હવેનો યુગ ઈકો-ફ્રેન્ડલી બાંધકામનો છે. હોટેલ ઉદ્યોગમાં તો ખાસ ઈકો-રિસોર્ટની સંખ્યા વધી રહી છે. કોડાઈકેનાલ/Kodaikanalમાં આવેલું તામરા રિસોર્ટ દેશના સર્વોત્તમ ઈકો-રિસોર્ટ પૈકીનું એક છે.
તમિલનાડુમાં આવેલું કોડાઈકેનાલ હિલસ્ટેશન દેશના અનેક હિલસ્ટેશનોથી અલગ પડે છે, કેમ કે ત્યાં સામાન્ય સંજોગોમાં ભીડ-ભાડ જોવા મળતી નથી. નજીકમાં જ ઊટી હોવાથી ઘણા પ્રવાસી તેના પર પસંદગી ઉતારે છે, પરિણામે કોડાઈમાં અસાધારણ ભીડ ભાગ્યે જ જોવા મળે છે.
તામરાની સૌથી મોટી વિશેષતા તેનું પર્યાવરણ પ્રત્યેનું ઋણ અદા કરવાની રીત છે. સામાન્ય રીતે જૂનું બાંધકામ તોડીને ત્યાં નવુ બનાવાતું હોય છે. તો વળી કોઈને જૂની ચીજો ઉપયોગ કરવામાં રસ હોય તો જૂના બાંધકામમાંથી નીકળેલી સામગ્રીનો ઉપયોગ નવા બાંધકામમાં કરે. પરંતુ જૂનું બાંધકામ યથાવત રાખી તેનું નવીનીકરણ કર્યું હોય એવા સ્થળો ઓછા જોવા મળે.
જૂના સ્થળનું નવીનીકરણ કરવું એ માથાકૂટભર્યું કામ છે. તામરાએ એ કામ કર્યું છે. આજે જ્યાં તામરા રિસોર્ટ ઉભું છે, ત્યાં એક સમયે ચર્ચ હતું. લગભગ 2 સદી પહેલા ચર્ચ બન્યું હતું. સમય જતાં માલિકી બદલાતી ગઈ અને હવે ત્યાં રિસોર્ટ બનાવાયું છે. પણ રસપ્રદ વાત એ છે કે ચર્ચની દીવાલો જ્યાં હતી ત્યાં યથાવત છે અને તેનો ઉપયોગ આધુનિક બાંધકામના ભાગ તરીકે કરી દેવાયો છે.