સાંજ પડ્યે ગોવામાં એક અદૃશ્ય આફત ખડી થાય છે. એ આફતનો અનુભવ તો જ થાય જો તમે ચાલીને ક્યાંક જતા હો. મુખ્ય રોડ પર તો વાંધો ન આવે પરંતુ બાજુમાં ઉતરીને ક્યાંક જતાં હોઈએ તો આફતનો સામનો થયા વગર ન રહે. અમે પણ હોટેલથી જરા દૂર ઉતરીને ચાલીને જઈ રહ્યાં હતા. ત્યાં એ આફત આવી મોટી..
એ આફતનું નામ કુતરાં. ગોવાના લગભગ દરેક ઘરમાં કુતરાં બાંધેલા છે અને ક્યાંક ક્યાંક છૂટા છે. એનો ત્રાસ જેવો તેવો નથી. હા રસ્તા પર ફરતાં કુતરાં એટલા બધા ત્રાસદાયક નથી, તો પણ પ્રવાસીઓનું સ્વાગત કરવાની તેમની આદત સારી નથી. સાંજ પડે, અંધારુ ઢળે પછી ગોવાના બારમાં રમજટ હોય અને બીજી રમજટ શેરીમાં કે ડેલી પાછળ બાંધેલા આ કુતરાં બોલાવતા હોય છે. અમે કુતરાંથી બચતાં બચતાં રાતવાસા એટલે કે હોટેલ સુધી પહોંચ્યા.
પ્રોફેસર, વિશાલ અને તુષાર ત્રણેયને મારિયો મિરાન્ડાના કાર્ટૂનમાં બહુ રસ હતો. ગોવાના એ જગવિખ્યાત કાર્ટૂનિસ્ટ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં તેમના કાર્ટૂન છપાતા હતા. મને કાર્ટૂનમાં રસ પડે, પરંતુ દરેક કાર્ટૂનિસ્ટમાં નહીં. અમુક કાર્ટૂન એટલા બધા ઊંચા પ્રકારના (કે જાણકારોની ભાષામાં કળાત્મક) હોય કે મારા જેવા સામાન્ય વ્યક્તિને સમજાય નહીં. મારિયોના કાર્ટૂનોમાં જોકે સમજણનો પ્રશ્ન ન હતો, પ્રશ્ન એ હતો કે મેં ખાસ કાર્ટૂન જોયા ન હતા, એટલે જાણકારી ન હતી. પરંતુ હવે જાણકારી વધી શકે એટલા માટે અમે નજીકમાં આવેલી મારિયો ગેલેરીમાં પહોંચ્યા.
મારિયો મિરાન્ડા તો લાંબુ આયુષ્ય ભોગવીને 2011માં વિદાય પામ્યા, પણ તેમની કાર્ટૂન ગેલેરી ગોવામાં ત્રણ-ચાર જગ્યાએ છે. નજીકની ગેલેરીમાં પહોંચ્યાં, જ્યાં મારિયોના કેરેક્ટરના મોટાં પૂતળા અને બીજી સામગ્રી ગોઠવેલી હતી. સ્ટોરની અંદર વેચાણ માટે મારિયોના કાર્ટૂન્સ, કાર્ટૂન પરથી બનેલી મર્કન્ડાઈઝ સામગ્રી વેચાતી હતી. ઘણી ખરી સામગ્રીની કિંમત એવી હતી કે કળાના ખરા કદરદાનો જ તેમને ખરીદી શકે. રસ પડ્યો એ મિત્રોએ થોડી ઘણી ખરીદી કરી અને પછી અમે બહાર નીકળ્યા.
હવે નક્કી કર્યું કે બાઈક ભાડે લઈને નજીકમાં આવેલો અગોડા ફોર્ટ ફરીએ. ગોવામાં બાઈક એટલે કે મોપેડ ભાડે લઈને ફરવાનો સરળ-સારો વિકલ્પ ઉપલબ્ધ છે. એ માટે જોકે થોડુ ઘણુ રસ્તાનું જ્ઞાન હોય તો કામ આસાન થાય. વિવિધ પ્રકારના બાઈક કલાકના 300થી 400 સુધીમાં ભાડે મળે છે. એમાં પણ જો નંબર પ્લેટ સફેદ કલરની હોય તો તેનો ભાવ જરા વધુ હોય કેમ કે એ પોલીસ દ્વારા માન્યતાપ્રાપ્ત છે અને પ્રવાસીઓને બિનજરૃરી હેરાન થવાનું આવતું નથી.
અમે 3 બાઈક લઈને રવાના થયા ત્યાં ખબર પડી કે એકમાં પેટ્રોલ પુરતું નથી. એ મુસાફરોએ પોતાના ખર્ચે પુરાવવું પડે. ચાલો પેટ્રોલપંપ ભણી એમ નક્કી કરીને આગળ નીકળ્યા. ગૂગલમાં તપાસ કરી તો નજીકમાં ક્યાંય પેટ્રોલ કી ટંકી દેખાતી ન હતી. એક સજ્જન દેખાતા ભાઈને પૂછ્યું અને તેમણે જવાબ આપ્યો એ જાણીને આઘાત લાગ્યો.
તેમણે કહ્યું કે આગળથી ફલાણી બાજુ જજો, 5 કિલોમીટર દૂર પંપ આવશે. અમે પૂછ્યું એ ગોવાનો ડેમ્બોલિન વિસ્તાર હતો, એ રોડ પર બધી મોટી હોટેલ, રિસોર્ટ અને નજીકમાં જ બે ઉત્તમ બીચ આવેલા હતા. એ સ્થળે નજીકમાં ક્યાંય પેટ્રોલ પંપ ન હોય એવુ કેવું ગોવા?
ગમે એવું હોય તો પણ પેટ્રોલ વગર રખડવાનું જોખમ ન લઈ શકાય. અમે પેટ્રોલપંપની દીશામાં આગળ વધ્યા. થોડી વાર થઈ ત્યાં તો શહેરી વિસ્તાર પુરો થયો, જંગલમાં ચાલ્યા જતાં હોઈએ એવો રસ્તો આવ્યો. ગોવાની એ ગ્રીનરી હતી, જે ચોમાસા વખતે અને પછી ઠેર ઠેર જોવા મળે. ગોવાના રસ્તા સાંકડા છે, વાહન ચલાવવાની ખાસ મજા આવે એવા નથી.
રસ્તામાં કોઈને પૂછ્યું તો એમણે વળી કિલોમીટરનો આંકડો ઘટાડીને 2 કરી દીધો. અમને ધરપત થઈ. ફરીથી ચાલતાં થયાં અને આખરે એક જગ્યાએ રસ્તાની બાજુમાં નાનકડો પંપ આવ્યો. પેટ્રોલ પૂરાવ્યું ત્યાં સામે બોર્ડ દેખાયું – ‘રેઈસ મેગોસ ફોર્ટ 2 કિલોમીટર’. આમ તો બાઈક લઈને અમારે ‘ફોર્ટ અગોડા’ જોવા નીકળ્યા હતા. ગોવાનો એ પ્રખ્યાત અને મોટો કિલ્લો છે. પોર્ટુગિઝ કાળમાં બંધાયેલો છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફોર્ટ અગોડા જોવો એટલે બીજો કિલ્લો ન જોવો એવો કોઈ અમારો ઈરાદો ન હતો. માટે પહેલા આ કિલ્લા પર પહોંચ્યા.
કિલ્લો તો નામ છે, હકીકતે મોટી અને સમૃદ્ધ કહી શકાય એવી દરિયાકાંઠે આવેલી ચોકી છે. પણ ખાસ્સી મોટી એટલે કિલ્લો નહીં, મીની કિલ્લો કહી શકાય. વાહન પાર્ક કરી, ટિકિટ વગેરે લઈ અમે ઉપર ચડ્યા. કિલ્લાના દરવાજામાં પગ મૂક્યો ત્યાં જ પ્રોફેસરનું ધ્યાન ઉપર પડ્યું..