Taj Mahal જોવા માટે આમ તો આગ્રા જવું પડે, પણ નવાબી શહેર જૂનાગઢ પાસે એક તાજને ટક્કર આપે એવુ બાંધકામ છે- ‘મહાબત મકબરો (mahabat maqbara)!’ સવાસો વર્ષ પહેલા બંધાયેલા મકબરામાં વિવિધ સ્થાપત્યકળાનો સંગમ થયો છે, જે જોવા દુનિયાભરના ઈતિહાસપ્રેમીઓ આવતા રહે છે.
અત્યારે તો ગુજરાતમાં પ્રવાસનના નામે ઘણા ઠામ-ઠેકાણા વિકસી રહ્યા છે. પરંતુ દોઢ-બે દાયકા પહેલા પ્રવાસીઓ માટે ગુજરાતમાં ફરવાના મર્યાદિત વિકલ્પો હતો. એ મર્યાદિત વિકલ્પોમાં અચૂક સ્થાન રહેતું સોરઠના શહેર જૂનાગઢનું. સૌરાષ્ટ્ર એટલે કે સોરઠમાં પ્રવાસ માટે તો એકથી અનેક ચડિયાતાં સ્થળો છે, પરંતુ ભૌગોલિક રીતે સોરઠના કેન્દ્રમાં આવેલું જૂનાગઢ હંમેશા પ્રવાસીઓ માટે ફરવાના સ્થળોમાં કેન્દ્રસ્થાને રહ્યું છે.
જૂનાગઢના 3 પાસાં પ્રવાસનની દૃષ્ટિએ આકર્ષક રહ્યાં છે. એક ગિરનાર, બીજી દર વર્ષે દેવ દિવાળીએ શરૃ થતી લીલી પરિક્રમા અને ત્રીજું પાસું શિવરાત્રીનો મેળો. ગુજરાતનું સૌથી ઊંચું (1031 મિટર) શિખર ધરાવતો ગિરનાર બારેય માસ અને રાત-દિવસ પ્રવાસીઓને આકર્ષતો રહે છે. પરિક્રમા તથા શિવરાત્રી મેળો તેના નિર્ધારિત સમયે પ્રવાસીઓને ખેંચી લાવે છે. ઈતિહાસમાં થોડો રસ હોય તો વળી પ્રવાસીઓ સમ્રાટ અશોકનો પાલી ભાષામાં લખાયેલો શીલાલેખ જોવા આવે અને પ્રાણી-પ્રકૃત્તિમાં રસ હોય તો દેશનું બીજા નંબરનું સૌથી પ્રાચીન ‘સક્કરબાગ ઝૂ’ જોવા આવે. ધાર્મિક માન્યતા પ્રમાણે દ્વારકાની યાત્રા તો જ પૂરી થઈ ગણાય જો એ યાત્રા પછી જૂનાગઢના ‘દામોદર કુંડ’માં સ્નાન કરવામાં આવે. માટે સોનરખ નદીના પટમાં રચાયેલા આ કૂંડમાં પણ દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આવતા રહે છે.
ગિરનાર પ્રાકૃત્તિક અને ધાર્મિક સ્થળોનો સંગમ છે. તો વળી અશોકકનો શિલાલેખ, ઉપરકોટનો કિલ્લો વગેરે ઐતિહાસિક સ્થળો છે. એ બધા વચ્ચે જૂનાગઢનું એક બાંધકામ પ્રવાસીઓ ઘણું કરીને ચૂકી જાય છે. એ બાંધકામ એટલે ‘મહામત મકબરા’. મકબરામાં વળી શું જોવુ હોય એવો સવાલ થાય, તો યાદ રાખવું પડે કે તાજ મહેલ અંતે તો મકબરો જ છે ને! જૂનાગઢના ચિત્તાખાના ચોક વિસ્તારમાં કોર્ટની સામે તાજ મહેલને પણ ટક્કર મારે એવી બે ઐતિહાસિક ઈમારતો છે. આ બે ઈમારતોની જોડી ‘મહાબત મકબરા’ તરીકે ઓળખાય છે. એક કબર મહાબત ખાનની છે, બીજી તેમના વજીર બહાઉદ્દિનભાઈની છે. એટલે આ કમ્પાઉન્ડ જૂનાગઢના 6ઠ્ઠા નવાબ મહાબતખાન બાબીના નામે ઓળખાય છે.
પ્રવાસીઓનું ધ્યાન પહેલી નજરે ચોંટી રહે એવુ બાંધકામ બહાઉદ્દિનભાઈની કબરનું છે, કેમ કે તેના ચારેય ખૂણે તાજ મહેલની ચોતરફ છે એવા મિનારા ઉભા છે. પણ પ્રવાસીઓ જરા ધ્યાનથી જૂએ તો ડાબી તરફની અને સહેજ આગળના ભાગમાં બંધાયેલી ઈમારત મહાબત મકબરો પણ સ્થાપત્યકળાનો અદ્ભૂત નમૂનો છે. પણ સ્થાપત્યની વાત આગળ ચલાવતા પહેલા જરા ઈતિહાસ સમજી લઈએ.
ઈતિહાસ
ઈસવીસન પૂર્વે 3જી સદીમાં જૂનાગઢ પર મૌર્ય રાજાઓનું શાસન હતુ. પછી તો કલિંગ (સમ્રાટ અશોક), ગ્રીક, શક, ક્ષત્રપ, ગુપ્ત, ચૂડાસમા, ચાવડા.. વગેરે સત્તાધિશો જૂનાગઢ પર રાજ કરતાં રહ્યા. દેશને આઝાદી મળી ત્યારે છેલ્લું શાસન બાબીવંશના નવાબોનું હતું (બાય ધ વે, જૂનાગઢ આખા દેશ સાથે 15મી ઓગસ્ટે નહીં પણ 1947ની 9મી નવેમ્બરે આઝાદ થયું હતું). અફઘાનિસ્તાનના પુસ્તુન પ્રાંતમાંથી ફરતાં ફરતાં જૂનાગઢ આવી પહોંચેલા કબિલાના નાયક શેરખાન બાબીને પણ 1748માં જૂનાગઢ પર રાજ કરવાની તક મળી. એમના વારસો એક પછી એક નવાબ બનતા રહ્યા. 1851માં હામદખાન બીજાનું અવસાન થયુ પછી ગાદી પર નવાબ સર મહમ્મદ મહાબતખાન (બીજા) આવ્યા. પ્રજાપ્રેમી મહાબતખાન ભવ્ય બાંધકામોના શોખીન હતા, માટે પોતાની હયાતીમાં 1880માં જ પોતાનો મકબરો બાંધવાની તેમણે શરૃઆત કરી દીધી હતી. બે વર્ષ પછી મહાબતખાન જન્નતશિન થયા, મકબરો અધુરો હતો તો પણ તેમને ત્યાં દફનાવી દેવાયા. તેમના પુત્ર બહાદૂરખાન (ત્રીજા)એ સત્તા સંભાળ્યા પછી મકબરાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું, ત્યાં 1892નું વર્ષ આવી ગયું હતું.
મકબરાની ડાબી તરફ આકર્ષક બાંધકામ ધરાવતી જામી મસ્જીદ છે, પરંતુ ત્યાં બહુ ઓછા પ્રવાસીઓ જાય છે. સૌથી વધુ આકર્ષક બાંધકામ જમણી બાજુ આવેલી બહાઉદ્દિનભાઈની કબર છે. મહાબતખાને 1862માં પોતાના સાળા બહાઉદ્દીનભાઈને વઝીર બનાવ્યા હતા. નવાબ કરતા પણ બહઉદ્દિનભાઈનો પ્રતાપ વધુ હતો, એટલે આજે તેમના નામે બહાઉદ્દિન કોલેજનું ભવ્ય મકાન છે, જ્યારે નવાબના નામે એવા નોંધપાત્ર બાંધકામો નથી!
અડધી સદી સુધી વજીર રહ્યા પછી 1914માં જ્યારે અવસાન થયું ત્યારે બહાઉદ્દિનભાઈને પણ પોતાના ખર્ચે બનાવેલી કબરમાં દફન કરવામાં આવ્યા. એ કબર મહાબતખાનના મકબરાની બાજુમાં જ બનાવાઈ હતી. તેનો દેખાવ એટલો બધો ભવ્ય છે કે અજાણ્યો વટેમાર્ગુ પહેલી વખત નીકળે તો તેની નજર ચોંટી જ રહે. પહેલી નજરે કોઈને લાગે પણ નહીં કે આ અડિખમ ઉભેલો ઈતિહાસ હકીકતે તો દફનસ્થળ છે.
બહાઉદ્દિનભાઈની કબરમાં તેમના પછી તેમના બેગમ અસુબી અને દીકરા ઓસમાણને પણ દફનાવાયા હતા. એક સદી પહેલા આ કબર માટે બહાઉદ્દીનભાઈએ 85 હજાર રૃપિયાનો ખર્ચ કર્યો હતો. તો એ પહેલા મહામતખાનનો મકબરો રચવા માટે તો જૂનાગઢ રાજની તિજોરીએ ચારેક લાખ રૃપિયાની નાણાકોથળી ઠાલવી દીધી હતી. એ મકબરો નાની-મોટી 33 કબર સમાવીને બેઠો છે. વચ્ચેના ગર્ભભાગમાં 9 અને પરસાળમાં 24 નવાબી સભ્યોને દફન કરવામાં આવ્યા છે. એ વખતે આ વિસ્તાર કબ્રસ્તાન હતો, હવે તો શહેરની વચ્ચે આવી ગયો છે.
સ્થાપત્ય
દિલ્હીના તખ્ત પર આસીન થઈને 1526થી 1761 સુધી રાજ કરનારા મોગલવંશને ભારતના ઈતિહાસમાં બહુ મહત્ત્વ મળ્યું છે. પણ સ્થિતિ એ છે કે છેલ્લા મોગલ બાદશાહ ઝફરની કબર મ્યાનમાર (બર્મા)ના પાટનગર રંગુનમાં ક્યાં છે એ કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. એ તો ઠીક હુમાયુને બાદ કરતા કોઈની કબર લોકોમાં એટલી પ્રચલિત પણ નથી. પરંતુ જૂનાગઢના નવાબોની વાત અનોખી છે. શાસન ભલે નાનું હતું, બાંધકામો બહુ ભવ્ય કર્યા હતા. એ ભવ્યતા દર્શાવતા અમુક બાંધકામો તો ઈતિહાસ સાથે ઝાંખા પડી રહ્યા છે, પરંતુ આ મકબરો એકે હજારા જેવો છે, કેમ કે સર્વ દિશાએથી સર્વોત્તમ બાંધકામ શૈલીનો તેમાં સંગમ થયો છે.
મહાબતખાને જૂનાગઢના રાજ મિસ્ત્રી જેઠા ભગા મિસ્ત્રીને મકબરાની ડિઝાઈનનું કામ સોંપ્યુ હતું. તેમણે જ્યાં જગ્યા મળી ત્યાં બાંધકામના હિરા-મોતી ટાંકી દીધા છે. જેમ કે પહેલી નજરે ઈસ્લામિક દેખાતા બાંધકામમાં હકીકતે યુરોપિયન, ભારતીય અને ઈસ્લામિક એમ ત્રણેય સ્થાપત્યશૈલીનો વ્યાપક ઉપયોગ થયો છે, જ્યારે બીજી નાની-મોટી ઘણી કળા-કારીગરીનો સંગમ તેમાં જોવા મળે છે. જેમ કે બન્ને બાંધકમમાં બનેલી બારીઓ ફ્રેન્ચ ઢબની છે. એ બારીઓમાં માર્બલની કોતરણી કરીને જાળી ફીટ કરાઈ હતી. જાળવણીના અભાવે બધી જાળીઓ હવે સચવાઈ નથી, થોડી ઘણી બાકી રહી છે.
મકબરા હોવાથી બન્ને બાંધકામ બાહ્ય અને આંતરીક એમ બે ભાગે વહેંચાયેલા છે. અંદરના બાંધકામના દરવાજામાં ચાંદીનો ઉપયોગ થયો હતો. તેનો ચમકદાર સિલ્વર કલર હવે ઝાંખો પડ્યો છે. જ્યારે ચાંદી તો હવે શોધ્યું જડે એણ નથી. ચાંદી ઉપરાંત બીજા અમુક કલરનો ભભકો પણ કંઈ ઓછો નથી. જાહેર બાંધકામોમાં વ્યાપકપણે વપરાયેલી ગોથીક શૈલી અહીંના પિલ્લરો અને તેની ઉપર રચાયેલી કમાનોમાં જોવા મળે છે. વીસ-ત્રીસ ફીટ ઊંચા પિલ્લરમાં સાવ ગોળાકાર કે ચોરસ નથી, તેમાં પણ જીણી જીણી ડિઝાઈન બનેલી છે.
પ્રવાસીઓ આખુ બાંધકામ ધ્યાનથી જૂએ તો કદાચ તેમની નજર ઉપરના ભાગે ગોઠવાયેલા ગુંબજ સુધી પહોંચે. રશિયાના અનેક દેવળની ટોચ પર ડૂંગળીના દડા જેવા ડોમ જોવા મળે છે. એ મૂળભૂત રીતે રશિયન સ્થાપત્યશૈલી છે. તાજ મહેલની ઉપર પણ એવો જ ડોમ બનાવાયો છે, જ્યારે અહીં મહાબત મકબરા ઉપર એવો ડોમ છે. એક ડોમ સરળતાથી દેખાય છે, બાકી તો ઉપર આખુ ડોમનું સંકૂલ રચાયેલું છે. ઓછામાં ઓછા બે ડઝન ડોમ તો મકબરા ઉપર છે જ.
બહાઉદ્દીન વજીરની કબરના ચારેય ખૂણે ઉભેલા ઈસ્લામિક સ્થાપત્યના પ્રતીકસમા મિનારા અનોખા છે કેમ કે તેમાં સર્પિલાકાર સીડી બનાવેલી છે. દૂરથી કદાચ એ કુતૂબ મિનાર જેવા પણ લાગે. વચ્ચે ત્રણ ખાંચા પણ છે, જેમાં સૈનિક આખો ઉભો રહી શકે. તેની ફરતે સીડી વિંટળાયેલી છે. મિનારાની સીડી ખૂલ્લી જ હોવાથી પ્રવાસીઓ ઉપર સુધી જઈને બાંધકામનો જરા ઊંચેરો વ્યૂ લઈ શકે છે. અલબત્ત, દાદરાનું બાંધકામ નબળું પડી રહ્યું છે, માટે ચડતી વખતે સાવધાન રહેવું પડે. આવા મિનારા ગુજરાતમાં બહુ ઓછા સ્થળોએ સચવાયા છે. ચાંપાનેરમાં છે, પરંતુ ત્યાં પ્રવાસીઓ ઉપર જઈ શકતા નથી.
દીવાલ પર કુરાનના કલમાઓ કોતરેલા છે, તો વળી જ્યાં જગ્યા મળી ત્યાં વેલબુટ્ટાની ભાત ઉપસાવી છે. બહાઉદ્દિન વજીરની કબરના તો દરવાજા ઉપર જ ભવ્ય ભાત શોભે છે. પથ્થરોમાં કોતરકામ કરીને ઝીણી ઝીણી ભાત પાડેલી છે. ફૂલ-પાંદડાની પણ અનેક ડિઝાઈનો છે. કાળા-પીળા કલરનું બાંધકામ ઈતિહાસનું મૂક સાક્ષી છે. મકબરો અને વજીરની કબર ફરી લીધા પછી ન દેખાય એવુ એક બાંધકામ તેમની નીચે છે. હકીકતે બન્ને બાંધકામની નીચે માણસ ઉભા ઉભા હરી-ફરી શકે એવા ભોંયરા છે. હવે તેમાં જઈ શકાતું નથી, પરંતુ નીચેની હાલત જોઈ શકાય એવાં પગથિયાં છે ખરાં. બોલો! આવુ બાંધકામ ભારતમાં બીજે ક્યાંય જોયુ છે?
એ જમાનામાં નિયમિત રીતે પરદેશી કલાકારો જૂનાગઢ આવતા રહેતા હતા. માટે અહીં દુનિયાની ઘણી સ્થાપત્ય શૈલીનો સંગમ થયો છે. ગુજરાતમાં જ્યારે જ્યારે નમૂનેદાર ઈસ્લામિક બાંધકામોની વાત આવે ત્યારે સીદી સૈયદની જાળી, ચાંપાનેરના બાંધકામો, સરખેજ રોઝા વગેરેને યાદ કરવામાં આવે છે, જ્યારે જૂનાગઢના આ સ્થાપત્ય શીરોમણી જેવા બાંધકામ ભૂલાઈ જાય છે.
કદર કોણ કરશે?
આ સ્થાપત્યની ગુજરાતમાં અને ભારતમાં જેટલી કદર થાય છે, તેનાથી અનેકગણી વધારે પરદેશમાં થાય છે. એટલે કળામાં, સ્થાપત્યમાં, ઈતિહાસમાં રસ ધરાવતા પ્રવાસીઓ શોધતા શોધતા મકબરા સુધી લાંબા થાય છે. મકબરાની બાંધણી જોઈને અભિભૂત થાય છે, તો વળી તેની જાળવણીના નામે શૂન્ય કાર્યવાહી જોઈને નિરાશ પણ થાય છે. હમણાં સુધી તો જૂનાગઢના શાસકોએ પણ અહીં સુધી આવવાનો રસ્તો દર્શાવે એવુ કોઈ બોર્ડ મુક્યુ ન હતું. બેદરકારાની નવાબને ખબર હશે એટલે એ વખતે નવાબના અવસાન પછી દેખરેખ માટે ગામવાસીઓને 8 હજારનું વાર્ષિક બજેટ ફાળવાયું હતું. બજેટ સહિતની વિગત બહારની દીવાલે લગાવેલી એ વખતની તકતીમાં કોતરાયેલી છે.
મકબરાનું પ્રાંગણ સવારના 10થી સાંજના 6.30 સુધી ખૂલ્લું હોય છે. પ્રવેશ વિનામૂલ્યે છે પણ અહીં માર્ગદર્શન આપનારું કોઈ નથી એ રીતે એકાદ-બે સૂચના બોર્ડ સિવાય ખાસ કોઈ લખાણ પણ નથી. માટે પ્રવાસીઓને માહિતીની ઝંખના હોય તો ફરીથી નિરાશા સાંપડે છે. જોકે બાજુની મસ્જીદમાં કહેવામાં આવે તો ત્યાંથી કોઈ સાથે આવે અને જરૃરી માહિતી આપી શકે. એક-દોઢ કલાકનો સમય હોય તો પણ ધરાઈને આ બાંધકામ માણી શકાય એમ છે. ‘આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા’એ આ મકબરાની દેખરેખ રાખવાની હોય છે, જેમણે એક બોર્ડ મારવા સિવાય કશું કર્યું નથી.
અહીં સવાસો વર્ષથી પોઢ્યા છે એ મહાબતખાન સુધારાવાદી રાજવી હતા અને જૂનાગઢની જનતાને બહુ મહોબત કરતા હતા. પણ તેમના મકબરાને આજે ગુજરાતની મહોબત નથી મળતી. ઈતિહાસ પ્રત્યેની આપણી ઉપેક્ષાના અનેક ઉદાહરણો જોવા મળે છે, એમાં એક વધુ નામ એટલે આ મકબરા..
દુખ એકજ વાતનું છે કે આ મુસ્લીમ આક્રમણો ખોરો ના વખાણ કરવાં માં જુનાગઢ ના હિન્દુ રાજાઓ સાધુ સંતો મહંતો મહાપુરુષો અને હિન્દુ ધર્મ સંસ્કૃતિ ને તદ્દન ભુલાઈ ગઈ હોય એવું 100% વાગે છે કારણકે ભારત દેશ પર જેટલાં મુસ્લીમ રાજાઓ છે તે તમામ આતંકવાદીઓ હતાં કોઇ પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિ ને માનવા વાળા ન હતા નષ્ટ કરવા વાળા હતાં
માટે કોઇપણ મુસ્લીમ રાજાઓ ની ખુશામત કરવી તે એક માનસિક ગુલામી નો અસાધ્ય રોગ હોઇ શકે છે