સુંદરવન – ભાગ 2 : વાઘ સિવાય સુંદરવનમાં શું છે?

પહેલા ભાગમાં સુંદરવનના વાઘ દર્શનનો અનુભવ રજૂ કર્યા પછી હવે વાધ સિવાય ત્યાં શું છે, તેની વાત

સુંદરવનના વાઘને જગતના એકમાત્ર માનવભક્ષી વાઘ ગણી લેવામાં આવ્યા છે. એ વિશે જોકે મતમતાંતરો છે. કેટલાક વિદ્વાનો માને છે, કે અહીંના વાઘ નિયમિત હુમલા કરતાં જ રહે છે, માટે તેમને મેનઈટર્સ જાહેર કરી દેવા જોઈએ. જ્યારે બીજો મત એવો છે કે બધા વાઘ હુમલા નથી કરતાં. માટે કોઈ બે-પાંચ વાઘના હુમલા માટે રોયલ બેંગાલ ટાઈગર્સની સમગ્ર જમાતને માનવભક્ષી ગણી લેવી યોગ્ય નથી.

ગંગા સહીતની નદીઓમાં વહીને આવતી લાશો અને દર વખતે વાવાઝોડાને કારણે થતાં મોત વાઘ માટે સીધો ખોરાક બને છે. વાઘ ભક્ષણ તરીકે માનવોને પસંદ કરતાં હોવાનું એ પણ એક કારણ છે. ‘અહીંથી વાઘનું રહેણાંક શરૃ થાય છે, આગળ પ્રવેશવાની મનાઈ છે,’ એવા બોર્ડ જંગલમાં પ્રવેશતી વખતે લોકો નજરઅંદાજ કરી વાઘના વિસ્તારમાં પ્રવેશે છે, પરંતુ જંગલના કાયદાનો ભંગ કરનાર બાહ્યજનોને અહીંના વાઘ નજરઅંદાજ નથી કરતાં!

વાઘ સિવાયની સૃષ્ટિ

અહીંના વાઘ શા માટે માનવભક્ષી છે એ સમજવા માટે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે એમ છે. અહીં વાઘ માણસોનો શિકાર કરે છે, તેની પાછળ ઘણા કારણો છે. એક તો નાનપણથી જ માણસોને જોતાં હોવાથી વાઘને તેનો ડર રહેતો નથી. નહીં પુરતું પાણી અને નહીં પુરતી કોરી જમીન એવી ભુપૃષ્ઠને કારણે અહીં વાઘને હરણ સિવાય અન્ય શિકાર બહુ મળતાં નથી. એ પછી જંગલમાં દાખલ થતાં માણસોને ટાર્ગેટ બનાવ્યે જ છૂટકો. દરિયાઈ સપાટી વધતાં અત્યારે કોરી જમીન છે એ પણ ઘટી રહી છે. માટે માણસો અને વાઘ વચ્ચે બચેલી ઓછી જમીન પર કબજો જમાવવા હરિફાઈ જામી છે. જરૃર પડયે વાઘ પાણીમાં તરીને હુમલો કરી શકે છે. એટલી જ ત્વરાથી વાઘ જમીન પર ઠેર ઠેર નીકળેલા સુંદરી વૃક્ષના મૂળિયા અને ઠુંગાઓ વચ્ચે દોટ મુકી શકે છે. માણસો એવુ કશું કરી શકતા નથી, એટલે પળવારમાં વાઘનો ભોગ બને છે.

સુંદરીના વૃક્ષો

પાણીમાં છૂપાયેલા રહી માત્ર મોઢુ બહાર રાખીને હોડી સુધી તરતા આવી કોઈને પણ ખબર પડે એ પહેલાં હુમલો કરી આ વાઘ જતાં રહે છે. માટે સાવધાન થવાની તક મળતી જ નથી. અહીંનુ પાણી ખારુ છે, માટે દરેક ચીજમાં ખારાશની માત્રા વધારે છે. એ સંજોગોમાં વાઘના શરીરમાં પ્રોટીન ખૂટી પડે છે. એ ખૂટતું પ્રોટીન માણસના માંસમાથી મળી રહે છે. અહીંના વાઘ ખૂંખાર છે, તો મનુષ્યો પણ જેવા તેવા નથી. દરેક ગામમાં બે-પાંચ મહિલા કે પુરુષ એવા મળી જ આવે જેમના પર વાઘે હુમલો કર્યો હોય અને એ બચી ગયા હોય!

બોનબીબી – સંસ્કૃતિમાં વણાયેલો વાઘ

જંગલ ફરતાં ફરતાં હોડી ફરી સજનેખાલી પહોંચી. સાંજ પડવા આવી હતી. ભોજન પછી વધુ એક ટૂંકી સફર કરવાની હતી. સજનેખાલીના રસોઈયાએ તેને આવડ્યું એવુ શાકાહારી ભોજન તૈયાર કર્યું હતું. એ બધુ પતાવી લીધું એટલે ફરી હોડીમાં સવાર થયા. હવે સીન તદ્દન જૂદો હતો. દીવસે જે જંગલ આકર્ષક લાગતું હતું એ હવે ભૂતાવળ જેવું ભાસતું હતું. મેન્ગ્રોવ્સમાંથી ચળાઈને આવતો પવન પણ અમને ડરાવી મુકતો હતો. બન્ને બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું, તો ઉપર નભોમંડળમાં જાણે અમારા માટે લાઈટો ગોઠવી હોય અમ હજારો તારલિયા ચમકતાં હતા.

મધરાતે સુંદરવનનું બિહામણું લાગતું સૌંદર્ય

શહેરી વિસ્તારમાં તો પ્રકાશ-હવાના પ્રદૂષણથી આવું ગગન જોવા મળવું મુશ્કેલ છે. ગગનદર્શન કરતાં હતાં ત્યાં જ ઉતરવાનું સ્થળ આવી ગયું. એક ઊંચા પાળા પાસે હોડી ઉભી રહી. અંધારું હતું, માટે સાવધાનીપૂર્વ બેટરીના અજવાળે હોડીમાંથી ઉતરી પાળા પર ચાલતાં થયા.

ક્યાં જઈ રહ્યાં હતા?
બોનબીબી જોવા.
બોનબીબી શું છે?

બંગાળી મિત્રોએ જવાબ આપ્યો એમાંથી એટલી ખબર પડી કે કંઈક નાટક જેવુ છે. અમે તેમની પાછળ પાછળ ચાલતા હતા. અમે હકીકતે એક ગામમાં જઈ રહ્યાં હતા, પણ ત્યાં લાઈટો ન હતી એટલે છૂટાછવાયા મકાનોમાં બળતાં દીવાનો પ્રકાશ દેખાય ત્યારે જરા ચમકારો થતો હતો. બાકી ખબર પડતી ન હતી કે ક્યાં છીએ. ગામના છેડે એક રિસોર્ટમાં નાટકનો કાર્યક્રમ હતો, ત્યાં લાઈટની પણ વ્યવસ્થા હતી. અમારા જેવા બીજા ઘણા પ્રવાસી પણ ત્યાં હતા. અમે ખૂરશીઓ પર ગોઠવાયા એટલે માહિતી અપાઈ.

બોનબીબીનું મંદિર અને તેમની કથા કહેતું નાટક

એ નાટક  કે ભવાઈ કે સાંસ્કૃતિક કાર્યક્રમ જે ગણો તેનું નામ બોનબીબી છે અને નાટકમાં વાઘ મુખ્ય પાત્ર છે. વાહ! વાઘને આ રીતે લોકસંસ્કૃતિમાં પણ વણી લેવાયો છે એ જાણીને નાટક જોવાનો રોમાંચ વધી ગયો. થોડી વારે નાટક શરૃ થયું અને અડધી-પોણી કલાક ચાલ્યું. એનો ટૂંકસાર કંઈક આવો છે – ‘કોઈ એક જમાનામાં ગામધણી ગામના લોકો પર અન્યાય કરતો હોય. ચારે તરફથી હતાશ થયેલા ગામવાસીઓ પોતાના આદ્યદેવી બોનબીબીની શરણમાં જઈ વીનવણી કરે. બોનબીબીની અસવારી વાઘ પર હોય છે. નિરાધાર ગામવાસીઓની મદદ કરવા માટે બોનોબીબી પોતાનો વાઘ મોકલે અને એ વાઘ અન્યાયકર્તાઓને ફાડી ખાય.’ બોનબીબીમાં આખા સુંદરવનને આજે પણ એટલી જ શ્રદ્ધા છે.

ઠેર ઠેર તેના ઝૂંપડી જેવા દેખાતા (શિખરબંધ નહીં) મંદિરો પણ ઉભા કરેલા છે. જે ટાપુ પર કોઈ ન રહેતું હોય એવા ટાપુ પર પણ આવા મંદિર જોવા મળે, જે દૂરથી નાનકડી ઝૂંપડી જ લાગે. અહીંના ભોળા રહેવાસીઓની બોનબીબી પર અતૂટ શ્રદ્ધા છે. તેમના મતે સમગ્ર જંગલની રખેવાળી બોનબીબી જ કરે છે. એ જાણકારી પછી અમને બોનબીબીનો અર્થ પણ સમજાયો, ‘બોન’ એટલે ‘જંગલ’ અને ‘બીબી’ એટલે ‘માતા’. જંગલનું રક્ષણકરનારી દેવી એટલે બોનબીબી. હિન્દુ હોય કે મુસ્લીમ સૌ કોઈ માતાના ચરણમાં શીશ ઝુકાવાનું ભૂલતા નથી. અહીંના રહેવાસીઓની આ માન્યતા અને એમની સંસ્કૃતિ પ્રત્યે મનોમન આદર વ્યક્ત કરી અમે ફરી અમારા ઉતારે આવ્યા.

સુંદરવનમાં બીજું શું શું છે?

બીજા દિવસે હોડી અમને બીજી દિશાએ લઈ ગઈ. જંગલ જોવાનું હતું, વાઘ ફરી દેખાય તો એ પણ જોવાનો હતો. અહીં સૂર્ય દેખાય ત્યારે જ દિશા ખબર પડે. બાકી બધા જળમાર્ગ લગભગ સરખા જ લાગે. ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલા સુંદરવનમાં કુદરતી સૌંદર્યનો પાર નથી. પરંતુ કમનસીબે તેની ઓળખાણ વિકરાળ વાઘ પુરતી જ મર્યાદિત રહી ગઈ છે. સુંદરવન હકીકતે તો વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ્ઝ જંગલ છે. અહીં વિવિધ ૭૮ પ્રકારના મેન્ગ્રોવ્ઝ જોવા મળે છે. અઢીસો જાતના પક્ષીઓ છે, હરણ છે અને મગર પણ છે. આખુ જંગલ નાના-મોટા ૧૦૨ ટાપુઓમાં પથરાયેલુ છે અને તેમાંથી ૪૮ પર નાની-મોટી વસાહતો છે.

હાઉસ બોટમાં રહેવાની સગવડ હોવાથી લાંબી સફર પણ શક્ય છે.

આખો પ્રદેશ અતિ ગરીબ છે. બે ટંકનું ધાન ખાવા પાણીમાં જિંગા પકડવા, વાઘ વચ્ચે મધ એકઠું કરવા જવું, નાની-મોટી મજૂરી કરવી એ સિવાય કોઈ વિકલ્પ નથી. અહીં રોડ-રસ્તા બાંધી શકાય એમ નથી, વૃક્ષો કાપીને મેદાન કરી શકાય એમ નથી. ભરતી અને ઓટ આવે એ પ્રમાણે જ બાંધકામ કરવા પડે. અનેક ગામો એવા છે, જે વિધવાના ગામો તરીકે કુખ્યાત થયા છે કેમ કે ત્યાંના મોટા ભાગના પુરુષો વાઘનો શિકાર બની ચૂક્યા છે. આજીવિકા રળવા જંગલમાં જતા પુરુષો ઘણી વખત જીવ ગુમાવી બેસે છે. આ બધી માહિતી કોઈ પણ સંવેદનશિલ પ્રવાસીના મનમાં ઊંડી છાપ છોડ્યા વગર રહેતી નથી.

સુંદરવન ફરી લઈએ ત્યારે એક સવાલ અચૂક થાય, અનોખા જંગલમાં ફરી લીધાનો આનંદ માણવો કે અહીંની દરિદ્રતા અને વિષમ પરિસ્થિતિ જોઈને વ્યથિત થવું?

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *