સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર!

સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર!

પૃથ્વી પરથી ડાયનાસોર કેમ નષ્ટ થયાં હશે કે પછી બ્રહ્માંડનો જન્મ કઈ રીતે થયો.. એ સવાલોના જવાબો શોધવાની વિજ્ઞાનીઓને જેટલી ઉત્સુકતા છે, એટલી જ ઉત્સુકતા મારા જેવા વાચકને સફારીના જુના અંકો મેળવવાની-વાંચવાની રહે છે.

 

સફારીના 35 વર્ષ – ભાગ 13 (12માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=484)

 

સફારીએ જૂના અંકો ખરીદવા માંગતા અનેક વાચકોના હિતમાં વારંવાર સ્કીમ રજૂ કરી હતી. પરિણામે ડિસ્કાઉન્ટ દરે મિસ થયેલા અંકો મેળવી શકાતા હતાં. સ્કીમ હજુય ચાલુ રહે છે, પરંતુ સાવ જૂના અંકો એમાં મળતા નથી. એક વખત તો એવી સ્કીમ પણ હતી કે દસ કે તેનાથી વધુ અંકો ખરીદનારને રૃપિયા ૨૦ની કિંમતનો ‘કમ્પ્યુટર પ્રથમ પરિચય’ અંક ફ્રી! કેટલાક વાચકો જોકે જુના અંકો ખરીદ્યા પછી સખણા બેસતા નહીં. એ અંકોમાં આપેલી ઈનામી કોયડા સ્પર્ધાના જવાબો ઈનામની લાલચે મોકલી આપતા હતાં. પરિણામે સફારીએ નોંધ મૂકવી પડી હતી કે જુના અંકો ભલે ખરીદો પણ તેની કોયડા સ્પર્ધા માટે ભેજુ દોડાવાનું બંધ કરો કેમ કે તેના ઈનામો તો જે-તે અંક પ્રથમ વાર પ્રગટ થયો હોય ત્યારે જ આપી દીધા હોય છે (અંક ૬૫).

જૂનો એક અંક પ્રગટ થાય તો તેની જાહેરાત પણ સફારીમાં આવતી રહે છે. જોકે શરૃઆતના અંકોનો સમાવેશ આ  સ્કીમમાં થતો નથી. જૂના અંકો મળે, પરંતુ અમારા જેવા જૂના-પુરાણા વાચકોને એ જૂના અંક પણ નવા લાગે. કેમ કે એ પ્રગટ થયેલા અંક કરતા થોડા પાછળના જ હોય છે. જેમ કે અંક નંબર 289માં જાહેરાત છે એ પ્રમાણે 279થી 286 સુધીના અંકો જૂના તરીકે વેચવાની જાહેરાત મુકાઈ છે. પરંતુ જૂના વાચકો માટે જૂના અંકો એટલે એવા જે 50 નંબર કે પછી 75 નંબર પહેલાના હોય. એ અંક હવે પ્રગટ થતાં નથી કેમ કે થોડા વાચક માટે આખો અંક ફરીથી છાપવાનું શક્ય નથી.

તેના બદલામાં સફારીના હવેના અંકોમાં અગાઉ છપાઈ ગયેલા લેખો નવાં સ્વરૃપમાં-અપડેટ માહિતી સાથે પ્રગટ કરે છે. એટલે હવેના ઘણાખરા અંકોમાં એકાદ જુનો લેખ જોવા મળે છે, પણ સફારીના શરૃઆતથી વાચકો હોય તો જ એ વાતની ખબર પડે. એ રીતે વાચકોની જ્ઞાનભૂખમાં ખોટ ન પડે તેની સગવડ સફારીએ કરી આપી છે.

દર વર્ષે દિવાળી અંક પછી સફારી ‘બેસ્ટ ઓફ સફારી’ અંક આપે છે. નામ પ્રમાણે તેમાં સફારીમાં જ અગાઉ છપાઈ ગયેલા ઉત્તમ લેખો નવી માહિતી-અપડેટ સાથે રજૂ થાય છે. લવાજમ ધારકોને પણ એ અંક ઘરેબેઠા મળતો નથી. ખરીદવો પડે છે. કેમ કે એ બેસ્ટ ઓફ સફારી છે. ડિસેમ્બર ૨૦૦૧માં બહાર પાડેલા બેસ્ટ ઓફ સફારીના સંપાદકના પત્રમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે જૂના અંકો મળે નહીં અને બધાનું પુનઃ મુદ્રણ શક્ય નથી. માટે જુના અંકોના બેસ્ટ લેખો બેસ્ટ ઓફ સફારીમાં રજૂ થતાં રહેશે. પ્રથમ બેસ્ટ ઓફ સફારી અંક ૩૮મા અંક પછી પ્રગટ થયો હતો. તેમાં અંક નંબર ૧થી ૮ના લેખોનો સમાવેશ કરાયો હતો.

જોકે એ વાત તો સારી છે કે જુના અંકોના લેખો નવા અંકોમાં વધુ મજેદાર રીતે પ્રગટ થાય.. પણ મારા જેવા વાચકોની સમસ્યા બીજી છે. જુનો અંક હાથમાં લઈ, પાનાં ફેરવવીને, જોવા-વાંચવાનો જે રોમાંચ છે, એ રોમાંચ નવા અંકમાં પ્રગટ થયેલા લેખમાં નથી. એટલા પૂરતાંય જૂના અંકોની સતત શોધ કરવી પડે છે. સારું છે કે હવે સફારીએ 1 નંબરનો અંક ફરીથી પ્રગટ કરી ટાઈમ ટ્રાવેલની સગવડ કરી આપી છે.

waeaknzw

Gujarati Travel writer.