ઓરલાન્ડો Disney Worldની સફર – ૨

101 ચોરસ કિલોમીટરના કદાવર વિસ્તારમાં પથરાયેલી Disney Worldનીઆગવી દુનિયાની મુલાકાતે વર્ષે આખા ગુજરાત રાજ્યની વસતી જેટલા પ્રવાસી આવે છે!

Disney Worldમાં પ્રવાસીઓ પાર્કની ભૂમિ પર આમ-તેમ ફરતાં હોય ત્યાં તેમને કલ્પના નથી હોતી કે એમના પગ નીચે કચરાના નિકાલ માટેની અનોખી ઓટોમેટિક સિસ્ટમ કામ કરે છે. લાખો પ્રવાસીઓ જ્યાં આવતા હોય એ પાર્કમાં કચરો પણ ટનબંધ હિસાબે એકઠો થાય. પાર્કમાં ઠેર ઠેર ડસ્ટબિન મુકાઈ છે, જે દેખાવે સામાન્ય લાગે પણ એમાં જમા થતો કચરો સીધો ભૂગર્ભમાં ઉતરે છે. પેટીમાં એકઠો થતો કચરો કલાકના 100 કિલોમીટરની ઝડપે (વેક્યુમ ક્લિનરની માફક) ખેંચાઈને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે. ત્યાં એ કચરો પ્રોસેસ થાય છે, ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી ચીજો રિસાઈકલ થાય છે, પાર્કની જમીન માટે ખાતર બને છે અને બીજા અનેક થઈ શકે એવા ઉપયોગો થાય છે. પાર્કની શરૃઆત થઈ ત્યારે ડિઝનીએ આ સિસ્ટમ સ્વીડનથી આયાત કરી હતી. અને અમેરિકામાં આવી સિસ્ટમનો પણ પ્રથમવાર પ્રયોગ થયો હતો. વોલ્ટ ડિઝની પોતે જ પાર્કની સ્વચ્છતા માટે કટિબદ્ધ હતા એટલે આજે પણ પાર્કમાં ક્યાયં ચ્યુઇંગમનું વેચાણ થતું નથી.

પાર્કનો એક મહત્ત્વનો ભાગ છે ‘એક્સપેરિમેન્ટલ પ્રોટોટાઈપ કમ્યુનિટી ઓફ ટુમોરો (એપ્કોટ)’. વોલ્ટ ડિઝનીએ ભવિષ્યના નગર કેવા હોવા જોઈએ તેનું સ્વપ્ન જોયું હતું. એ સ્વપ્ન સાકાર કરવા માટે અહીં તેનું બાંધકામ આરંભ્યું હતું. 1964-65માં ન્યુયોર્કમાં યોજાઈ રહેલા ‘વર્લ્ડ ફેર’માં આ ભવિષ્યની નગરીનું મોડેલ રજૂ કરવાનો ઇરાદો હતો. વીસેક હજાર રહેવાસીઓને સમાવી શકતી એ ઈકો-ફ્રેન્ડલી નગરી પુરી થાય એ પહેલા વોલ્ટ ડિઝનીનું નિધન થયુ. એટલે પછી એ અધુરો ભાગ એમ જ રહેવા દઈ તેને પ્રદર્શનમાં ફેરવી નંખાયો. એપ્કોટની સૌથી મોટી ઓળખ તેની વચ્ચે આવેલો 16 ટન વજનનો કદાવર પૃથ્વીનો ગોળો છે. તેની રચના પણ એ રીતે કરાઈ છે કે માથે પડતું વરસાદી પાણી વહી જવાને બદલે સીધું ભૂગર્ભમાં ઉતરી સરોવરમાં પહોંચી જાય છે. પગલે પગલે પર્યાવરણ સંરક્ષણનો અહીં ખ્યાલ રાખવામાં આવ્યો છે. પ્રકૃત્તિની જાળવણી કરવાના સલાહ-સૂચનો આપવાને બદલે અહીં જાળવણી કરીને જ દેખાડવામાં આવે છે.

પહેલા ભાગમાં કેટલીક સફર કર્યા પછી વધુ એટ્રેક્શનની વાત..

હોલિવૂડ સ્ટુડિયો – ફિલ્મ સેટની ફિલ્મી સફર

ફિલ્મના સેટ પર જવાની ઈચ્છા થાય અને કદાચ તક મળે તો પણ ફિલ્મ જેવી થિએટર-ટીવીમાં દેખાય એવી જમાવટ સેટ પર નથી હોતી. જમાવટ લેવી હોય તો સેટના મોડેલ પર જવું પડે. એવાં એકથી એક ચડિયાતા મોડેલ અહીં ઉભા કરવામાં આવ્યા છે.

સ્ટાર ટ્રેક, ઈન્ડિયાના જોન્સ, ફ્રોઝન, ટોય સ્ટોરી, બ્યુટી એન્ડ ધ બિસ્ટ.. એવી વિવિધ ફિલ્મોના સેટ્સ, હોલિવૂડના સ્ટુડિયો ધરાવતી સ્ટ્રીટનું મોડેલ, ડિઝનીની કંપનીની જ ફિલ્મોની જાણકારી આપતો વિભાગ અને વિવિધ ફિલ્મી કેરેક્ટર્સ.. એ બધુ જ ફિલ્મ રસિયાઓને મજા કરાવી દે છે. દર્શકો ચાહે તો કાર્ટૂન સાથે ડાન્સ કરી શકે અને ચાહે તો ઇન્ડિયાના જોન્સ સાથે ફેદોરા હેટ પહેરેની ખજાનો શોધવા પણ નીકળી શકે છે. આવી સુવિધાને કારણે મુલાકાતીઓને જાણે એમ થાય તેઓ ખરેખર ફિલ્મી દુનિયામાં પ્રવેશી ચૂક્યા છે.

સ્ટાર વોર્સના સેટ પર અવકાશયાનો જ એવડા મોટા છે, કે જોઈને આભા બની જવાય. એમાં પણ ટ્વાઈલાઇટ ઝોન નામનો ટાવર ભૂત-પ્રેત અને ચમત્કારનો અનુભવ કરાવવા માટે ખાસ ઉભો કરાયો છે. મપેટ (કઠપૂતળી)નો શો વળી થ્રીડી છે, એટલે પૂતળાં-પૂતળીઓ આપણા માથા પર હવામાં ઉડતાં હોય એવુ લાગે. એકલા સ્ટુડિયોમાં જ બે ડઝનથી વધારે આકર્ષણો છે, જેમાં પસંદગી પ્રમાણે જઈ શકાય છે. આટલું વળી ઓછુ હોય એમ અહીં માર્ચ મહિનાથી ‘મિકી એન્ડ મીની રનઅવે રેલવે’ અને ‘મિકી શોર્ટ્સ થિએટર’ ખૂલવાં જઈ રહ્યાં છે.

ટુમોરોલેન્ડનો ઓવરવ્યૂ આપતી ટ્રેન

ઝડપથી ચાલતી ટ્રેન અને રાઈડ તો બધા થિમ પાર્કમાં હોય જ. અહીં ટુમોરોલેન્ડની સફર કરાવતી ટ્રેન છે જે કલાકના 10 કિલોમીટરની ધીમી ગતીએ આગળ વધે છે. તેમાં બેસવાનો ફાયદો એ કે પ્રવાસીઓને દસ જ મિનિટમાં આખા ટુમોરોલેન્ડમાં શું શું છે, તેની જાણકારી અને ઓવરવ્યુ મળી રહે છે, કેમ કે ટ્રેન જમીન પર નહીં પણ થોડે ઊંચે (એલિવેટેડ) ગોઠવાયેલા પાટા પર ચાલે છે.

હિસ્ટરી ઓન ધ મૂવ

ઇતિહાસ ભણવો, વાંચવો કદાચ બોરિંગ લાગે.. એટલે અહીં ઇતિહાસને દર્શકોની સામે જ ઉભો કરી દેવાયો છે. આદિમાનવો કઈ રીતે રહેતાં હતા, ઇજિપ્તના ફેરોહની જીવનશૈલી કેવી હતી, દરિયાઈ માર્ગો કઈ રીતે શોધાયા, સંદેશાવ્યવહારનો વિકાસ કઈ રીતે થયો.. વગેરેના હલન-ચલન કરતાં મોડેલ્સ ગોઠવાયેલા છે અને તેની વચ્ચેથી ટ્રેન-રાઈડ પસાર થાય છે. એટલે દર્શકોને માત્ર 16 મિનિટમાં જ આખી દુનિયાની પ્રદક્ષિણા કર્યાનો અને પૈસા વસૂલનો અનુભવ મળી રહે છે. જેમ્સ બોન્ડ ફિલ્મોમાં બોન્ડના બોસ બનતા અભિનેત્રી જૂડી ડેન્ચના અવાજમાં કોમેન્ટ્રી પણ સાંભળવા મળે..

રીતસર હવામાં ઉડાવતી સોરિન સફર

સોરિન નામની રાઈડ પ્રવાસીઓને ફ્લાઈટ મોડમાં મુકી આપે છે. જમીનથી 40 ફીટ ઊંચી રાઈડમાં સવાર થયા પછી નીચેથી એવરેસ્ટ સહિતની હિમાલયન શીખરમાળા, એમેઝોનના ઘટાટોપ વર્ષાજંગલ, સિડનીની ઓળખ બનેલો કમાનાકાર બ્રિજ, તાજ મહેલ, ધ્રુવ પ્રદેશનું બર્ફસ્તાન અને તેના ધ્રુવિય રીંછ.. વગેરે પસાર થતું જોવા મળે છે.

તેની પાછળ આઈમેક્સ ટેકનોલોજીની કમાલ છે. અહીં આવનારા પ્રવાસીઓ આ ટૂંકી રાઈડનો લાભ લેવાનું ચૂકતા નથી, કેમ કે થોડી મિનિટોમાં આખુ જગત પગતળે કરી લીધાનો જે અનુભવ થાય તેનો જોટો જડે નહીં.

વેસ્ટર્ન અમિરકાની રેલ સફર

પાર્કમાં નાની-મોટી અડધો ડઝન વિવિધ પ્રકારની ટ્રેન સફર ઉપલબ્ધ છે. પણ એમાં બિગ થન્ડર માઉન્ટેન રેલરોડ નામની સફર કરોડો વર્ષથી ઉભેલા રતુમડા ખડકો વચ્ચેથી પસાર થાય છે. હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘મેકેનાઝ ગોલ્ડ’માં જોવા મળે છે, એવા ખડકોની આરપાર નીકળવું, સોનાની ખાણમાંથી પસાર થવું વગેરે પૂરતું આ ટ્રેનનું મનોરંજન મર્યાદિત નથી. હકીકતે ટ્રેન એ વાતની યાદ અપાવે છે કે વેસ્ટર્ન અમેરિકાનો વિકાસ રેલવે લાઈન (અમેરિકી શબ્દ – રેલરોડ) નંખાયા પછી જ થયો છે.

અન્ય પાર્કમાં હોય એવા રોલર કોસ્ટર, વોટર પાર્ક, પાણીની નીચેથી લઈ જતી અન્ડરવોટર સફર, સ્પેસ માઉન્ટેન, ટોમ સોયર આઈલેન્ડ, ડાયનાસોરની દુનિયા, વિવિધ દેશોની ઝાંખી કરાવતો વર્લ્ડ શો કેસ, કાર્ટૂન કેરેક્ટર મિકી-મિનનો વિભાગ…એવુ બધું છે, જોતાં દિવસો ખૂટી પડે. બેશક આ પાર્ક ગમ્મત માટે છે, પરંતુ સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનું જ્ઞાન ડગલે-પગલે વેરાયેલું છે.

જતાં પહેલા જાણી લો

  • ડિઝનીલેન્ડમાં જ હોટેલ્સ-રિસોર્ટનો પાર નથી. વળી પાર્ક નિરાંતે માણવા માટે બે-ત્રણ દિવસ ત્યાં પસાર કરવા જોઈએ. એ માટે પાર્કમાં રહેલી આવાસ સુવિધાનો ઉપયોગ કરી શકાય. અંદર રહેનારાઓને થિમ પાર્કમાં વધુ સમય ગાળવાનો લાભ પણ મળે છે. પાર્કમાં જ રહેનારા પ્રવાસીઓને ઓરલાન્ડો એરપોર્ટ પરથી લેવા-મુકવાની વિનામૂલ્યે ‘ડિઝની મેજિકલ એક્સપ્રેસ’ બસની સુવિધા મળે છે.  પાર્કની બહાર રહેતા પ્રવાસીઓ માટે મોટા ભાગની હોટેલ્સ પાર્ક સુધીની ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધા આપે છે. તેની તપાસ હોટેલ બૂકિંગ સમયે કરાવી લેવી જોઈએ. વર્ષમાં અનેક વખત એવુ બને કે જ્યારે પાર્કમાં પ્રવાસીઓને સમાવાની ક્ષમતા પુરી થઈ જાય. એ વખતે બહાર રહેનારા પ્રવાસીઓને ટિકિટ મળી શકતી નથી. વિગતો https://disneyworld.disney.go.com/ પરથી મળી રહેશે.
  • પાર્કમાં ખાવા-પીવાનો ખર્ચ વધી ન જાય એ માટે ટિકિટ વખતે જ સાથે ડાઈનિંગ ઓપ્શન જોઈને તેની કોમ્બો ટિકિટ લઈ શકાય. સામાન્ય રીતે પાર્કની ટિકિટ 109 ડોલરથી શરૃ થાય છે. જ્યારે પ્રવાસ નક્કી થાય ત્યારે તુરંત ટિકિટ બૂક કરાવી લેવી હિતાવહ છે. અંદર પ્રવેશ્યા પછી દરેક રાઈડ-થિમની અલગ અલગ ટિકિટ છે. પરંતુ કેટલીક સુવિધાઓ વિનામૂલ્યે પણ માણી શકાય છે, જેવી વિગતો રિસેપ્શન પર જ મળી રહે છે.
  • પાર્કની પોતાની મોબાઈલ એપ છે, જે ડાઉનલોડ કરી લેવાથી ઘણુ માર્ગદર્શન મળી રહેશે.
  • એક જ દિવસમાં એકથી વધુ વિભાગ (જેમ કે એનિમલ કિંગડમ અને મેજિક કિંગમડ)ની ટિકિટ ખરીદવી હિતાવહ નથી, કેમ કે સમયની ઘટ પડશે, ખર્ચ વધશે.
  • પાર્કમાં પાણી ખરીદવાની જરૃર નથી, ખાલી બોટલ હશે તો ગમે તે રેસ્ટોરાં એ વિનામૂલ્યે ભરી આપશે.

Image courtesy
https://disneyworld.disney.go.com/

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *