કુંભણિયા ભજીયા – આકાર નથી, સ્વાદ છે

‘ચાલો કુંભણિયા ભજીયા ખાવા…’ મે મહિના (2019)ના એક દિવસે જેતપુર હતો ત્યારે અમારા સ્વજન નંદાભાઈએ આગ્રહ કર્યો. ઊનાળો હતો, પેટ ભરેલું હતું એટલે ભજીયા ખાવાની ખાસ ઈચ્છા ન હતી. પણ તેમનો આગ્રહ એવો હતો કે બે-ચાર ચાખીને આવતા રહીશું. નવાં પ્રકારના હતા, એટલે એમનો ખાસ આગ્રહ હતો.

બનીને આવે ત્યાં સુધી ફોટા પાડો..

ઠીક છે, જેતપુરના મુખ્ય રોડ પર આવેલી એ નાનકડી દુકાને પહોંચ્યાં. બોર્ડ વાચ્યું એમાં લખ્યું હતું ‘ક્રિષ્ના કુંભણિયા ભજીયા’. આ ભજીયાનો પ્રકાર ઓછો જાણીતો છે, તો પણ સોરઠવાસીઓ જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં એની એકાદ દુકાન મળી શકે. સુરત વગેરે શહેરોમાં પણ કુંભણિયા ભજીયા મળે જ છે. અમદાવાદમાં પણ એકાદ દુકાન છે.

અમદાવાદમાં બે-ચાર ભજીયા અતી પ્રખ્યાત છે. એમાં એક ભજીયા રાયપુરના છે. ગોદડાના દડા બનાવ્યા હોય એ પ્રકારના ભજીયા જેમણે ખાધા હોય એમના માટે બીજા ભજીયાનો સ્વાદ વિકસાવવો મુશ્કેલ થઈ પડે. અમદાવાદમાં તો સમજાવવું જ અઘરું થાય કે અહીં જેને ભજીયા ગણવામાં આવે છે એક પ્રકારના તળેલાં દડાં છે, જેમાં નથી સ્વાદ, નથી ગુણવત્તા.. વળી રાયપુર સહિત ઘણા ભજીયા વેપારીઓ તો સાથે ચટણી પણ નથી આપતા. એટલે ગમે તેવા સોના-રૃપે મઢેલા બનતાં હોય તો અમારા જેવા સોરઠવાસીઓ માટે એ ભજીયા નકામા.

તો પછી કુંભણિયા ભજીયામાં એવું શું હતુ? થોડી વારે બનીને આવ્યા એટલે ખબર પડી. ગોળ નાનકડા ભજીયાને બદલે એ નાના-નાના શાકભાજીના ટૂકડા ભેગા કરીને બનાવ્યા હોય એવા હતા. શાકભાજી એટલે મરચાં, મેથી, કોથમીર, એવી બધી હાજર હોય એ સામગ્રી. એ માટે કોઈ શાકભાજી ખેતરમાં ખેડવા જવાની જરૃર નથી. આ બધી સામગ્રી ચણાના લોટ સાથે મિક્સ કરીને તળી નાખવામાં આવે એટલે ભજીયા તૈયાર.

બીજી વિશિષ્ટતા જે જોયા પછી સમજાય એ તેના આકારની છે. આ ભજીયાનો કોઈ ચોક્કસ આકાર નથી. આકાશમાં વિવિધ આકારના વાદળ હોય એ રીતે જેવડું ડબકું તેલના તવામાં પડે એવડું અને એવા આકારનું ભજીયું સર્જાય! ફાસ્ટ ફૂડની ભાષામાં કહીએ તો આ ભજીયા ક્રિસ્પી છે. ક્રિસ્પી છે, માટે ટેસ્ટી પણ છે. આકારનું ભલે ઠેકાણું ન હોય, સ્વાદમાં કંઈ ઓછપ વર્તાતી નથી.

મરચાંની કટકી ઊપરાંત લાલ મરચાં (મરચાં માટે પ્રખ્યાત ગોંડલ જેતપુરની બાજુમાં જ છે)ની પતરી પણ કરેલી હતી. જેને પટ્ટી ભજીયા કહેવામાં આવે. મરચાંના જ બનેલાં હોવા છતાં બહુ તીખા ન હોય.

આ રહ્યાં કુંભણિયા, સાથે લાલ મરચાંના બનેલા પટ્ટી ભજિયા પણ છે.

એક તો નાના-નાના કદમાં હોવાથી ખાવામાં સરળ રહે. બધા પ્રકારની ભાજી મિક્સ હોવાથી આ ભાવે, તે ન ભાવે એવો સવાલ પણ ન થાય. સાથે બે પ્રકારની ચટણી અને ડૂંગળીનો આખો ડબ્બો, જેટલી ખાવી હોય એટલી કાપીને ખાઈ શકો. અહીં અમદાવાદમાં ભજીયા એટલે ભજીયા, બીજું કંઈ માંગો તો દુકાનદારને જાણે ગરાસ લૂંટી લીધો હોય એવુ લાગે.

કુંભણિયા ભજીયા ખાવામાં બહુ રસપ્રદ છે.  આપણે ત્યાં હજુ તેનું જોઈએ એટલું માર્કેટિંગ નથી થયું. બાકી જેટલા ખવાય છે, તેનાથી અનેકગણા વધારે ખવાય એવો દમ છે. અચ્છા આ નામ કુંભણિયા કેમ છે? પૂછ્યું તો જાણવા મળ્યું કે કુંભણ ગામેથી આ ભજીયા પ્રગટ થયા છે અને હવે ઠેર ઠેર ફેલાઈ રહ્યા છે. એટલે હવે જેતપુરમાં નીકળવાનું થાય કે પછી બીજે ક્યાંય કુંભણિયા ભજીયાનું બોર્ડ દેખાય તો ભજીયા-પ્રેમીઓએ એક વખત ટ્રાય જરૃર કરવી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *