Bangkokમાં ફરવાં જેવાં સ્થળો : ભાગ ૨

Bangkok/બેંગકોક શહેર સંસ્કૃતિ-પરંપરા જાળવીને બેઠેલું છે એટલે જ અહીં હજારેક મંદિરોનો ખડકલો પણ છે. એ શહેરના જોવા જેવા સ્થળની સફર..

પ્રવાસીઓ ઉપરાંત હવે બેંગકોક કમર્શિયલ હબ બની ગયું છે. દુનિયાની અનેક મોટી કંપનીઓની ઓફિસો ખૂલી છે, સ્કાયક્રેપર બંધાયા છે. ચકચકીત રોડ-રસ્તા ઉપરાંત શહેરમાંથી અનેક કેનાલો પસાર થાય છે, માટે તેને ‘પૂર્વનું વેનિસ’ પણ કહેવામાં આવે છે.

આપણે બેંગકોક કહીએ છીએ, તેનું સ્થાનિક નામ ‘ક્રૂપ થેપ’ છે. એ પણ વળી ટૂંકુ નામ છે. બાકી અસલ નામ તો 169 શબ્દોનું છે, જુઓ એટલે કે વાંચો – Krungthepmahanakhon Amonrattanakosin Mahinthara Yutthaya Mahadilok Phop Noppharat Ratchathani Burirom Udom Ratchaniwet Mahasathan Amonphiman Awatansathit Sakkathattiya Witsanukamprasit. થાઈલેન્ડના લોકો આપણી જેમ વાતોડિયા ગણાય છે. આ નામ જોઈને સમજી શકાય કે વાતોડિયા હોય તો જ આવુ નાઈલછાપ નામ રાખ્યું હોય. આ નામનો અર્થ વળી આવો થાય છે – ‘દેવદૂતોનું શહેર, આત્માઓનું મહાન નગર, નવ રત્નોનું મહાનગર, રાજગાદી અને રાજમહેલનું સ્થાનક, ઈશ્વરનો આવાસ અને વિશ્વકર્મા દ્વારા તૈયાર થયેલું દિવ્યધામ!’ તેના વધુ કેટલાક સ્થળો અહીં રજૂ કર્યા છે..

Bangkok સી-લાઈફ : કાચમાં બંધ દરિયાઈ સૃષ્ટિ

સફારી વર્લ્ડના મરિન પાર્કમાં ફરી લીધા પછી વધારે દરિયાઈ સૃષ્ટિનો અભ્યાસ કરવાનું મન થાય તો સી લાઈફ ‘સી લાઈફ બેંગકોક ઓશન વર્લ્ડ’ નામના એક્વેરિયમમાં જવું પડે. દસેક હજાર ચોરસ મિટરના વિસ્તારમાં 50 લાખ લીટરથી વધુ પાણી ભર્યું છે અને એમાં 400થી વધારે પ્રકારની દરિયાઈ પ્રજાતીઓ રહે છે. એવા પ્રાણીઓ અહીં ભેગા કરાયા છે, જે સામાન્ય રીતે જોવા માટે દુનિયાના વિવિધ મહાસાગરમાં ડૂબકી મારવી પડે. જેમ કે 18 ફીટ સુધી જેના પગ લાંબા થઈ શકે એવા જાયન્ટ સ્પાઈડર ક્રેબ, પેસેફિક મહાસાગરમાં થતા 30 ફીટ લાંબા ઓક્ટોપસ, સ્ટીંગ રે, પેગ્વિન, તારામાછલી, જાતજાતના કાચબા વગેરે… વિશાળ કાચની પાછળ રહેલા પ્રાણીઓને જોવા ઉપરાંત પ્રવાસીઓ કાચનું તળિયું ધરાવતી હોડીમાં બેસીને પાણીમાં સફર કરી શકે છે, મરજીવાનો પોશાક પહેરીને સમુદ્રના તળિયે વોકિંગ કરી શકે છે, ફોર-ડી સિનેમા દ્વારા નજર સામે ખડી થતી સૃષ્ટિ માણી શકે છે, તો વળી વધારે પડતી હિંમત હોય તો શાર્ક સાથે તરવાની પણ સુવિધા અહીં છે.

માછલીઘર સવારના 10થી 9 સુધી ખૂલ્લું રહે છે અને રાતના 8 વાગ્યા સુધી છેલ્લી ટિકિટ મળી શકે છે. જોકે આ એક્વેરિયમ અતી મોટું હોવાથી જેટલું વહેલું જવાય એટલી વધુ મજા છે. પ્રવાસીઓને મનોરંજન આપવા ઉપરાંત એકવેરિયમનો ઉદ્દેશ દરિયાઈ જગત વિશે જાણકારી વધારવાનો પણ છે. માટે અહીં વિદ્યાર્થીઓ માટે વિવિધ જાણકારીના વર્ગો પણ યોજાય છે. સત્તાવાર વેબ https://www.sealifebangkok.com પરથી એડવાન્સમાં બૂકિંગ કરાવી શકાય છે.

Bangkok લુમ્પિનિ પાર્ક : શહેરની ધમાલ વચ્ચે શાંતિ

શહેર વચ્ચે હોય એવો જ આ બગીચો છે, જ્યાં પ્રવાસીઓ શહેરની દોડધામથી મુક્ત થઈને બે ઘડી નિરાંતનો શ્વાસ લઈ શકે છે. પાર્કમાં નાનકડું તળાવ છે, જેમાં બોટિંગ પણ કરી શકાય છે. પાર્ક હોય ત્યાં વિવિધ પક્ષીઓ આવે જ. અહીં પણ આવે છે, જેમને પક્ષીઓમાં ખબર પડતી હોય, રસ હોય એ બર્ડ વોચિંગ કરી શકે છે.

Aerial Photograph at Lumphini Park, Bangkok

લોકો જોગિંગ-સાઈકલિંગ કરવા માટે પણ પાર્કમાં આવે છે. પાર્કમાં સ્મોકિંગની મનાઈ છે, એ રીતે પાલતુ પશુઓને લઈને જઈ શકાતું નથી. લાયબ્રેરી, રાજા રામ પાંચમાનું પૂતળું, જૂનવાણી બાંધકામ વગેરે પણ પાર્કના આકર્ષણો છે. જોકે પ્રવાસીઓને સ્તબ્ધ કરી દે એવું એક આકર્ષણ અહીં પાણીમાં રહેતી મોનિટર લિઝાર્ડ પ્રકારની કદાવર ગરોળી છે. ક્યારેક  કાંઠે જોવા મળે તો ક્યારેક રોડ ક્રોસ કરતી પણ નજરે પડી જાય. પાર્કમાં સવારના 4-30થી રાતના 9 સુધી વિનામૂલ્યે પ્રવેશી શકાય છે.

Bangkok ચો પ્રેયાહ નદીની ક્રૂઝ : જલમહેલની સફર

બેંગકોકની વચ્ચેથી ચો પ્રેયાહ નદી પસાર થાય છે. અહીં આવનારા પ્રવાસીઓ પાસે જો ઓછો સમય હોય અને શહેરના મહત્વના બધા લેન્ડમાર્ક જોઈ લેવા હોય તો એ રોજ સાંજે નદીની સફર કરાવતી ક્રૂઝ પસંદ કરે છે. એ રીતે જે પ્રવાસીઓને સાંજ ભવ્ય બનાવવી હોય એ પણ ક્રૂઝ પર ડિનર કરવાનું ચૂકતા નથી. અહીંના દૂરંદેશી ધરાવતા શાસકો નદીનો ઉપયોગ પ્રવાસન વિકાસ માટે કર્યો છે, જે પ્રવાસીઓને ભરપૂર મનોરંજન આપે છે.

આ નદીમાં રોજ સાંજે 6.30 વાગ્યે બે ક્રૂઝ ઉપડે છે. બન્નેના નામ લગભગ સરખા છે, એટલે ગરબડ થવાની શક્યતા રહે છે. એકનું નામ ‘ચો પ્રેયાહ ક્રૂઝ’ છે, બીજીનું નામ ‘ચો પ્રેયાહ પ્રિન્સેસ ક્રૂઝ’ છે. બન્ને અલગ અલગ છે, પરંતુ પ્રવાસીઓ માટે લગભગ અનુભવ સરખો છે. આ ક્રૂઝ મૂળ તો નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાના ઈરાદાથી શરૃ થઈ હતી. આજે પણ ફ્લોટિંગ રેસ્ટોરાં જ છે, પરંતુ વધુ સુવિધાથી સજ્જ.

લગભગ બે કલાક ચાલતી સફર દરમિયાન સતત તન-મનને તરબતર કરી દેતું સંગીત વાગતું રહે છે, પ્રવાસીઓને તેમની પસંદ પ્રમાણેનું ભોજન પિરસાય છે, થાઈલેન્ડનું પરપરાગત નૃત્ય રજૂ થાય છે. તો બહારની તરફ પસાર થતા એક પછી એક આકર્ષક પુલ, વિવિધ બાંધકામો, રોશનીથી જગમગતું શહેર પ્રવાસીઓને જકડી રાખે છે. ક્રૂઝનો રૃટ એવી રીતે પસંદ કરાયો છે કે વાટ અરૃણ જેવા થાઈલેન્ડના ઘણા આકર્ષણો બન્ને તરફ જોવા મળે છે. પ્રવાસીઓને થોડી વાર તો એવુ લાગે કે આપણે ભલે ટાઈટેનિકની સફર ન કરી શક્યા, પણ આ ક્રૂઝ કંઈ ટાઈટેનિકથી કમ નથી.

બન્ને ક્રૂઝની વેબસાઈટ અનુક્રમે https://chaophrayacruise.com/ તથા https://www.thaicruise.com છે. બૂકિંગ કરાવનારને નિર્ધારિત હોટેલ પરથી પિક-અપ અને ડ્રોપિંગની સવલત મળે છે. બુકિંગ વખતે ભુલમાં લોઅર ડેક પસંદ ન થાય, તેનું ધ્યાન રાખવું, કેમ કે શહેરને માણવાની મજા અપર ડેક પરથી જ આવશે.

Bangkok તરતું બજાર : થાઈલેન્ડની અજાયબી

બજાર આમ તો નક્કર ભૂમિ પર ઉભું રહી શકે. પણ જ્યાં નક્કર ભૂમિ ન હોય ત્યાં શું કરવું? લક્ઝરી માટે તો ઠીક પણ દૈનિક જરૃરિયાતની ચીજો ખરીદવા ક્યાં જવું? એટલે જે રીતે કાશ્મીરનું દાલ સરોવર ત્યાંના તરતા આવાસ (શિકારા) માટે પ્રખ્યાત છે, એમ થાઈલેન્ડ તરતાં માર્કેટ માટે પ્રસિદ્ધ થયું છે. થાઈલેન્ડમાં નાની-નાની નદી અને કેનાલોનો પાર નથી. રહેણાંક વિસ્તાર અને કર્મશિયલ એક્ટિવિટી પણ નદી-નાળા આસપાસ જ વિકસી છે. આપણે ત્યાં બાઈક જીવનજરૃરી ચીજ છે, એમ થાઈલેન્ડના કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે નાનકડી હોડી પ્રાથમિક જરૃરિયાતની ચીજ છે.

લોકો હોડીમાં જ સામાન ગોઠવીને વેચવા નીકળે છે, એમાં પછી ખેત-પેદાશ હોય, શંખ-છીપલા હોય, હેન્ડીક્રાફ્ટ્સ હોય કે બીજું કંઈ પણ હોય. જે-તે સમયે તો આ માર્કેટ સ્થાનિક જરૃરિયાતને ધ્યાનમાં રાખીને શરૃ કરાયા હતા, પણ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માર્કેટમાંથી પસાર થઈને તેનો આનંદ માણતા હોય છે, પણ અહીં કાંઠે બનેલા સ્ટેન્ડ પર પ્રવાસીઓ ઉભા રહે અને માર્કેટ તેની પાસે આવે છે. એટલે કે વિવિધ સામગ્રી લઈને હોડી તેમની પાસે આવે.

દક્ષિણ એશિયાના બીજા કેટલાક દેશોમાં આવા જળમાં સ્થળ તરીકે સ્થાપિત થયેલા માર્કેટ છે, પણ બેંગકોક શહેર પાસેના માર્કેટ જેવી પ્રસિદ્ધિ કોઈને મળી નથી. આ માર્કેટ થાઈલેન્ડની અજાયબી છે. પ્રવાસીઓનું આકર્ષણ જોઈને બેંગકોક શહેર આપસાપ જ ડઝનેક બજાર વિકસી ચૂક્યા છે. પ્રવાસીઓ હોડીમાં સવાર થઈને વેચનારાઓ સાથે નદીની સફર પણ કરી શકે છે. સાંકડી શેરીમાં સામ-સામ વાહનો અથડાય કે પછી અમદાવાદના લાલ દરવાજે ભીડ થાય એવી ભીડ આ સાંકડા માર્કેટમાં જોવા મળે છે.

વળી એક હોડીમાં પ્રવાસી સફર કરતાં હોય, બીજી હોડી બાજુમાંથી પસાર થાય એ કંઈક વેચતી હોય તો બન્ને હોડીના મુસાફરો નદી વચ્ચે ઉભા રહીને થોડી ગુફતેગો, ભાવ-તાલ પણ કરી લે. મોટા ભાગના માર્કેટ આખો દિવસ ખૂલ્લાં રહે છે. અડધો દિવસનો સમય લઈને માર્કેટ ફરી શકાય છે.

Chatuchak Weekend Market : જમીન પર ઉતરેલું નભોમંડળ

આકાશમાં ગેલેક્સી જોઈએ તો કેવા સંખ્યાબંધ તારાની હારમાળા દેખાય.. એવી જ દુકાનોની હારમાળા બેંગકોકના ચાટુચાક માર્કેટમાં જોવા મળે છે. આ માર્કેટ થાઈલેન્ડનું ગુજરી બજાર છે. અહીં વિવિધ 27 વિભાગમાં 15 હજાર સ્ટોલ-દુકાનો છે.

થાઈલેન્ડના ખૂણેખૂણેથી અહીં સામગ્રી વેચાય છે. વિવિધ ચીજ-વસ્તુ પ્રમાણે વિભાગો વહેંચી દેવાયા છે. જેમ કે એન્ટિક આઈટેમ્સ ખરીદવી હોય તો સેક્શન 1 અને 26માં જવુ પડે. પ્લાન્ટ્સ અને ગાર્ડનિંગ ટૂલ્સ માટે વિભાગ 3-4માં લટાર મારવી પડે, વસ્ત્રો માટે વિભાગ 2થી 6 અને 10થી 26માંથી પસાર થવું પડે. દરેક સ્ટોલની સાઈઝ સરખી છે, દરેક સ્ટોલની છત તંબુ ઉપર હોય એવા કાપડની બનેલી છે અને કાપડના રંગો અલગ અલગ છે. માટે રાતે જ્યારે બધા સ્ટોલની લાઈટ શરૃ થાય ત્યારે ઉપરથી જોતા એવુ લાગે જાણે નભોમંડળ નીચે પથરાયું છે. એ નજારો પ્રવાસીઓ જીવનભર ભૂલી શકતા નથી.

Train Night Market Ratchada, Bangkok

માર્કેટનું નામ વીકએન્ડ છે, પણ હકીકતે અઠવાડિયામાં પાંચ દિવસ ખૂલ્લું રહે છે. બુધ અને ગુરુવારે સવારના 6થી સાંજના 6 સુધી છોડ-વેલા-ફૂલો વેચાય છે. શુક્રવારે સવારે 6થી સાંજના છ સુધી હોલસેલ વેચાણ થાય છે અને વીકએન્ડ એટલે કે શનિ-રવિમાં બધુ જ વેચાય છે, મોડી રાત સુધી ખૂલ્લું પણ રહે છે. ખરી મજા વીકએન્ડમાં જ હોવાથી ભીડ પણ ત્યારે જોવા મળે છે. આ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે 2 લાખ લોકો આવે છે અને તેમાંથી 30 ટકા પરદેશી પ્રવાસી હોય છે. અહીં ખરીદીની મજા એટલા માટે આવે છે કે અહીં પ્રવાસીઓ ભાવ-તાલ કરી શકે છે.

****

Bangkok /બેંગકોકમાં મંદિરોનો પાર નથી, તો વળી આધુનિક આકર્ષણો પણ એટલા જ છે. અહીંની નાઈટ લાઈફ, વિવિધ બજાર, શોપિંગ એરિયા પણ એટલા જ લોકપ્રિય છે. પરંપરાગત થાઈ સંસ્કૃતિ છે, તો પશ્ચિમી દેશોની આધુનિકતા પણ છે.

શહેરને ખરેખર માણવુ જ હોય તો શરૃઆત ડોને મેઓંગ એરપોર્ટથી જ કરી શકાય. એરપોર્ટ પર ઉતરતી વખતે દેખાતો એરપોર્ટ કન્ટ્રોલ ટાવર આખા જગતમાં સૌથી ઊંચો છે, 132.2 મીટર. થાઈલેન્ડના વિકાસમાં પ્રવાસનનો ઘણો ફાળો છે. માટે દુનિયાના કોઈપણ ખૂણેથી અહીં આવનારા પ્રવાસીઓ પોતાની સાથે સોનેરી યાદો લઈને જ પરત જાય છે.

Image Courtesy
www.tourismthailand.org
www.royalgrandpalace.th
twitter.com/tat_india
twitter.com/chatuchakbkk
chaophrayacruise.com
www.thaicruise.com

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *