‘જંગલ ન્યૂઝ’ની ચુલબુલી એન્કર હસીના હરણીની લલિત ખંભાયતા સાથે વિશેષ મુલાકાત

(નોંધ – ‘ગુજરાત સમાચાર’માં દર ગુરુવારે આવતી કોલમ ‘આપનાં તો અઢાંર વાંકા’માં મેં ચુલબુલી એન્કર હસીના હરણીનું પાત્ર સર્જ્યુ છે. હસીના હરણી અવારનવાર ઈન્ટરવ્યૂ કરે છે. કોલમ માટે વિવિધ ઈન્ટરવ્યૂ કરતી આ એન્કરે આ વખતે ફેસબુક માટે Lalit Khambhaytaનો ઈન્ટરવ્યૂ કર્યો હતો)

નમસ્કાર ‘જંગલ ન્યૂઝ’ની અમારી વિશેષ રજૂઆતમાં હું હસીના હરણી આપનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે પત્રકાર, લેખક શ્રીલલિત ખંભાયતા. મિત્રોમાં એલ.કે.ના ટૂંકા નામે ઓળખાતા આ લેખક નવા પ્રસિદ્ધ થયેલાં પુસ્તક ‘રખડે એ રાજા’ વિશે વાતો કરશે.

કલકતામાં ચા પીતા લેખકો…
  • હસીના હરણી – ‘નમસ્કાર લલિતભાઈ. જંગલ ન્યૂઝના સ્ટૂડિયોમાં આપનું સ્વાગત છે.’
    એલ.કે. – ‘ધન્યવાદ હસીનાબેન.’
  • હસીના હરણી – ‘રખડે એ રાજા’ પુસ્તક લખતા પહેલાં તમે પહેલો ભાગ ન લખ્યો?
    એલ.કે. (સવાલ ન સમજાયો હોય એ રીતે) ‘આ મારું ત્રીજું પુસ્તક છે, પણ તમે ક્યા પહેલા ભાગની વાત કરો છો?’
  • હસીના હરણી – ‘ભણે એ ભિખારી’ એવું પુસ્તક પણ લખ્યું જ હશે ને તમે?
    એલ.કે. – ‘હજુ સુધી એવું પુસ્તક લખવાની જરૂર પડી નથી.’ થોડીવાર રોકાઈને કટાક્ષમાં ઉમેર્યું, ‘જો જંગલની એજ્યુકેશન સિસ્ટમ આવી રહી તો આગામી વર્ષોમાં વિચારીશ.’
  • હસીના હરણી – ‘તમને ‘રખડે એ રાજા’ નામ રાખવાનો વિચાર કેવી રીતે આવ્યો?
    એલ.કે – સ્કૂલમાં ઘણી વખત મશ્કરીમાં સાંભળવા મળતું કે ‘રખડે એ રાજા.’ ત્યારે તો એનો અર્થ બહુ સમજવાની કોશિશ કરી નહોતી, પણ પછી એટલું તો ચોક્કસ સમજાયું કે માણસ રખડે તો દુનિયાદારી સમજાય અને દુનિયાદારી માણસને અંદરથી રાજા બનાવે. રખડવાથી નફિકરાઈ આવે અને એ પણ માણસને અંદરથી રાજા બનાવે… એ સિવાય….’
  • હસીના હરણી – (વાત અડધેથી કાપીને) ‘તમે તમારી જાતને રાજા માનો છો?’
    એલ.કે. – (જરાક ગરમ થઈને) ‘એમાં હું રાજા માનું છું એવી ક્યાં વાત જ છે?’
  • હસીના હરણી – વાત તો નથી આવતી, પણ મેં સાંભળ્યું છે કે એમાં તમારા પ્રવાસોનું વર્ણન છે તો એનો એક અર્થ એવો જ થાય કે રખડે એ…..’
    એલ.કે. – હસીનાને વચ્ચે અટકાવીને) આ વાત જ સાવ ફાલતુ છે (ફાલતુ એલ. કે.નો ફેવરિટ શબ્દ છે).
  • હસીના હરણી – ‘પુસ્તકમાં એવું શું છે જે અન્ય પ્રવાસ વર્ણનો કરતા અલગ છે?’
    એલ.કે. – ‘એવા કોઈ દાવા હું કરતો નથી. પણ હા, દરેક પ્રવાસ દરેક પ્રવાસી માટે અલગ હોય છે. આ મારી દૃષ્ટિએ અને મને થયેલા અનુભવો ઉપરથી છે એટલે એ રીતે અલગ છે. વળી, પુસ્તકમાં રંગીન તસવીરો ય છે.’
  • હસીના હરણી – ‘તમારી સાથે પ્રવાસો કરવામાં ઘણાં મિત્રો હોય છે. ઈશાન ભાવસાર જેવા મિત્રો એના પ્રવાસ વર્ણનોમાં તમને ચીફ કહીને બોલાવે છે. તો તમે કઈ સંસ્થાના ચીફ છો?’
    એલ.કે. – ‘હું એકેય સંસ્થાનો ચીફ નથી. મિત્રો તો એવું કહ્યા કરે. હું જ્યાં જઈ આવ્યો હોય એવા સ્થળોએ મિત્રોને આવવું હોય તો બીજી વખત એવા સ્થળોએ અમે સાથે જઈએ છીએ. મને એ સ્થળ વિશે જાણકારી હોય એટલે સાથે આવનાર મિત્રો મને મશ્કરીમાં ચીફ કહે છે.’
  • હસીના હરણી – (કાગળ ઉપર જોઈને) તમે પુસ્તકમાં દાવો કર્યો છે કે તમે અલગારી રખડપટ્ટી કરો છો. તમારા મિત્રો એમ પણ કહે છે કે એલ.કે.ની રખડપટ્ટીમાં આયોજન અને અલગારીપણું બંને સાથે હોય છે. એ કેવી રીતે?’
    એલ.કે. – તમે કોઈ સ્થળે જાઓ ત્યારે તેના વિશે જો શક્ય હોય તો થોડી માહિતી મેળવીને જવું જોઈએ. એ રીતે હું આયોજનમાં માનુ છું, પણ એવા આયોજનમાં નથી માનતો કે થોડીવાર પાણી ય ન મળે કે વાહન ન મળે તો અકળાઈ જાઉં.’
  • હસીના હરણી – તો તમે કેવી રીતે આયોજન કરો છો?
    એલ.કે. – ‘ઘણી વખત જવા- આવવાના કોઈ આયોજન વગર પણ નીકળી જવું જોઈએ. વળી, આટલા દિવસમાં આટલું જોઈ જ લેવું જોઈએ એવો કોઈ ટાર્ગેટ બનાવવો ન જોઈએ. જો ટાર્ગેટ બનાવો અને પૂરો ન થાય તો તમારો પ્રવાસ તમને જ અસફળ લાગે. એના કરતા જે જોયું એની મજા છે એમ વિચારો તો મજા છે.’
    થોડીવાર અટકીને આગળ ચલાવ્યું, ‘ઘણી વખત કોઈ સ્થળે જાવ પછી ખબર પડે કે બહુ દોડધામ કરવા કરતા જે સ્થળે એક કલાક રોકાવાનું વિચારતા હતા ત્યાં ચાર કલાક કાઢવા જેવી છે તો કાઢવી જોઈએ. તો ઘણી વખત આખો દિવસ રોકાવાનું વિચાર્યું હોય ત્યાં બે કલાક પણ માંડ નીકળે. પ્રવાસની ખરી મજા માત્ર સેલ્ફી કે ફોટામાં નથી, પણ આનંદમાં છે.’
  • હસીના હરણી – (એલ.કે.ની પ્રવાસની ફિલોસોફીથી પ્રભાવિત થઈને) તો તમે પુસ્તકમાં આ બધું કેમ લખ્યું નથી?’
    એલ. કે. – ‘જરૂરી લાગ્યું છે એ લખ્યું જ છે. બધું કંઈ પુસ્તકમાં લખવું જરૂરી ન હોય. એ મારો મત છે. બીજાનો મત અલગ ય હોય.’
  • હસીના હરણી – (પુસ્તક હાથમાં લઈને) ‘તમારા પુસ્તકોમાં મેપ પણ હોય છે. તમને એમ લાગે છે કે પુસ્તકમાં મેપ જોઈને લોકો ત્યાં જ જશે.’
    એલ.કે. – ‘આઈ ડોન્ટ થિંક સો કે જતા હોય (આ પણ એલ.કે.નું ફેવરિટ પૈકીનું એક વાક્ય છે) મેપ એટલા માટે નથી મૂકતો કે લોકો ત્યાં જ જાય, પણ વર્ણનો વખતે મેપ હોય તો વાચકને ખબર પડે કે જે વિસ્તારની વાત થઈ રહી છે ત્યાં આસપાસમાં શું છે.’
  • હસીના હરણી – (કાગળ ઉપર જોઈને) અગાઉ તમારા બે પુસ્તકો આવ્યા હતા. બ્રેવહાર્ટ્સમાં સાહસકથાઓ હતી અને 007માં જેમ્સ બોન્ડની વાતો હતી. આ પુસ્તકમાં પ્રવાસવર્ણનો છે. હવે પછી શું લખી રહ્યા છો?
    એલ.કે. – (સ્હેજ કંટાળા સાથે) ‘સમય આવશે ત્યારે ખબર પડી જશે.’
  • હસીના હરણી – (સવાલોથી એલ.કે કંટાળ્યા છે એ સમજી જઈને) તો આ હતા લલિત ખંભાયતા. ફરીથી વિશેષ રજૂઆત લઈને આવું ત્યાં સુધી તમારી વહાલી હસીના હરણીને રજા આપો. જોતા રહો – ‘જંગલ ન્યૂઝ.’…
રખડેરાજા #અષ્ટાવક્ર #આપનાંતોઅઢાર_વાંકાં

waeaknzw

Gujarati Travel writer.

One thought on “‘જંગલ ન્યૂઝ’ની ચુલબુલી એન્કર હસીના હરણીની લલિત ખંભાયતા સાથે વિશેષ મુલાકાત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *