
ઐતિહાસિક શહેર કલકતા ગંગાના બન્ને કાંઠે પથરાયેલું છે. દિલ્હી પહેલા કલકતા જ બ્રિટિશ હિન્દનું પાટનગર હતું. આખા દેશનો વહિવટ અંગ્રેજો ભારતના એ પૂર્વ છેડે બેસીને કરતા હતા. ગંગોત્રીથી નીકળતી ગંગા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ, બ્રહ્મુપત્ર સાથે મળી સમુદ્રને મળે છે. બ્રહ્મપુત્ર સાથે મળ્યા પછી ગંગા હૂગલી નામ ધારણ કરે છે. નામ ગમે તે હોય ગંગા તો ગંગા જ છે અને તેના કાંઠે રહેવાની મજા પણ અનોખી છે. કલકતા જેવા મહાનગરમાં પહોંચ્યા પછી ઉતારા-ઓરડા શોધવામાં કંઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ ગંગા કાંઠે શાંતિથી રહેવું હોય, શહેરીથી ભીડભાડથી મુક્તિ જોઈતી હોયતો નિહાર ગંગા નામનું સદી કરતાંય વધારે જૂનું મકાન ઉત્તમ હોમ-સ્ટેની સગવડ આપે છે. બંગાળના જાણીતા સમાજ સુધારક રાધાકાંત દેવે આ મકાન સદી કરતાંય વધુ સમય પહેલા બંધાવ્યું હતું. એ પછી તો અંગ્રેજોના હાથમાં અને સ્થાનિક રહેવાસીઓના હાથમાં એમ માલિકી બદલતી રહી. પરંતુ મકાનની ભવ્યતા, સાદગી અને સૌંદર્ય અકબંધ રહ્યું છે.

ભીડથી દૂર નાનકડો બંગલો, બંગલા આગળ ગાર્ડન, ગાર્ડન પુરો થાય ત્યાં ગંગાનું વહેતું જળ..જાણે નદી આપણા માટે જ વહેતી હોય એવુ લાગે. મકાન જૂનું છે, રિપેરિંગ સિવાય ખાસ આધુનિકિકરણ કરાયું નથી. ફર્નિચર અને પલંગ પણ અંગ્રેજયુગના છે. એટલે એક ક્ષણે તો એવુય લાગે કે આઝાદી પહેલાના જમાનામાં આવી પહોંચ્યા છીએ.

- આ સ્થળ કલકતાનો જ ભાગ છે, પણ જરા બહારી વિસ્તારમાં આવેલો છે. એ વિસ્તાર ગ્રેટર કલકતા તરીકે ઓળખાય છે.
- રહેણાંકની સુવિધા ૩ ભાગમાં વિભાજીત છે, સુખ ગંગા, સુખ શ્રી અને સુખ તારા. બધામાં થઈને કુલ ૧૧ વ્યક્તિ રહી શકે એમ છે. અલબત્ત, એકાદ-બે બાળકો વધુ હોય તો બેશક સમાવી જ શકાય.
- કલકતાનો દક્ષિણેશ્વર વિસ્તાર જગવિખ્યાત છે. કેમ વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસની એ ભક્તિભૂમિ છે. એ વિસ્તાર આ રહેણાંકથી આઠેક કિલોમીટરના અંતરે છે. તો વળી જ્યાંથી ૧૮૫૭ની ક્રાંતિ શરૃ થઈ હતી એ બારાકપોર વિસ્તાર પણ અહીં જ છે.
- બંગલો જૂનો છે, ફર્નિચર જૂનું છે પરંતુ દરેક રૃમમાં વાઈફાઈ, ટીવી, ઈલેક્ટ્રિક કિટલી, લોન્ડ્રી સુવિધા વગેરે ફેસેલિટી અપાયેલી જ છે.
- ઉપરના માળે ખાસ્સી મોટી છત ધરાવતી અગાસી છે. જ્યાં નાની-મોટી પાર્ટી કે મેળાવડો યોજી શકાય એમ છે. મહત્તમ ૧૦૦ વ્યક્તિ શામેલ થઈ શકે.
- લગ્ન જેવા કાર્યક્રમો માટે ગાર્ડન સાથે સ્ટેજ વગેરે સુવિધા છે. ડાઈનિંગ એરિયા, જનરલ બાથરૃમ વગેરેને કારણે ઉતરાનારાઓને ખાસ મુશ્કેલી પડતી નથી.
- ગાર્ડનમાં ૧૦૦ વર્ષ કરતા જૂનું પાઈનનું વૃક્ષ છે, જેના થડ પર ભગવાન કૃષ્ણ બિરાજે છે.
- આસપાસમાં બસ્સો વર્ષ જૂનું બારો મંદિર ઘાટ, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરનું ઘર, સત્સંગ આશ્રમ, ચૈતન્ય મહાપ્રભૂના સંસ્મરણો સાચવીને બેઠેલો ચૈતન્ય ઘાટ, ઈસ્કોન મંદિર સહિત અડધો ડઝન સ્થળો આવેલા છે.

વધુ વિગતો હોમ સ્ટેની વેબસાઈટ https://www.niharontheganges.com/ પર આપેલી છે.