Kodaikanal : અમેરિકી કનેક્શન ધરાવતા હીલસ્ટેશનમાં ફરવાં જેવા ૧૪ સ્થળો

હનિમૂન ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર થયેલા કોડાઈકેનાલ/Kodaikanalમાં ભીડ બહુ ઓછી થાય છે. શાંતિ ચાહક પ્રવાસીઓને આ સાત હજાર ફીટ ઊંચુ સ્થળ મજા કરાવે એવું છે

ભારતના ઘણા-ખરા હિલસ્ટેશન-ગિરિમથક બ્રિટિશરોએ વિકસાવ્યા. યુરોપના ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા અંગ્રેજોને ભારતના મેદાની પ્રદેશોની ગરમી માફક આવતી ન હતી. માટે જ્યાં ટેકરી-ડુંગર મળ્યાં અને વાતાવરણ અનૂકુળ જણાયુ ત્યાં હિલસ્ટેશન સ્થાપી દીધા. તમિલનાડુમાં મદુરાઈ અને કોઈમ્બતુર વચ્ચે આવેલા ગિરિમથક કોડાઈકેનાલનો ઈતિહાસ જરા જૂદો પડે છે. એ સ્થળ વિકસાવવાનું કામ તો અંગ્રેજોએ જ કર્યું, પણ તેના મૂળમાં અમેરિકન ખિસ્ત્રી ધર્મપ્રચારકો હતા. ખિસ્ત્રી ધર્મના પ્રચાર-પ્રસાર હેતુથી આ વિસ્તારમાં રહેતા અમેરિકન પાદરીઓને મદુરાઈની ગરમી માફક આવતી ન હતી. બરાબર બે સદી પહેલા ૧૮૨૧માં તત્કાલીન બ્રિટિશ સર્વેયર લેફ્ટનન્ટ બી.એસ.વોર્ડ ઘૂમતા ઘૂમતા સ્થાનિક ભાષામાં પલાની હિલ્સ નામની ટેકરી પર પહોંચ્યા. તેમને અહીંનું વાતાવરણ, દૂર સુધી દેખાતી ટેકરીની હારમાળા, ઉપરથી દેખાતી ખીણ, મેદાની પ્રદેશ અને તેમાં આવન-જાવન કરતાં વાદળોના ઝૂંડ, ઠંડો પવન, ઊંચા ઘટાદાર વૃક્ષો… જોઈને વોર્ડે ગરમીમાં શેકાતા અમેરિકન પાદરીઓને આ સ્થળ ચીંધી બતાવ્યું. ગરમી સામે મળેલી એ કુદરતની ભેટ હતી એટલે એ માટેનો તમિલ શબ્દ ‘કોડાઈકેનાલ (ધ ગિફ્ટ ઓફ ધ ફોરેસ્ટ)’ આ સ્થળને આપી દેવાયો.

ટેકરીઓ પર અને આસપાસના વન વિસ્તારમાં સ્થાનિક પાલિયાર આદિવાસીઓ તો પહેલેથી રહેતા હતા. ૧૮૩૪માં મદુરાઈના કલેક્ટરે અહીં ટેકરી પર સૌથી પહેલા નાની એવી બંગલી બાંધી. બંગલી બની એટલે પાદરીઓની આવન-જાવન પણ વધી. તેમની જરૃરિયાતને પહોંચી વળવા મિશનરીઓએ સૌથી પહેલાં ૧૮૪૫માં ‘સની સાઈડ’ અને ‘શેલ્ટન’ એવા પ્રકૃત્તિદ્દત નામ ધરાવતા બંગલા બનાવ્યા. અમેરિકન-અંગ્રેજોની ભીડ વધતી ચાલી એમ કોડાઈની ટોચ પર એક પછી એક પશ્ચિમી ઢબના મકાનો, ચર્ચ, વગેરે બંધાતુ ગયું. ૧૮૫૨માં એક બ્રિટિશ લશ્કરી અધિકારીએ અહીં નિલગિરી (યુકલિપ્ટસ)ના વૃક્ષો લાવીને વાવ્યાં, જે આજે તો સમગ્ર ડુંગરમાળ તેનાથી છવાઈ ચૂકી છે. સમય સાથે રહેવાસીઓ વધવા લાગ્યા. આજે ચાળીસેક હજારની વસતી ધરાવતા કોડાઈમાં ૧૮૮૩માં ગણીને ૬૧૫ રહેવાસી નોંધાયા હતા.

સમય જતાં સ્થળ ગિરિમથક તરીકે ખ્યાતનામ થયું અને હવે તો દક્ષિણ ભારતના મહત્ત્વના પ્રવાસન સ્થળોમાં તેનું નામ લેવાય છે. 7200 ફીટની ઊંચાઈએ આવેલું કોડાઈ ‘પહાડોની રાણી’,  ‘ધ સ્વિત્ઝરલેન્ડ ઓફ ધ ઈસ્ટ’, ‘ધ એમરલેન્ડ સેટ ઓફ સાઉથ’ એવા વિવિધ વિશેષણો ધરાવે છે. આમ તો કોડાઈ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ખ્યાતનામ થયું છે પણ હકીકત એ છે કે ત્યાં જનારા કોઈને એ નિરાશ કરતું નથી. હિલસ્ટેશન છે એટલે વાતાવરણ તો ખુશનુમા છે પણ બીજી તરફ કોડાઈ ભારતમાં સૌથી વધુ સુર્યપ્રકાશ મેળવનારું ગિરિમથક છે, જેનાથી વાતાવરણનું બેલેન્સ જળવાઈ રહે છે.

વર્ષભર ખુશનુમા વાતાવરણ ધરાવતા કોડાઈમાં એક સમયે મર્ક્યુરી પોલ્યુશન (પારાને કારણે સર્જાતા પ્રદૂષણ)ની સમસ્યા ઉભી થઈ હતી. હિન્દુસ્તાન યુનિલિવરે નજીકમાં જ ફેક્ટરી સ્થાપી હતી જેનાથી હવામાં મર્ક્યુરી પ્રદૂષણ ફેલાતું હતું. જોકે પ્રદૂષણ હદ વટાવે એ પહેલા જ ફેક્ટરી સામે વિરોધ શરૃ થયો અને ૧૮ વર્ષ કાર્યરત રાખ્યા પછી ૨૦૦૧માં તેને બંધ કરી દેવાઈ. ફેક્ટરીના કાટમાળનો જોકે આજેય યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે ત્યાં પ્રદૂષણનો પ્રશ્ન ખાસ જોવા મળતો નથી.

અનેકવિધ આકર્ષણો અને શાંત વાતાવરણ ધરાવતા કોડાઈમાં બે-ત્રણ દિવસ સહેજે ગાળી શકાય એમ છે. ત્યાં શું શું કરવા જેવું છે?

1. કોકર્સ વોક- શોર્ટ વોક ટુ હિસ્ટરી

એક તરફ કોડાઈની પહાડી અને બીજી તરફ ખીણ વચ્ચેથી પસાર થતો આ નાનકડો વોક વે 1872માં લેફ્ટનન્ટ કોકર્સે તૈયાર કરાવ્યો હતો. અહીં કંઈ ખાસ જોવાનું ન હોવા છતાં બધું છે કેમ કે નાનકડા રસ્તેથી જ દૂર સુધી ફેલાયેલો કુદરતનો વૈભવ જોવા મળે છે. એકાદ કિલોમીટરનો આ રસ્તો પ્રવાસીઓના તન-મનમાં કોડાઈ ભરી દેવાનું કામ કરે છે. સવાર-સાંજ ચાલીને ફરી શકાય તો વળી સાઈકલ સવારીનો વિકલ્પ પણ  અહીં મળે છે. રસ્તાને કાંઠે ઊંચી મેડી ઉપર ટેલિસ્કોપ હાઉસ બનાવેલું છે, જ્યાં 20 રૃપિયાની ટિકિટ લઈને દૂર સુધી ખીણના દર્શન કરી શકાય છે.

ચાલવા જેવો રસ્તો, કોકર્સ વોક

2. કોડાઈ લેક

કોડાઈમાં ઉતરતાંની સાથે જ પહેલાં ફરવાં જેવું હાથવગું સ્થળ એટલે કોડાઈ લેક. એ શહેર વચ્ચે જ છે માટે દૂર જવું પડતું નથી. સાડા ચાર કિલોમીટર લંબાઈ ધરાવતુ સરોવર અંગ્રેજોએ ૧૮૬૩માં તૈયાર કરાવડાવ્યું હતું. માનવનિર્મિત હોવાથી એ ગોળ કે લંબગોળ નહીં પરંતુ પંચકોણિય સ્ટાર આકારનું છે. આજે સરોવરનું મુખ્ય આકર્ષણ તેની બોટ રાઈડ અને સરોવર ફરતેની લટાર છે.

સરોવર અને કાંઠે ફરવા માટે સાઈકલ સવારી.. તથા મનોરંજનના વિકલ્પો..

લટાર વખતે સરોવરનો સ્ટાર આકાર પણ અનુભવી શકાય છે. સરોવરના કાંઠે મુલાકાત લેવા જેવી ખાણી-પીણીની દુકાનો છે અને એક છેડે આવેલો બ્રાયન્ટ પાર્ક પણ તેનાં સવા ત્રણસો જેટલાં વૃક્ષો, સાતસોથી વધુ પ્રકારના ગુલાબ અને અન્ય વૈવિધ્યપૂર્ણ છોડ-વેલા, ગ્લાસ હાઉસ વગેરે માટે જાણીતો છે. પાર્કમાં એક ધાર્મિક મહાત્મય ધરાવતું બોધી વૃક્ષ પણ છે. ઉનાળા દરમિયાન અહીં ફૂલ-છોડનું પ્રદર્શન યોજાય ત્યારે પ્રવાસીઓની વિશેષ ભીડ રહેછે.

3. પિલ્લર રોક-પથ્થર કે સનમ

પિલ્લર રોક કે પછી રોક પિલ્લર.. વાતાવરણ સાફ હોય તો જ દેખાય.

કોડાઈની વિશેષતા તેની ભૌગોલિક રચના છે. પહાડી ઢોળાવ તો છે જ પરંતુ અહીં ઘણી જગ્યાએ પહાડ પુરો થઈ સીધી ખીણ-કરાડ શરૃ થાય છે. એવી જ એક રચના પિલ્લર રોક તરીકે ઓળખાય છે કેમ કે ખીણના છેડે પાસપાસમાં ત્રણ પથ્થરના કદાવર પિલ્લર પાસપાસે ઉભા કરી દીધા હોય એવુ ‘બાંધકામ’ કુદરતે કર્યું છે. જોકે ત્રીજો પથ્થર પહાડનો જ ભાગ લાગે છે, એટલે પહેલી નજરે 2 પિલ્લર ઉભા હોય એવુ દેખાય છે. પિલ્લરની ઊંચાઈ સવાસો મિટર (૪૦૦ ફીટ) જેવી છે એટલે તેનો દેખાવ પ્રભાવશાળી લાગે. સરકારે અહીં વ્યૂ પોઈન્ટ બનાવેલો છે, જ્યાં 10 રૃપિયાની ટિકિટ લઈને પ્રવેશ કરી શકાય છે. અલબત્ત, દસ રૃપિયા ચૂકવી દેવાથી પિલ્લર દેખાઈ જશે એવુ માની લેવાની જરૃર નથી. કેમ કે કુદરતની આ રચના જોવા ઘણી વખત કુદરતની જ ધુમ્મસ નામની કરામત આડી આવે છે. કોડાઈમાં પ્રવાસીઓની માફક સર્વત્ર હાજરી ધરાવતું એક પરિબળ હોય તો એ ધુમ્મસ છે. જેના કારણે ઘણી વખત તો રસ્તા પર દસેક મિટરથી વધારે દૂરનું જોઈ શકાતું નથી. એટલે પિલ્લર રોક જોવા ગયેલા પ્રવાસીઓ કુદરતની રજામંદી વગર યોદ્ધાની જેમ ઉભેલા ખડક જોઈ શકતા નથી.

4. સિલ્વર કાસ્કેડ અને લિરિલ ધોધ

કેડાઈ આસપાસ નાના-મોટા અડધો ડઝન ધોધ છે. એમાંય એક નાનકડો ધોધ તો નગર વચ્ચેથી પસાર થતી નદીમાં જ જોવા મળે છે. 180 ફીટ ઊંચેથી પડતું પાણી જાણે ચાંદીનો પડદાંસ્વરૃપ પ્રવાહ ઉપરથી નીચે આવતો હોય એવુ દૃશ્ય સર્જે છે માટે તેનું નામ સિલ્વર કાસ્કેડ પડી ગયું છે. કોડાઈ સરોવરમાં ઉભરાતું પાણી વહી જઈને મદુરાઈ રોડ ઉપર 8 કિલોમીટર દૂર આવેલા આ ધોધ સુધી પહોંચે છે.

સિલ્વર ઉપરાંત શહેરથી ચારેક કિલોમીટર દૂર પામ્બર નદી અહીં જોશપૂર્વક પથ્થરોને ઓળંગતી વહી જાય છે. પથ્થરમાં જાણે પગથિયા બનાવ્યા હોય એ રીતે નદી અહીં ક્રમશઃ ઉતરતી જાય છે. આ ધોધ ઊંચો નથી, પરંતુ પહોળો છે. જોકે વિશેષ આકર્ષક તેનું નામ છે, ‘લિરિલ ધોધ’. કેમ કે વર્ષો સુધી લિરિલ સાબુની એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ અહીં જ થયા હતા.

‘થાલિયાર’ નામનો ધોધ 297 મિટર ઊંચાઈએથી પડતું મુકે છે, પરંતુ ચોમાસા સિવાય એ જોવા મળવો મુશ્કેલ છે. આ ધોધ તેની સીધને કારણે ‘રેટ ટેઈલ્સ (ઉંદરની પૂંછ) ફોલ્સ’ નામે પણ ઓળખાય છે. ઊંચા ખડકમાં વચ્ચે ચોકથી સફેદ લીટી કરી હોય એવો દેખાતો આ ધોધ ભારતનો 6ઠ્ઠો સૌથી ઊંચો ધોધ છે. ચોમાસા સિવાયના સમયે ધોધ સુધી હાઇકિંગ કરીને જઈ શકાય છે.
એ ઉપરાંત ‘વટ્ટાકેનાલ’, ‘બિઅર શોલા’, ‘ફેરી’, ‘કુમ્બાકરાઈ ફોલ્સ’ વગેરે પણ આસપાસમાં આવેલા છે.

5. ગગન સાથે વાતો કરતાં પાઈન વૃક્ષ

મદુરાઈનું મિનાક્ષી મંદિર તેના હજાર થાંભલાના બાંધકામ માટે જાણીતું છે. કોડાઈ પાસે આવેલું પાઈન ફોરેસ્ટ હજાર તો નહીં પણ સેંકડો પાઈનના વૃક્ષો ઉભા કરી કોઈ બાંધકામ કર્યું હોય એ રીતે સીધા સોટાની માફક ઉભા છે. પાઈન ફોરેસ્ટ નામના આ નાનકડા વિસ્તારમાં એક જ સ્થળે એક સાથે પાઈનના વૃક્ષો પાસપાસે ખોડી દીધા હોય એ રીતે ઉભા છે. હકીકત એ છે કે આ વૃક્ષો કુદરતી રીતે નથી ઉગ્યા, પરંતુ કોડાઈમાં થઈ રહેલા બાંધકામો માટે ઇમારતી લાકડું મળી રહે એ હેતુથી અંગ્રેજ અધિકારી બ્રાયન્ટે જ વન ઉગાડ્યું હતું.

ચોમાસાને બાદ કરતાં ત્યાં બીજી કોઈ વનરાજી, નાના-નાના વૃક્ષ કે છોડ વેલા ઉગતા નથી એટલે જમીની ભાગ ગીચ બનતો નથી. તેને કારણે પ્રવાસીઓ જંગલની અંદર સુધી જઈ શકે છે. બસ્સો-ત્રણસો ફીટ ઊંચે સુધી લંબાતા વૃક્ષોના જમીન પર નીકળેલા મૂળિયા પણ વિવિધ આકારની ડિઝાઈન બનાવે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારી કરી શકે છે. સાઉથની ફિલ્મો-સિરિયલના શૂટિંગ માટે આ સ્થળ ભારે લોકપ્રિય છે.


6. પાતાળનું પ્રવેશદ્વાર – ગુના ગુફા

રસ્તાના કાંઠે જંગલમાં થોડુ ચાલીને અંદર જઈએ ત્યાં ધૂમ્મસનો પડદો છવાયેલો જોવા મળે. એ પદડાંની પેલે પાર નાનકડા ઢોળાવ પરથી ગુફાનું અનોખું જગત શરૃ થાય છે. એ ગુફાનું નામ પાંડવ ગુફા અથવા ડેવિલ્સ કેવ છે, પરંતુ વધારે જાણીતું નામ ગુના કેવ્સ થયું છે કેમ કે 1992માં ‘ગુના’ નામની ફિલ્મનું ત્યાં શૂટિંગ થયું હતું.  1821માં અંગ્રેજ ઓફિસર વી.એસ.વોર્ડને સૌ પહેલા આ ગુફા ધ્યાને ચડી હતી. એ વખતે ગુફામાં કોઈને ખાસ રસ પડ્યો નહીં પણ 1990ના દાયકામાં ફરી કોઈના ધ્યાને ગુફા ચડી અને પછી પોપ્યુલર થઈ.

ગુના કેવમાં પડી જવાનો ખતરો હોવાથી હવે તેને જાળીબંધ કરી દેવાઈ છે. માન્યતા પ્રમાણે વનવાસ દરમિયાન પાંડવો અહીં રસોઈ કરતાં હતા. ગુફા શરૃ ત્યાં સપાટી પર આવેલા વૃક્ષોના મૂળિયાએ કોઈ મંદિરની દીવાલ પર કોતરકામ કર્યું હોય એવી ડિઝાઈન બનાવી છે. ધૂમ્મસમાં ગુફા ન દેખાય તો પ્રવાસીઓ નિરાશ થવાને બદલે આ મૂળિયામાં અટવાઈ જાય છે.

7. અપર લેક વ્યુ

થોડી ઊંચાઈ પર આવેલા આ સ્થળેથી કોડાઈ નગરનો ઘણો વિસ્તાર, સરોવર, દૂર ફેલાયેલી હરિયાળી નજરે પડે છે. કોડાઈ લેકનો સ્ટાર આકાર અહીં ઉભા રહીને વિહંગાવલોકન કરતી વખતે સ્પષ્ટ જોવા મળે છે.

8. મોઈર પોઈન્ટ


અંગ્રેજ અધિકારી થોમસ મોઈરના નામે બનેલું આ સ્થળ દસેક કિલોમીટર દૂર છે. આ સ્થળેથી પણ ખીણ પ્રદેશ જોઈ શકાય છે, પરંતુ જો વાતાવરણ સાફ હોય તો. વધુ ઊંચેથી જોવા માટે અહીં એક માચડો પણ બનાવાયો છે. નજીકમાં એક સરોવર અને નાનકડો બાગ પણ છે.

9. ટેલિસ્કોપ


2343 મિટર (૭૬૮૭ ફીટ) સાથેનું આ કોડાઈનું સૌથી ઊંચુ સ્થળ છે. અહીં સોલાર ઓબ્ઝર્વેટરી પણ છે, જે ખગોળવિજ્ઞાન રસિયાઓને આકર્ષે છે. સૂર્યમાંથી આવતા રેડિયો તરંગોના અભ્યાસ માટે આ ટેલિસ્કોપ પ્રખ્યાત થયેલું છે. અહીંથી રાતે આકાશદર્શન કરી શકાય છે, તો દિવસે પણ ટિકિટ લઈને મર્યાદિત કલાકો દરમિયાન તેની મુલાકાત લઈ શકાય છે.

10. ડોલ્ફિન નોઝ

રોક પિલ્લરની માફક આ પથ્થરનો આકાર ડોલ્ફિનના નાક જેવો છે. ટેકરી પર ચડવાને બદલે અહીં એકાદ કિલોમીટરનો ૬૦૦ ફીટ નીચે હેઠવાસમાં લઈ જતો ટ્રેક કરીને જવું પડે છે. પહાડી ભુપુષ્ઠ પર ચાલવાની ફાવટ ન હોય એમને અહીં મુશ્કેલી પડી શકે છે. લિરિલ ધોધ પરથી જંગલમાં વોકિંગ કરીને પણ અહીં આવી શકાય છે.

11. કુરિંજીવન અને મુરુગન મંદિર

12 વર્ષે એક વખત ખિલતાં કુરિંજીના ફ્લાવર પણ અહીં ઉગે છે. અહીં ભગવાન મુરુગનું મંદિર છે, જેમની કૃપાથી જ બાર વર્ષે ફૂલ ખિલતાં હોવાની ધાર્મિક માન્યતા પણ છે. શ્રીલંકાથી આવેલી અંગ્રેજ મહિલાએ અહીં આવીને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો, નામ બદલીને લિલાવતી કર્યું હતું અને સ્થાનિક આગેવાન પૂનાબાલમ રામનાથમ સાથે લગ્ન કર્યાં હતા. તેણે આ મંદિર બંધાવ્યું હતું જે બાદમાં ટ્રસ્ટને સોંપી દેવાયું હતું.

12. ચોકલેટ શોપિંગ

ચોકલેટનું નામ આવે એટલે સ્વિત્ઝરલેન્ડ જ યાદ આવે. બસ્સોએક વર્ષ પહેલાં ચોકલેટનું વ્યાપારી ધોરણે ઉત્પાદન ત્યાં જ શરૃ થયું હતું. પણ ભારતમાં કોડાઈકેનાલ વર્ષોથી ચોકલેટ પિરસતું આવ્યું છે. ચોકલેટ અહીંનો બહુ મોટો ગૃહઉદ્યોગ છે એટલે તેને ખરા અર્થમાં આત્મનિર્ભર પેદાશ કહી શકાય.

ઘરેલું ધોરણે બનતી અહીંની ચોકલેટ લોકપ્રિય છે. રસ્તા પરની અનેક દુકાનોમાં ચોકલેટ ઉપરાંત ચોકલેટની કાચી સામગ્રી મળી રહે છે, જેને ઘરે લાવ્યા પછી બહુ સરળતાથી મધઝરતી ચોકલેટ તૈયાર કરી શકાય છે. ચોકલેટના સ્વાદમાં ઓછામાં ઓછી બે ડઝન વેરાઈટી અહીં મળી રહે છે. અહીંની કેટલીક દુકાનો તો આ સામગ્રી ઓનલાઈન ખરીદી દ્વારા ભારતભરમાં પહોંચાડે છે. ચોકલેટ કેમ બને એ જોવું-જાણવું હોય તો અમુક ફેક્ટરીઓ પ્રવાસીઓને પ્રવેશ પણ આપે છે.

ચોકલેટ ઉપરાંત અનેક રોગોમાં અકસીર ગણાતુ નિલગિરીનું તેલ પણ લેવા જેવું ખરાં. તેજાના, ચંદનનું તેલ, સુખડ વગેરે ખરીદવા માટે યોગ્ય દુકાન પસંદ કરવી રહી.

13. મ્યુઝિયમ

બસ સ્ટેશનથી ૬ કિલોમીટર દૂર શેમ્બાગ્નુર મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી આવેલું છે. અહીં કોડાઈ વન-પ્રદેશના વિવિધ ૫૦૦ જાતના જીવ-સજીવોના નમૂના, ૩૦૦થી વધુ પ્રકારના ઓર્કિડના ફૂલોના નમૂના, અહીંના મૂળ નિવાસી પાલિયાર આદિવાસીઓની જીવશૈલી વગેરેનું પ્રદર્શન જોવાં જેવું છે. બીજા એક શેનબાગનુર સંગ્રહાલયમાં પણ ઈતિહાસનો જોવા જેવો સંગ્રહ છે.

14. ટ્રેકિંગ

કોડાઈમાં બે કિલોમીટરથી માંડીને 20 કિલોમીટર સુધીના ટ્રેકિંગ વિકલ્પો ઉપલબ્ધ છે. ઘણા ટ્રેક તો સાવ સરળ છે. કોડાઈનો અનુભવ લેવો હોય તો ટ્રેકિંગ તો કરવું જ રહ્યું. અહીં સપરિવાર ફરી શકાય એવા એકથી ત્રણ કિલોમીટર સુધીના સાવ સરળ ટ્રેક પણ છે. કોઈ સ્થાનિક જાણકાર ટ્રેકર સાથે હોય તો આ પાંદડા, વૃક્ષના થડ પર સ્પ્રિંગ પહેરાવી હોય એવી ડિઝાઈન ધરાવતું ‘પિચ ફ્રૂટ ટ્રી (જે હકીકતે ફળ પેદા નથી કરતું, માત્ર નામ છે)’, વગેરે જોઈ શકાય. અમારા ટ્રેકર અમને ‘રેઈન્બો’ નામે ઓળખાતા અઢી કિલોમીટરના ટ્રેક પર લઈ ગયા હતા. એ ટ્રેકિંગ દરમિયાન જ અમને કુદરતની આ કરામત જોવા મળી. આ ટ્રેકના રસ્તામાં ‘બ્રોકલી ફ્લાવર’ નામનું જંગલ પણ આવે છે કેમ કે પહાડી ઢોળાવ પર વૃક્ષો એ રીતે ઉભેલા છે કે દૂરથી તેને જોતાં કોઈ બ્રોકલી (કોબી ફ્લાવર)નું ખેતર હોય એવુ લાગે.

ગાઈડે અમને ટ્રેકિંગ માટે સૂચના આપી એમાંથી ઘણી-ખરી તો અગાઉ સાંભળી હતી, પણ એક સૂચનાએ અમારા કાન સરવાં કર્યાં : ‘જૂઓ આ પ્રકારના પાંદડા દેખાય તો તેને અડકશો નહીં, તમારા શરીરને એ પાંદડા અડે નહીં તેનું પણ ધ્યાન રાખજો’. અમે હજુ તો કંઈ સવાલ કરીએ એ પહેલા જ તેણે ઉમેર્યું, ‘આ પાંદડું હકીકતે ડંખ મારવાનું કામ કરે છે, એટલે જ્યાં અડશે ત્યાં કીડીએ ચટકો ભર્યો હોય એવુ લાગશે અને ચામડી પર લાલ ચાંઠુ પડી જશે..’ કેટલીક વનસ્પતીઓને સ્પર્શ કરવાથી ખંજવાળ ઉપડે એ વાત અજાણી ન હતી, પરંતુ લીલાંછમ દેખાતા આકર્ષક પાંદડા આ પ્રકારે છૂપા રૃસ્તમ નીકળશે તેનો ખ્યાલ અમને ત્યાં પહેલી વખત મળ્યો.

હકીકતે એ પાંદડા વર્ષા જંગલોમાં વધારે જોવા મળતાં અને ‘સ્ટિંગીંગ ટ્રી  (શાસ્ત્રીય નામ – Dendrocnide Photinophylla)’ નામે ઓળખાતા છોડના હતા. ઓસ્ટ્રેલિયાના વર્ષા જંગલોમાં તેની વ્યાપક વસતી છે. કોડાઈ જેના છેડે આવેલું છે એ વેસ્ટર્ન ઘાટના જંગલો પણ વર્ષા જંગલો જ છે. માટે ત્યાં થોડાં પ્રમાણમાં આવા છોડ-જોવા મળે છે. અમને ઈચ્છા પણ થઈ આવી કે એકાદ પાંદડાને સ્પર્શીને જાત-અનુભવ લઈ જોઈએ..

આવા અનુપમ દૃ્શ્યોની કોડાઈમાં નવાઈ નથી.

મોટે ભાગે ગિરિમથકે સપરિવાર જતાં પ્રવાસીઓ ટ્રેકિંગના વિકલ્પથી દૂર રહેવાનું પસંદ કરે છે. કોડાઈમાં એ ભૂલ કરવા જેવી નથી, કેમ કે કોડાઈનું કેટલુંક સોંદર્ય તો ટ્રેકિંગ કર્યાં પછી જ જોવા મળી શકે એમ છે. અહીં સપરિવાર ફરી શકાય એવા એકથી ત્રણ કિલોમીટર સુધીના સાવ સરળ ટ્રેક પણ છે. કોઈ સ્થાનિક જાણકાર ટ્રેકર સાથે હોય તો આ પાંદડા, વૃક્ષના થડ પર સ્પ્રિંગ પહેરાવી હોય એવી ડિઝાઈન ધરાવતું ‘પિચ ફ્રૂટ ટ્રી (જે હકીકતે ફળ પેદા નથી કરતું, માત્ર નામ છે)’, વગેરે જોઈ શકાય. અમારા ‘તામરા (તમિલ ભાષામાં કમળ) રિસોર્ટ’ના ટ્રેકર અમને ‘રેઈન્બો’ નામે ઓળખાતા અઢી કિલોમીટરના ટ્રેક પર લઈ ગયા હતા. એ ટ્રેકિંગ દરમિયાન જ અમને કુદરતની આ કરામત જોવા મળી. આ ટ્રેકના રસ્તામાં ‘બ્રોકલી ફ્લાવર’ નામનું જંગલ પણ આવે છે કેમ કે પહાડી ઢોળાવ પર વૃક્ષો એ રીતે ઉભેલા છે કે દૂરથી તેને જોતાં કોઈ બ્રોકલી (કોબી ફ્લાવર)નું ખેતર હોય એવુ લાગે. ટ્રેકિંગ ન કર્યું હોત તો એ અનુભવ ચૂકી ગયા હોત.

આ સિવાય પણ ઘણા સ્થળો છે, જેને જોવા કોડાઈમાં ત્રણેક દિવસનો સમય ક્યાં પસાર થઈ જાય એ ખબર ન પડે.

જતાં પહેલા જાણી લો

  • કોડાઈ નજીકના એરપોર્ટ મદુરાઈ (120 કિલોમીટર) અને કોઈમ્બતુર (170 કિલોમીટર છે). કોડાઈકેનાલ રોડ નામનું રેલવે સ્ટેશન 80 કિલોમીટરના અંતરે આવેલું છે. મદુરાઈ, પાલાની, કોડાઈ રોડ વગેરેથી બસ પણ મળતી રહે છે. જ્યાંથી ઢોળાવદાર પહાડી રસ્તો શરૃ થાય એ પાલાનીથી કોડાઈનું અંતર 65 કિલોમીટર છે. એ વખતે બન્ને તરફ ખીણનો અદ્ભભૂત નજરો જોવા માટે વચ્ચે વચ્ચે અમુક વ્યૂ પોઈન્ટ પણ બનાવેલા છે. આ 65 કિલોમીટરની સફર કાપતા બે-અઢી કલાક તો થશે જ.
  • કોડાઈમાં આખુ વર્ષમા ગમે ત્યારે જઈ શકાય. ઉનાળામાં ક્યારેક તાપમાન 30 ડીગ્રી સુધી પહોંચે છે, તો પણ તાપમાન ખુશનુમા હોય છે. શિયાળામાં આઠ ડીગ્રી સુધી નીચે જાય છે. ટ્રેકિંગ કરવાનો ઉદ્દેશ હોય તો ચોમાસામાં પ્રવાસ ટાળવો કેમ કે ટ્રેકિંગ રૃટ લપસણા હશે અને વેસ્ટર્ન ઘાટના જંગલોની ગાઢ લીલોતરી પણ અવરોધરૃપ બનશે.
  • હિલસ્ટેશન પર આમ તો ઠેર ઠેર ઉતારા-ઓરડાના બોર્ડ જોવા મળે. અહીં એવુ નથી. નાનકડા કોડાઈમાં હોટેલ-રિસોર્ટ પણ મર્યાદિત છે. સુવિધાસજ્જ અને પરિવાર સાથે રહી શકાય એવુ સ્થળ તામરા રિસોર્ટ છે. હા, જંગલમાં કેમ્પિંગ કરીને રહેવાના વિકલ્પો પણ અહીં ખૂલ્યાં છે.
  • સામાન્ય રીતે હિલસ્ટેશનમાં હોય એમ જોવા જેવા સ્થળો એકબીજાથી દૂર છે. માટે ચાલીને જઈ શકાય એમ નથી, ટેક્સીનો વિકલ્પ ઉત્તમ છે. હિલસ્ટેશનમાં જોવા મળે એવી ભીડથી કોડાઈ હજુ સુધી મુક્ત છે.
  • શહેરમાં ફરવા ડબલ સિટવાળી સાઈકલો ભાડે મળી રહે છે. નગરનો મુખ્ય વિસ્તાર કહી શકાય એ ભાગ તો 22 ચોરસ કિલોમીટરનો જ છે.
  • મદુરાઈ-કોડાઈનો સંયુક્ત પ્રવાસ ગોઠવી શકાય.
  • કોડાઈકેનાલ નામની મોબાઈલ એપ્લિકેશન પણ છે, જે પ્રવાસે જતાં પહેલા ડાઉનલોડ કરી શકાય.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *