ગોવામાં ગરબડ -2 : અચાનક અમે બ્લેકહોલમાં પ્રવેશ્યા!

ભાગ-2 (પહેલા ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=684)

સવાર પડી એ સાથે જ કોંકણનું કામણ શરૃ થઈ ગયું…

બ્રહ્માંડમાં કોઈ પરગ્રહ પર રોકેટ અસાધારણ ઝડપે આગળ વધી રહ્યું હોય અને અચાનક બ્લેક હોલમાં પ્રવેશે ત્યારે ચો-તરફ કેવો અંધકાર છવાઈ જતો હશે? એવો પ્રવાસ તો કોઈએ કર્યો નથી એટલે ખબર નથી, પરંતુ એવી સ્થિતિનો થોડો અનુભવ અમને થયો જ્યારે 80-90 કિલોમીટરની ઝડપે આગળ વધતી ટ્રેન અચાનક ટનલમાં પ્રવેશી..

એ જ ટનલ જેના માટે કોંકણનો રેલવે ટ્રેક જગવિખ્યાત થયો છે. સવારના પાંચ વાગ્યાથી જ કોંકણનું કામણ શરૃ થઈ ચૂક્યું, અમે ક્યારેક વિશાળ બારીને ડોકું અડાડીને તો વળી ક્યારેક દરવાજે ઉભીને નજારા પર નજર નાખતાં હતા. એ વખતે જ અચાનક ટ્રેન ટનલમાં પ્રવેશે ત્યારે અમે જાણે બ્લેકહોલમાં પ્રવેશ્યા હોય એવુ લાગતું હતુ. કોંકણ રેલવે લાઈનની એ જ કમાલ હતી.

****

ખૂણામા પડેલો કણ એટલે સંસ્કૃતમાં કોણ-કણ અને એમાંથી આજે જાણીતું બનેલું નામ કોંકણ. એમ તો સદીઓ પહેલા આવેલા ચીની બૌદ્ધ સાધુ ઝુવાંગઝેંગે આ પ્રદેશને કોંકણદેશ તરીકે ઓળખાવ્યો હતો. તો વળી વરાહમિહિરના ગ્રંથ બૃહદ સહિંતામાં પણ કોંકણનો ઉલ્લેખ જોવા મળે છે.

કોંકણનો દરિયા કાંઠો વધારે તો બ્રિટિશરોના આગમન પછી ચમક્યો. ગરમી સહન ન કરી શકતા અંગ્રેજ અફસરોને આ કાંઠો અને કાંઠે કાંઠે ચાલી જતી પવર્તમાળા (પશ્ચિમ ઘાટ) માફક આવી. ત્યાં થોડા-ઘણા સ્થળો પણ વિકસાવ્યા. આજે મુંબઈ પાસેથી શરૃ થઈને સવા સાતસો કિલોમીટર દક્ષિણે પૂરો થતી કોંકણની પટ્ટી તેના અપ્રિતમ સૌંદર્ય માટે જગતભરમાં જાણીતી બની છે.

વર્ષો પહેલાં ‘સફારી’માં કોંકણ રેલવે વિશે વાંચ્યુ ત્યારથી એ પ્રદેશની રેલવે સફર કરવાની ઈચ્છા હતી. સફારીમાં જ વાંચ્યા પછી એ હવે જાણીતી વાત છે કે અંગ્રેજો જે રેલવે લાઈન ન નાખી શક્યા એ ભારતના ઈજનેરોએ 1990ના દાયકામાં નાખી દેખાડી. પહાડો તોડ્યા, નદી-નાળા પર પૂલ બાંધ્યા, ડૂંગર ચીરીને ટનલ બનાવી અને છેવટે સદીઓ સુધી અછૂત રહેલા કોંકણ સોંસરવી રેલવે પસાર કરી દેખાડી. એ ભગીરથ કામ કરનારા ઈજનેર હવે ભારતમાં ‘મેટ્રો મેન (કેમ કે દિલ્હી મેટ્રો બનાવી)’ ઈ. શ્રીધરન તરીકે જાણીતા બન્યા છે. એ બધી વાતો વારંવાર વાંચી હતી પણ હવે જોવાનો સમય હતો.

ચોમાસા પછી ગીરની વનરાજી સોળે કળાએ ખીલી ઉઠે એમ જ કોંકણ પ્રદેશનું ખીલેલું સૌંદર્ય દેખાવુ શરૃ થયું. અહીં બન્ને તરફ દૂર સુધી કોઈ મોટું શહેરી બાંધકામ નથી. વચ્ચે એક રત્નાગીરી આવે એ સિવાય મોટું મથક નથી. ગામ છે, નાના નાના. બાકી તો પહાડી, ઊંચો-નીચો, ઢોળાવ, નાની-નાની ખીણનો વિસ્તાર છે. ત્યાં અમુક હદથી વધારે માનવ-વસતી શક્ય નથી. એટલે જ આ પ્રદેશનું સૌંદર્ય અકબંધ જળવાઈ રહ્યું છે.

સવારની શરૃઆત હતી, એટલે સોનેરી પ્રકાશ ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો. નીચે વનરાજી, પાછળ ડુંગર, ઉપર આછા આછા વાદળો અને એની ઉપર વિશાળ ગગન. દૃશ્ય ખરેખર અદ્ભૂત રચાતું હતુ. ભારતનું કેરળથી શરૃ થતું (સમર મોન્સુન) ચોમાસું બીજો પડાવ કોંકણના કાંઠે નાખે છે. આ પહાડીઓ વાદળાને રોકે એટલે સ્વાભાવિક વધુ વરસાદ પડે. વધુ વરસાદથી અહીં ઝરણા-નદી સતત વહેતા રહે છે.

એક નાનકડા સ્ટેશનનો છેડો

ખેતરમાં નાના-મોટી ફસલ લેવાઈ રહી હતી અને સુરજ મહારાજના કિરણો પડવાથી દેખાવ સોનેરી બનતો હતો. ગુજરાતના સમર્થ કવિ નાથાલાલ દવેએ લખેલી પંક્તિ..

સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઈ! મોસમ આવી મહેનતની

નદિયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે
ભાઈ! મોસમ આવી મહેનતની

યાદ આવે તેમાં કંઈ નવાઈ ન હતી.

ટનલ પૂરી થાય ત્યાં ધ્રુજારીને કારણે અને ઘણી વખત ચોમાસાના તોફાની પાણીને કારણે પથ્થર ગબડવાની શક્યતા રહે છે. એટલે આવા બધા સ્થળોએ મજબૂત લોખંડની જાળી બાંધેલી છે. જ્યાં જ્યાં ટનલ કે સાંકડો રસ્તો આવે ત્યાં આ રીતે ખડકને કાબુમાં કરાયા છે.

આસપાસના ગામોને જોડતી સિંગલ સડક ટ્રેનના પાટા નીચેથી સાંકડા પુલમાંથી પસાર થઈ જતી હતી. લીલા કાગળ પર કાળો લીટો કર્યો હોય એવું દૃશ્ય ડામરની એ પટ્ટી રચતી હતી. ક્યાંક વળી મોટી નદી  આવે તો જળાશય ભરાયેલું દેખાય. એના પુલ પરથી પસાર થઈએ ત્યારે ટ્રેન કોઈ આકાશી માર્ગે ચાલી જતી હોય એવુ લાગે. કેટલાક પુલ તો ખુબ ઊંચા છે.

મોટા ભાગની ટનલ સિંગલ ટ્રેક ધરાવે છે, એટલે કે એક સમયે એક જ ટ્રેન પસાર થઈ શકે. પરંતુ એક ટનલ ડબલ છે. દરેક ટનલની ઉપર કમાનમાં પીળો કલર કરીને ટનલનું નામ અને લંબાઈ જેવી અન્ય વિગતો લખી છે. પરંતુ ચાલુ ટ્રેને અમારાથી નામ વાંચી શકાતા ન હતા. ક્યાંક વળી નામ પર છોડ-વેલા ઝંબુળાતા હતા. એ ટનલનું નામ કદાચ ઉક્શી હોઈ શકે કેમ કે રત્નાગીરી પહેલા ટનલ પાસે ઉક્શી ગામનું સ્ટેશન આવ્યું હતુ. ‘સફારી (ડિસેમ્બર 2010)’ના અંકના છેલ્લા કવર પર સુપર સવાલ સાથે એ ટનલનો જ ફોટો છે.

મુંબઈથી ઉપડીને મેંગલોર સુધી જતી ઘણી ટ્રેનો કોંકણ રેલવે વિભાગ અંતર્ગત આવે છે. અમારી ગાડી એ વિભાગની ન હતી. તો પણ કોંકણના ટ્રેક પરથી પસાર થતી હોવાથી સુંદરતા અમને પણ જોવા મળતી હતી. કોંકણ રેલવેના અધિકારીઓ પણ આ રૃટનો પ્રચાર કરે છે અને એટલે દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવતા રહે છે.

ઈન્ટરનેટ પર જોવા મળતી આ ભવ્યતા હકકીતમાં ટ્રેન સફર દરમિયાન જોઈ શકાતી નથી.

કોંકણ રેલવેનું સૌંદર્ય દર્શાવતા ઘણા ફોટા ઈન્ટરનેટ પર અને કોંકણ રેલવેની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. પ્રવાસીઓ એ જોઈને આકર્ષાય એ સ્વાભાવિક છે. પણ હકીકત એ છે કે એવા દૃશ્યો ચાલુ ટ્રેનમાં જોઈ ન શકાય. ટ્રેન પસાર થતી હોય એવું ચિત્ર તો ત્યારે જ જોઈ શકાય જ્યારે તમે ટ્રેન નીકળતી હોય ત્યારે ટ્રેકની બાજુમાં આવેલી ટેકરી પર ચડીને ઉભા રહો… અને ટ્રેનમાં પ્રવાસ કરતાં હો ત્યારે એવુ શક્ય નથી.

અલબત્ત, તો પણ મુંબઈથી ગોવા સુધીનો સાડા પાંચસો કિલોમીટર લાંબો ટ્રેક અકલ્પનિય રીતે સુંદર તો છે જ. ચોમાસું હોવાથી સતત નાના-મોટા ધોધ વહેતા રહે, જે વળી ચોમાસું પુરું થાય એટલે પોતાની માયા સંકેલી લે.

અમે દરવાજે ઉભા રહીને ટનલ જોઈ ત્યારે ખબર પડી કે અંદર તો મેઈન્ટેનન્સ માટે માણસો પણ કામ કરતાં હતા. દરેક ટનલમાં ઠેર ઠેર બાજુમાં ખાંચા કરેલા હતા. ટ્રેન પસાર થાય ત્યારે માણસો એ ખાંચામાં ઉભી જાય અને ટ્રેન પસાર થવા દે.

ઘરમાં કોન્ક્રીટની દીવાલમાં ખીલો બેસાડવાનો પ્રયાસ કર્યો હશે, તેમને ખબર હશે કે એ કામ અઘરું છે. અહીં તો આખા કાળમીંઢ પહાડો તોડીને, ક્યાંક કોતરીને, ક્યાંક જોડીને રેલવે ટ્રેક બનાવાયો હતો. તેનું ઈજનેરી દૃષ્ટિએ મહત્ત્વ ત્યાંથી પસાર થયા વગર સમજી શકાય એમ નથી.

રસ્તામાં ચિપલુણ ગામ આવ્યું એટલે પ્રોફેસરે આઝાદીના ક્રાંતિકારી (અને બાળ ગંગાધર તિલકના સાથીદાર) વિષ્ણુ ચિપલુણકરને યાદ કર્યાં. તો વળી ટ્રેનની સફર હતી એટલે સહજ રીતે પ્રોફેસર અગાથા ક્રિસ્ટીની વાર્તા મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ યાદ કરતાં હતા.

ડેસ્ટીનેશન

એવી બધી મજા કરતાં અમે મડગાંવ પહોંચ્યા, જ્યાં મર્ચન્ટ ઓફ ધ વેનિસના વિલન શયલોક જેવું કોઈક અમારી રાહ જોઈ રહ્યું હતુ.

ભાગ 3ની લિન્ક

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ગોવામાં ગરબડ -2 : અચાનક અમે બ્લેકહોલમાં પ્રવેશ્યા!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *