મધમાખીના માર્યા ન મરીએ વાલમિયા..

પાટણમાં આમ તો અમે રાણકી વાવની સ્ટોરી કરવા માટે જ ગયા હતાં. પરંતુ સરપ્રાઈઝ તરીકે નવી વિગત મળી આવી. તેના વિશેનો આખો લેખ લખ્યો. પણ બૈરામખા સુધી પહોંચતા પહેલા અમને એવો ડર ઘૂસાડી દેવામાં આવ્યો હતો કે ત્યાં ખાલી જગ્યામાં તમારો મકબરો પણ બાંધવો પડે એવી સ્થિતિ છે..

 

અકબરના ગુરુ અહીં સદીઓથી પોઢ્યા છે.

‘એ રહ્યો બૈરામખાંનો મકબરો.. (બૈરામખાં અને મકબરા વિશેનો આખો લેખ ) પણ ત્યાં જવાય નહીં.’ સાથે આવેલા પ્રાધ્યાપક ઈશાન સાથે વાત કરતાં કરતાં જાણે અજાણે મુકુંદરાય બ્રહ્મક્ષત્રિયે કહી દીધું કે ત્યાં દૂર બૈરામખાંનો મકબરો છે. અકબરના ગુરુ વત્તા વાલી એટલે બૈરામખાં. પણ ત્યાં જવાય નહીં. કેમ ન જવાય..
અમારા મનમાં જાત ભાતના ચક્રો ઘૂમવા લાગ્યા.. બૈરામખાંનું ભુત ત્યાં રહેતુ હશે.. ધોળા દિવસે ત્યાં કોઈ મોગલ સૈનિકો પહેરો ભરતાં હશે..

વર્તમાનમાંથી સીધા ઈતિહાસમાં પહોંચી ગયેલા પ્રોફેસરને મોગલ સત્તા કરતા વધુ ડર મધમાખીનો હતો.

હું અને… એકબીજાની સામે જોઈ જોઈને કલ્પનાઓમમાં રાચવા લાગ્યા કે ત્યાં થતુ શું હશે..
બ્રહ્મક્ષત્રિય દાદા વળી જૂનવાણી ટેલિવિઝનની માફક ગમે ત્યારે અટકી જતાં હતાં. તો વળી ક્યારેક રોંગ નંબરમાં કોઈ ભળતી સળતી લાઈન પર ચડી જવાય એમ બ્રહ્મક્ષત્રિય દાદાને મૂળ લાઈને આવતાં વાર લાગતી હતી.
અમે વારંવાર પુછ્યુ ત્યારે તેમણે કહ્યં કે ત્યાં ભમરાઓ રહે છે..
એટલે
ભમરાઓથી વળી ખતરો
કેવો ખતરો..

ભમરાના નામે ફેલાવાયેલો ડર ખોટો ન હતો, પણ ભમરા નામ ખોટું હતું. એ હકીકતે એપિસ ડારાસોટા પ્રકારની ઝેરી મધમાખી હતી.

એવા અનેક સવાલો મારા મનમાં આવી ગયા જે આસાનીથી શમે એમ ન હતાં.
ભમરાઓથી ખતરો હોય એવુ પણ પહેલી વખત સાંભળી રહ્યો હોવાથી અમારુ તો અચરજ મિનિટે મિનિટે વધી રહ્યું હતું.
લાખ રૃપિયાનો સવાલ એ હતો કે ભમરા હોય તો શું થયું
શું એ ભમરાઓ કોઈ મોગલકાળના પ્રેતાત્માઓ છે?
એ પછી અમને સમજાવવામાં અાવ્યુ કે ત્યાં સેંકડો ભમરાઓના ઝુંડ હોવાથી જઈ શકાય એમ નથી. ભમરાઓ હૂમલો કરે તો બૈરામખાંના મકબરા સાથે અમારી કબરો પણ બાંધી શકાશે એવો ડર લાગ્યા પછી એક તબક્કે તો અમે એ સ્થળને ભુલી ગયા..
સાથે રહેલા ‘ગુજરાત સમાચાર’ના સ્થાનિક પ્રતિનિધિએ પણ એ જ સલાહ આપી કે એ દિશા ભૂલી જાઓ..

વિદ્યાર્થીઓએે અમારો ઉત્સાહ વધાર્યો, અમારા મનમાં રહેલો ડર એ પછી ઓછો થયો.

મકબરાને તડકે મૂકીને અમે સહસ્ત્રલિંગ તળાવ (જેમાં એક પણ શિવલિંગ નથી) જોવામાં પડી ગયા. ત્યાં સુધીમાં બ્રહ્મક્ષત્રિય દાદા તથા પ્રતિનિધિ ભાઈને અમે છાંયડે વિશ્રામ કરવાનું કહ્યુ હતું જેથી નિરાંતે તળાવ જોઈ શકાય. ‘જીએસટીવી’નો કેમેરામેન પણ પોતાને ઠીક લાગે એવા શોટ્સ આમ તેમ ફરીને લઈ રહ્યો હતો.
પણ મન ફરી ફરીને માળવાને બદલે મકબરા તરફ ખેંચાતુ હતું. હું અને .. સંવાદ નહોતા કરતાં પરંતુ મનમાં તો એવી ગડમથલ ચાલતી હતી જ કે અહીં સુધી આવ્યા પછી બૈરામખાંનો મકબરો જોવાની ઈચ્છા અધુરી રહી જશે.

માહિતી અને ચેતવણી આપતું સરકારી બોર્ડ.

પાટણ આવ્યા ત્યારે ત્યાંના મકબરા ઈતિહાસ અંગે કોઈ જાણકારી ન હતી. પરંતુ ત્યાં પહોંચીને જાણકારી મળ્યા પછી જાળવ્યુ જવાતુ ન હતું..
દરમિયાન તળાવની અવાવરૃ દિશામાં એક બહેન નજરે પડ્યા. ગાંડા બાવળ કાપતાં એ બહેન બળતણ ભેગુ કરી રહ્યા હતાં. તમને પુછ્યુ કે મકબરા તરફ જવાય..
તો અેમણે કહ્યું કે હા જવાય..
પણ ભમરાઓ..
એ તો કાંઈ ન કરે..

સરકારી બોર્ડમાં જે છૂપાવાઈ હતી એ માહિતી અહીં બિનસરકારી બોર્ડમાં રજૂ થઈ હતી.

એ બહેને તો એમ જવાબ આપી દીધો પરંતુ ત્યાં સુધીમાં તોપમાં બારૃદ ભરાય એ રીતે ઠાંસી ઠાંસીને અમારા મનમાં ભમરાઓનો ડર ભરી દેવાયો હતો.
એટલામાં દૂરથી ઘૂળની ડમરી ઉડતી દેખાઈ..
થોડી વારે તેમાંથી એક બાઈક પ્રગટ થયું જેમાં બે કોલેજિયનો સવાર હતાં.
અમે અેમને રોકીને પુછ્યુ મકબરે જવાય..
હા જવાય જ ને, અમે ત્યાં જ જઈએ છીએ..
પણ ભમરા..
એ તો કરડે.. આમ તો કશું કરતાં નથી.
એમનો જવાબ સરકારી બયાન જેવો બેધારો હતો..
પણ અમે ઈચ્છા વ્યક્ત કરી કે ગમે તેમ કરીને જવું જ છે, એટલે એમણે કહ્યું કે અમે પહેલા જઈએ છીએ. પછી ઈશારો કરીએ તો આવજો..
ઓકે..

આ પટ જોઈને લાગે છે કે અહીં એક સમયે સરસ્વતી નદી વહેતી હતી!

બન્ને બાજુ ગાંડા બાવળના ઝૂંડ, વચ્ચે ગાડારસ્તા જેવો રસ્તો. રસ્તા પર પથરાયેલી ધૂળ..
એમાં કઈ દિશામાંથી ભમરા ઉડતા આવશે અને અમારા પર પ્રહાર કરશે એ ડર સતત સતાવી રહ્યો હતો.
એ દરમિયાન સામે જ દેખાતા મકબરા સુધી યુવાનો પહોંચ્યા અને તેમણે હકારાત્મક વાવટો ફરકાવ્યો એટલે અમે પણ સાવધાની પૂર્વક આગળ વધ્યા. જો ભમરાઓ ચહેરા પર આક્રમણ કરશે તો.. એમ માનીને બૂકાની બાંધી લીધી.

પાટણની રાણીની વાવ પ્રસિદ્ધ છે, પણ આ સ્થળ વિશે ખાસ પ્રચાર થયો નથી.

સાવધાનીપૂર્વક ચાલતા ત્યાં પહોંચ્યા. પણ મકબરાના ઓટા પર ચડતાં પહેલા એક યુવાન નીચે આવ્યો અને અમારી બન્નેની કોણી સુંઘી. મને એમ થયું કે આ લોકોએ અમને શું પીધેલા માની લીધા છે. અને પીધેલા હોય તો કોણી સુંંઘવાથી કઈ રીતે ખબર પડે…
એ યુવાને કોણી તપાસીને મને કહ્યું તમે આવો.. ઈશાનને કહ્યું તમે ન આવતાં..
કેમ
કેમ કે અેમણે પરફ્યુમ છાંટ્યુ હતું. ભમરાઓ મગજ જાય અને અમારા પર હુમલો કરી બેસે એવા તમામ તત્વો પરફ્યુમની સુગંધમાં હોય જ છે. માટે નાત બહાર મુકાયેલા નરસૈયાંની માફક ભાઈ.. નીચે ઉભા રહ્યાં અને અમે ડરતાં ડરતાં આગળ વધીને મકબરો જોયો, ફોટા પાડ્યા. ભમરાંઓના ઝૂંડ પણ જોયા..
હકીકતે એ મધમાખી હતી.
‘એપિસ ડારસોટા’ નામની દક્ષિણ એશિયાના જંગલોમાં જોવા મળતી ઝેરી મધમાખી. બે ઈંચ કરતા વધુ મોટાં કદને કારણે અહીંના લોકો તેમને ભમરા તરીકે ઓળખતા હતાં. અમે થોડી વાર આંટા માર્યા પછી એવો વિશ્વાસ બેઠો કે હવે વાંધો નહીં આવે એટલે ઈશાનને પણ પ્રવેશ મળ્યો. એમણે પણ બૈરામખાંનો મકબરો અને તેનું રક્ષણ કરવા બંધાયેલા મધમાખીના ઝૂંડ જોયા..
એકદમ થ્રીલિંગ અનુભવ પછી એટલી જ મજા એ વિષય પર લખાવાની આવી.

 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *