Sundarbans-1: પાણીમાં પથરાયેલું રાષ્ટ્રીય પ્રાણી વાઘનું વન કેવું છે? આખા જગતમાં અનોખું કહી શકાય એવું!

દેશના અનેક નેશનલ પાર્કમાં પશ્ચિમ બંગાળનો ‘સુંદરવન નેશનલ પાર્ક’ સૌથી અનોખો છે, કેમ કે લગભગ આખેઆખુ જંગલ જળમાં પથરાયેલું છે. અહીંની ખૂંખાર વાઘ જગતભરમાં કુખ્યાત છે. વાઘ અહીંના સુપર સ્ટાર છે, પરંતુ એ સિવાયના બીજા આકર્ષણો પણ છે, જે પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને આ ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ સુધી ખેંચી લાવે છે.

જાન્યુઆરી 2014માં અમારો મુકામ કલકતા હતો. 4થી જાન્યુઆરીએ અમે સુંદરવન જવા ઉપડ્યા. સુંદરવનના બે ભાગ છે, સુંદરવન ભારતનું અને સુંદરવન બાંગ્લાદેશનું. ભારતમાંથી પ્રવાસીઓને જવા માટે એક જ પ્રવેશદ્વાર છે, સજનેખાલી નામનું વનવિભાગનું થાણુ. સજનેખાલી કલકતાથી 110 કિલોમીટર દૂર છે. સુંદરવન વિશે ‘સફારી’માં વાંચ્યુ હતું, ‘નેશનલ જ્યોગ્રાફિક’ ચેનલમાં જોયુ હતું એટલે અમારા ઉત્સાહનો પાર ન હતો. અઢી-ત્રણ કલાક ચાલ્યા પછી અમારી ગાડી એક જગ્યાએ ઉભી રહી. અહીંથી સફરનો પ્રકાર બદલાયો. જમીની ભાગ પૂરો થતો હતો અને જળ-સામ્રાજ્ય શરૃ થતું હતું. અમે ઉતર્યા એ ગામનું નામ ગડખાલી હતું અને અહીંથી હોડીની સફર કરીને અમારે ‘વેસ્ટ બંગાલ ટુરિસ્ટ લોજ-સજનેખાલી’ સુધી પહોંચવાનું હતું.

જમીન પરની સફર પુરી થાય ત્યાંથી સુંદરવનની સફર શરૃ થાય

દુનિયાનો સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ

નદી જ્યાં સમુદ્રને મળે ત્યાં થોડો તેનો પથારો ફેલાય. ડુંગરથી નીકળીને દડદડતી આગળ વધતી નદી સમુદ્રકાંઠે આવે ત્યાં સુધી સામાન્ય રીતે શિસ્તબદ્ધ રીતે વહેતી હોય છે. દરિયા કાંઠો નજીક આવે એટલે જમીનનું બંધારણ બદલાય, જરા પોચી જમીનમાં નદીનો મૂળ પ્રવાહ વિવિધ શાખા-વિશાખામાં વહેંચાવા લાગે. તેના કારણે જે ભૌગોલિક રચના થાય તેને મુખત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવો દુનિયાનો સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ છે, નામ એનું સુંદરવન!

સજનેખાલી ખાતે આવેલી બંગાળ પ્રવાસનની લોજનું પ્રવેશદ્વાર

કદમાં નાના, પહોંચમાં મોટા વાઘ

ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે ફેલાયેલા મુખત્રિકોણ પ્રદેશનો પથારો લગભગ 26 હજાર ચોરસ કિલોમીટરનો છે. હિમાલયની પ્રચંડ વેગે આવતી (ગંગા પ્લસ બ્રહ્મપુત્રનો સંગમ) પદ્મા નદી અહીં અનેક પેટા નદીઓમાં વહેંચાઈ ગઈ છે. જમીન વચ્ચે પાણીને બદલે અહીં પાણી વચ્ચે જમીન છે. અને એ જમીન પણ વરૃણ દેવની કૃપા હોય ત્યાં સુધી દેખાતી રહે છે! બંગાળના ઉપસાગરનું હલેસા મારતું પાણી અંદર સુધી ઘૂસી આવે ત્યારે સ્થળ ત્યાં જળ થઈ જાય છે. પાંચ-છ કલાક પછી ઓટ આવે ત્યારે જળમાં ફેરવાયેલી જમીન ફરી સ્થળ તરીકે જોવા મળે છે. દિવસમાં બે વખત ભરતી અને બે વખત ઓટ અનુભવતુ આ જગતનું એકમાત્ર જંગલ છે.

અને લોજમાં પ્રવેશ્યા પછી અંદરનું દૃશ્ય તથા સ્વાગત માટે તૈયાર કપિ-ટોળી

૨૬ હજાર પૈકી ભારતના ભાગે આવતુ જંગલ દસેક હજાર ચોરસ કિલોમીટરનું છે. એમાંય અઢી હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં બે-પગા માણસો માટે સંચારબંધી છે, પ્રવેશ મનાઈ છે અથવા તો વન-વે એન્ટ્રી છે, કેમ કે અંદર પ્રવેશ્યા પછી ત્યાંથી સાજા-સમા બહાર આવવાનું સદ્ભાગ્ય દરેક આગંતુકને સાંપડતુ નથી. કેમ કે ત્યાં વસે છે, જગતના સૌથી ખૂંખાર શિકારીઓ, રોયલ બેંગાલ ટાઈગર-સુંદરવનના વાઘ! આઠથી દસ ફીટ લાંબા અને વજનમાં મહત્તમ અઢીસો કિલોગ્રામ સુધી પહોંચતા વાઘ અન્ય પ્રજાતિના વાઘ કરતાં જરાક નાના છે. પરંતુ નાના કદથી તેની ક્ષમતા ઓછી નથી થઈ જતી. આ વાઘ અને તેને સમાવતુ સુદંરવન જંગલ પ્રવાસીઓને ભય અને ભવ્યતા બન્નેનો એક સાથે પરિચય કરાવે છે.

બોટ સવારીની શરૃઆત

ગડખાલીના કાંઠે જ અમારી હાઉસબોટ જેવી હોડી તૈયાર હતી. આપણે ત્યાં રસ્તાના કાંઠે બસ-સ્ટોપ હોય એમ અહીં ઠેર ઠેર બોટ સ્ટોપ છે, કેમ કે અવર-જવર હોડી દ્વારા જ શક્ય છે. કાંઠે સિમેન્ટ-કોન્ક્રિટના પગથિયા અને ભરતી-ઓટ વચ્ચે પણ ટકી શકે એવુ જમીનથી ઊંચુ પ્લેટફોર્મ તૈયાર કરેલું હતું. હોડી બે માળની હતી, નીચેના માળે કેબિન જેવા નાના-નાના બેડરૃમ અને રસોડું, ઉપરનો ડેક-સિટિંગ એરિયા.

હોડીનું એન્જીન શરૃ થયું, અમારી સફર શરૃ થઈ. આમ તો ગડખાલીથી સજનેખાલી વચ્ચે ભૌગોલિક અંતર 20 કિલોમીટરનું જ હતું, પણ હોડીમાં એ સફર દોઢ-પોણા બે કલાકે પૂરી થઈ. સજનેખાલી ટુરિસ્ટ લોજ બંગાળનો પ્રવાસન વિભાગ સંભાળે છે. અહીં કુલ મળીને 28 ઓરડા છે, જેમાં પ્રવાસીઓ રહી શકે છે. આ જંગલનું નામ સુંદરીના વૃક્ષો પરથી સુંદરવન પડ્યું છે. સુંદરીના વૃક્ષો એક પ્રકારના મેન્ગ્રોવ્સ (ચેરિયાં) છે. લોજના પ્રાંગણમાં જ સુંદરીના વૃક્ષો અને જમીનમાંથી બહાર નીકળેલા ઠુંગા જેવા તેમના મૂળ અમને જોવા મળ્યાં. સુંદરવનના સૌંદર્યની એ સાથે શરૃઆત થઈ. રહી શકાય એવા વિવિધ ટાપુઓ પર વિવિધ પ્રકારના લોજ-રિસોર્ટ તૈયાર થયા છે, પ્રવાસીઓ તેમની પસંદ પ્રમાણે તેમાં ઉતારો કરી શકે છે. પરંતુ અમારો ઉતારો તો સરકારી લોજમાં જ હતો. સજનેખાલી લોજનું આખુ બાંધકામ લાકડાનું છે, જમીનથી ઊંચે પ્લેટફોર્મ પર જ બધા રૃમો બન્યા છે. જંગલ હોવાથી કદાવર (4-5 ફીટ લાંબી) મોનિટર લિઝાર્ડ પ્રકારની ગરોળી અહીં આંટા મારતી રહે છે. સાપ-બિચ્છુનો પાર નથી. માટે સાવ જમીન પર ઓરડા હોય એ સ્થિતિ આદર્શ નથી.

સુંદરવનમાં પ્રવેશ્યા પછી શરૃ થતી અનોખી દુનિયા

વેલકમ ટુ ધ જંગલ

લોજમાં પ્રવેશતાંની સાથે અમને પહેલી સૂચના એ આપવામાં આવી કે ઓરડાનો દરવાજો કોઈ સંજોગોમાં ખૂલ્લો રાખશો નહીં, બહાર નીકળો ત્યારે બારી બંધ કરશો. કેમ કે ત્યાં મોટી સંખ્યામાં વાંદરા રહે છે. બધા વાનરોને ખબર છે કે ખાવા-પીવાની ચીજો પ્રવાસીઓના ઓરડામાં મળશે. માટે વણનોતર્યા મહેમાનની માફક એ દરવાજો ખૂલ્લો જોયો નથી કે અંદર પ્રવેશ્યા નથી. અમે હજુ તો ઓરડામાં પ્રવેશી ઠીક-ઠાક થઈએ ત્યાં બહારથી કોલાહલ સંભળાયો. વાઘ આવ્યો કે શું.. એમ માનીને બધા બહાર નીકળ્યા ત્યાં પ્રાંગણમાં આંટા મારતી ગરોળી ખરેખર જોવા મળી. એટલે એ વાતનો અહેસાસ થયો કે અમે ખરેખર જંગલમાં છીએ. અમારા ગાઈડે માહિતી આપી કે અહીં મગર પણ આવી ચડે છે, માટે લોજના પ્રાંગણમાં આંટા-ફેરા કરતી વખતે સાવધાન રહેવું. તો પછી અમને ડર લાગ્યો.. ‘વાઘ ન આવી ચડે’? ગાઈડે તેનું પણ સમાધાન કરતાં કહ્યું કે આમ તો આવા કોલાહલમાં ન આવે, વધુમાં લોજ ફરતે બાર-પંદર ફીટ ઊંચી જાળી વાઘને રોકવા માટે જ બાંધી રાખી છે. તો પણ વાઘને એ જાળી રોકી શકે એ વાતમાં કોઈ દમ નથી. પ્રવાસીઓએ પોતાની રીતે સાવધાન રહેવું ફરજિયાત છે.

જંગલમાં ઉભા કરાયેલા સુરક્ષિત વોચ ટાવર સુધી લઈ જતો રસ્તો..

આ જ્ઞાનવાણી ચાલતી હતી એટલી વારમાં બીજી ગરબડ સર્જાઈ. કેટલાક મિત્રો રૃમનો દરવાજો ખૂલ્લો મુકીને બહાર આવી પહોંચ્યા હતા. પરત રૃમમાં ફર્યા ત્યાં વાનરોએ સામાનમાંથી જે કંઈ ચીજો હાથ લાગી એ લઈને પોતાના વિસ્તારમાં પ્રવેશનો ટોલ ટેક્સ વસૂલી લીધો હતો. જંગલમાં પ્રવેશ્યાના હજુ તો અમુક કલાક થયા હતા ત્યાં જ એક પછી એક રોમાંચક અનુભવો થયા, બધાને મોજ પડી ગઈ. ભોજન લીધા પછી અમારે વનની વાટે નીકળવાનું હતું.

સ્થળમાંથી જળ તરફ જંગલની સફર

સૂચના મળી એટલે અમે ઉત્સાહથી સજ્જ થઈને ફરી બોટમાં ગોઠવાયા. અમારા મિત્ર કમ ગાઈડ સ્વરોજિતે પ્રાથમિક જાણકારી આપવાની શરૃઆત કરી. હોડી શરૃ થઈ એટલે સૌથી પહેલા બન્ને તરફ પાળા બંધાયેલા દેખાયા. એ હકીકતે ગામોના રક્ષણ માટે બંધાયા હતા. બાકી ભરતી વખતે પાણી ગામમાં ફરી વળે. સફર આગળ ચાલી એમ માનવ વસાહતો પાછળ છૂટતી ગઈ, ભૂગોળ બદલાઈ, જંગલનું પ્રભુત્વ વધ્યું, આકાશમાં નાના-મોટા પક્ષીઓ ઉડતાં જોવા મળ્યાં. કેટલાક ટાપુ ફરતે ફેન્સિંગ વાડ કરેલી હતી. શા માટે? સુંદરવનના જે-જે ટાપુઓ પર ગામ-વસાહત છે, તેની આસપાસ નિર્જન ટાપુ પણ છે. એ નિર્જન ટાપુમાંથી વાઘ બહાર નીકળીને ગામ સુધી પહોંચી ન જાય એટલા માટે આવી જાળી બાંધી છે. દરેક ટાપુ પર ફેન્સિંગ શક્ય નથી, વળી ફેન્સિંગ કર્યા પછી વાઘ ન જ બહાર આવે એવી કોઈ ગેરન્ટી પણ નથી.

(Image – Samir Saha, Sunderban Mangrove Retreat)

વાઘ જોઈ શકાય એટલા માટે જંગલમાં સાત વોચ ટાવર બનાવી રખાયા છે. એક ટાપુ પરના વોચ ટાવર તરફ અમે આગળ વધ્યા. અહીં વાઘનો ભય કેટલો છે, તેનો ખ્યાલ ટાપુ પર જતી વખતે આવ્યો. ટાપુના વોચ ટાવર સુધી જવાનો સાંડકો રસ્તો છે અને બન્ને તરફ ખાસ્સી ઊંચી ડબલ વાડથી સુરક્ષીત બનાવાયો છે. અમે ટાવર પર ઊંચે ચડ્યા. કેટલાક મિત્રો પાસે દૂરબિન હતા, કેટલાક પાસે કેમેરા. અમે આંખો જંગલ તરફ ખોડી રાખી હતી અને જંગલ ચારે-તરફ હતુ એટલે લીલોતરી વચ્ચે વાઘનો કેસરી ચમકારો જોવા આંખોને ઘણુ કષ્ટ આપવું પડતું હતું. આકાશમાં વિવિધ પ્રકારના નાનાં-મોટા પંખીડાં ઉડતાં હતા. અહીં જંગલી બિલાડી, જળ બિલાડી, શિયાળ, હરણ, વિવિધ પ્રકારના કરચલા એવા સજીવોની મોટી સંખ્યા છે. પરંતુ પ્રવાસીઓની નજર વાઘને જ શોધતી હોય એ સ્વાભાવિક છે. અહીં એવુ કહેવાય છે કે તમને વાઘ દેખાય કે ન દેખાય, વાઘની નજર સતત તમારા પર હોય જ છે. વાઘ એટલા શાતીર છે અને કલાકો સુધી હલ્યા-ચલ્યા વગર છૂપાઈને રહી શકે છે. કોઈ બે-પગો સજીવ તેની પાસે પહોંચે, એટલે ખેલ ખતમ. અમને બધાને મનમાં એક વાત પેસી ગઈ કે વાઘ ગમે ત્યાં આસપાસ જ હશે, દેખાય કે ન દેખાય એ અલગ વાત છે.

સામે દેખાય એ જ વાઘ

વોચ ટાવર પર ઘણો સમય રાહ જોયા પછી પરત ફરવાનો સમય થઈ રહ્યો હતો. વોચ ટાવર ફરતે જંગલ વચ્ચે એક પહોળો જળ-વિસ્તાર હતો. વાઘ દેખાય તો ત્યાં જ દેખાય એમ હતો. અમારા સદ્ભાગ્ય હતા કે સુંદરીના વૃક્ષો વચ્ચેથી નીકળીને એક વાઘ એ જળ વિસ્તાર પાર કરવા નીકળ્યો. પાણી જરા-જરા જ હતું, એટલે વાઘના પગ માડં ડૂબી રહ્યાં હતા. અમારા કેટલાક મિત્રો તો ટાવર પરથી નીચે ઉતરી ગયા એ પણ સપાટાબંધ ફરી ઉપર આવ્યા. શરૃઆતમાં બધાએ હો-હલ્લા કર્યા પણ વાઘને કંઈ ફરક પડ્યો નહીં એટલે શાંત થઈને રોયલ ટાઈગરના દર્શન કરવા લાગ્યા. પાંચ-સાત મિનિટમાં જ વાઘ ફરીથી જંગલમાં વિલિન થઈ ગયો. નામ પ્રમાણે અહીંના વાખ ખરા અર્થમાં રોયલ છે, દેખાવે અત્યંત સૌંદર્યવાન છે, એ અમે નજરોનજર જોયા પછી સમજ્યા.

(Image – Samir Saha, Sunderban Mangrove Retreat)

વાઘ જોવા મળ્યો એને સદ્ભભાગ્ય સમજીને વાઘની વિવિધ કથાઓ સાંભળતા સાંભળતા અમે ફરી જાળીબંધ રસ્તમાંથી ચાલતા અમારી હોડી સુધી પહોંચ્યા. જાળી પૂરી કરીને જરાક ખૂલ્લાં રસ્તામાં બોટ સુધી જવાનું હતું તેનો પણ અમને ડર લાગતો હતો.

વાઘ બેશક સુંદરવનનું આકર્ષણ છે, પરંતુ એ એકમાત્ર આકર્ષણ નથી. માટે બીજા આકર્ષણની વાત બીજા ભાગમાં..

https://rakhdeteraja.com/thakurbari-palace-of-rabindranath-tagore-visit/

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *