બંગાળના ઉત્તર છેડે બાગડોગરા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે થાકેલા હતા, સાંજ પડવા આવી હતી. એવામાં અમને એક નવાં સ્થળે જવાની તક મળી. નવું સ્થળ ખરેખર અમારા માટે નવી દુનિયા હતી. પહેલા ભાગમાં બંગાળ પહોંચવાની વાત કર્યા પછી હવે આગળની સફર..
લેખક – વિમલ જયસુખભાઈ સોંડાગર
થોડી વાર એમ જ ગાડીઓ ચાલતી રહી. એક કદાવર નદીનો પટ પૂરો થયો ત્યાં સાંકડો રસ્તો શરૃ થયો. વાદળો અને વરસાદની ગડેડાટી વચ્ચે ગાડીની લાઈટમાં બોર્ડ વંચાયુઃ તોતોપારા.. એમેઝોનના વર્ષા જંગલોમાં હોય એવુ એ ગામ હતું. બન્ને બાજુ વાંસ-લાકડાના બનેલા નાનાં-મોટા મકાનો હતાં દરેકના આંગણામાં સોપારીના ઢગલાબંધ વૃક્ષો ઉભા હતાં. ગામના ચોકમાં પહોંચીને અમારી ગાડીઓ થંભી. સ્વરોજીત-બિપ્લબ દાએ સ્થાનીક લોકો સાથે વાત કરી અને પછી અમને જીવંત અજાયબી જેવા એ ગામનો પરિચય મળ્યો…
તોતોપારા પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં હિમાલયની તળેટીમાં ઢોળાવ પર આવેલું ગામ છે. ગામના પાદરમાંથી જ પહાડો દેખાય છે અને એ બધો ભાગ ભુતાનનો છે. અહીં ક્યારે ભુતાન શરૃ થઈ જાય એ ખબર નથી પડતી. બે દેશો વચ્ચે જાણે કોઈ ભેદ જ નથી. સરકારી સમજૂતી પ્રમાણે ગામવાસીઓને પીવાનું પાણી ભુતાનથી પાઈપલાઈન દ્વારા પુરું પાડવામાં આવે છે. એ વળી અમારા માટે સાવ નવી માહિતી હતી. જેમ જેમ જાણકારી મળે એમ એમ અમારો રોમાંચ વધતો જતો હતો. વળી માહિતી આગળ ચાલી..
તોતો આદિવાસી પ્રજાતિ પરથી ગામનું નામ પડયું છે, તોતોપારા. ગામ વિશિષ્ટ છે કેમ કે તોતો આદિવાસીઓની વસતી ધરાવતું આ એકમાત્ર ગામ છે, આખા જગતમાં એકમાત્ર! એમની બીજી કોઈ શાખા નથી! આદિવાસીઓની વસતી વળી હજાર-સવા હજાર કરતાં વધારે નથી. ૨૧મી સદીમાં પણ તોતો પ્રજા કુદરતે આધિન રહીને જીવે છે અને એટલે જ તેમનું જીવન પણ અનોખું છે.
વર્ષો પહેલાં આ આદિવાસીઓ મોંગોલિયાથી આવીને અહીં વસ્યા હતાં. આઝાદી પછી ચાર-પાંચ વર્ષે સરકારની નજર અહીં પહોંચી અને તોતો પ્રજાની ગણતરી કરી. ત્યારે ખબર પડી કે વસતી ઘટતી ઘટતી સવા ત્રણસો જેટલી મર્યાદિત રહી ગઈ છે. માટે સરકારે તેમનો વંશવેલો આગળ વધે અને તોતો પ્રજાનો વિકાસ થાય એવી યોજનાઓ જાહેર કરી. સમય જતાં યોજના વધતી રહી એટલે હવે છેલ્લી ગણતરી પ્રમાણે વસતી વધીને હજાર-બારસો સુધી પહોંચી છે. બંગાળ સરકાર પણ એ પ્રજાને વિશેષ સવલતો અને અમુક સુવિધાઓમાં પ્રાધાન્ય આપે છે. કોઈ તોતો યુવક-યુવતીને સરકારી નોકરી મળી તો તેનો મોટો પ્રસંગ યોજાયો હતો તેની વાત પણ અમને જાણવામાં આવી.
કહેવા માટે તો તોતોપારા ગામ છે, પણ મોટા ભાગના તોતો લોકો પહાડ પર છૂટાછવાયેલા બનેલા લક્કડીયા મકાનોમાં રહે છે. જમીન પર બધાની સાથે મળીને રહેવાનું તેમને ફાવતું નથી. ત્રાંસા ઢોળાવ પર થોડા વાંસ-લાકડા ખોડીને તેમના પર જ દરેક તોતો કૂટુંબ પોતાની જરૃર પ્રમાણેનું ઘર બનાવે છે. અહીં પહેલો સગો પડોશી પ્રથા નથી, માટે એક મકાનથી બીજું મકાન થોડુ દૂર જ હોય છે. તોતો લોકોનું જીવન સોપારી-એલચી પર આધારિત છે. સોપારી-એલચીનું ઉત્પાદન કરી વેચી, ગુજરાન ચલાવે છે. શરીરે ખડતલ અને મનોબળે મજબૂત તોતો પ્રજા પોતાના બધા કામો જાતે કરે છે, એટલે ૨૦-૩૦ કિલોગ્રામ વજન લઈને ટેકરી ચડવી તેમના માટે મુશ્કેલીની વાત નથી. ટેકરી ઉપર જ એમના ઘર છે એટલે ચડવું શું અને ઉતરવુ શું.. એમને બધી રમત વાત છે.
માત્ર વાતો સાંભળી હોત તો કદાચ સાહસકથા જેવી ઘટના અમને લાગી હોત. પરંતુ અમે જંગલ-નદી-નાળા પાર કરીને અહીં પહોંચ્યા હતા. આ છેલ્લું ગામ હતું, એ પછી ભુતાન આવી જતું હતુ. એટલે આ પ્રજા ખરેખર એકાંતપ્રેમી હતી અને કુદરતે જ તેમના એકાંતની ગોઠવણ કરી આપી હતી એ સમજાયું.
ફરતી બાજુ ફેલાયેલા જંગલોમાં હાથીઓની મોટી વસતી છે. ગેંડા પણ રહે છે. અમારે જલદાપારામાં ગેંડા જોવાના હતા એટલે એમ થયું કે એકાદ ગેંડો આવી જાય તો મજા પડે.. પણ એ રીતે ગેંડા ગામ તરફ બહુ ઓછા આવે. હાથી ગામની ઉડતી મુલાકાત લેતાં રહે છે. ગીરના જંગલમાં દુર્લભ સિંહો જોતા જેટલો રોમાંચ થાય એટલો જ રોમાંચ તોતો પ્રજાને મળીને અમને થઈ રહ્યો હતો. દુર્લભ પ્રાણી-પક્ષીઓ જોવાના સ્થળની કોઈ કમી નથી, પરંતુ દુર્લભ માનવીઓની મહેક માણવી હોય તો તોતોપારા ગામે જવું રહ્યું. લખ ચોરાસીના ફેરા પછી મળતો મનુષ્ય દેહ દુર્લભ છે એવુ સાંભળ્યુ-વાંચ્યુ હતુ પણ આવા દુર્લભ માનુષ પણ રહે છે એ જોઈને અમને મજા પડી ગઈ.
હજુ તો છ પણ નહોતા વાગ્યા ત્યાં તોતોપારાના પાદરમાં કાજળધેરો અંધકાર છવાઈ ગયો હતો. અમારે હવે અહીંથી નીકળવાનું હતું. તોતો પ્રજાના મહેમાન તરીકે વધારે વાર રહી શકાય એમ હતું, પણ સતત ચડઉતર થતું હવામાન એમ કરવાની છૂટ આપતુ ન હતું. કેમ કે જે નદીના ખૂલ્લાં પટમાંથી અમે પસાર થયા એ નદીઓ થોડી જ વારમાં બે કાંઠે વહેતી થઈ શકે એમ હતી. માટે અમારે ના છૂટકે ત્યાંથી રજા લેવી પડી. ઉત્તર બંગાળના પ્રવાસનો પહેલો દિવસ ભરચક રહ્યો પણ એક મુલાકાતે અમારો બધો થાક ઉતારી દીધો.
પણ બીજો દિવસ વધારે રોમાંચક બનવાનો હતો. તેની વાત આગળના ભાગમાં.