ગોવામાં ગરબડ -4 – ખોટી હોહો કર્યા વગર ‘હોહો બસ’માં ચડી જવું..

ભાગ- 4

હો-હો બસ ટુ ઈન વન છે. આગળ એસી, પાછળ કુદરતનું એસી..

ટેક્સીને કારણે ગોવાની મોંઘવારી મગજમાં નશાની માફક ચડી ગઈ હતી. એટલે અમને કોઈ કંઈ સસ્તુ બતાવે તો પહેલા તો એ વાત બનાવટી લાગતી. જેમ કે ગોવામાં આખો દિવસ કઈ રીતે ફરવું તેનું આયોજન કરતાં હતા ત્યાં ‘હોપ ઓન, હોપ ઓફ (હોહો)’ બસની વેબસાઈટ જોવા મળી. એમાં વિવિધ પ્રકારની આખા દિવસની સફરના રૃપિયા 300થી માંડીને 900 સુધીના વિકલ્પ હતા. સસ્તી હોવાનું એક કારણ એ હતું કે ગોવા સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જ તેનું સંચાલન કરવામાં આવતુ હતુ.

નિયમ લખેલા હતા, જેનું પાલન કરવાનું શક્ય ન હતું.

આટલા સસ્તામાં ગોવા ફરાતું હશે? ઘડીક વિશ્વાસ ન પડ્યો એટલે રિવ્યુ તપાસ્યા અને પછી ખબર પડી કે હોહો બસ સર્વિસ ગોવા ફરવાનો કિફાયતી વિકલ્પ તો છે જ, સારો હોય કે નહીં એ તો સફર કર્યા પછી ખબર પડે. એ વિકલ્પને તાલા લગા દિયા. એ પછી ખાસ કામ હતું નહીં એટલે અમે રિસોર્ટ પાસે આવેલા જ દરિયાકાંઠે આંટો મારી લીધો.

કાંઠો બે રીતે સાફ હતો, ગંદકી ન હતી અને પ્રવાસી પણ ન હતા. ચોમાસું એ ગોવામાં ઓફ સિઝન છે, માટે પ્રવાસી સાવ ન હોય એવુ નથી, પણ ઘણા ઓછા હોય છે. વળી ચોમાસામાં બીચ પર થતી અનેક પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય, એટલે ઘણી ખરી વસતી દુકાનની વસતી કરીને ત્યાંથી દૂર ખસી ગઈ હોય છે.

કાંઠે દૂરથી એક લાલ વસ્ત્રધારી યુવાન આવતો જણાયો. અમે ઉભા હતા ત્યાં જ કાંઠે એક વાંસનો સ્તંભ ખોડેલો હતો.  વાંસડા ઉપર લાલ ધજા ફરકતી હતી. યુવાને આવીને વાંસડો ઉપાડી લીધો. અમે પૂછ્યુ તો માહિતી આપી કે કાંઠાનું એ પેટ્રોલિંગ કરે છે. વાંસડા એ તેનો પેટ્રોલિંગ વિસ્તાર અને પ્રવાસીઓ માટે આગળ ન જવાનો સંકેત હતો. કાંઠો ખાલી હોય તો પણ ત્યાં આ રીતે તકેદારી રાખવામાં આવે છે.

બીજા દિવસે સવારે હો-હોમાં ફોન કર્યો ત્યાં કોઈ બહેને ઉપાડ્યો. અમે કહ્યું સાઉથ ગોવા ફરવું છે, તેમણે કહ્યું એ બસ ઉપડી ગઈ. હવે નોર્થની ઉપડશે. આવી જાઓ.. બાકી એમાંથી પણ રહી જશો એવુ એમણે કહ્યું નહીં, પણ અમારે સમજી લેવાનું હતું.

દરેક મોટા શહેરમાં આ રીતે બસ દ્વારા પોપ્યુલર સ્થળે ફરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય જ છે. અમારે ગોવાનું વિવિધ રીતે એક્સપ્લોરેશન કરવું હતુ એટલે પહેલો દિવસ આ બસને ફાળવી દીધો. લાલ કલરની બસ ખાસ રીતે પ્રવાસીઓ માટે ડિઝાઈન થયેલી હતી, અડધી ખુલ્લી, અડધી પેક. જેમને એસીની આદત હોય એ આગળના પેક ભાગમાં બેસે, ખુલ્લી હવાની જરૃર હોય એ પાછળ.

અમે પાછળ ગોઠવાયા. બહુ ઓછા પ્રવાસી હતા, એટલે ભીડ-ભાડનો કોઈ સવાલ ન હતો. બસ ઉપડી, ત્યાં અમારું ધ્યાન દીવાલ પર ચોંટાડેલા પત્રક પર પડ્યું. એ પત્રકમાં સૂચના હતી કે ચાલુ બસે ઉભા રહેવું નહીં, અમે એ નિયમનો સૌથી પહેલો ભંગ કર્યો હતો અને આખો દિવસ કરતાં રહ્યા. ઉભા ઉભા જોવાની મજા આવે એ થોડી બેઠા બેઠા આવે?

અમારા સોરઠ પંથકમાં તો આજે પણ ઘણી જાન ખટારામાં જાય છે. એ વખતે ખટારામાં વચ્ચે મહિલાઓ બેઠી હોય અને પુરુષો ચો-તરફ વાંસડાની માફક ઉભા હોય. અમે પણ એમ જ ઉભા રહ્યા. થોડી વાર ચાલી ત્યાં બ્રેક લગાવી એક સ્થળે ઉભી રહી, તેનું નામ ડોના પોલા બીચ. એ કાંઠે જતા પહેલા રસ્તામાં દુકાન પર બોર્ડ વાંચ્યા.. ગુજરાતીમાં લખેલા હતા – જામનગરવાળા ફલાણાભાઈની દુકાન, કાજૂ મળશે. એવી ઘણી દુકાન હતી.

ઘરે ખારી શિંગ પણ ખાતા ન હોય એવા લોકો ગોવામાં સસ્તા કાજુ મળે છે એ માનીને લઈ આવે છે. કાજુમાં ખબર ન પડતી હોય એટલે મોટા ભાગના કિસ્સામાં છેતરપીંડીના બનાવો પણ બને. અમારે કોઈને કાજુ લેવાના ન હતા, ભલે વેચનારા ગુજરાતી હોય તો પણ.

ગોવાનું ઉપરથી ઉપરછલ્લું દર્શન..

ડોના પોલા ખાતે ‘સિંઘમ’ સહિતના ફિલ્મોનું શૂટિંગ થયું છે, એટલે પ્રવાસીઓને એ સ્થળનું વિશેષ આકર્ષણ છે. બાકી તો સામાન્ય કાંઠો અને એ જ પાણી છે. અહીં કુતરાંઓની મોટી સંખ્યામાં હાજરી છે અને ગમે તેની સામે જોઈ કારણવગર ભસવાની તેમની આદત છે. માટે બાળકો હોય ત્યારે જરા સાવધાન રહેવું પડે. એ પછી બસ ઉભી રહી ‘માંગેશી ટેમ્પલ’. ધર્મસ્થળોમાં એટલો બધો રસ હોતો નથી, પરંતુ તેનો ઈતિહાસ-બાંધકામ-ભૂગોળ વગેરે જોવાની મજા પડે. બાકી ઈશ્વર ધર્મસ્થળે ન મળે, એ દરેકમાં અંદર હોવાનો. ત્યાંથી ન મળે તો ક્યાંયથી ન મળે. માંગેશી મંદિર ગણેશબાપાનું થાનક છે.

મંદિર સુધી પહોંચતા પહેલા પ્રોફેસર ઈશાને અમારા બીજા મિત્ર યતીન કંસારા પાસેથી જાણકારી મેળવી લીધી હતી કે આ ગણેશ મંદિર મંગેશકર પરિવારનું કુળ-મંદિર છે. અહીં લતા-આશા મંગેશકર સહિતના મંગેશી ગામના વતનીઓના કુળ દેવતા બિરાજે છે.

મંગેશકર પરિવાર સાથે નાતો ધરાવતું માંગેશી મંદિર

આગળ વધીને બસ એક પુરાતન બાંધકામ પાસે ઉભી રહી. ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલું એ સ્થળ ‘બેસિલિકા ઓફ બોમ જિસસ ચર્ચ’ હતું. ખિસ્ત્રી ધર્મનો દુનિયાભરમાં ફેલાવો કરવામાં જેમનો મહત્વનો ફાળો છે એ સંત ફ્રાન્સિસનું શબ અહીં ચાર સદી કરતા વધુ સમયથી સચવાયેલું છે.

શબ સાચવણી સાથે ચમત્કાર જોડાયેલો છે. ‘મમીફાઈડ’ કર્યા વગર પણ સદીઓ પછી શબ બગડ્યું નથી. માટે તેને જોવા દુનિયાભરના ખિસ્ત્રી આસ્થાળુઓ અહીં આવે છે. ગોવા મોંઘુ હોવાનું એક કારણ પરદેશી ખિસ્ત્રી પ્રવાસીઓની આસ્થા પણ છે. સંતનો એક હાથ છૂટો પડી ગયો હતો, જે રોમમાં રખાયો છે. ત્યાં 100 રૃપિયામાં મળતા ગાઈડે અમને આખુ ચર્ચ બતાવ્યું, જાણકારી આપી, આમ-તેમ ફેરવ્યા.

અહીંના ઇતિહાસે અમને અચંબિત કર્યાં..

ચર્ચ સાડા ચાર સદી જેટલું જૂનુ છે, બાંધકામ ભવ્ય છે અને દેખાવ આકર્ષક છે. અમારા જેવા જિજ્ઞાસુ જીવો માટે એટલે જ આ બાંધકામ મહત્વનું હતું. ગાઈડ દ્વારા પિરસાતી વિવિધ માહિતીમાંથી એક માહિતીને કારણે અમારા કાન ચમક્યા..

ગોવા પ્રવાસ, ભાગ 5ની લિન્ક 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *