એક સફારીમાં અનેક વિભાગો સમાયેલા છે, જેમ એક ગગનમાં અનેક તારામંડળ હોય.. એ વિભાગોની સફર કરીએ..
સફારીના 35 વર્ષ – ભાગ 12 (11માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467)
‘હું તો હાથમાં સફારી આવે એટલે પહેલાં ફલાણો વિભાગ વાંચુ…’ જેમ કે એક વખત એવુ બન્યું કે પછી ફેક્ટ ફાઈન્ડર કે પછી જોક્સ.. દરેક વાચકનો કોઈને કોઈ પ્રિય વિભાગ હોવાનો. સફારીના વાચકો સફારી જેટલી જ નિકટતાથી સફારીના વિવિધ વિભાગો સાથે જોડાયેલા છે. સફારીના શરૃઆતી અંકોમાં તો કેટલા વિભાગ આવતા તેની જાણકારી મારી પાસે નથી. પણ ‘ગેલ, ગમ્મત અને ગપસપ’ વિભાગ કદાચ બહુ પહેલેથી આવે છે. ગેલ, ગમ્મત અને ગપસમાં નામ પ્રમાણે જ ગેલ કરાવતા જોક્સ, ગમ્મત કરાવતા કોયડા અને ગપસપમાં સરપ્રદ માહિતી આવતી હતી. વચ્ચે ઘણા અંકો સુધી જોક્સ ગૂમ થઈ ગયા હતાં. હવે ફરી આવે છે, પણ નિયમિત રીતે નહીં. ગેલ, ગમ્મત અને ગપસપ વિભાગ પણ નથી આવતો. એટલે હવે સફારીનો સૌથી લાંબો ચાલનારો વિભાગ ફેક્ટ ફાઈન્ડર ગણવો રહ્યો કેમ કે છેક ૪૫મા અંકથી એકેય વખત ગેરહાજર રહ્યા વગર આવ્યો છે (જેની વિગતવાર વાત આપણે કરી ચૂક્યા છીએ).
નવો વિભાગ શરૃ થાય એટલે કાં તો અંકના કવર પર અને કાં તો આગલા અંકના તંત્રીના પત્રમાં તેની જાણકારી આપવામાં આવતી હતી. ૮૫મા અંકથી સફારીએ અત્યંત મહત્ત્વનો અને શકવર્તી ફેરફાર કર્યો. એ ફેરફાર એટલે ‘બુદ્ધિશાળી બાળકો’માંથી ‘બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન’. કેમ કે જે બાળકોએ સફારી વાંચવાનું શરૃ કર્યુ હતું, એ હવે મોટાં થયા હતાં અને બુદ્ધિશાળી પણ બન્યાં હતાં. સફારીની એ ટેગલાઈન ત્યારથી વણબદલાયેલી છે. જોકે સાવ શરૃઆતમાં આ બન્ને પૈકીની એકેય લાઈન ન હતી, તેને બદલે ત્રીજી ઓળખ હતી –‘જ્ઞાન વિજ્ઞાનનું બાળ પાક્ષિક (ત્યારે પાક્ષિક હતું)’. શરૃઆતના કોઈ અંકોમાં આવી ટેગલાઈન પણ આવતી પરંતુ એ અંકોમાં મહિનો-વર્ષની નોંધ ન હોવાથી તેનો કળખંડ જાણી શકાતો નથી. આ મુદ્દો આમ તો સફારીના ફેરફાર સબંધિત છે, પણ એ ફેરફાર સાથે જ સફારીમાં કેટલાક વિભાગો ઉમેરાયા હતાં. જેમ કે ૮૫મા અંકમાં આપણે પહેલી વખત એક વિભાગ વાંચ્યો, એનું નામ ‘બનાવ અને બેકગ્રાઉન્ડ’.
- બહુ પહેલાના અંકોમાં ‘સ્ટુડન્ટ સેક્શન’ નામનો વિભાગ આવતો, જેમાં વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થાય એવા વિષયોની સમજાવટ આવતી. અંક નંબર ૬૩માં છે, ઊર્જા, અંક ૫૫માં અશ્મિબળતણ વગેરે.
- ‘નોટબૂકમાં નોંધી લો..’ વિભાગ સર્વવ્યાપી છે . એટલે કે વિવિધ પ્રકારના લેખો સાથે હોય છે. વિષયનુ બંધન નથી કેમ કે મૂળ તો તેનો ઉદ્દેશ એક્સ્ટ્રા ઈન્ફર્મેશન પિરસવાનું છે. એવો એક વિભાગ ‘આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ’ની સિરિઝ વખતે જોવા મળ્યો હતો. ‘એક નજર આ તરફ..’ અને ‘બીજી નજર આ તરફ..’ જોકે એ વિભાગ પછીથી બહુ દેખાયા નથી.
- ‘ફોર યોર ઈન્ફર્મેશન’ વળી ચાર-પાંચ પેટા વિભાગનો બનેલો વિભાગ હતો. એમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’, ‘નવી માહિતી’, ‘નવું સંશોધન’, ‘ડેટાબેન્ક ડોટકોમ’ વગેરે વિભાગો આવતાં.
- ‘ડેટાબેન્ક’ કરીને બીજો વિભાગ પણ શરૃ થયો હતો, જેમાં આંકડાકીય માહિતી પર વધારે ભાર મૂકાયો હતો. એ વિભાગ બહુ નાનો હતો. ‘વાયકા અને વાસ્તવિકતા’ વિભાગ પણ શરૃ થયો હતો. ફોર યોર ઈન્ફર્મેશન વિભાગ સમય જતાં નાનો થતો ગયો હતો અને પછી તો અંક નંબર ૧૭૯માં માત્ર એક જ પાનાંનો હતો! ક્યારેક વળી તેમાં બે પાનાં આવતા તો ક્યારેક ત્રણ.
- ‘નવું સંશોધન’ વિભાગ પણ ઘણા અંકો સુધી આવ્યો છે. જેમાં કોઈ લેટેસ્ટ સંશોધનની માંડીને વાત કરવામાં આવતી હતી. એવો જ બીજો વિભાગ હતો ‘શોધ અને શોધકો’. તેમાં કેટલાક જાણીતા શોધોના અજાણ્યા શોધકોની તો વળી જાણીતા શોધકોની અજાણી શોધોની વાત થતી હતી. એ સિરિઝમાં પહેલો લેખ બાઈસિકલની શોધ અંગેનો હતો.
- સત્યકથાનો કોઈ અલગ વિભાગ ન હતો, પણ વિવિધ અંકોમાં એ આવતી રહેતી. સત્યકથા ઘણી વખત બહુ લંબાઈ જતી તો તેના કારણે આસાન અંગ્રેજી કે ગેલ-ગપસપ વિભાગો ડ્રોપ પણ કરવા પડયા છે. ક્યારેક ફેક્ટફાઈન્ડર જેવો વિભાગ ટૂંકાવ્યો પણ છે, જેવી વાચકોને કોઈ ફરિયાદ રહેતી ન હતી. કેટલાક કિસ્સામાં નાછૂટકે સત્યકથાનાય બે હપ્તા કરવા પડયાં છે.
- વાચકોના પત્રોનો વિભાગ માત્ર પ્રતિભાવ માટે હોવા છતાં પણ રસપ્રદ છે. અહીં સફારી વાચકોને જવાબો આપે છે, ભુલ સુધારણાની નોંધ કરે છે, હૈયાધારણા આપે છે અને જરૃર પડયે તો ડાયાગ્રામ-ગ્રાફિક્સ-ફોટા આપીને સમજાવે પણ છે.
- ‘એક વખત એવુ બન્યું’ની લોકપ્રિયતાનો આજે તો કોઈ પાર નથી. પણ શરૃઆતમાં એ વિભાગ બહુ નાનો હતો. જેમ કે અંક નંબર ૧૦૮માં માત્ર ત્રણ પાનાંનો લેખ હતો, જેનું કોઈ અલગ હેડિંગ ન હતું. એ જર્મન મનવાર એમ્ડેન, વીર સાવરકર, કાળાપાણીની જેલ બધાનું કનેક્શન છત્તું કરતો લેખ હતો. અલગ હેડિંગ શરૃ થયા ત્યારે પણ ‘જ્યારે..’થી શરૃ થતા હેડિંગો શરૃઆતમાં નહોતા આવતા. ૧૧૫મા અંકમાં એક વખત એવુ બન્યું હેઠળ જે લેખ છે, તેનું હેડિંગ આવુ છે, ‘રોના સુપરસ્પાય રામેશ્વરનાથ કાઓની યાદને સદાબહાર બનાવતો બનાવ’. એવિભાગમાં લેખકનું નામ પણ નહોતું આવતું. અંક નંબર ૧૧૦માં એક વખત એવુ બન્યુંનું કોઈ હેડિંગ નથી.
જોકે વાત ૧૯૯૨ના વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-આફ્રિકા વચ્ચેની સેમીફાઈનલની હતી, ૪ પાનાંમા.એક વખત એવુ બન્યુમાં લેખક તરીકે નગેન્દ્ર વિજયના નામની શરૃઆત ૧૫૦મા અંકથી થઈ. એ લેખ હતો – રશિયાએ તોડી પાડેલા અમેરિકન જાસૂસી વિમાન અંગેનો. (નોંધ- આ સિરિઝ ચાલુ છે ત્યારે રિલિઝ થયેલી થયેલી સ્પીલબર્ગ-ટોમ હેન્ક્સની ફિલ્મ ‘બ્રિજ ઓફ સ્પાય્સ’ આ ઘટનાક્રમ પર જ આધારિત છે.) એક વખત એવુ બન્યુનાં કેટલાક લેખો મને એટલા બધા ગમે છે, કે હું એ વારંવાર વાંચતો રહુ છું. અને દર વખતે નગેન્દ્ર દાદા પ્રત્યેનો મારો આદર વધતો જાય છે. - ૧૦૦ પછીના કોઈક અંકોમાં ‘ઈન્ફોગ્રાફિક્સ’ વિભાગ પણ શરૃ થયો હતો, જેમાં લેખ ઈન્ફોગ્રાફિક તરીકે આપવામાં આવતો હતો. એ વિભાગ બહુ ચાલ્યો નહીં. એ વિભાગ વર્ષો પછી ૨૦૯માં દેખાયો હતો. સામાન્ય રીતે ન જોવા મળે એ રીતે આડા લે-આઉટમાં ઊંડા સમુદ્રમાં ઉતરવા અંગેના સાહસનો લેખ હતો.
- પ્રોફેસર ફરગેટના વિવિધ પ્રયોગો પ્રોફેસરનું મન પડે ત્યારે આવતાં હતાં. પ્રોફેસરને તો ફરજ કેમ પાડી શકાય! જોકે ફરગેટ છેલ્લે ક્યાં અંકમાં દેખાયા હતાં કોઈને યાદ છે? ફરગેટનો ઉલ્લેખ છેલ્લે અંક નંબર ૨૨૨માં હતો. એ લેખ હતો –‘વિજ્ઞાની પ્રો.ફરગેટ રિટાયર થયા પછીયે તેમનો પીછો ન મૂકતું રોજિંદા જીવનનું વિજ્ઞાન.’ એટલે કે ફરગેટ સાહેબ નિવૃત્ત થઈ ગયા છે. તો પણ તેમનું મન પડશે ત્યારે સફારીમાં હાજરી પુરાવશે. પણ વાચકો તેમને બહુ મીસ કરે છે.
- સફારી વાંચી વાંચીને આઈ.ક્યુ. તો વધે જ ને! એ માપવાની સગવડ પણ સફારીએ આપી છે. છેલ્લે જાતે આઈ.ક્યુ.માપવાનો વિભાગ ૧૯૯મા અંકમાં હતો. એ પહેલા પણ બેએક વખત એવું માપપત્રક આવ્યુ હતું. જવાબો જોઈ જોઈને આઈ.ક્યુ.માપીએ તો આપણી આઈ.ક્યુ. જ સૌથી વધારે આવે! વાચકોએ એવા પ્રયોગો કર્યા જ હશે ને!
- બુદ્ધિશાળી વાચકો માટેનું સામયિક થયા પછી સફારીમાં ઈનામી કોયડા સ્પર્ધાઓ ઘટતી ગઈ અને હવે તો સાવ જ નથી આવતી. પણ કેટલાક એવા સદ્ભાગ્યશાળી વાચકો હશે જેમને સફારીના અસાધારણ ઈનામો મળ્યાં હશે. અલબત્ત, માર્કેટમાં ઉપલબ્ધ કેટલાક સામયિકોને પોતાની ગુણવત્તા પર એટલો બધો અવિશ્વાસ છે કે એ મેગેઝિન સાથે ક્યારેક શેમ્પૂ તો ક્યારેક કપડાં ધોવાના સફેદ પાવડરનાં પડીકા મફત આપે છે. આપકા મેગેઝિન મુજસે જ્યાદા સફેદ કૈસે!
- સફારીના બધા તત્વોમાં જ્ઞાાનવૃદ્ધિનો એક જ ઉદ્દેશ રહેતો એટલે મોડેલ વિમાનો, રંગીન પોસ્ટર, જાતે બનાવવાની કીટ.. વગેરે ઈનામા મળતું. એટલે એ ઈનામો હાથ લાગ્યા પછી પણ બુદ્ધિ ખિલવ્યા વગર અને તર્કને તેજ કર્યા વગર તેનો લાભ લઈ શકાતો ન હતો. એવું એક સુર્યમાળાનું પોસ્ટર તો જોકે મારી પાસેય છે.
- ૬૪મો અંક વેકેશન હતો, કિંમત ૧૫ રૃપિયા હતી (મે ૧૯૯૮માં) અને સાથે ટાઈટેનિકનું કલરફૂલ પોસ્ટર ફ્રી હતું. એ પોસ્ટર રાજેશ બારૈયાએ તૈયાર કર્યુ હતું. ઈન્ટરનેટ યુગમાં હવે એવા પોસ્ટરોની કદાચ નવાઈ ન લાગે, પણ તેની સાથે જે જ્ઞાન અને રોમાંચ હતો તેનો કોઈ વિકલ્પ નથી. કોયડા પુછાય એમાંય વળી ઐતિહાસિક પાત્રો આવતાં હતાં. જેમ કે અંક નંબર ૪૧ના કોયડામાં હિટલર પકડાય કે ભાગી છૂટે તેનો ગૂંચવાડો ઉકેલવાનો હતો.
- ત્યારે સફારી બાળકોનું મેગેઝિન હતું. તેમાં સીધો જ ‘ભૌતિકશાસ્ત્રીઓને ભોંઠા પાડતા સાપેક્ષવાદ’નો લેખ આવે તો બાળકો ક્યાંથી વાંચે? માટે સફારીમાં શરૃઆતમાં ચિત્રવાર્તાઓ આવતી. ટેરર બર્ડના આતંકની કથા હતી એકાદ અંકમાં. તેરમાં અંકમાં સુપરફાઈટર આલ્બાટ્રોસનાં અદભૂત પરાક્રમો હતાં. ૮મા અંકમાં ટોમ ટાયલરના પરાક્રમોની ચિત્રવાર્તા ૧૬ પાનાં ભરીને આપી હતી. અને એ ચિત્રવાર્તા વચ્ચે એકાદ કલરીંગ પાનું પણ આવતુ હતું, જેમાં બોર્ડગેમ પણ આવતી હતી.
- કહેવાય ભલે સવાલ પણ તેનું મહત્ત્વ લેખ કરતાં ઓછુ નથી. એટલે જ તો ઘણી વખત સુપર-સવાલનો વિષય સફારીનું કવર બને છે. જોકે ૬૭માં અંકે સુપર સવાલ શરૃ થયો ત્યારે તેના માટે અડધું પાનું ફાળવવામાં આવ્યુ હતું. એ વખતે આજની જેમ છેલ્લા કવર જેટલું મોભાદાર સ્થાન ન હતું. માટે સુપર સવાલ ફેક્ટફાઈન્ડર વિભાગ પુરો થાય ત્યાં આવતો હતો. સૌથી પહેલો સુપર સવાલ અદૃશ્ય માનવી અંગેનો હતો. આમ તો પ્રમોશન થાય ત્યારે આગળ વધવું જોઈએ પણ સફારીમાં ૯૩મા અંકથી સુપર સવાલ છેલ્લા કવર પર ખસેડાયો એ તેનું પ્રમોશન હતું. પછી તો ચશ્માંના નંબર કેમ આવે એવો અમારા જેવા વાચકોએ પૂછેલો સવાલ સુપર બન્યો ત્યારે અમારા હરખનો પાર રહ્યો ન હતો.
- એક જ વિષય પર સવાલ કરીને જવાબ આપતો ‘સુપર ક્વિઝ’ વિભાગ શરૃ થયો ૭૩મા અંકે. હવે તેની સાથે ‘ક્વિક ફાયર ક્વિઝ’ પણ આવે છે. શરૃઆતમાં આજના જેવો વૈભવ સુપર ક્વિઝના ફાળે હતો નહીં. એક પાનામાં જ સુપર ક્વિઝ શરૃ થઈ પુરી થઈ જતી હતી. અને વળી જવાબો પણ આજની જેમ ટૂકનોંધને બદલે એક શબ્દોમાં ઉત્તર આપો પ્રકારના રહેતાં હતાં. ધીમે ધીમે વિભાગ જામતો ગયો અને સવાલ તથા જવાબો લંબાતા ગયા. વિવિધ થીમ પસંદ કરીને તેની અકલ્પનિય માહિતી આપવાની અને માહિતી રજૂ કરવાની સુપર ક્વિઝની શૈલી અનોખી છે. હું ઘણી વખત સફારી હાથમાં આવ્યા પછી પહેલો એ વિભાગ વાંચી નાખુ છુ. એ પહેલાં ૫૦મા અંકમાં ‘ક્વિઝ સ્પર્ધા’ પણ હતી. તેમાં દસ સવાલો જવાબોના વિકલ્પો સાથે પુછાયા હતાં. મારા જેવા અબુધ વાચકો સવાલ પુરો થાય ન થાય ત્યાં જવાબ વાંચી લેતા હતાં. શરૃઆતમાં માત્ર સુપર ક્વિઝ શબ્દો હતાં. પછીથી તેની વિશિષ્ટ ઓળખ આપતી ટેગલાઈન ‘જનરલ નોલેજની સેલ્ફ ટેસ્ટ’ ઉમેરાઈ હતી. લેખક તરીકે કેટલાક અંકો સુધી હર્ષલ પુષ્કર્ણાનું નામ પણ આવતુ હતું.