેનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો આકાશના કોઈ નવા ધૂમકેતુને જમીન પર પટકવાની જરૃર જ ન રહે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *