ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 2)

ગુજરાતમાં ફરવા જેવા જાણ્યા-અજાણ્યા પ્રવાસન સ્થળોની વાત પહેલા ભાગ ગુજરાતના વન-વગડાની સફર- (ભાગ 1)માં કરી. હવે એવા બીજા કેટલાક સ્થળોની સફર..

 

ભરતવન (જૂનાગઢ)

ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું પણ નથી. અંબાજીને બદલે ગીરનારમાં જવા જેવી જગ્યા ભરતવન અને સિતાવન છે. માન્યતા પ્રમાણે રામના વનવાસ દરમિયાન ભરતે અહીં રામનું મંદિર સ્થાપ્યુ હતું. સિતાવન જવા માટે સીડી છે અને ત્યાંથી ટ્રેકિંગ કરી શકાય એવો ઉબડ-ખાબડ પણ જંગલનો કાયદેસર અહેસાસ કરાવે એવો રસ્તો છે. ભરતવનનો આશ્રમ મોટો છે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અહીં રાત રોકાઈ શકાય છે. ભરતવન એકમાત્ર એવુ સ્થળ છે, જ્યાંથી ગીરનારનો બેકસાઈડ વ્યૂ જોઈ શકાય છે. એક વખત ભરતવન-સિતાવનની મુલાકાત લીધા પછી જ ખબર પડે કે હિમાલય કરતાંય જૂના ગીરનારની ખરી સમૃદ્ધિ શું છે..

કઈ રીતે પહોંચાય?
ભારતવન સુધી જવા માડે અંદાજે અઢી હજાર પગથિયા ચડવા પડે છે. અહીં બહુ ઓછી ભીડ હોવાથી પ્રવાસની પણ અલગ મજા છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાંથી જ ભરતવન જતી સીડી અલગ પડે છે. અંબાજીથી પણ એક સીડી દ્વારા જઈ શકાય છે. પણ જૂનાગઢ પહોંચવુ મહત્ત્વનું છે.વહેલી સવારે સીડી ચડવાનું શરૃ કરી અજવાળું થાય ત્યાં સુધીમાં ભરતવન પહોંચી શકાય છે. અથવા તો બાપોર પછી સીડી ચડી બે હજાર ફીટની ઊંચાઈએ રાત રોકાવાનો આનંદ લઈ શકાય છે.

* * * * *

સાસણ (જૂનાગઢ)

 

સાસણને કોઈ ઓળખની જરૃર નથી. સિંહો માટે એ વિશ્વવિખ્યાત સ્થળ છે. ૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર નેશનલ પાર્કમાં ૪૦૦થી વધારે સિંહો છે અને એ સિવાય અઢળક પ્રાણીઓ છે. સિંહો સિવાય ઘણુંય જોઈ-રખડી શકાય એમ છે. ગીરની મજા લેવાનો એક રસ્તો ગીર આરપાર પ્રવાસ કરવાનો છે. ધારી પાસેના દલખાણિયાથી દાખલ થઈને સામા છેડે જામવાળા નીકળી શકાય છે. એ રસ્તો ગીરના બરાબર બે ભાગ કરે છે. બન્ને છેડે આવેલી ચેક પોસ્ટ પર નોંધણી કરાવીને એ રસ્તેથી પસાર થઈ શકાય છે.

સજીવો
સિંહ
દીપડા
કોબ્રા
શિયાળ
ચૌશિંગા
કાળિયાર
મગર

કઈ રીતે પહોંચવુ?
સાસણથી જૂનાગઢ ૬૦ કિલોમીટર અને અમરેલી ૬૫ કિલોમીટર દૂર છે. દીવ નજીકનું એરપોર્ટ છે, ૧૧૦ કિલોમીટર. વેરાવળ ૪૦ કિલોમીટર, રાજકોટ ૧૬૦ અને અમદાવાદ ૪૧૦ કિલોમીટર દૂર છે. ચોમાસાને કારણે દર વર્ષે ૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી જંગલ બંધ રહે છે.

ગીર આરપાર નીકળતા રસ્તેથી પસાર થવા માટે ધારી અથવા જામવાળા જવું પડે. જૂનાગઢથી ધારી ૮૦ અને જામવાળા ૯૦ કિલોમીટર દૂર છે. પરંતુ ગીરની આરપાર નીકળવું હોય તો વહેલી સવારે પ્રવાસ શરૃ કરવો હિતાવહ છે. સાંજ પડયે ગીરના દરવાજા બંધ થયા પછી એ રસ્તો વાપરી શકાતો નથી.

સંપર્ક
સિંહ સદન (સાસણ) – ૦૨૮૭૭-૨૮૫૫૪૧
ડીસીએફ (જૂનાગઢ)- ૦૨૮૭૭-૨૮૫૬૨૧

ઓનલાઈન લાયન સફારી બુકિંગ માટે વેબસાઈટ http://girlion.in

* * * * *

 

પૂર્ણા અભયારણ્ય (ડાંગ)

પૂર્ણા નદીના કાંઠે ફેલાયેલુ ગાઢ, વરસાદી જંગલ પૂર્ણા અભયારણ્યમાં જઈને જોઈ શકાય છે. જંગલી સજીવો કરતાં પૂર્ણાનું જંગલ ત્યાંના વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. તો દીપડાઓની વસતી પ્રવાસીઓને ડરાવવા માટે પુરતી છે. પૂર્ણાના જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધારે વરસાદ પડે છે અને એટલે જ અહીં ગુજરાતના સૌથી ગાઢ જંગલો છે.

પૂર્ણા નદીના કાંઠે આવેલી મહાલ ઈકો કેમ્પ સાઈટ.

સજીવો
દીપડા
રીંછ
શિયાળ

કઈ રીતે પહોંચવુ?
૧૦૦ કિલોમીટર દૂર આવેલું સુરત સૌથી નજીકનું મોટું શહેર છે. વ્યારા સુધી રેલવે દ્વારા જઈ શકાય છે. વ્યારા ૨૦ જ કિલોમીટર દૂર છે.

સંપર્ક
ડીસીએફ (આહવા) – ૦૨૬૩૧-૨૨૦૨૦૩

* * * * *

મરીન નેશનલ પાર્ક (જામનગર)

જામનગર પાસે આવેલું દરિયાઈ ઉદ્યાન દેશનું પહેલું મરીન પાર્ક હતું. જમીન પરના જંગલો કરતાં આ જંગલ અલગ છે કેમ કે આ પાણીમાં છે. તેનાં સજીવો પણ અલગ છે અને અનુભવ પણ અલગ છે. દરિયાઈ જીવો ઉપરાંત પરવાળા ખડકો અહીં જોવા મળે છે. આખો પાર્ક ૪૨ ટાપુુમાં વિસ્તરેલો છે અને સ્વાભાવિક રીતે ત્યાં માત્ર હોડી દ્વારા જઈ શકાય છે.

કઈ રીતે પહોંચવુ?

જામનગર પહોંચ્યા પછી બેડી બંદરેથી પાર્કમાં જઈ શકાય છે. પરંતુ ભરતી-ઓટ પ્રમાણે મુલાકાતનું ટાઈમ ટેબલ ગોઠવાતું હોવાથી ત્યાં વહેલુ પહોંચી જવુ હિતાવહ છે. અમદાવાદથી જામનગર ૩૫૦ અને રાજકોટથી ૯૦ કિલોમીટર દૂર છે.

સંપર્ક
ડીસીએફ (જામનગર) – ૦૨૮૮૨૫૫૦૭૭, ૦૨૮૮ ૨૬૭૯૩૫૭

 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *