ઉદયપુર: City of Lakesમાં ફરવાં જેવાં સ્થળો

બે -ત્રણ દિવસની રજા ગાળવા માટે  રાજસ્થાનના અરવલ્લીના પહાડોની ઘાટીમાં આવેલ ઉદયપુર/City of Lakes સૌથી ઉત્તમ સ્થળ છે. રોમેન્ટિક શહેર ગણાતું ઉદયપુર તેના ઇતિહાસ,સંસ્કૃતિ અને ફરવાની આકર્ષક જગ્યાઓ માટે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.

– નિતુલ મોડાસિયા

ઉદયપુરમા આવેલ સાત કૃત્રિમ તળાવ ફતેહ સાગર, પિછૌલા લેક, રંગ સાગર, ઉદય સાગર, સ્વરૂપ સાગર, દુધ તલાઈના કારણે તે સીટી ઓફ લેક તરીકે પણ ઓળખાય છે. તે ઉપરાંત તળાવના કિનારે તથા તેમાં આવેલા ટાપુ પર બનાવેલ ઐતિહાસિક કિલ્લા, મહેલ, સંગ્રાલય, ગેલેરી, પ્રાકૃતિક સ્થળ, બગીચાઓ પાણી ઉપર વસેલ વેનિસ શહેરની‌ ઝાંખી કરાવે છે તેથી જ તેને પૂર્વ નું વેનિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદયપુરમાં જોવાલાયક સ્થળનું લિસ્ટ તપાસો..

ઉદયપુરમા આવેલ સાત કૃત્રિમ તળાવ ફતેહ સાગર, પિછૌલા લેક, રંગ સાગર, ઉદય સાગર ,સ્વરૂપ સાગર ,દુધ તલાઈના કારણે તે સીટી ઓફ લેક તરીકે પણ ઓળખાય છે. તે ઉપરાંત તળાવના કિનારે તથા તેમાં આવેલા ટાપુ પર બનાવેલ ઐતિહાસિક કિલ્લા, મહેલ, સંગ્રાલય, ગેલેરી, પ્રાકૃતિક સ્થળ, બગીચાઓ પાણી ઉપર વસેલ વેનિસ શહેરની‌ ઝાંખી કરાવે છે તેથી જ તેને પૂર્વ નું વેનિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદયપુરમાં જોવાલાયક સ્થળનું લિસ્ટ તપાસો..

પિછૌલા લેક

ઉદયપુરના મધ્યમાં આવેલ પિછૌલા તળાવ સૌથી જૂનું અને સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.ત્રણ માઈલ લંબાઈ, બે માઇલ પહોળાઈ તથા ૩૦ ફૂટની ઊંડાઈ ધરાવતું આ તળાવ તેની કુદરતી શાંતિ અને સુંદરતાના કારણે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. સૂર્યાસ્ત સમયે આખી જગ્યા સોનામાં ડુબાડવામાં આવી હોય તેવી સુંદર દેખાય છે.પર્યટકોને બોટિંગ કરવા માટે આ સૌથી ઉત્તમ સમય છે. લેકની અંદર આવેલા ચાર દ્વીપ પર બનાવેલ જગ મંદિર,જગ નિવાસ પેલેસ,મોહન મંદિર તથા અરસી વિલાસ ઉદયપુરના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

જગમંદિર 

પિછૌલા લેકની દક્ષિણ તરફ આવેલ જગમંદિર ત્રણ માળની આરસ તથા પીળા રેતીના પથ્થરનો બનેલ ઔતિહાસિક મહેલ છે લેક ગાર્ડન પેલેસના નામે ઓળખાતું જગમંદિરના પ્રવેશદ્વારમાં બનેલા આરસના ૮ હાથી પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ૧૫૫૧માં મહારાણા અમરસિંહે આ મહેલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું તથા 17મી સદીના આરંભમાં મહારાણા જગતસિંહે આ મહેલનું નિર્માણ પૂરું કરાવ્યું હતું. તેથી જ મહારાણા જગતસિંહ ના નામ પરથી તેનું નામ જગમંદિર રાખવામાં આવ્યું છે તે ઉપરાંત અહીં શાહજહાં તથા તેના પરિવારને રહેવા માટે ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમા બનાવવામાં આવેલ ગુલ મહેલ તથા એક મસ્જિદ, આરસના 12 સ્લેબથી બનાવવામાં આવેલો બાર પથ્થરનું મહેલ, કુવર લાડા મહેલ,ઝેનાહના મહેલ, સુંદર બગીચાઓ તથા ઇતિહાસ વિશે માહિતી આપતું સંગ્રહાલય પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે ઉપરાંત પર્યટકો ત્યાં આવેલ દરીખાના નામના રેસ્ટોરન્ટમાં પારંપારિક શુદ્ધ રાજસ્થાની ભોજનની મજા પણ માણી શકે છે.

જગ નિવાસ પેલેસ

૧૭૪૩ થી ૧૭૪૬ના ગાળામાં મહારાણા જગતસિંહ દ્વિતીય દ્વારા ઉનાળામાં રજા ગાળવા માટે જગ નિવાસ પેલેસનું નિર્માણ કરાવામા આવ્યું હતું. કાળા અને સફેદ આરસથી બનાવેલ જગ નિવાસ પેલેસને કીમતી પથ્થરો, બગીચા, ફુવારા અને આકર્ષિત કોતરણીવાળા ગુંબજ વગેરે થી સુશોભિત કરવામાં આવેલ છે.આ મહેલની વિશેષતા એ છે કે તે પૂર્વ દિશામાં બનાવવામાં આવ્યો છે જેથી કરીને રાજા-મહારાજાઓ ઉગતા સૂર્યની પૂજા કરી શકે.ત્યારબાદ મહારાણા ભગતસિંહે જગત નિવાસ પેલેસને ઉદયપુરની પહેલી લક્ઝરી હોટલમાં રૂપાંતરિત કરવાનું નક્કી કર્યું. આજ ત્યાં લેક પેલેસ નામે ઓળખાતી ૪૩ રૂમની લક્ઝુરિયસ હોટલ બનેલી છે જે વિશ્વ અને ભારતની સૌથી રોમેન્ટિક હોટલ માનવામાં આવે છે પર્યટકો ત્યાં હોટલ તરફથી આપેલ સ્પીડ બોટ દ્વારા જઈ શકે છે. 

ફતેહ સાગર લેક

ઉદયપુરમાં ઉત્તમ પશ્ચિમે સ્થિત ફતેહ સાગર લેક ઉદયપુરનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.ત્રણ ટાપુમાં વેચાયેલ ફતેહ સાગર લેકના સૌથી મોટા ટાપુ પર નેહરુ પાર્ક બનાવવામાં આવ્યું છે.ત્યા આવેલ બોટ આકારના રેસ્ટોરન્ટ તથા પ્રાણી સંગ્રહાલય બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.બીજા ટાપુ પર સાર્વજનિક ઉદ્યાન બનેલ છે જ્યાં વોટર જેટ ફુવારા બનાવવામાં આવ્યા છે,તથા ત્રીજા પર વેધશાળા સ્થિત છે.અહીંની પ્રાકૃતિક સુંદરતા તથા શાંતિના કારણે તે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે પર્યટકો મોતી મગરી રોડ પરથી ગાડી દ્વારા તળાવના કિનારે જઈને તળાવનો મોહક નજારો જોઇ શકે છે.તે ઉપરાંત પર્યટકો તળાવમાં બોટિંગ તથા અન્ય પાણી ની રમત ગમત ની મજા પણ માણી શકે છે.

સજ્જન ગઢ (મોનસુન પેલેસ)

ઉદયપુર પાસે આવેલ બાંસદરા પર્વત પર સમુદ્ર સપાટીથી ૯૪૪ મીટરની ઉંચાઇ પર સ્થિત સજ્જન ગઢ ૧૮૮૪માં મહારાણા સજ્જનસિંએ નિર્માણ કરાવ્યો આવ્યો હતો. આ મહેલને મોનસુન પેલેસ પણ કહેવામાં આવે છે કારણ કે મહારાણા સજ્જનસિંહે આ મહેલને વરસાદી વાતાવરણની મજા માણવા તથા વરસાદી વાદળો જોવા માટે બનાવડાવ્યો હતો.સફેદ આરસનો બનેલા આ મહેલ રાજસ્થાની શૈલીની અતુલ્ય રચના છે. પેલેસના વિશાળ ગુંબજ, સ્તંભ, રૂમ વગેરેમાં બનાવવામાં આવેલ કોતરણીકામ પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે. તે ઉપરાંત પર્યટકો અહીં થી પિછૌલા અને ઉદયપુર નો મનમોહક નજારો જોઇ શકે છે.

સિટી પેલેસ

પિછૌલા તળાવના કાંઠે એક ટેકરી ની ટોચ પર બનાવેલ સિટી પેલેસ ઉદયપુરનો સૌથી મોટો મહેલ છે.આ મહેલમાંથી આખા શહેરનો નજારો જોઇ શકાય છે.૧૫૫૯મા  મહારાણા ઉદયસિંહ દ્રિતીયેએ આ મહેલનું નિર્માણ શરૂ કરાવ્યું હતું જે ૧૧ તબક્કામાં પૂર્ણ થયું હતું.આ મહેલ બનાવવામાં 22 રાજાઓએ ફાળો આપ્યો હતો. આ મહેલની અંદર નાના-મોટા 11 મહેલો આવેલા છે,જેમાંથી દિલખુશ મહેલ, શીશ મહેલ, મોર ચોક, કૃષ્ણ વિલાસ મહેલ પર્યટકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તે ઉપરાંત અહીં બનેલ ગુંબજ, આંગણાં, કોરિડોર, ઓરડા, ઓસરી,  ટાવર અને લટકતા બગીચા આ મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ પેલેસના બે ભાગ, શિવ નિવાસ પેલેસ અને ફતેહ પ્રકાશ પેલેસને હોટલ માં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. સિટી પેલેસ માં જોવાલાયક સ્થળ આ પ્રમાણે છે.

1. ક્રિસ્ટલ ગેલેરી ફતેહ પ્રકાશ પેલેસ ની અંદર બનેલી ક્રિસ્ટલ ગેલેરી વિશ્વની સૌથી મોટી ક્રિસ્ટલ ગેલેરી છે. માનેક મહેલ તરીકે ઓળખાતી આ ગેલેરીમાં વિશ્વના સૌથી વિશિષ્ટ અને આકર્ષક ક્રિસ્ટલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૧૮૭૭માં રાણા સજ્જનસિંહએ આ ગેલેરી બનાવી હતી. તેમણે ઇંગ્લેન્ડના એફ એન્ડ સી કંપની પાસેથી કાચના વાસણ તથા અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી હતી પરંતુ આ વસ્તુઓ ભારત આવતાં પહેલા જ તેમનું નિધન થઈ ગયું, ત્યારબાદ ૧૯૯૪મા આ ગેલેરી પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવી. અહીં મૂકવામાં આવેલ આકર્ષક કાચની વસ્તુઓ જેમકે ખુરશી,બેડ, સોફા ,ઝુમર વગેરે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે

2. બડા મહેલ બડા મહેલ ના મુખ્ય દ્વારને ત્રિપોલીયા ગેટ તરીકે ઓળખવામાં આવે છે ૧૭૧૦માં મહારાણા સંગ્રામ સિંહ દ્રિતીયેએ તેનું નિર્માણ કરાવ્યું હતું .ત્રિપોલીયા નો અર્થ થાય ત્રણ ધ્રુવ અથવા ત્રણ દરવાજા.અહીં રાજાઓને સોનાચાંદીમાં જોખવામાં  આવતા અને ત્યારબાદ તે સોનાચાંદીને ગરીબોમાં વહેંચી દેવામાં આવતું હતું.આ ઘટનાની યાદી રૂપે ગેટ પર ૭ આર્ક  બનાવવામા આવેલ છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.આ મહેલની ઉપર હવા મહેલ બનેલો છે જે સો વર્ષ બાદ ભીમસિંહ બનાવડાવ્યો હતો. ત્રિપોલી ગેટની સામેની દીવાલને અગદ ના નામે ઓળખવામાં આવે છે જ્યાં હાથીઓની લડતનો ખેલ યોજાતો હતો.

3. દરબાર હોલ – દરબાર હોલની દિવાલો પર શસ્ત્રો અને પૂર્વ મહારાણા ઓ ના ચિત્ર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે જે રાજપુતના ઇતિહાસ, સંસ્કૃતિ વિશે માહિતી આપી છે.

એકલિંગજી મંદિર

ઉદયપુર થી 18 કિલોમીટરના અંતરે બે પહાડીઓની વચ્ચે મેવાડના આરાધ્ય દેવ ભગવાન શિવનું ભવ્ય એકલિંગજી મંદિર આવેલું છે. આ પરિસરની અંદર બીજા 108 મંદિર બનેલા છે. મુખ્ય મંદિરમાં ભગવાન શિવની 50 ફૂટની ચૌમુખી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તથા તેના પ્રવેશદ્વાર પાસે ભગવાન શિવના વાહક નંદીની પિત્તળની મૂર્તિ બનાવવામાં આવી છે. અહીંનુ શાંતિપૂર્ણ તથા અલૌકિક વાતાવરણ પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે.

વિન્ટેજ કાર મ્યુઝિયમ

15 ફેબ્રુઆરી ૨૦૦૦માં હોટેલ ગાર્ડન માં બનેલ વિન્ટેજ કાર મ્યુઝિયમ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં મેવાડના મહારાણા ની જુની તથા હાલની લક્ઝરી કારનો સંગ્રહ કરીને કાર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અહીં મૂકેલી 20 એન્ટિક કાર જેમાંથી ૧૯૩૯ ની ચાર રોલ્સ રોલ્સ રોયસ કાર, બે કેડિલેક ,એક એમજીટીસી કન્વર્ટિબલ્સ,મર્સિડીઝ ના દુર્લભ મોડલ, ૧૯૩૬નુ વોક્સહલ-૧૨ મોડલ,૧૯૩૭ના ઓપેલ મોડેલ વગેરે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

ગુલાબ બાગ

સજ્જનસિંહના શાસનકાળ દરમિયાન ૧૮૮૧મા ગુલાબ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથીજ તે સજ્જનસિંહ ઉદ્યાન નામે પણ ઓળખે છે .

  1. ટોય ટ્રેન – ગુલાબ બાગ માં પર્યટકો ટોય ટ્રેનમાં બેસીને ફરવાની મજા માણી શકે છે. આ ટ્રેનમાં બાળકો તથા મોટા લોકો પણ સફર કરી શકે છે.

2. સરસ્વતી ભવન પુસ્તકાલય – સરસ્વતી ભવન પુસ્તકાલય રાજસ્થાન નું સૌથી પહેલું પુસ્તકાલય છે આ પુસ્તકાલયમાં રાજસ્થાની પ્રાચીન વસ્તુઓ, શાહી ઘરેલુ વસ્તુઓ, ક્યુરિઓઝ વગેરે વિશે માહિતી આપતાં પુસ્તકો ઉપલબ્ધ છે તે ઉપરાંત ઇતિહાસ, પુરાતત્વ, ભારત શાસ્ત્ર અને કેટલીક હસ્તપ્રતોથી સંબંધિત ૩૨૦૦૦ પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

3. ગુલાબ બાગ ઝૂ – ગુલાબ બાગ ઝૂ  ચોથા નંબરનું સૌથી પ્રાચીન પ્રાણી સંગ્રહાલય છે અહીં હરણ, સિંહ , રિંછ વિવિધ પક્ષીઓ વગેરે જોવા મળે છે. તે ઉપરાંત પર્યટકો કમળ તલાઈ તળાવમાં બોટીંગની મજા પણ માણી શકે છે.

સહેલીઓ કી બાડી

ફતેહ સાગર ના કિનારે આવેલ સહેલીઓ કી બાડી અઢારમી સદીનો શાહી બગીચો છે મહારાણા સંગ્રામસિંહ લગ્ન પછી રાણીની ૪૮ સહેલીઓ માટે આ શાહી બગીચો બનાવડાવ્યો હતો. અહીંયા આવેલ લીલાછમ વૃક્ષ, ફૂલછોડ, ફુવારા, આરસ મંડપ, આરસની મૂર્તિઓ, ભવ્ય કમળ પુલ આ બગીચાની સુંદરતામાં વધારો કરે છે. અહીંની સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

બાગોર કી હવેલી

૧૮મી સદીમાં મેવાડ સામ્રાજ્યના વડાપ્રધાન અમરચંદ બળવાએ પિછૌલા ના કિનારે બાગોર કી હવેલી નામનું ભવ્ય મહેલ બનાવડાવ્યો હતો.સૌ કરતાં વધારે ઓરડા ધરાવતી આ હવેલીમાં રાણીઓ નો ઓરડો સૌથી લોકપ્રિય છે.આ ઓરડામાં આવેલ બે સુંદર ગ્લાસ, મોર અને અરીસાના શિલ્પો  પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. હવેલી ની અંદર આવેલ સંગ્રહાલયને કઠપુતળી મ્યુઝિયમ,હવેલી મ્યુઝિયમ,પાઘડી ધાર અને શસ્ત્ર તથા લગ્ન વિભાગ એમ ૪ ખંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

  1. કઠપૂતળી મ્યુઝિયમ – કઠપુતળી મ્યુઝિયમમાં રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ઉદાહરણ આપતી કઠપુતળીઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. અહીં પર્યટકો યાદી રૂપે કઠપુતળી ને નજીવા ભાવમાં ખરીદી શકે છે.

2. હવેલી મ્યુઝિયમહવેલી મ્યુઝિયમમાં પર્યટકો આખી હવેલી નો પ્રવાસ કરી શકે છે , જેમાં મહિલાઓને ખાનગી ઓરડો,ગેસ્ટ રૂમ,મનોરંજન ખંડ અને ટેરેસ જેવી જગ્યા પર પર્યટકો ફરી શકે છે. આ મ્યુઝિયમના દીવાલો પર શાહી યુગના પ્રાચીન ચિત્રો, ભિતચિત્રો તથા દશ્ય બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં રાજા રાણી દ્વારા ઉપયોગ લેવામાં આવતા બકતર,શસ્ત્રો, ઝવેરાત, હુક્કો વગેરેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

3. પાઘડી વિભાગ- આ ઓરડામાં પંજાબ, હરિયાણા,ગુજરાત, રાજસ્થાન વગેરે રાજ્યની વિવિધ પ્રકારની પાઘડીઓ નો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો છે.

4. શસ્ત્ર વિભાગ આ ઓરડામાં રાજા મહારાજ દ્વારા ઉપયોગમાં આવતા વિવિધ શસ્ત્રો નો સંગ્રહ કરવામાં આવ્યો છે.

5. લગ્ન વિભાગ લગ્ન વિભાગમાં કટપુતળી અને ઢીંગલીઓ દ્વારા ભારતીય પરંપરાગત  લગ્નની દરેક વિધિને દર્શાવવામાં આવી છે. ગણેશ પૂજનથી લઈને વિદાય સુધીની દરેક વિધિ ને અહીં બતાવવામાં આવી છે.

તે ઉપરાંત આ હવેલીનું સૌથી મુખ્ય આકર્ષણ છે અહીંનો  લોકપ્રિય ધરોહર ડાન્સ શો જે સાંજના સમયે યોજાય છે. આ ડાન્સ શોમાં રાજસ્થાની સંસ્કૃતિ અને લોક પરંપરાગત ને પ્રતિબિંબિત કરવામાં આવી છે અહીં રાજસ્થાની પરંપરાગત વસ્ત્રો પહેરીને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના પરંપરાગત ડાન્સનો શો યોજવામાં આવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *