હિમાલય, નેપાળ, ભુતાન, હાથી, ગેંડા, જંગલ, નદી-નાળા, હીલ સ્ટેશન, ચાના બગીચા… એ બધુ જ એક સાથે જોવુ હોય તો બંગાળના ઉત્તર ભાગે આવેલા ‘ડૂઅર્સ’ નામે ઓળખાતા વિસ્તારની મુલાકાત લેવી રહી. અમે લીધી હતી તેની અનુભવ કથા..
લેખક – વિમલ જયસુખભાઈ સોંડાગર
પશ્ચિમ બંગાળ ભૌગોલિક રીતે ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલું છે અને કલકતા જેવા મહાનગરીય વિસ્તારને કારણે આપણે મોટેભાગે દક્ષિણ ભાગને જ ઓળખીએ છીએ. ઉત્તરની ઓળખ નથી એવું નથી. ત્યાં આવેલું દાર્જીલિંગ દેશભરના પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે. બાગડોગરા ઉતરીને પ્રવાસીઓ તુરંત દાર્જિલિંગની ટોય ટ્રેનમાં સફર કરવા નીકળી પડે છે. દાર્જીલિંગ હિમાલયન રેલવે નામની એ ટ્રેન ‘વર્લ્ડ હેરિટેજ’ ઘોષિત થયેલી છે. તેની મુલાકાતે પ્રવાસી આવે તેની કોઈ નવાઈ નથી. પેકેજ ટૂર દરમિયાન અહીં પ્રવાસીઓને ચાના બગીચા, બૌદ્ધ પેગોડા, હિલ સ્ટેશનના ઊતાર-ચડાવ, એકાદ એડવેન્ચર ટ્રેકિંગ વગેરે કરાવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના એ ભાગમાં દાર્જીલિંગ ઉપરાંત જોવા જેવો પ્રાંત ‘ડૂઅર્સ’ કહેવાતા જંગલોનો પણ છે. કદાચ જાણકારીના અભાવે ઓછા પ્રવાસીઓ ત્યાં જાય છે. પેકેજ ટૂરમાં મોટે ભાગે ડૂઅર્સ બાકાત હોય છે. હકીકત એવી છે કે હિમાલયની તળેટીમાં પથરાયેલો આ પંથક ભુતાન-નેપાળનું પ્રવેશદ્વાર ગણાય છે. માટે અહીંની ભાષામાં તેને ‘ડૂઅર્સ’ કહેવામાં આવે છે. જે રીતે સૌરાષ્ટ્ર એ કોઈ જિલ્લો કે તાલુકો નથી છતા પ્રાંત છે એમ જ બંગાળના ઉત્તર ભાગમાં આવેલો વન-વિસ્તાર ડુઅર્સ તરીકે ઓળખાય છે. હિમાલયની ઓથે ઓથે જાણે પટ્ટો બનાવ્યો હોય એમ આ વિસ્તાર 30 કિલોમીટર જેટલી પહોળાઈમાં અને સાડા ત્રણસો કિલોમીટર લાંબા વિસ્તારમાં પથરાયેલો છે.
ડુઅસ પ્રદેશમાં હિમાલયની હારમાળા, ચાના બગીચાની લીલોતરી અને વન-અભયારણ્યો આવેલા છે. અહીં એક તરફ તિસ્તા નદી વહે છે, તો સામે હિમાલય છે. ડાબે-જમણે નેપાળ અને ભુતાન આવેલા છે. એ અછૂત અને અમારા માટે તો સાવ અજાણ્યા વિસ્તારમાં એપ્રિલ-2015માં જવાનું થયુ હતું. બાગડોગરા એરપોર્ટ પર ઉતરાણ કર્યું એ સાથે અમારી 5 દિવસની સફર શરૂ થઇ.
એપ્રિલ ૧, દુર્લભ મનુષ્યોની મુલાકાત!
સવારથી નીકળીને વાયા કલકતા, બાગડોગરા થઈ જલદાપારાની ટુરિસ્ટ લોજમાં પહોંચ્યા ત્યાં બપોરે પોતાનું સામ્રાજ્ય સંકોરી લીધું હતું. ત્રણ વાગવા આવ્યા હતા અને અમારે હજુ ભોજન પણ લેવાનું બાકી હતું. હજુ તો પહોંચ્યા ત્યાં જ ખાવા-પીવાનું ટાઈમટેબલ વિખેરાઈ ગયું હતુ એટલે બધાને જરા કચવાટ હતો. લોજમાં સામાન ગોઠવ્યો, જરા ફ્રેશ થયા, ભોજન લીધું. ભોજનમાં પણ જરા સ્વાદની ઓછપ વર્તાતી હતી. પરંતુ ત્યારે તો કોઈ વિકલ્પ ન હતો.
જમી લીધા પછી બધાને જરા જોમ આવ્યું. અમારી સાથે સ્થાનિક પ્રવાસ જાણકાર મિત્રો સ્વરોજીત અને બિપ્લબ દે બન્ને હતા. સ્વરોજિત કલકતાથી હતા, બિપ્લબ અહીંના જ હતા. અમને જોકે સમજતા વાર લાગી કે નામ બિપ્લબ છે કેમ કે પહેલ તો બિપ્લો.. બિપ્લો.. એવું બોલાતું હોય એવુ લાગતું હતુ. નિયમિત રીતે ખૂણામાં જઈને બીડી પી લેવાના શોખીન બિપ્લબના ઉત્સાહનો કોઈ પાર ન હતો અને એ અમને પાંચ દિવસની સફર દરમિયાન અનુભવ થતો રહ્યો.
સાંજ પડવા આવી હતી એટલે જંગલ વિસ્તારમાં જઈ શકાય એમ ન હતું. લોજ પર બેઠા બેઠા સમય પસાર કરવો અથવા બહુ બહુ તો આસપાસમાં આંટા મારવા એવા વિકલ્પ પર વિચારણા ચાલતી હતી. એવામાં અમારા અઘોષિત ટીમ લિડર અને મારા ભાઈ લલિતે સ્વરોજીતને પૂછ્યું કે અહીં ટોટોપારા કરીને કોઈ ગામ છે.
તોતોપારા.. હા છે. સ્વરોજીતે ટોટોનું તોતો કરીને એ ગામ નજીકમાં જ છે એમ કહ્યું. અમારા પ્રવાસમાં શામેલ ન હતું, પણ અહીં સમય છે તો ત્યાં ચક્કર મારી શકાય કે કેમ એ પણ દાણો દાબી જોયો. સ્વરોજિતે કહ્યું હા.. જરૃર. એમ કરીને તેના નોકિયાના સાદા ફોનમાંથી બે-ચાર ચક્કર ઘૂમાવ્યા અને પછી કહ્યું ચાલો ગોઠવાઈ જાઓ ગાડીમાં. મોટા ભાગના લોકોને ખબર ન હતી કે ક્યાં જઈ રહ્યાં છીએ. પણ ક્યાંક તો જવાશે ને.. એમ માનીને બધા ઈનોવામાં ગોઠવાઈ ગયા.
સાંજના ચારેક વાગ્યાનો સમય હતો. ઉનાળાને કારણે આમ તો હજુ ધોમ તડકો હોવો જોઈએ પરંતુ હિમાલયના ઓછાયા હેઠળ પથરાયેલા આ વિસ્તારમાં સાંજના પગરણ થઈ ચૂક્યા હતાં. આકાશે ઘેરાયેલા વાદળોથી સાંજ જામવા લાગી હતી. અજબ માહોલ રચાયો હતો. અમારી ગાડીઓ ક્યારેક ધૂળિયા રસ્તા પર તો ક્યારેક નદીના હમણાં જ સૂકાયેલા સો-બસ્સો ફીટ પહોળા પટ પર ધમધમાટ કરતી આગળ વધી રહી હતી. સૂરજ અમારી પાછળ હતો એના આધારે ખબર પડી કે અમે પૂર્વોત્તર તરફ આગળ વધીએ છીએ. બાકી દિશાની જાણકારી મળે એવા કોઈ સંકેતો ન હતા. આ સમગ્ર વિસ્તાર જ અજાણ્યો હતો. માર્ગની ડાબી તરફ ઊંચા ઊંચા પહાડો ઉપર કોઈ જટાળા જોગીએ ચલમ ચેતવી હોય એવી નાની નાની જ્યોતો પ્રગટી રહી હતી તો બીજી તરફ ઊંચા ઊંચા સીધા સોટા જેવા વૃક્ષોની સેના ઉભી હતી. અમને જાણકારી મળી કે એ સીધા સોટા જેવા દેખાતા વૃક્ષો સોપારીના છે. જૂનાગઢમાં આવેલા મોતિબાગમાં કેટલાક સોપારીના વૃક્ષ છે, પરંતુ તેની પેદાશ ત્યાં થતી નથી. એ પહાડી વિસ્તારનો પાક છે. અહીં તેના સંખ્યાબંધ વૃક્ષ જોઈને સમજાયું કે મોટે પાયે ખેતી થતી હશે.
બારીના કાચ ખુલ્લાં રાખીને અમે હિમાલયના શિખરોને સ્પર્શીને આવતી હવાની લહેરખીનો આનંદ લઈ રહ્યાં હતાં.. એવામાં અચાનક વાતાવરણે પલટો માર્યો. અત્યાર સુધી ખુશનુમાં લાગતા વાતાવરણનો બદલાતો રંગ અમે અનુભવી રહ્યાં હતા. પરંતુ એ બદલાવ વરસાદ સુધી પહોંચશે તેનો કોઈને અંદાજ ન હતો. થોડી વારમાં જ અમી છાંટણા શરૃ થયા. ઠંડો પવન અને સાથે વરસાદ.. અમારે ફટાફટ બારીના કાચ બંધ કરવા પડયાં. હજુ તો અમે હથેળી પલાળવાનો આનંદ લેવો શરૃ કરીએ ત્યાં તો વરસાદે આક્રમક સ્વરૃપ ધારણ કરી લીધું હતું. અહીં વાતાવરણ આટલી ઝડપથી પલટો મારે તેની અમને કોઈને જાણકારી ન હતી. હવે કદાચ નવું કંઈ ન જોવા મળે તો પણ આ વરસાદી વાતાવરણની મજા તો લઈ જ રહ્યાં છીએ એવો સંતોષ પણ અમે અંદરોઅંદર વ્યક્ત કરી રહ્યા હતા.
એક તરફ અંધારુ ઘેરાઈ રહ્યું હતું, બીજી તરફ અમારી મંઝિલ નજીક આવી રહી હતી. અમને ખબર ન હતી કે ભારતમાં રહેવા છતાં અમે એક નવું ભારત જોવા જઈ રહ્યાં હતા.. તેની વાત બીજા ભાગમાં.
(મોટા ભાગની તસવીરો હિતેષ સોંડાગરની છે)