હોલિવૂડના સુપર સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ‘દા વિન્ચી કોડ’ કે પછી ‘એન્જલ્સ એન્ડ ડિમન્સ’માં દર્શાવાય એવા ખિસ્ત્રી ધર્મના બાંધકામમાં અમે ગાઈડની પાછળ પાછળ આંટા મારી રહ્યાં હતા. પાઘડી પડી જાય એટલી ઊંચી છત જોઈને અચંબિત પણ થતાં હતા. ઊંચી દીવાલ અને છત પર બાઈબલની ગાથા કહેતા ચિત્રો, બન્ને બાજુ લાકડાનું કોતરકામ ધરાવતા કલાત્મ ઝરુખા, સામે ભગવાની અને બીજા સંતોની મૂર્તિ, પ્રાર્થનાળુઓને બેસવા માટે બેન્ચિસ.. વગેરે નીહાળતા બીજા ખંડમાં પહોંચ્યા, ત્યાંથી ત્રીજા.. ત્યાંથી આગળ.. એમ કરીને લોબીમાં નીકળ્યા. ચર્ચ સફર પૂરી થવામાં હતી ત્યારે ગાઈડદાદાએ માહિતી આપી. એ માહિતીમાં કદાચ ઓગણિસ-વીસનો ફરક હોઈ શકે તો પણ ઈતિહાસ રસપ્રદ હતો.
પાંચેક સદી કે તેનાથી વધુ સમય પહેલા ‘ગૌ-પૂરી (ગાયોનું નગર)’ હતું, એ સ્થળ જ્યાં તમે આજે ઉભા છો અને દુનિયા ગોવા નામે ઓળખે છે. કોઈ ખિસ્ત્રી તો ઠીક હિન્દુસ્તાન બહારના કોઈ મનેખની અહીં વસતી ન હતી. એમ તો સ્કંદ પુરાણમાં શ્લોક પણ લખ્યો છે..
ગોકર્ણાદુત્તરે ભાગે સપ્તયોજનવિસ્તૃતં
તત્ર ગોવાપુરી નામ નગરી પાપનાશિની.
ભલે સંસ્કૃતના પંડીત ન હોઈએ તો પણ એટલું સમજાય કે આ શ્લોકમાં ગોવાની ભૂમિ પવિત્ર હોવાની અને સાત યોજનમાં નગરી ફેલાયેલી હોવાની વાત કહેવાઈ છે. પણ એ તો ધાર્મિક વાત થઈ. અલબત્ત, ગૌપુરીની અસર હોય કે જે હોય એ પણ ગોવામાં આજે ગાય-ભેંસની કતલ પર પ્રતિબંધ છે, એટલે કે કતલખાનાનું લાઈસન્સ મળતું નથી.
16મી સદીના આરંભે પોર્ટુગિઝ આવ્યા… આવતાં રહ્યાં, વસતા રહ્યાં, સ્થાનિકોનું ધર્માંતરણ કરતાં રહ્યા, કેટલાક લોકોએ સ્વેચ્છાએ ધર્મ અપનાવ્યો, કેટલાકે પોર્ટુગિઝ પ્રજા સાથે રહેવાનું સ્વીકારી લીધું, કેટલાકે લગ્ન કર્યા અને સંતાનો પણ પેદા થયા.. એ બધો ઘટનાક્રમ ચાલતો રહ્યો.
ગોવામાં જનારા સૌ કોઈને અનુભવ થયો હશે, થતો હશે કે ભારતના અન્ય રાજ્યો કરતાં ત્યાંનું કલ્ચર ઘણે અંશે અલગ છે. કારણ એટલે કે ગોવા જમીનથી ભારતનો ભાગ હોવા છતાં મનથી પુરેપુરું ભારતીય નથી. ત્યાં પોર્ટુગિઝ મૂળ ધરાવતા હોય એવા પરિવારો પણ રહે છે. બીજી તરફ હિન્દુવસતીની બહુમતી છે, તો પણ 25 ટકા જેટલી વસતી ઈસાઈઓની છે. સ્વાભાવિક પ્રમાણે તેની અસર ગોવાના કલ્ચરમાં જોવા મળે છે.
અહીં અમને કોઈએ એવી પણ માહિતી આપી કે ઘણા લોકો એવાય છે, જેમની પાસે બેય દેશોના પાસપોર્ટ છે. પોર્ટુગિઝ પ્રજાની એવી દાદાગીરી પણ હતી કે ભારત 1947માં આઝાદ થયું તોય 1961 સુધી ગોવા-દીવ-દમણ પર તેમણે કબજો જાળવ્યો હતો. પોર્ટુગલની દાદાગીરી સાથે સાથે ભારત સરકારની નબળાઈ પણ ખરી. પછી તો ભારતે ‘ઓપરેશન વિજય (કારગીલ પહેલાનું ઓપરેશન વિજય)’ દ્વારા ગોવાને (અને દીવ-દમણને પણ) પોર્ટુગલના કબજામાંથી છોડાવ્યું હતુ.
ભારત સરકાર દેશમાં કોમન સિવિલ કોડ લાવવાની વાતો કરે છે, એ આવે ત્યારે ખરું. પરંતુ ગોવામાં કોમન સિવિલ કોડ (એટલે દરેક ધર્મના નાગરિક માટે સમાન કાયદો, અત્યારે બીજા ધર્મના લોકો એમ કહે કે અમારા ગ્રંથમાં તો ફલાણું-ઢીંકણું લખ્યું છે એવુ ન ચાલે એવી સ્થિતિ) અમલી જ છે. કેમ કે પોર્ટુગિઝોએ એ સિસ્ટમ દાખલ કરી હતી. પોર્ટુગિઝ ગયા, પણ સિસ્ટમ રહી. ભારતના અન્ય રાજ્યો પણ એ પ્રથા અપનાવે ત્યારે ખરાં. આ બધી જાણકારી ગાઈડે નથી આપી, પરંતુ વાંચ્યુ-લખ્યું હોય એટલે એવી તો ખબર હોય ને!
ટૂંકમાં આજે પણ ગોવામાં પોર્ટુગલની અસર છે. પોર્ટુગિઝ અને ખિસ્ત્રી ધર્મની વ્યાપક અસરને કારણે ગોવાને પરદેશી પ્રવાસીઓનો વ્યાપક લાભ મળે છે. એટલે જ ગોવામાં પરદેશથી આવતી કમાણીનો આંક ઊંચો છે. ભારતના વિવિધ રાજ્યોમાં માથાદીઠ આવકની દૃષ્ટિએ ગોવા ઘણુ આગળ છે. ગોવાને ભારતના સૌથી ધનાઢ્ય પૈકીનું એક સ્ટેટ બનાવવામાં ટેક્સીચાલકોનો ફાળો-જેવો તેવો નથી, એ વાત પણ ભૂલવા જેવી નથી.
ભવ્ય ઈતિહાસની ઝાંખી કરીને બહાર નીકળ્યા ત્યાં ‘ઉડુપી રેસ્ટોરેન્ટ’ અમારી રાહ જોઈ રહી હતી. આખા ગોવામાં ઠેર ઠેર ઉડુપી રેસ્ટોરેન્ટ છે અને તેમને પરસ્પર કોઈ સબંધ નથી. અમે પહોંચ્યા એ ઉડુપીમાં ભોજનનો ટેસ્ટ ઉત્તમ હતો એ અમારા માટે ધરપતની વાત હતી. ફરીથી બસમાં સવાર થઈને મિરમાર બીચ પહોંચ્યા. ત્યાં કાંઠા જેવો કાંઠો જોઈને ફરી બસમાં સવાર થયા. હોહોના લિસ્ટમાં તો ઘણા સ્થળ છે, પરંતુ દરેક જગ્યાએ ફરવાની કંઈ મજા ન આવે. એટલે અમે બધે દોડી દોડીને જતાં ન હતા.એ પછીનું સ્થળ હતું પંજીમ ચર્ચ. ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ચૂક્યો હતો એટલે વધુ સમય બગાડ્યા વગર અમે ફરીથી બસમાં ચડ્યા અને બસે અમને અંતિમ સ્ટેશન પર એટલે કે રિવર ક્રૂઝ પોઈન્ટ પર ઉતારી દીધા. નજીકમાં રહેલી ગોવાની પોપ્યુલર રેસ્ટોરામાં ભોજન આરોગી અમે હોટલ તરફ રવાના થયા. અમારો ગોવાનો બીજો દિવસ સુખરુપ પુરો થયો.