Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ- ભાગ-૧

ભારતમાં બ્રિટિશરોની માફક ફ્રાન્સિસીઓએ પણ છૂટાંછવાયાં સ્થાનકો સ્થાપ્યાં હતાં. ભારતમાં ફ્રાન્સની કોલોની રહી ચૂક્યું હોય એવું સૌથી પ્રચલિત સ્થળ Pondicherry છે.

દક્ષિણી રાજ્ય તમિલનાડુના પૂર્વ કાંઠે પોંડિચેરી તો સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. પણ તેનો આધુનિક ઈતિહાસ ભારતના ગુલામીકાળ વખતે શરૃ થયો. બાકી તો છેક પહેલી સદીમાં અહીં બજાર ભરાતું હતું અને બજાર માટે વપરાતા તમિલ શબ્દ ‘પોદુકા’ નામે એ સ્થળ ઓળખાતું હતું. રોમનોએ પોતાનાં સંદર્ભોમાં એ નામ વાપર્યું છે, તો ગ્રીકોના ઈતિહાસમાં આ સ્થળ ‘પોડુસેરી’ તરીકે ઓળખાવ્યું છે. મૂળ તો આ નગર શબ્દ ‘પોડુ (નવો)’ અને ‘ચેરી (રહેણાંક વિસ્તાર)’ એ બન્ને શબ્દોનું મિશ્રણ છે. આઠમી સદીમાં અહીં સંસ્કૃતની પાઠશાળા સ્થપાઈ તો વળી મુની અગત્સ્યએ અહીં તપ કર્યું હતું એવો પણ ઈતિહાસ અને ધાર્મિક માન્યતા છે. સમય જતાં પલ્લવ અને પછી ચોલા સામ્રાજ્યના ભાગ તરીકે આ નાનકડો વિસ્તાર વિકસતો-વિસ્તરતો રહ્યો. દક્ષિણ ભારતના પ્રતાપી વિજયનગર સામ્રાજ્યએ પણ 1638 સુધી પોંડિચેરી/Pondicherry પર રાજ કર્યું હતું.

એક સમયે કેનાલની એક તરફનો વિસ્તાર તમિલ રહેવાસીઓ માટે આરક્ષિત હતો, બીજી તરફ ફ્રેન્ચોની વસાહત હતી. તમિલ વિસ્તારને ‘વિલે નોઈર (અશ્વેત નગર)’ અને ફ્રેન્ચ વિસ્તારને ‘વિલે બ્લાંશ (શ્વેત નગર)’ નામ અપાયું હતું. હવે એવો રંગભેદ તો રહ્યો નથી, પરંતુ અનેક બ્લાંશ વિલે અહીં જોવા મળે છે. સાદગી અને સોંદર્યનો સંગમ ધરાવતો સફેદ કલર ધરાવતા અનેક ફ્રેન્ચ ઢબના મકાનો અહીં હજુ સચવાઈ રહ્યા છે. તો ફ્રેન્ચયુગની શહેરની સૌથી જૂની શેરી ‘રૃઈ ડુમા (Rue Dumas)’ ચાલીને ફરવાં જેવી છે. આ શેરીમાં ફ્રેન્ચ બાંધકામ ધરાવતી કેટલીક હોટેલ પણ છે, ફ્રાન્સમાં આવ્યાનો અહેસાસ લેવા પ્રવાસીઓ ત્યાં રહેવાનું પસંદ કરતાં હોય છે. એવી જ રીતે ‘રોમાં રોલા સ્ટ્રીટ’ પણ છે!

અરવિંદ આશ્રમ અને એરોવિલ

આધ્યાત્મિક જગતમાં મહર્ષિ અરવિંદની બહુ મોટી અસર છે. અરવિંદનું નામ આવે એટલે સાથે સાથે Pondicherry અચૂક યાદ આવે. કેમ કે કલકતામાં 1872માં જન્મેલા અરવિંદ 1910માં પોંડિચેરી આવ્યા હતા. એ પછી આજીવન ત્યાં જ રહ્યાં. અહીં તેમણે આશ્રમ સ્થાપ્યો અને ભારતીય સંસ્કૃતિમાં ઝબોળાયેલા પોતાના ફિલોસોફિકલ વિચારોને એક કાયમી સરનામું આપ્યું. ઈંગ્લેન્ડમાં સિવિલ સર્વિસ ભણી ચૂકેલા અરવિંદે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. સુભાષબાબુ સહિતના અનેક નેતાઓ પર અરવિંદનો ઊંડો પ્રભાવ હતો. અરવિંદના આધ્યાત્મિક વિચારોથી પ્રભાવિત થઈને પેરિસથી મિરા અલફાસા નામના મહિલા પણ અહીં આવ્યા હતા અને કાયમી ધોરણે અહીં જ રહ્યા હતા. તેમણે અહીં ભારતમાં ‘માતાજી’ નામ ધારણ કર્યું હતું. આજે દુનિયાભરમાં યોગનો વ્યાપ વધી રહ્યો છે. અરવિંદે એમના સમયમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય ઉપરાંત અંતરમનની શુદ્ધિનો નવો ખ્યાલ આપ્યો હતો. એ યોગનો પ્રભાવ હવે તો સર્વત્ર ફેલાયેલો છે તેમાં થોડો ફાળો અરવિંદ અને માતાજીનો ગણવો રહ્યો.

Pondicherry/પોંડિચેરી જતા પ્રવાસીઓને આધ્યાત્મમાં રસ ન હોય તો પણ એ અરવિંદ આશ્રમમાં આંટો મારવાનું ચૂકતા નથી. અહીં અરવિંદ અને માતાજીની સમાધિ પણ છે. અમુક બાંધકાકોમાં ફ્રેન્ચ ઢબની અસર જોવા મળે છે, કેમ કે એ મૂળ ફ્રાન્સિસીઓએ બનાવેલા મકાનો જ છે. આશ્રમ જીવનમાં જરૃરી હોય એવી તમામ સુવિધાઓ આશ્રમની ચાર દીવાલમાં સમાવી લેવાઈ છે. જ્યારે ભૌતિક સુવિધાઓને બને એટલી દૂર રાખવામાં આવી છે. પ્રવાસીઓ ઈચ્છે તો અહીં ટૂંકું રોકાણ પણ કરી શકે છે. આગંતુકો અહીં સવારના 8થી 12 અને બપોરે 2થી સાંજે 6 સુધી મુલાકાત લઈ શકે છે. વધુ વિગત સત્તાવાર વેબસાઈટ https://www.sriaurobindoashram.org/ પરથી મળશે.

અરવિંદે આશ્રમ ઉપરાંત અહીં એરોવિલ નામના એક વિશ્વ નગરની સ્થાપના કરી હતી. વિશ્વ નગર એટલે કેવું? એવું નગર જ્યાં દુનિયાના કોઈ પણ ખૂણેથી આવતો નાગરિક પોતાની તમામ ઓળખ બાજુ પર મુકીને નવી વિશ્વ નાગરિક તરીકેની ઓળખ સાથે રહી શકે. આવું સ્થળ ઉભું કરવાનો ઉદ્દેશ સમુહ જીવન વિકસે, લોકો ભાગદોડથી દૂર શાંતિ અને સંતોષભર્યું જીવન જીવી શકે, સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી શકે અને મુક્તિનો શ્વાસ લઈ શકે એવો હતો. પોંડિચેરી શહેરથી આઠેક કિલોમીટર દૂર આવેલા આ સ્થળની શરૃઆત 1968માં થઈ ત્યારે 124 દેશના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. કોઈ વ્યક્તિ પોતાની મરજી મુજબ આવું આંતરરાષ્ટ્રીય નગર ઉભું ન કરી શકે કેમ કે તેમાં નાગરિકતા સહિતના અનેક પ્રશ્નો આવે. એટલા માટે ભારત સરકારના પ્રયાસથી આ નગરને ‘રાષ્ટ્રસંઘે’ માન્યતા આપી હતી. આવી માન્યતા ધરાવતું આ જગતનું એકમાત્ર નગર છે, જેમાં આખુ જગત સમાયેલું છે. અત્યારે ત્યાં 44 વિવિધ દેશના નાગરિકો વસે છે.

નગરમાં જરૃર હોય એવી ગૃહ ઉદ્યોગથી માંડીને બાગ-બગીચા સહિતની સુવિધાઓ અહીં વિકસાવાઈ છે. પ્રવાસીઓ અહીં રહે એ દરમિયાન પોતાને માફક આવે એવું કામ કરી શકે છે, મદદ કરી શકે છે. એ માટેની તમામ માહિતી તેની વેબસાઈટ https://www.auroville.org/ પર આપવામાં આવી છે. જોકે એરોવિલેની લોકપ્રિયતાને કારણે પોંડિચેરીમાં ઘણી હોટેલ-ગેસ્ટહાઉસના નામ આગળ ‘એરો’ શબ્દ લગાડી દેવાયો છે. પરંતુ એ કોઈને આ આશ્રમ-નગર સાથે લેવા-દેવા નથી.

પ્રોમેન્ડી બિચ

Pondicherryને કુલ 32 કિલોમીટર લાંબો દરિયાકાંઠો મળ્યો છે, અનેક સ્થળે બિચ તરીકે વિકાસ થયો છે. એ બધામાં સૌથી લોકપ્રિય ‘પ્રોમેન્ડી બિચ’ છે. ત્યાં ગાંધીજીની વિશાળ પ્રતિમા હોવાથી ‘ગાંધી બિચ’ નામે અને માત્ર બિચ નામે પણ જાણીતો છે.  દોઢ કિલોમીટરનો આ કાંઠો પ્રાઈમ એરિયા કહી શકાય કેમ કે પોંડિચેરીના ઘણા જાણીતા બાંધકામ તેના કાંઠે આવી જાય છે. ગાંધીજી ઉપરાંત અહીં ફ્રાન્સના ઈતિહાસમાં અમર થયેલી યુવતી જોન દ આર્કની પ્રતિમા પણ છે. જોકે પ્રવાસીઓ માટે પોરો ખાવાનું સ્થળ ગાંધીજીની પ્રતિમા છે. 13 મીટર ઊંચી પ્રતિમા આસપાસ આઠ પિલ્લરથી ઘેરાયેલી છે, એટલે પહેલી નજરે કોઈ રોમન બાંધકામ હોય એવુ પણ લાગે.

સાંજે અહીં સૂર્યાસ્ત જોવા લોકોની ભીડ જામે છે. ગાંધી ચોકમાં એક ટનલ છે. હવે તો બંધ થઈ ગઈ છે, પરંતુ એક સમયે ખુલ્લી હતી ત્યારે લોકો તેમાં થઈને 60થી વધુ કિલોમીટર દૂર આવેલા સેન્જી બંદરે પહોંચવાનો પ્રયાસ કરતા હતા. કેમ કે ટનલ ત્યાં સુધી પહોંચાડે એવી માન્યતા હતી. આ કાંઠે ફ્રેન્ચોએ ‘ધ મેરિ’ નામનું ટાઉનહોલ પ્રકારનું મકાન બનાવ્યું હતું. ફ્રેન્ચ આર્કિટેક્ટના ઉત્તમ નમુના જેવુ એ મકાન 2014ના વરસાદમાં ભારે નુકસાનગ્રસ્ત થયું. માટે હવે રિપેરિંગ ચાલે છે.

પેરેડાઈઝ બિચ

Pondicherryમાં પ્રવાસીઓને મજા કરાવતો બીજો બીચ કાંઠે નહીં જરા દૂર સમુદ્રમાં આવેલો ‘પેરેડાઈઝ બિચ’ છે. ત્યાં ફેરી બોટ દ્વારા જઈ શકાય છે. પેરેડાઈઝ નામ પ્રમાણે શાંતિનો અહેસાસ કરાવે એવો ભીડભાડ રહીત અને સ્વચ્છ કાંઠો છે. અલબત્ત, વીકએન્ડમાં ભીજ જામે ખરી. ફિલ્મ પાકિઝામાં રાજકુમાર હિરોઈનના સુંદર પગ જોઈને કહે છે કે તેને જમીન પર ન રાખશો, મેલા થઈ જશે.. પણ જો રાજકુમાર પેરેડાઈઝ બિચ જૂએ તો કહી શકે કે અહીં જમીન પર રાખો કેમ કે મેલા થવાનો કોઈ ડર નથી. કાંઠો એટલો સુંદર છે, સાથે રેતી નરમ હોવાથી તેમાં ચાલવાની અનોખી મજા છે. અહીં વોટર સ્પોર્ટ્સ, બિચ ગેમ્સ, બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિના વિકલ્પો ખુલ્યાં છે. દૂરથી આ બિચને જોવામાં આવે તો એ ચંદ્ર આકારનો લાગે એટલે તેને ફૂલ મૂન બિચ પણ કહેવામાં આવે છે.

અહીં રાત રોકાવાની છૂટ કે સગવડ નથી, માટે સાંજ પડ્યે વળતી હાઉસબોટમાં ચડીને મુખ્યકાંઠે આવી જવું પડે. બીજી વિશિષ્ટતા એ છે કે બિચ પર પ્રવેશની 150 રૃપિયા ફી રાખવામાં આવી છે. એ રીતે ત્યાં ખુરશી સહિતની સગવડ મળે છે, પરંતુ તેનો કલાકદીઠ ચાર્જ ચૂકવવાનો રહે છે.  અહીં ખાણી-પીણી જરા મોંઘી લાગી શકે એટલે ચૂનામ્બારના કાંઠેંથી ફેરીમાં ચડતા પહેલા જરૃરી સામગ્રી સાથે રાખવી વધારે યોગ્ય ગણાશે.

હેરિટેજ વોક

ફ્રાન્સિસીઓના કબજા વખતનું Pondicherry કેવું હતું એ જાણ્યા વગર શહેરનો પ્રવાસ અધુરો રહે. અને એ જાણવા માટે હેરિટેજ વોકનો હિસ્સો બનવું જ રહ્યું. ફિલ્મોમાં જોયુ હોય કે હિરો એક બિલ્ડિંગની છત પરથી બીજી, ત્રીજી, ચોથી બિલ્ડિંગ ઠેકતો જાય.. એવા બિલ્ડિંગોની હારમાળા અહીં જોવા મળે છે, જેની છત એકબીજા સાથે જોડાયેલી છે. આવા વિસ્તારમાં પોંડિચેરીનો ઈતિહાસ-વર્તમાન દર્શાવતી કુલ મળીને 3 હેરિટેજ વોક થાય છે.

  • એક વોક અરબિંદો આશ્રમ અંગેની છે, જેમાં અડધી-પોણી કલાકમાં બહારથી આશ્રમ, તેના કેટલાક મહત્ત્વના બાંધકામ, ફ્રેન્ચ કોન્સ્યુલેટ ઓફિસ, ફ્રેન્ચ વોરમાં ભાગ લીધેલા સૈનિકોનું સ્મારક સ્થળ.. વગેરે 14 સ્થળોના દર્શન કરાવાય થાય છે. આશ્રમ ઓફિસથી શરૃ થતી વોક 1 કિલોમીટરના અંતે આશ્રમના ડાયનિંગ હોલ પાસે પુરી થાય છે.
  • બીજી વોક ફ્રેન્ચ હેરિટેજ અંગેની છે, જે Pondicherryની મૂળ ઓળખ છે. 2 કિલોમીટર લાંબી સફર લગભગ સવા-દોઢ કલાકમાં પુરી થાય છે. ‘પોંડિચેરી ટુરિસ્ટ ઈન્ફર્મેશન પોઈન્ટ’થી આરંભાતી આ યાત્રા વિવિધ 28 સ્થાપત્યો ફેરવીને ફરી ત્યાં જ પ્રવાસીઓને લઈ આવે છે. પીળાં, બ્લુ, કેસરી કલરથી સુશોભિત મકાનો, ફ્રેન્ચ ઢબની કમાન-બારીઓ ધરાવતા બાંધકામ, પ્રાંગણમાં નાના-મોટા ગાર્ડન.. વગેરે જોઈને થોડી વાર માટે 18મી સદીના યુરોપમાં પહોંચી ગયા હોઈએ એવો અનુભવ કરાવે.
    આ સફરમાં ફ્રેન્ચ વોર મેમોરિયલ, ટાઉનહોલ, પીળા-સફેદ કલરથી શોભતું ફ્રેન્ચ કોન્સ્યુલેટ જનરલનું કાર્યાલય (જૂનું એડમિરલ હાઉસ), જૂની દિવાદાંડી, રાજ નિવાસ, મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, બર્લિનના આર્ક દ ટ્રાયમ્ફની યાદ અપાવે એવો આયી મંડપમ. વગેરે બાંધકામોનો સમાવેશ કરી લેવાયો છે.  આ વોક ચૂકવા જેવી નથી. સમગ્ર વિસ્તારમાં ઘણા મકાનો એવા પણ છે, જેની આગળ વિશાળ કમ્પાઉન્ડ, કમ્પાઉન્ડ ફરતે કલાત્મક જાળી, જગ્યા પ્રમાણે બગીચા, બનાવેલા છે. એ સ્થાપત્યોને કારણે જ આ વિસ્તાર સમગ્ર નગરથી અલગ પડે છે.
  • ત્રીજી વોક તમિલ સંસ્કૃતિને સમર્પિત છે. આ વોકમાં તમિલ ઢબના મકાન, તમિલ મંદિર, સ્કૂલ-કોલેજ, ફ્રેન્ચ ગવર્નરનું એક મકાન, વગેરેનો સમાવેશ થાય છે. 2 કિલોમીટરની સફર લગભગ 1 કલાકમાં પુરી થાય છે. ‘ઈશ્વરન કોઈલ મંદિર’થી શરૃ થતી વોક ‘વીઓસી સ્કૂલ’ના દરવાજા સુધી લઈ જાય છે.

આ ત્રણેય વોક Pondicherry ટુરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવે છે. તેની માહિતી http://www.pondytourism.in/ પરથી મળશે. આ વોક સિવાય ખાનગી હેરિટેજ વોક પણ થાય છે, જે પ્રવાસીઓની જરૃર મુજબ 1 કલાકથી લઈને 3 કલાક સુધી ચાલતી હોય છે.

આ વોકમાં ટૂંકી સફર કરી લીધા પછી કેટલાક સ્થળોમાં રસ પડે તો અલગથી તેની સફર કરી શકાય છે. જેમ કે ‘ફોયર દ સોલ્દાત’ નામનું સ્થળ ઐતિહાસિક છે, કેમ કે ભારતમાં ફ્રાન્સ અને બ્રિટિશરો વચ્ચે પહેલી લડાઈ ઓગસ્ટ 1778માં અહીં થઈ હતી. ફ્રેન્ચ મેમોરિયલ છે તો કારગિલ વિજયનું પણ સ્મારક છે. બીચ પર આવેલી 27 મીટર ઊંચી જૂની દિવાદાંડી પ્રવાસીઓનું મન લલચાવ્યા વગર રહેતી નથી. સવારના 8થી 12.30 અને 1.30થી 5.30 દરમિયાન દસ રૃપિયાની મામુલી ફી ભરીને તેની મુલાકાત લઈ શકાય છે.

પોંડિચેરીના વધુ કેટલાક સ્થળો બીજા ભાગમાં…

Image courtesy
http://tourism.gov.in/puducherry
http://www.pondytourism.in
https://twitter.com/pondytourism

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *