સસ્તામાં સિદ્ધપુરની જાત્રા : 5000માં જ ફરી શકાય એવા ભારતના 10 સ્થળોનું લિસ્ટ

ફરી શકાય

ભાગ્યે જ એવું ­­કોઇ હશે કે જેને હરવા ફરવાનો શોખ નહીં હોય. સામાન્ય રીતે બધા લોકોને ફરવાનું અને નવી નવી જગ્યાઓ પર જવાનું પસંદ હોય છે. જો કે વાસ્તવિકતા એ પણ છે કે દરેક વ્યક્તિને હરવા ફરવાનું પોસાતું નથી હોતું. કારણ કે પ્રવાસમાં ખર્ચો પણ એટલો થાય છે, કે જે બધા માટે શક્ય નથી. આ જ કારણસર ઘણા લોકો માટે ટ્રાવેલિંગ એ માત્ર સપનું જ બની રહે છે. ત્યારે આજે તમને ભારતના એવા સ્થળો વિશે માહિતિ આપવી છે કે જ્યાં તમે ઓછા ખર્ચે અને તમારા બજેટમાં ફરવા જઇ શકો છો. માત્ર 5000 રુપિયામાં આ સ્થળોનો પ્રવાસ થઇ શકે છે. માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે. ત્યારે આવો જાણીએ કે એવા ક્યાં સ્થળો છે કે જ્યાં ફરવા જવા માટે માત્ર 5000 રુપિયાનો ખર્ચ થાય છે?

1. જયપુર, રાજસ્થાન

રાજસ્થાની આતિથ્ય, ભોજન, પરંપરા, સંસ્કૃતિની સાથે રાજસ્થાનના આત્માનો અનુભવ કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા એટલે જયપુર. પિંક સિટી તરીકે પણ ઓળખાતા આ શહેરમાં અનેક ઐતિહાસિક સ્મારકો અને ધરોહર આવેલા છે. પ્રાચીન સ્મારકો રાજપુતાના ઇતિહાસની સાક્ષી પુરે છે. તો જયપુરની શેરીઓ સ્વાદના શોખીનો માટે ખજાના સમાન છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 1500 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા : ગોસ્ટોપ હોસ્ટેલ, એક રાત્રિના 250 રુપિયા
  • આદર્શ સમય : 2-3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ
  • મુખ્ય આકર્ષણ : આમેરનો કિલ્લો, જળ મહેલ, હવા મહેલ, નાહરગઢ કિલ્લો

2. ઋષિકેષ, ઉત્તરાખંડ

આદ્યાત્મિક અનુભવ લેવા માંગતા લોકો અને એડવેન્ચરના શોખીન લોકો માટે ઋષિકેષ શ્રેષ્ઠ જગ્યા છે. માત્ર આટલું જ નહીં પરંતુ આ જગ્યાનો પ્રવાસ બજેટ ફ્રેન્ડલી પણ છે. રિવર રાફ્ટિંગથી લઇને બંજી જમ્પિંગ સુધી ઋષિકેષમાં પાકિટને વધારે તસ્દી આપ્યા વિના ઘણું કરી શકાય તેમ છે. આ સિવાય પવિત્ર ગંગા નદીના કિનારે આત્માની અનુભૂતિ પણ થઇ શકે છે. જેની પાર્શ્વભૂમિમાં તમને મંદિરોમાંથી આવતા ઝાલરના અવાજ સંભળાશે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 1000થી 2000 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા : ઝોસ્ટેલ અને ગોસ્ટોપ હોસ્ટેલ, એક રાત્રિના 350 રુપિયા
  • આદર્શ સમય : 3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય : સપ્ટેમ્બરથી જૂન
  • મુખ્ય આકર્ષણ : રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, ક્લિફ જમ્પિંગ, લક્ષ્મણ ઝુલા

3. મૈકલોડ ગંજ, હિમાચલ પ્રદેશ

મૈકલોડ ગંજ હિમાચલ પ્રદેશના કાઁગડા જિલ્લામાં આવેલું એક શહેર છે.ધર્મશાળાને અડીને આવેલા આ શહેરને છોટા લ્હાસા પણ કહેવામાં આવે છે.ચીને જ્યારે તિબેટ પર કબ્જો કર્યો ત્યાર બાદ તિબેટના કેટલાક વિસ્થાપિતો અહીં આવીને વસ્યા છે. જેથી મૈકલોડ ગંજમાં તમને તિબટિયન મઠ, લાઇબ્રેરી, આર્કાઇવ્સ વગેરે જોવા મળશે. ટૂંકમાં આ જગ્યાને તમે મિની તિબેટ કહી શકો. જ્યાં તમને તિબેટિયન સંસ્કૃતિનો પરિચય થશે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 800થી 1000 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :બેકપેકર્સ ઇન હોસ્ટેલ, એક રાત્રિના 250 રુપિયા
  • આદર્શ સમય : 3-4 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :ઓક્ટોબરથી જૂન
  • મુખ્ય આકર્ષણ : મઠ, શોપિંગ, કાફે, યોગ, ટ્રેકિંગ

4. બિનસર, ઉત્તરાખંડ

બિનસર એ ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં છુપાયેલું એક શાંત ગામ છે. જો તમે શહેરની ભીડભાડ અને દોડધામથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવા માંગો છો તો બિનસર આપના માટે શ્રેષ્ઠ જગ્યા છે. હિમાલયના બરફ આચ્છાદિત પહાડોને જોઇને આનંદની લાગણી થશે. તો અભ્યારણ્ય અને ખીણો પણ તમને ગમશે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 1000થી 1500 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :ગોસ્ટોપ હોસ્ટેલ, એક રાત્રિના 500 રુપિયા
  • આદર્શ સમય :2-3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :આખુ વર્ષ
  • મુખ્ય આકર્ષણ : બિનસર હિલ, બિનસર અભ્યારણ્ય, ખલી એસ્ટેટ

5. જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

ભારતના સૌથી પ્રસિદ્ધ નેશનલ પાર્કમાંનો એક જિમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલો છે. વન્યજીવો પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ઉત્તમ જગ્યા છે. અહીં તમને રાષ્ટ્રીય પ્રાણી વાઘ, હાથી, ચિતલ, સાંભર, નીલગાય સહિતના અનેક પ્રાણીઓ જોવા મળશે. જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં 580 પ્રજાતિના પક્ષીઓ અને 50થી વધારે પ્રકારના પ્રાણીઓ રહે છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 4000 રુપિયા બે દિવસના (ભોજન, ટ્રાંસપોર્ટ, એન્ટ્રી)
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :ફોરેસ્ટ લોજ
  • આદર્શ સમય : 2 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :15 ઓક્ટોબરથી 15 જૂન
  • મુખ્ય આકર્ષણ :જંગલ સફારી (બેંગાલ ટાઇગર, હિમાલયન હરણ, ચિતા)

6. મહાબળેશ્વર, મહારાષ્ટ્ર

વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમી ઘાટ પ્રાકૃતિક સુંદરતા અને કુદરતી સૌદર્યનો ખજાનો છે. વેસટર્ન ઘાટમાં આવેલું મહાબળેશ્વર પણ કુદરતી વૈભવથી ભરપુર છે. મહાબળેશ્વરનો સમાવેશ દેશના મુખ્ય હિલ સ્ટેશનમાં પણ થાય છે. જ્યાં આખું વર્ષ પ્રવાસીઓની ચહલ પહલ જોવા મળે છે. નદીઓ, ઝરણા, પર્વતો, લીલોતરી વગેરે પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની સવાર અને સાંજ અપ્રતિમ સૌંદર્ય અને શાંતિથી ભરપુર હોય છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 2000 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :પંચગની ઝોસ્ટેલ, એક રાત્રિના 1099 રુપિયા
  • આદર્શ સમય : 2-3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય : આખુ વર્ષ
  • મુખ્ય આકર્ષણ :મેપ્રો ગાર્ડન, પ્રતાપ ગઢ, ઘોડેસવારી, ટ્રેકિંગ

7. સેલવાસ, દાદરા અને નગર હવેલી

પોર્ટુગીઝ સંસ્કૃતિ અને ભોજન સાથે સેલવાસ ઇતિહાસ પ્રેમી લોકો માટે પ્રસિદ્ધ સ્થળ છે. અહીં જ્યારે પોર્ટુગીઝ શાસન હતું ત્યારે તેને વિલા ડી પાકો ડી’આર્કોસ તરીકે ઓળખવામાં આવતું હતું. સેલવાસ મુખ્યત્વે તેના રમણીય બીચ માટે પણ જાણીતું છે. સેલવાસ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીની રાજધાની છે. વન્ય જીવ અને પ્રકૃતિમાં રસ ધરાવતા લોકો માટે આ ઉત્તમ જગ્યા છે. આ સિવાય પોર્ટુગીઝ સ્થાપત્યના નમુનાઓ પણ અહીં અજોડ છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 2000 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :હોમસ્ટે, એક રાત્રિના 1500 રુપિયા
  • આદર્શ સમય : 2દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :નવેમ્બરથી માર્ચ
  • મુખ્ય આકર્ષણ :દાદરા પાર્ક, વૃંદાવન મંદિર, રોમન કૈથલિક ચર્ચ, સફારી પાર્ક, મધુવન બંધ

8. અલીબાગ, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું અલીગઢ સમુદ્ર કિનારે વસેલું એક શાંત અને સુંદર શહેર છે. ત્રણ બાજુએથી સમુદ્ર વડે ઘેરાયેલું અલીબાગ ખાસ કરીને કપલ ડેસ્ટિનેશન માટે પ્રસિદ્ધ છે. આ સિવાય અલીબાગની અંદર કોલાબા કિલ્લો આવેલો છે, જેને છત્રપતિ શિવાજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અલીબાગના સમુદ્ર કિનારા પર કાળા રંગની રેતી જોવા મળે છે. મહારાષ્ટ્રના ગોવા તરીકે ઓળખાતું આ શહેર સુંદરના સાથે સ્વચ્છ પણ છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 2500 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા : હોમસ્ટે, એક રાત્રિના 1500 રુપિયા
  • આદર્શ સમય : 2-3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :ઓક્ટોબરથી જુલાઇ
  • મુખ્ય આકર્ષણ :અલીબાગ કિલ્લો, હિરાકોટ કિલ્લો, કનકેશ્વર મંદિર, કોલાબા કિલ્લો, કિહિમ બીચ, ખંડેરી કિલ્લો, નાંગાવ બીચ

9. ઉટી, તામિલનાડૂ

તામિલનાડૂમાં નિલગીરીના પહાડોમાં આવેલું એક સુંદર શહેર એટલે ઉટી. આ શહેરનું ઓફિશયલ નામ ઉટકમંડ છે. જો કે પ્રવાસીઓમાં તો ઉટી નામ જ પ્રચલિત છે. ઉટી એ પ્રાચીન સમયથી ભારતનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. ઉટી શહેરની ચારેબાજુ આવેલી નીલગીરી પર્વતમાળાના કારણે તેની સુંદરતામાં અનેકગણો વધારો થાય છે. ચાના બગીચાથી લઇને હરિયાળીથી ભરપુર પહાડો અને ધૂમ્મસ તથા હાથ વડે આંબી શકાય તેટલા નીચા વાદળો. આ તમામ વસ્તુ ઉટીને ખાસ બનાવે છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 1500 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :ઝોસ્ટેલ ઉટી, એક રાત્રિના 650 રુપિયા
  • આદર્શ સમય : 2-3 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય :આખુ વર્ષ
  • મુખ્ય આકર્ષણ :રોઝ ગાર્ડન, વેક્સ મ્યુઝિયમ, ઉટી લેક, ચોકલેટ મ્યુઝિયમ, પયકારા લેક, એવલેંચ

10. મૈસુર, કર્ણાટક

કોઇ પણ ઇતિહાસ પ્રેમી વ્યક્તિ માટે મૈસૂર શ્રેષ્ઠ શહેર છે. કર્ણાટક રાજ્યની સાંસ્કૃતિ રાજધાની મૈસૂર પોતાના શૈહી વૈભવ અને ઠાઠ માઠ માટે જાણીતું છે. મૈસૂરની શેરીઓમાં ફરતા ફરતા તમે ભારતના સમૃદ્ધ ઇતિહાસથી રુબરુ થઇ શકશો. મૈસૂર શહેરની હવેલીઓ, ગાર્ડન, બાંધકામ અને ચમક દમક અહીં આવતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. આ સિવાય એક સર્વે પ્રમાણે મૈસૂર ભારતનું બીજા નંબરનું અને કર્ણાટકનું પ્રથમ નંબરનું સ્વચ્છ શહેર છે. સાથે જ મૈસૂરને સિટી ઓફ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • અંદાજિત ખર્ચ : વ્યક્તિ દીઠ 1200 રુપિયા પ્રતિદિન
  • રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા :ઝોસ્ટેલ મૈસૂર, એક રાત્રિના 500 રુપિયા
  • આદર્શ સમય : 2 દિવસ
  • પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય : ઓક્ટોબરથી ફેબ્રુઆરી
  • મુખ્ય આકર્ષણ :મૈસૂર પેલેસ, મૈસૂર પ્રાણી સંગ્રહાલય, વૃંદાવન ગાર્ડન, જગનમોહન પેલેસ, જયલ્ક્ષમી વિલાસ હવેલી

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *