માર્મગોઆ ફોર્ટ – કિલ્લો છે કે કિલ્લાનું ભૂત?

માર્મગોઆ કિલ્લા પરથી દરિયાનું દૃશ્ય

ગોવા પાસે દરિયાકાંઠા ઉપરાંત નાના-મોટા ઘણા કિલ્લા છે. આ વખતના ગોવા પ્રવાસ વખતે ઐતિહાસિક માર્મગોઆ ફોર્ટ જોવાનો ઉત્સાહ હતો. એ કિલ્લાની સફરકથા.

14 જૂન, 2019

ગોવામાં ‘એન્વાયર્નમેન્ટ જર્નાલિઝમ’ની કોન્ફરન્સ પતાવીને નવરાં પડ્યાં ત્યારે અમે ‘વાસ્કો-દ-ગામા રેલવે સ્ટેશન’ વિસ્તારમાં હતા. સાંજ સુધીનો સમય હતો. એટલે હું રવાના થયો નજીક આવેલો માર્મગોઆ કિલ્લો જોવા.

Mormugao Fort – આ ત્રણ દિવાલ એ કિલ્લાનું પ્રવેશદ્રાર અને એ જ કિલ્લાનો અંત..

ગોવામાં ‘પાઈલટ’ કહેવાતી બાઈક ટેક્સીની સવલત છે. બાઈક ચાલક તમને પાછળ બેસાડીને ઈચ્છિત સ્થળે મુકી જાય. કહો તો નક્કી થયેલા સમયે લઈ પણ જાય. જો એકલા પ્રવાસ ખેડવાનો હોય તો આ વિકલ્પ સારો પડે. એકલા પ્રવાસીને જોઈને ચાલક સામેથી જ પૂછે, ‘પાઈલટ ચાહિયે ક્યા?’ ઘડીભર આપણને એમ થાય કે આપણે ક્યાં ખાડે ગયેલી ‘જેટ એરવેઝ’ના સંચાલક છીએ? પણ પછી તેની સાથે રહેલું હોન્ડા જોઈને ખબર પડે કે આ ભાઈ જેનો કલર ઉખડી ગયો છે એ બાઈકનો પાઈલટ છે!

નક્કી થયેલા પોઈન્ટ્સ, ખાસ તો બસ સ્ટેશન-રેલવે સ્ટેશન, એરપોર્ટ વગેરે જગ્યાએ બાઈક ટેક્સી ઉપલબ્ધ છે. અમારી બાઈક સવારી ઉપડી અને થોડા વળાંકો પર આમ-તેમ ઘૂમાવીને એક જગ્યાએ બ્રેક મારી. ત્યાં લખેલું હતું, ‘માર્મગોઆ પોર્ટ ટ્રસ્ટ’.  મને લાગ્યું કે પાઈલટભાઈને પોર્ટ અને ફોર્ટ શબ્દ સમજવામાં ગરબડ થઈ છે.

શાહબુદ્દિન રાઠોડ વર્ણન કરે છે, એમ પહેલા ઝાડી-ઝાંખરા દેખાયા અને પછી એમાંથી કિલ્લો પ્રગટ થયો

એટલે મેં તેમને સજાવ્યું કે આપણે ‘પીઓઆરટી-પોર્ટ’ નહીં, ‘એફઓઆરટી-ફોર્ટ’ જવાનું છે.

ચાલકે કહ્યું કે ફોર્ટ પણ આટલામાં જ ક્યાંક છે. વળી ગાડી આમ-તેમ ફેરવી.

ગોવામાં ટેક્સી ચાલકો તેના અનપ્રોફેશનાલિઝમ માટે જાણીતા છે. એ રીતે આ પાઈલટ ડ્રાઈવરો પણ થોડા ડાંડ ખરાં. કોઈને પૂછે નહીં. વળી એમનું વર્તન એવું હોય કે જે-તે સ્થળનું સરનામું તમને ખબર હોવી જોઈએ, હું તો તમને ત્યાં પહોંચાડી દઈશ. મારા સદ્ભાગ્યે પાઈલટ ભાઈ એટલા બધા પણ ડાંડ ન હતા. ટક્સીચાલકો કરતાં તો ઘણા સારા હતા. એમણે આસપાસમાં પૂછી જોયું કે ફોર્ટ ક્યાં છે?

કિલ્લાની અંદર શું છે? આ દેખાય એ!

કોઈને ખબર ન હતી, કોઈ પોર્ટનો દરવાજો છે, તેને જ ફોર્ટ ગણાવતા હતા. પાંચ-સાત સ્થળે આમ-તેમ ફર્યા અને પૂછ્યા પછી પોર્ટ ટ્રસ્ટના એક અધિકારી દરવાજાની બહાર નીકળતા હતા એમણે માહિતી આપી કે આ પોર્ટનો દરવાજો છે, એમાંથી જ ફોર્ટ સુધી જઈ શકાય છે. અંદર ચાલ્યા જાવ. જરાક જ દૂર છે. જોકે બધાને મનમાં એ સવાલ થતો હતો કે ‘તમારે કિલ્લામાં શું દાટ્યું છે?’ પણ કોઈ એ સવાલ અમારી સામે રજૂ કરતાં ન હતા.

પાઈલટશ્રીને પૈસા ચૂકવી રવાના કરી દીધા. પોર્ટના દરવાજેથી ફોર્ટ શોધવા અંદર ચાલતો ગયો. એક જગ્યાએ સિક્યુરિટી કેબિન આવી. ત્યાં ‘સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)’ના બે જવાનો હતા. તેમને પૂછ્યું  કે ફોર્ટ ક્યાં છે? બેમાંથી એકને ખબર ન હતી. મને ફરી ડર પેઠો કે ક્યાંક ખોટી જગ્યાએ તો નથી આવી ગયો ને!

કોઈને ચડીને આવવું હોય તો બીજી તરફ આવેલી સીડી

પાછળ બીજા જવાનભાઈ ટિફિન ખોલીને બેઠા હતાં. એમણે કહ્યું કે છે છે.. કિલ્લો પણ છે. એમ કરીને દૂર એક સાંકડો રસ્તો હતો એ બતાવ્યો. કહ્યું કે આગળ જશો એટલે કિલ્લો આવી જશે. કોઈ કિલ્લો શોધતું આવે એ વાતને એમને ભારે અચરજ થયું. એમણે વળી જમવાનો વિવેક પણ કર્યો. વિવેકપૂર્વક જ ના પાડીને હું કિલ્લા તરફ આગળ વધ્યો.

એક સાંકડી કેડી પૂરી થઈ ત્યાં લગભગ સવાસો-દોઢસો ફીટ પહોળી દીવાલ આવી. એ દીવાલ આગળ બોર્ડ હતું, ‘રક્ષિત સ્મારક’. સ્મારકની અંદર જવા દરવાજો હતો, જ્યાં કોઈ દરવાન ન હતા. અંદર પ્રવેશી જોયું તો એલ આકારની બે દીવાલ એકબીજા સાથે જોડાયેલી હતી. ઉપર જવાની એક સીડી હતી. ઉપર એટલે કિલ્લાના બન્ને ખૂણે બનાવેલા ગોળાકાર બૂરજ સુધી જવાની. બાકી કિલ્લામાં બીજો માળ હતો નહીં.

અરે બીજો માળ તો ઠીક, ત્રણ-ચાર દીવાલને બાદ કરતાં કોઈ ચોથી વસ્તુ ત્યાં ન હતી. પણ આગળ બોર્ડમાં વાંચ્યુ હતું કે માર્મગોઆ ફોર્ટ એટલે સ્થળ તો એ જ હતું જે હું શોધતો હતો. ક્યાંક કોઈક માહિતીનું બોર્ડ કે કિલ્લાના કોઈ દુર્ગપાલ મળી આવે એ માટે મારી આંખો આમ-તેમ ભમતી હતી. ક્યાંક આડા-અવળા હશે એમ માનીને હું ઉપર ચડ્યો. ઉપરથી દરિયો વધારે સરસ રીતે જોવા મળતો હતો. નચે તરફ બીજો રસ્તો હતો, જ્યાંથી પણ કિલ્લા સુધી આવી શકાય. પણ ત્યાંથી આવવા માટે ઝિગ-ઝેગ આકારની સીડી ચડવી પડે. ચાલવાની આળસ હોય એમણે એ સીડીથી જવું નહીં. બાકી ઉપર જઈને કિલ્લાના નામે બે ઉભી દીવાલ જોઈને નિરાશા ઘેરી વળશે એ નક્કી વાત છે.

પંદરેક મિનિટ કોટમાં પસાર કર્યા પછી ખબર પડી કે અહીં કોઈ નથી. હું એકલો પ્રવાસી છું. કિલ્લાની હાલત જોતાં વર્ષો પછી કોઈ આવ્યું હોય એવુ પણ બને. એલ આકારની દીવાલ વચ્ચે ખાલી જગ્યામાં નાનકડી બારી છે, જેની પાછળ ઈસુની મૂર્તિ છે. ત્યાં કદાચ પ્રાર્થના પૂરતા લોકો આવતા હશે, કેમ કે જાળીબંધ દરવાજા પાછળ મૂર્તિ સાથે થોડી ખુરશીઓ પણ પડી હતી.

FORT INSIDE PORT- આ દરવાજેથી કિલ્લા સુધી જવાશે.

ગોવા ટૂરિઝમની વેબસાઈટ પર લખ્યું છે – ‘બહુ સરસ રીતે જળવાયેલો આ કિલ્લો ગૌરવપૂર્ક કાંઠે ઉભો છે. પોર્ટુગલકાળમાં માર્મગોઆ અગત્યનું બંદર હતું અને ત્યારે કિલ્લાએ રખેવાળનો રોલ બરાબર રીતે ભજવ્યો હતો. આ ગોવાનું અતી જાણીતું પ્રવાસન સ્થળ છે. ઉનાળો આ કિલ્લાની મુલાકાત લેવાનો બેસ્ટ સમય છે. વગેરે વગેરે…’ વેબસાઈટ (https://goa-tourism.com/mormugaos) પર તો ઘણુ લાંબુ લખ્યું છે. એ ફાંકા-ફોજદારી જેવું લખાણ છે.

એક તો કિલ્લો જોતાં એણે ક્યા પ્રકારનું રક્ષણ કર્યું હશે એ સવાલ થાય. કેમ કે હકીકતે મોટી ચોકી છે. આ કિલ્લા જેવડો તો અમારા જૂનાગઢમાં મજેવડી દરવાજો છે. અગત્યનું બંદર હશે ત્યારે હશે. મને તો ત્યાં કદાવર વૃક્ષો પર બેઠેલાં કેટલાક પક્ષીના અવાજ અને એક સાપની માસી (skinks)કહેવાતી ગરોળી સિવાય કંઈ જોવા ન મળ્યું. ઉનાળામાં તો કોઈ જાય તો સમજી લો ભાગ્ય ફૂટ્યા. કેમ કે જ્યાં કિલ્લાની માહિતી આપતું કોઈ બોર્ડ જ નથી, ત્યાં ગરમીમાં પીવાનું પાણી તો ક્યાંથી મળે? હા પ્રવાસીઓ ફરી રહે ત્યાં અડધો લીટર પરસેવો જરૃર વહી નીકળે. પ્રવાસીઓ આવે તો બેસવા માટે એક પણ જગ્યા નથી.

ગોવાની બાઈક ટેક્સીમાં સફર

બહાર નીકળ્યા પછી આટલી વસ્તુ મને સમજાઈ.

  • આ કિલ્લો શોધવો અઘરો છે, અલબત્ત, મારા જેવા ઈતિહાસ રસિકો સિવાય ત્યાં કોઈ જતું પણ નથી. પ્રવાસીઓ શોધીને જાય એ વાતમાં કોઈ માલ નથી.
  • કોઈને શોધવો હોય તો પૂછી પૂછીને પંડિત થઈ જાઓ તો કિલ્લો મળે તો મળે.
  • ગોવા ટુરિઝમ બહુ પ્રખ્યાત છે. લોકો ગોવાના પ્રવાસન પર ઓવારી જાય છે. હકીકતે ગોવામાં બિચ સિવાય કોઈ સ્થળનો વિકાસ થયો નથી. માર્મગોઆ હોય કે ‘રેઈસ મેગોસ ફોર્ટ’ હોય. જોવાનું કંઈ છે નહીં. થોડા-ઘણા ચર્ચ તેની બાંધણી માટે પ્રખ્યાત છે. બાકી તો ગોવામાં લોકોને બીજી ઘણી મજા આવતી હોય છે, જેને પ્રવાસનની મજા ગણાવી દેવાય છે.
  • અહીં બહાર લખ્યું છે કે પ્રોટેક્ટેડ સાઈટ. પણ સવાલ એ છે કે કોનાથી પ્રોટેક્શન કરવાનું છે? ત્યાં કોઈ જતું જ નથી ને!
  • એ લોકો એને કિલ્લો કહે છે, હકીકતો કિલ્લાનું ભૂત હોય એવી સ્થિતિ છે. ગોવાની આવી ગરબડો વિશે અગાઉ પણ લખ્યું છે. ગોવામાં ઘણા સુંદર પ્રવાસન સ્થળો છે, તેના વિશે લખાય છે. પરંતુ આવી ગરબડો છે, તેના વિશે પણ લખાવું જોઈએ. કોઈ લખે કે ન લખે, મેં તો લખ્યું છે.

ગોવા વિશેના અગાઉના લખાણો માટે લિન્ક..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *